ATUL N. CHOTAI

a Writer

ગણપતિ ઉત્‍સવનો ઓવરડોઝ

‘ગણપતિ ઉત્‍સવ’ ઉજવો છો, તેનાથી હુ આમ તો ખુબ રાજી છુ, પણ છેલ્લા ૧૦ વર્ષના ઓવરડોઝથી મારૂ કાળજુ બળે છે
Sairam Dave - Gondal

Sairam Dave – Gondal

 Email: sairamdave@gmail.com

હે મારા પ્રિય ગણપતિપ્રેમી ભકતો,

હું આજે તમને એક વોટસએપમાં ઇ-મેઇલ કરવા બેઠો છું. તમારા સુધી કોઇક તો પહોંચાડશે જ એવી આશા સાથે. તમે લોકો છેલ્લાં ઘણા વષોથી ‘ગણપતિ ઉત્‍સવ’ ઉજવો છો એનાથી હું આમ તો ખુબ રાજી છું. પણ છેલ્લા ૧૦ વરસના ઓવરડોઝથી મારૂં કાળજું બળે છે. માટે જ આ ઇ-મેઇલ લખવા પ્રેરાયો છું. તમને યાદ તો છે ને કે ઇ.સ. ૧૪ મી સદીમાં સંત મોર્ય ગોસાવીએ પુણે પાસે મોરગાવમાં મારું પ્રથમ મંદિર ‘મોર્યેશ્વર’ બનાવ્‍યું ત્‍યારથી લોકો ગણપતિબાપા મોર્યને બદલે ‘મોરિયા’ બોલતા થયા. તમે ભુલી ગયા કે મુગલો સામે હિન્‍દુત્‍વને એકઠું કરવા ઇ.સ. ૧૭૪૯ માં શિવાજી મહારાજે કુળદેવતા તરીકે ગણપતિને સ્‍થાપી પુજા શરૂ કરાવી. તમને યાદ જ હશે કે ઇ. સ. ૧૮૯૩ માં બાળ ગંગાધર ટિલકે મુંબઇના ગિરગાંવમાં સાર્વજનિક ગણેશ ઉત્‍સવથી અંગ્રેજો સામે ભારતને સંગઠીત કરવા આ ઉત્‍સવને ગરિમા બક્ષી. વળી પુણેમાં દગડુ શેઠે મારી ઘરમાં પધરામણી કરાવી ત્‍યારથી મને દગડુશેઠ તરીકે પ્રસિધ્‍ધિ મળી.

મારા આ ઉત્‍સવ સાથે ભારતને એક કરીને જગાડવાના કામના શ્રી ગણેશ ટિળકજીએ માંડયા’તા, પણ તમે લોકોએ હવે મારો તમાશો કરી નાખ્‍યો છે, અરે યાર, શેરીએ-શેરીએ ગણપતિની પધરામણી કરો છો, તમારીયે શ્રધ્‍ધાને વંદન પરંતુ એકબીજાને બતાવી દેવા, સ્‍પર્ધા કરવા? તમે લોકો તો મારા નામે ‘શકિત-પ્રદર્શન’ કરવા લાગ્‍યા છો. આ ઉત્‍સવથી ભારતનું ભલું થાય એમ હતું. એટલે આજ સુધી મેં આ બધું ચાલવા દીધું છે. આ ગણપતિ ઉત્‍સવનો સોસાયટીઓની ડેકોરેશન કે જમણવારની હરીફાઇઓ માટે હરગિજ નથી. જેમને ખુરશી સિવાય બીજા એકપણ દેવતા સાથે લેવા-દેવા નથી તેઓ મારા ઉત્‍સવો શા માટે ઊજવી રહ્યા છે..? આઇ એમ હર્ટ પ્‍લીઝ, મારા વ્‍હાલા ભકતો, સંપતિનો આ વ્‍યય મારાથી જોવાતો નથી. આખા દેશમાં ગણપતિ ઉત્‍સવ દરમ્‍યાન અગરબતીની દુકાનમાં લાઇન, મીઠાઇની દુકાનમાં લાઇન, ફુલવાળાને ત્‍યાં લાઇન અરે યાર, આ બધું શું જરૂરી છે? માર્કેટની ડિમાન્‍ડને પહોંચી વળવા નકલી દૂધ કે માવાની મીઠાઇઓ ડેરીવાળા  પબ્‍લિકને બટકાવે છે અને પબ્‍લિક મને પધરાવે છે. હવે મારે ઇ ડુપ્‍લીકેટ લાડુ ખાઇને આશીર્વાદ કોને આપવા અને શ્રાપ કોને આપવા, કહો મને?

શ્રધ્‍ધાના આ અતિરેકથી હું ફ્રસ્‍ટ્રેટ થઇ ગયો છું. એક ગામ કે શહેરમાં પ૦ કે ૧૦૦ ગણપતિ ઉજવાય એના કરતાં આખું ગામ કે શહેર કે બધી સોસાયટીઓ ભેગા મળીને ‘એક ગણપતિ’ ઉજવે તો મારો, સંત મોર્ય ગોસાવીનો, બાળ ગંગાધર ટિળક કે દગડુશેઠ અને શિવાજી મહારાજનો આત્‍મા રાજી થાય. અને ત્‍યાં પણ ડિસ્‍કો અને ફિલ્‍મની પાર્ટીઓ નહીં, રાષ્‍ટ્રભકિત અને સંસ્‍કૃતિનું ગાન થાય તો જ… હો.. વહાલા ગણેશભકતો, દુઃખ લગાાડતા, પણ હું તમારું એન્‍ટરટેઇનમેન્‍ટ નથી, હું તમારા દરેક શુભ કાર્યની શરૂઆતનો નિમિત છું અને તમે મારા ઉત્‍સવોથી મને જ ગોટે ચડાવી દીધો છે. મેં મોટું પેટ રાખ્‍યું જેથી હું દરેક ભકતની વાત અને સુખ-દુઃખને ‘સાગરપેટો’ બનીને સાચવી શકું. પણ તમે તો મોટા પેટનું કારણ ભૂખ સમજીને ટનના મોઢે મને લાડવા દાબવા માંડયા. મેં મોટા કાન રાખ્‍યા જેથી હું દરેક ભકતની ઝીણામાં ઝીણી વાત પણ સાંભળી શકું, પણ તમે લકો તો ૪૦,૦૦૦ વોટની ડી. જે. સીસ્‍ટમ લગાડીને મારા કાન પકાવવા લાગ્‍યા છો. મેં ઝીણી આંખો રાખી જેથી હું ઝીણા ભ્રષ્‍ટાચાર કે અનિષ્‍ટને પણ જોઇ શકું. પરંતુ તમે તો તે ભ્રષ્‍ટાચારીઓ પાસેથી જ ફાળો ઉઘરાવાીને મારી આરતી ઉતરાવો છો.

નવરાત્રિને તો તમે અભડાવી નાખી, હવે ગણેશ ઉત્‍સવને ડાન્‍સ કે ડિસ્‍કો પાર્ટી ન બનાવો તો સારું. માતાજીએ તમને માફ કર્યા હશે, પણ મને ગુસ્‍સો આવશે ને તો સુંઢભેગા સાગમટે પાડી દઇશ. ઇટસ અ વોર્નિંગ. કંઇક તો વિચાર કરો. ચિક્કાર દારૂ પીને મારી યાત્રામાં ડિસ્‍કો કરતાં તમને શરમ નથી આવતી? વ્‍યસનીઓએ ગણપતિબાપા મોરિયા નહીં પણ ગણપતિબાપા ‘નો-રિયા’ બોલવું જોઇએ. કરોડો રૂપિયામાં મારા ઘરેણાંની હરરાજી કરી લેવાથી હું પ્રસન્ન થઇ જાઉં એમ? હું કાંઇ ફુલણશી છું કે લાખોની મેદની જોઇને હરખઘેલો થઇ જાઉ? અરે, મારા ચરણે એક લાખ ભકતો ભલે ન આવો પણ એકાદ સાચો ભકત દિલમાં સાચી શ્રધ્‍ધા લઇને આવશે ને તો ય હું રાજી થઇ જઇશ લાડુના ઢગલા મારી સામે કરીને અન્નનો અતિરેક કરવા કરતાં ઝૂંપડ પટ્ટીના કોઇ ભૂખ્‍યા બાળકને જમાડી દો, મને પહોંચી જશે. મારા નામે આ દેખાડો થોડો ઓછો કરો વહાલા ભકતો જે દરિયાએ અનેક ઔષધિઓ અને સંપતિ તમને આપી છે એમાં જ મને પધરાવી દઇને પર્યાવરણનો કચ્‍ચરઘાણ વાળતાં સહેજ પણ વિચાર નથી કરતાં? ઇકો ફ્રેન્‍ડલી ગણપતિ બનાવવામાં તમને વાંધો શું છે? અગર તો મારું વિસર્જન પણ કોઇ ગરીબના ઝૂંપડાનું અજવાળું થાય એવું ન કરી શકો ? આ ગણપતિ ઉત્‍સવે મારી છેલ્લી એક વાત માનશો? મારા નામે દાન કરવાની નક્કી કરેલી રકમનો એક નાનકડો ભાગથી કોઇ ગરીબનાં છોકરા-છોકરીની સ્‍કુલની ફી ભરી દો તો મારું અંતર રાજી થશે. આ સંપતિનો વિવેક પૂર્વક ઉપયોગ કરો. ભારતમાં જન્‍મેલો પ્રત્‍યેક નાગરીક આ ગણપતિ ઉત્‍સવે ભારતને વફાદાર રહેવાના સોગંદ લે અને ભારતનો દરેક યુવાન, માવા, ફાકી, ગુટખા, દારૂ અને તીનપતીમાંથી બહાર નીકળવાની કસમ ખાય અને દરેક દીકરીઓ ફેશનના સફોગેશનમાંથી બહાર નીકળવાની પ્રતિજ્ઞા લે તો જ આવતા વર્ષે આવીશ. બાકી મારા નામે છૂટા પાડવાનું છેતરવાનું અને દેવી-દેવતાઓને ઇમોશનલી બ્‍લેક મેઇલિંગ કરવાનું બંધ કરો.

કદાચ છેલ્લીવાર ભારત આવેલો તમારો જ…

ગણેશ ‘મહાદેવ’ કૈલાશ પર્વત, સ્‍વર્ગલોકની બાજુમાં

(Courtesy : Akila Daily)
Advertisements

Comments are closed.