:: આલેખન ::
સોનલ જોષીપુરા
પ્રાદેશિક માહિતી કચેરી,
ગુજરાત રાજ્ય, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું મતદાન નજીક આવી રહયું છે ત્યારે આ ચૂંટણીમાં ઉમેરાયેલી નવી બાબતો વિષે થોડીક જાણકારી મેળવવી રસપ્રદ રહેશે જે પૈકીની એક છે ‘‘નોટા’’ બટનની સગવડ. ઇલેકટ્રોનિક વોટીંગ મશીન (ઇ.વી.એમ.) દ્વારા મતદાન કરનાર મતદાતાએ જે ઉમેદવારને મત આપવો હોય તે ઉમેદવારની સામેનું બટન દબાવવાનું હોય છે. પરંતુ આ વખતના ઇ.વી.એમ.મશીનમાં ‘‘નોટા’’ બટનનો સમાવેશ કરાયો છે. None Of The Above શબ્દના પ્રથમ અંગ્રેજી અક્ષરો જોડીને ‘‘NOTA’’ (નોટા) શબ્દ બનાવાયો છે જેનો અર્થ થાય છે ઇ.વી.એમ.માં દર્શાવેલા ઉપર પૈકીના કોઇપણ ઉમેદવારને મતદાતા પોતાનો મત આપવા માગતો નથી.
ભારતના દરેક નાગરિકને બંધારણ દ્વારા અધિકાર અપાયો છે કે ચૂંટણીમાં ઉભેલા દરેક ઉમેદવારમાંથી મતદાતાને જો એક પણ ઉમેદવાર યોગ્ય ન લાગે તો તે કોઇપણ ઉમેદવારને મત ન આપવા માટે મતદાર મુકત છે અને આ બાબત સંપૂર્ણ ગુપ્ત રહેશે અગાઉના કિસ્સામાં જે મતદાર આ અધિકારનો ઉપયોગ કરવા માગતો હોય તેણે આ બાબતની પ્રીસાઇડીંગ ઓફિસરને જાણ કરવી જરૂરી હતી જેને લીધે મતદારની ઓળખ છતી થઇ જતી હતી આથી સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો પૈકી કોઇને પણ પોતાનો મત ન આપવાની અને તે બાબત ગુપ્ત રાખવાની જોગવાઇનો અમલ કરવા અંગે દેશના ચૂંટણીપંચને ‘‘નોટા’’ સુવિધા આપવાનો આદેશ કર્યો છે જેના પગલે ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા દેશના કોઇપણ પ્રદેશમાં યોજાતી ચૂંટણીમાં વપરાનારા ઇલેકટ્રોનિક વોટીંગ મશીનમાં ‘‘નોટા’’ નું બટન ઉમેરવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ‘‘નોટા’’ નું બટન બેલેટ પેપરમાં એક અલગ પેનલમાં સૌથી છેલ્લા ઉમેદવારના નામ નીચે પ્રિન્ટ કરેલું હોવું જોઇએ. આ બેલેટપેપરને ઇ.વી.એમ.ના બેલેટ યુનિટ સાથે જોડવાનું રહેશે. ઉમેદવારના નામ જે ભાષામાં લખાયેલા હોય તે જ ભાષામાં ‘‘નોટા’’ શબ્દો છપાયેલા હોવા જોઇએ અને તેની પેનલનું માપ ઉમેદવારના નામની પેનલના માપ જેટલું જ હોવું જોઇએ. ચૂંટણી પંચના આદેશ મુજબ મતદારો માટે ઇ.વી.એમ. અને બેલેટ પેપર ‘‘નોટા’’ નો વિકલ્પ ઉમેરવામાં આવશે જે વિધાનસભા ચૂંટણી માટે ગુલાબી રંગ અને સંસદીય ચૂંટણી માટે સફેદ રંગ રહેશે જયારે ઇ.વી.એમ.ની મતગણતરી કરવામાં આવે છે, ત્યારે સંબંધિત રીટર્નીંગ ઓફિસર દ્વારા તમામ ‘‘નોન વોટસ’’ ની અલગ ગણતરી કરવામાં આવે છે અને આ સંખ્યા માહિતી અધિકારના કાયદા હેઠળ ઉપલબ્ધ હોય છે સૌથી વધુ ‘‘નોટા’’ મળ્યાના કિસ્સામાં જે ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા હશે તે ઉમેદવાર જ વિજેતા ગણાશે. આવનારા પરિણામ પર ‘‘નોટા’’ ની કોઇ અસર રહેશે નહીં ગેરહાજર રહીને મત ન આપવાનો વિકલ્પ અપનાવવા કરતાં મતદાર ‘‘નોટા’’ આપીને તેનો નકારાત્મક મત વ્યક્ત કરી શકશે. ભારતીય બંધારણના આર્ટીકલ – ૨૧ મુજબ નકારાત્મક મત એ મતદારના અધિકારની ઓળખ છે તે મતદારને મતદાન કરવા પ્રેરશે તેનાથી રાજકોય પક્ષો પર સારા ઉમેદવારની નિમણૂક કરવાનું દબાણ આવશે અને ‘‘નોટા’’ દ્વારા જાહેર જનતાના મંતવ્યનું પ્રતિબિંબ પડતાં લાંબા ગાળે લોકશાહીને વધુ મજબૂત બનશે.
‘‘નોટા’’ નું બટન સમગ્ર દેશમાં સૈાપ્રથમ વખત વાપરવાનું શ્રેય છત્તીસગઢ રાજયને ફાળે જાય છે. ચૂંટણી પ્રક્રિયામાં ‘‘નોટા’’ નો સમાવેશ કરનાર વિશ્વનો ૧૨ મો દેશ છે અન્ય દેશોમાં ફ્રાન્સ, બેલ્જિયમ, ગ્રીસ, બ્રાઝિલ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે અંતમાં જોઇએ તો ‘‘નોટા’’ એ નકારવાનો અધિકાર નથી પણ કયારેય આક્રોશ ઠાલવી ન શકનારા મતદાતાઓને તેમનો આક્રોશ વ્યક્ત કરવાનું એક સબળ માધ્યમ છે દરેક મતદાતાએ સમજી વિચારીને આ માધ્યમનો ઉપયોગ કરવો જોઇએ.