ખાણી પીણીનું નામ આવે એટલે સ્વાદનાં શોખીનો પાણી પાણી થઇ જાય છે. અને જાણીતા ખાણી પીણીનાં સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતાં નથી. એટલે જ તો ગુજરાતનાં વિવિધ શહેરો જુદી જુદી ખાણી પીણીની ચીજ વસ્તુઓ માટે જાણીતા છે. જેમ કે,સુરતનો લોચો, ભાવનગરનાં ગાંઠિયા, રાજકોટનાં પેંડા, અમદાવાદમાં પાણીપુરી.
આવી જ રીતે રાજકોટ જિલ્લાનાં ધોરાજી શહેરનાં ભૂંગળા બટેટા ખૂબ જ વખણાય છે. ભૂંગળા બટેટાનું નામ પડે એટલે લોકોનાં મોંઢામાં પાણી આવી જાય.અને તેમાં પણ ધોરાજીનાં ગફારભાઇનું નામ પડે એટલે લોકો હોંશે હોંશે ગફારભાઇનાં ભૂંગળા બટેટા ખાવા પહોંચી જાય છે. બટેટા ભૂંગળાનાં નાસ્તાનું ધોરાજી સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક શહેરોમાં વેંચાણ થાય છે. પરંતુ ધોરાજીનાં ગફારભાઇનાં બટેટા ભૂંગળા ખાવાનો લ્હાવો કંઇક અલગ જ છે.
ધોરાજીનાં ગેલેકસી ચોક અને ત્રણ દરવાજા પાસે રેંકડી ઉભી રાખી બટેટા ભૂંગળાનો વેપાર કરતાં ગફારભાઇ સવાર થી સાંજ સુધીમાં અંદાજિત દોઢસો કિલોથી વધુ બટેટાનો વેપાર કરે છે. લાલચટ્ટાક લસણિયા બટેટા બનાવવાની ખૂબી ગફારભાઇ પાસે છે તેવી અન્ય કોઇ પાસે નથી. લોકોને મીઠા કરતા વધારે તીખુ અને ટેસ્ટી ખાવાનું વધારે પસંદ હોય છે. ગફારભાઇ લાલચટક બટેટા બનાવી સ્થાનિક લોકોને ખાવાનું ઘેલું લગાડ્યું છે તેની સાથે સાથે રાજકોટ, જૂનાગઢ તેમજ જેતપુરથી લોકો અહીં તીખા તમતમતા ભૂંગળા બટેટાનો સ્વાદ લેવા પહોચે છે.