ATUL N. CHOTAI

a Writer

ભારતીય ધરતી પર પ્રથમ વન ડે અમદાવાદમાં રમાઇ હતી

First One Day - Ahmadabad (Sample Photo)

First One Day – Ahmadabad (Sample Photo)

૨૫ નવેમ્બર ૧૯૮૧  ૩૨ વર્ષ અગાઉનો આ દિવસ ભારતીય ક્રિકેટ તેમજ અમદાવાદ માટે એક વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાઇ હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની આ ૧૨૫મી પરંતુ ભારતીય ધરતી ઉપર રમાયેલી તે સૌપ્રથમ વન-ડે મેચ. હાલ બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વેની જેવી ગણના છે, તેવી જ સ્થિતિ તે સમયે ભારતીય ટીમની હતી. ૪૬-૪૬ ઓવરની આ વન-ડે મેચમાં ઇંગ્લેન્ડના સુકાની કિથ ફ્લેચરે ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ માત્રે આમંત્રણ આપ્યું હતું. સુનીલ ગાવસ્કરની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં ક્રિસ શ્રીકાંત, દિલીપ વેંગસરકર, ગુંડપ્પા વિશ્વનાથ, કિર્તી આઝાદ, મદનલાલ, સૈયદ કિરમાણી, રવિ શાસ્ત્રી, રોજર બિન્ની, દિલીપ દોષી જેવા પ્લેયર્સનો સમાવેશ થતો હતો. ઇંગેલેન્ડની ટીમમાં ગ્રેહામ ગૂચ, જયોફ બોયકોટ, ઇયાન બોથમ, માઇક ગેટિંગ, ડેરેક અંડરવૂડ, બોબ વિલિસ જેવા સ્ટાર્સનો સમાવેશ થતો હતો. ભારતની શરૃઆત નબળી રહી હતી અને ઓપનર્સ સુનીલ ગાવસ્કર, ક્રિસ શ્રીકાંત ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પાછા ફર્યા હતા. દિલીપ વેંગસરકરના ૮૫ બોલમાં ૪૬ અને કિર્તી આઝાદના ૫૮ બોલમાં ૩૦ રનની સહાયથી ભારત ૭ વિકેટે ૧૫૬ રન નોંધાવી શક્યું હતું. ઇંગ્લેન્ડને આ લક્ષ્ય વટાવવામાં કોઇ સમસ્યા નડી નહોતી અને તેણે ૪૩.૫ ઓવરમાં પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ માટે માઇક ગેટિંગે સૌથી વધુ ૬૮ બોલમાં ૪૭ રન નોંધાવ્યા હતા. ભારત માટે રોજર બિન્નીએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી.

નવરંગપુરા સ્ટેડિયમનું ૧૯૫૦માં ભૂમિપૂજન કરાયું હતું જયારે ૧૯૬૫માં ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. ભારતના ચાર્લ્સ કોરિયાએ આ સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરી છે. ચાર્લ્સ કોરિયા અગાઉ જવાહર કલા કેન્દ્ર, નેશનલ ક્રાફટ્સ મ્યુઝિયમ, ભારત ભવન જેવા બિલ્ડિંગ પણ ડિઝાઇન કરી ચૂક્યા છે. ભૂતપૂર્વ મેયર શેઠ ચિનુભાઇ ચિમનભાઇ, નરોત્તમ કે ઝવેરી, માર્તંડરાય શાસ્ત્રી, જયંતિલાલ કુસુમગર, જીતેન્દ્ર ઠાકોર, હરિપ્રસાદ ઠાકોર, રમણલાલ પરીખે આ સ્ટેડિયમના નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. નવરંગપુરા સ્ટેડિયમ ખાતે આ પછી એકપણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન થયું નથી.

Advertisements

Comments are closed.