ATUL N. CHOTAI

a Writer

કચ્છમાં સાધુએ એકલેહાથે ડુંગર કોતરીને શિવમંદિર સ્થાપ્યું

Shiv Temple - Lakhpat - kutchh

Shiv Temple – Lakhpat – kutchh

કચ્છ અને સૌરાષ્ટ્રની ધરા સાથે સંત અને શૂરાની સાથે માનવીની અદ્દભુત શક્તિઓ સાથે ઇશ્રરીય શક્તિનો સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ ઇતિહાસમાં અંકાયેલી છે. કચ્છમાં એક કાળા માથાનો માનવી અકલ્પનીય હામ અને શિવભક્તિથી અચંબિત કરી દે તેવી સાધના કરી રહ્યો છે. કચ્છના લખપત તાલુકામાં આવેલા ગુનેરી ગામે નમય નારાયણના નામે ઓળખાતા એક અલગારી સાધુ જીવે એકલા હાથે ડુંગર કોતરી નાખ્યો છે અને ડુંગર ખોદીને બનાવેલી ગુફામાં શિવમંદિરની સ્થાપના કરી છે. આ શિવમંદિરનું માહાત્મ્ય દિન-પ્રતિદિન વધી રહ્યું છે. સ્થાનિક લોકોને એક સાધુએ એકલા હાથે નિર્માણ કરેલા શિવમંદિર પર અતૂટ આસ્થા બંધાઇ રહી છે. નમય નારાયણ નામના સાધુએ ૨૦૦૯થી ગુનેરી ગામે એક ડુંગર પર પડાવ નાખ્યો. દિવસે શિવભક્તિ અને અઘોર સાધનામાં મસ્ત રહેતા નમય નારાયણ મોડી રાત બાદ હાથમાં રૂદ્રાક્ષની માળા છોડીને હથોળી અને છીણું પકડી લેતા હતા. કોઇની પણ મદદ માગ્યા વિના નમય નારાયણ આખી રાત ડુંગર કોતરતા રહેતા હતા. પાંચ વર્ષના અથાગ પરિશ્રમ બાદ નમય નારાયણે એકલા હાથે ગુફા કોતરી નાખી અને અંદર શિવમંદિરની સ્થાપના કરી, જે આજે સ્થાનિક લોકોની પ્રબળ આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. એકલા નમય નારાયણની મહેનતથી આજે ગુનેરી ગામનું શિવ ગુફા મંદિર એ કક્ષાએ પહોંચી ચૂક્યું છે કે પ્રસિદ્ધિ માટે કરોડોના ખર્ચે જાતભાતના તાયફા કરતી રાજય સરકાર આ ગુફા મંદિરની નોંધ લઇ તેને પ્રમોટ કરે તો તો તેની વિશ્ર કક્ષાએ નોંધ લેવાય એવી સ્થિતિ છે. એક માણસ એકલપંડે શું કરી શકે તેનો બોલતો પુરાવો ઉપરોક્ત તસવીરો છે. નમય નારાયણ કોઇ દિવસ ખાવાં-પીવાની પરવા નથી કરતા. તેમનું કહેવું છે, ઉપરવાળો કીડીને કણ અને હાથીને મણ આપી જ દે છે. અહીં વગડામાંય જીવતા રહેવાય એટલું શિવશંભુની દયાથી મળી જાય છે.

Advertisements

Comments are closed.