પા નામ સાંભળો એટલે તરત જ અમિતાભની વિશિષ્ટ બિમારીથી પીડાતા માણસ પર આધારિત ફિલ્મ યાદ આવે છે. પરંતુ શું કોઇ ગામનું નામ માત્ર એક જ અક્ષરનું પા હોઇ શકે.. ?? હા ગુજરાતમાં ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુંકાના જેસર પાસે આવેલા ગામનું નામ પા છે.
એક માહિતી મુજબ ગુજરાતમાં એક જ અક્ષરનું એક માત્ર ગામ છે. પા ગામ ૧૦૦૦ લોકોની વસ્તી ધરાવે છે. ગામના વડિલ અખુભાઇ સરવૈયાના જણાવ્યા ગામનું સરકારી ચોપડે પણ પા તરીકે જ ઉલ્લેખ થાય છે. એક ઐતિહાસિક માહિતી મુજબ મહંમદ બેગડાએ જુનાગઢ જીતી લીધા પછી અમરેલી તરફ પ્રસ્થાન કર્યું ત્યારે અમરેલીના ગરાશિયા જેસાજી અને વેજાજીએ મહંમદ બેગડાના માણસ સુઝાતખાનને બહાદુરીપુર્વક ભગાડી મુકયો હતો. આ જેસાજીએ જેસર અને વેજાજીએ વેજલકોટ ગામ વસાવ્યા હતા. પછીથી બંનેએ ગામોની વહેંચણી કરતા વેજાજીના ભાગે જેસર અને જેસાજીના ભાગે હાથસણી ગામ આવ્યા હતા.
વેજાજીના ચાર સંતાનો હતા.આ ચાર પૈકીના મલકજી ના ભાગમાં જેસરના ચાર ભાગ થતા પા ભાગ આવ્યો. આથી લોક બોલીમાં આ ગામનું પા પડી ગયું. જે આજે પણ પા તરીકે જ ઓળખાય છે. ગામના સરપંચ શાંતુભા કહે છે પા નામ છપ્પનિયા દુકાળ પહેલાનું જુનું નામ છે. પા ગામના એક વડિલ ૧૨૫ વર્ષ જીવીને અવસાન પામ્યા તેમને છપ્પનયો દુકાળ જોયો હતો. બીજુ કે અમારા ગલઢીયાઓ પા નામ પાડીને ગયા તેનું અમને ગૌરવ છે. આથી ગામનું નામ બદલવાની કોઇ જ ઇચ્છા નથી. તેઓ વધુમાં કહે છે કે ગામ સંપ અને એકતા વાળું હોવાથી સમરસ પંચાયત જ બને છે.
ગામમાંથી થોડાક નોકરીયાત ભાવનગરમાં રહે છે. બે યુવાનો આર્મીમાં પણ જોડાયા છે. પા ગામના લોકો સંપીને રહે છે. ગ્રામ પંચાયતની એક વખત જ ચુંટણી થઇ હતી. બાકી મોટે ભાગે સમરસ ગ્રામ પંચાયતની રચના થાય છે. ગામમાં ચોરી,લુંટફાટ કે ઝગડાઓ થતા નથી. કોઇ સમસ્યા ઉભી થાય ત્યારે ગામના ચોરે જ તેનો ઉકેલ લાવવામાં આવે છે. પા ગામ આમ તો ગીર વિસ્તારથી ઘણું દુર છે પરંતુ તેમ છતાં તેના ઘાસિયા મેદાનો તથા ઘટાટોપ આંબાના વૃક્ષો સિંહોને મહેમાન બનવા મજબુર કરે છે.
પા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામની બાજુમાં જ છેલ્લા કેટલાક વર્ષોથી નવી વસાહત ઉભી થઇ છે જે નવું પા તરીકે ઓળખાય છે.તેમા કોળી અને પટેલ જ્ઞાાતિના લોકો રહે છે. ગામમાં ૧ થી ૮ સુધીના અભ્યાસની સુવિધા છે. વધુ અભ્યાસ માટે બાળકો બાજુના જેસર ગામમાં તથા ઉચ્ચ શિક્ષણ માટે ભાવનગર તથા પાલીતાણા જાય છે.
ગામના એક નાગરીકના જણાવ્યા અનુસાર શિક્ષણ પ્રત્યેની જાગૃતિમાં વધારો થઇ રહયો છે. પરંતુ પા ગામમાં બસ આવતી ન હોવાથી બે કિમી ચાલીને સાવરકુંડલા જેસર હાઇવે પર જવું પડે છે.અહીં રોજ ૨૦ થી ૨૫ દિકરીઓ અપડાઉન કરતી હોવાથી બસની સુવિધા થાય તે જરુરી છે. ગામમાં સરકારી યોજનાઓનો અમલ કરીને વિકસાવવામાં આવે તો ગુજરાતનું એક અક્ષર ધરાવતું ગામ વિકસી શકે તેવું છે.