ATUL N. CHOTAI

a Writer

એક સદીથી પ્રાથમિક શિક્ષણનો દીપ અખંડ પ્રજ્જવલિત રાખતી ૧૦૦ શાળાઓ

આલેખનઃ- દર્શન ત્રિવેદી :: પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, રાજકોટ

ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીની પ્રાથમિક શાળાઓ છે આપણી અણમોલ વિરાસત ભારતમાં શિક્ષણનું મહત્‍વ જેટલું વૈદિક કાળમાં હતું એટલું જ મહત્‍વ આજે પણ છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોએ તો સમગ્ર વિશ્વમાં નામના મેળવી હતી. એ પૈકીની વલ્‍લભી વિદ્યાપીઠ આપણા સૌરાષ્‍ટ્રમાં હતી. આવી પ્રાચીન યુનિવર્સિટીનો વારસો ધરાવતા સૌરાષ્‍ટ્રમાં શિક્ષણ અને કેળવણીનું આજેય આગવું મહત્‍વ છે. શિક્ષણની આ પરંપરા આજપર્યંત ચાલી આવે છે. એ વાત અલગ છે કે વલ્‍લભી વિદ્યાપીઠ કાળની ગરતામાં ધકેલાઇ ગઇ. પણ, રાજકોટ જિલ્‍લામાં આવેલી સૈકા જુની શાળાઓ કંઇ વલ્‍લભી વિદ્યાપીઠથી કમ નથી. આવી સો પ્રાથમિક શાળાઓ છે, જેમણે દાયકાઓથી શિક્ષણનો દીપ અખંડ પ્રજ્જવલિત રાખ્‍યો છે.

ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીનો શિક્ષણ પ્રેમ જાણીતો છે. એમણે તો પોતાના રાજ્યના શાળાએ ન જનાર બાળકના વાલીને દંડ કરવાની જોગવાઇ કરી હતી. એના કારણે આજે સૌથી વધુ જૂની શાળાઓ ગોંડલ તાલુકામાં છે. જેમાં ૧૮૫૩માં સ્થાપાયેલી એસ. એસ. અજમેરા પ્રાથમિક શાળા તો રાજકોટ જિલ્લાની સૌથી જૂની શાળા છે. આ ઉપરાંત મોંઘીબા કન્યા તાલુકા શાળા નંબર-૩, દેરડી, સુલતાનપુર, શિવરાજગઢ, મોવિયા કુમાર શાળા નં.૧, મોટા દડવા, ચરખડી, ગોંડલ ચોવટિયા શાળા, દેવળા, ગોંડલ શાળા નં. ૧, કોલીથડ, ગોમટા, કેશવાળા, બાંદરા, પાટીદડ, રીબડા, શ્રીનાથગઢ, શેમળા, વાછરા, મસીતાળા, ત્રાકુડા, આંબરડી, દાળિયા બંધિયા, કમઢીયા, કમરકોટડા, વેજાગામ અને બિલડીની પ્રાથમિક શાળા એક સદી કરતા પણ વધુ સમયથી કાર્યરત છે. આ શાળાઓ આજે ઐતિહાસિક વિરાસત સમાન છે. જ્યોર્જીયન બાંધકામ શૈલી ધરાવતી આ શાળાઓની ઇમારતો આજેય અડીખમ છે.

ધોરાજી તાલુકામાં મોટી પરબડી, નાની પરબડી, છાડવાવદર, સુપેડી, મોટી વાવડી, મોટી મારડ, વાડોદર, ભાડેર, પાટણવાવ, કલાણા, છત્રાસા, ધોરાજી શાળા નં.૧ સો વર્ષ જૂની શાળા છે. કોટડા સાંગાણીમાં મહેતા કુમાર શાળા અને તાલુકા શાળા, અરડોઇ, રામોદ, અનિડા વાછરા, નવી મેંગણી, રામપરા, ભાડવા ગામની પ્રાથમિક શાળાઓ શતક જૂની છે. પડધરી તાલુકાની પડધરી પ્રાથમિક શાળા, સરપદડ, થોરિયાળી, વિસામણ, હડમતિયા, ખોડાપીપર ગામની શાળાઓ પણ સો વર્ષ પહેલા સ્થાપાયેલી છે.

જામકંડોરણાની કન્યા અને કુમાર શાળા, રાયડી, દૂધીવદર, ખજુરડા, સોડવદર, દડવી, ચરેલ, ચિત્રાવડ અને વાવડી ગામની પ્રાથમિક શાળા સો વર્ષ જૂની છે. ઉપલેટા તાલુકામાં જોઇએ તો ભાયાવદર કુમાર અને કન્યા શાળા, ઢાંક કુમાર અને કન્યા શાળા, ગાણોદ, કોલકી, વરજાંગજાળિયા, ખાખી જાળિયા, મેરવદર, લાઠ, ખીરસરા, તણસવા, ભીમોરા, ભાંખ, ચરેલિયા અને અરણી ગામની શાળા પણ સો વર્ષ જૂની શાળાની યાદીમાં આવે છે. આ ઉપરાંત લોધિકાની ચાંદલી, ચીભડા, વાઘપર, ખાંભા, ખીરસરા, નગરપીપળિયા, પાળ, પીપરડી અને જસદણ તાલુકાની આટકોટ, જસદણ કુમાર શાળા, ભાડલા, ભડલી, કુંદણી, સાણથલી, કાળાસર, વીરનગર, કાનપર, ભંડારિયા, ડોડીયાળા, પાંચવડા, અજમેરા ગામની શાળાઓ સો વર્ષ કરતા પણ વધુ સમયથી કાર્યરત છે. આમ જોઇએ તો ધોરાજીમાં ૧૨, ગોંડલમાં ૨૯, કોટડા સાંગાણીમાં ૮, પડધરીમાં ૬, જામકંડોરણામાં ૯, ઉપલેટામાં ૧૬, લોધિકામાં સાત અને જસદણ તાલુકામાં ૧૩ શાળાઓ છે. તાજેતરમાં રાજકોટમાંથી છૂટા પડેલા મોરબીમાં ૧૨, માળિયામિંયાણામાં ૧૦ અને વાંકાનેર ૧૪ શતક જૂની પ્રાથમિક શાળાઓ છે.

આ તો થઇ સદીઓ જુની શાળાઓની વાત, પરંતુ જેમ શિક્ષણની જ્યોત જગાવનાર સર ભગવતસિંહજી શાળામાંથી બાળકને ઉઠાડી મુકનાર વાલીને દંડ કરતા તેમ રાજય સરકાર છેલ્‍લા ૧૦ વર્ષથી શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ થકી શિક્ષણમાં ગુણાત્‍મક સુધારાના અભિગમની પરંપરા જાળવી રાખી છે. શિક્ષણ પ્રત્‍યે વાલીઓ અને બાળકો સંવેદનશીલ બને તેવા પ્રયત્‍નો સુધી સીમિત ન રહેતા રાજય સરકારે પ્રાથમિક શાળાઓને વીજળી, પાણી, નવા ઓરડા, આધુનિક સાધનો, શૌચાલયો જેવી સુવિધાઓથી સજ્જ કરી છે. બેશક, ખાનગી શાળાઓની હરોળમાં સરકારની પ્રાથમિક શાળાઓ આવવા લાગી છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે આગામી તા.૧૨ થી ૧૪ જુન સુધી ગ્રામ્‍ય અને તા.૧૯ થી ૨૧ જુન દરમિયાન શહેરી વિસ્‍તારમાં કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ ઉજવાશે ત્‍યારે પ્રત્‍યેક વાલીની ફરજ બને છે કે પોતાના બાળકનું શાળામાં નામાંકન કરાવે. બાળક ભણશે તો તેના પરિવાર તથા દેશનું ભવિષ્‍ય ઉજ્જવળ બનશે.

Advertisements

Comments are closed.