ATUL N. CHOTAI

a Writer

સાહસીકતાનો પર્યાય પર્વતારોહણ

 :: આલેખન ::
ભરતસિંહ બી.પરમાર

પર્વતારોહક –  પ્રમુખ – સ્કાય હાઇ એડવેન્ચર કલબ,
રાજકોટ  – મોબાઈલ ૯૪ર૭ર રરરર૮

આપણે ત્યાં કહેવાયું છેકે.. કદમ અસ્થિર હોય તો તેને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ કહેવતને જાણે સાહસીવીરો અને શરીર સૌષ્ઠવનું મહત્વ સમજતા યુવાનો સાચી ઠેરવતા હોય છે. કોઇએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સપના સેવ્યા છે. તો કોઇએ કાંચનજના સુધી જઇ આવવાનું નક્કી કર્યુ છે. આપણામાંના જ એક, પણ આપણાથી અલગ એવી રીતે કે તેઓ સાહસ અને સિધ્ધીમાં માને છે. પોતાની આવી વિશિષ્ટ પ્રવૃતિથી તેમણે અનેક રેકોર્ડસ પણ પોતાના નામે કબ્જે કર્યા છે. જેમાં લીમ્કાબુક ઓફ નેશનલ રેકોર્ડસ, ઇન્ડીયા બુક ઓફ નેશનલ રેકોર્ડસ, એશીયા બુક ઓફ નેશનલ રેકોર્ડસ, વર્લ્ડ બુક ઓફ નેશનલ રેકોર્ડ ધરાવનાર વ્યકિત એટલે ગુજરાતના પર્વતારોહક અને આ લેખના લેખક.

પર્વતારોહણ એટલે શું..??  : પર્વત આરોહણની એક આગવી મજા હોય છે. પર્વતારોહણ કરવું એ સાહસ અને આનંદની પ્રવૃતિ છે. આરોહણ શબ્દ સરળ છે. આરોહણ એટલે ચડવું અને પર્વત પર ચડવુ એટલે પર્વતારોહણ શબ્દોમાં જેટલું સરળ છે. પર્વતારોહણને સમજાવવું એટલું જ એ કરવુ તમારી શકિત અને આવડત માંગી લેનારૂ છે. આ શકિત અને આવડત કેળવવા માટે તેની અલગ અલગ તાલીમી કોર્ષ પણ ડીઝાઇન કરવામાં આવ્યા છે. તેની તાલીમની પણ અનેરી મજા છે. પર્વતો ઉપર યોગ્ય ઢબે ચડવું અને ઉતરવું તે સારી એવી કાર્યકુશળતા અને સુઝબુઝ  માંગી લે છે. નાની-નાની ગ્રીપની મદદથી શરીરનું સંતુલન મેળવી ઉંચાઇ સુધી કુશળતાથી પહોંચતા તેનો આત્મવિશ્વાસ અને આત્મગૌરવની અનુભુતી કહે છે. સામાન્ય રીતે ઉત્સાહી અને સાહસીક લોકો પર્વતારોહણનો માર્ગ અપનાવતા હોય છે.

પર્વતારોહણના પ્રકારો : સામાન્ય રીતે પર્વતારોહણ કરવા પર્વતારોહક અલગ-અલગ પર્વતોની ગીરીમાળાઓમાં જતા હોય છે. ગુજરાતમાં પણ પર્વતારોહણ થાય છે. જેમાં ગુજરાતના પર્વતોમાં અગિ્નકૃત ખડક, જળકૃત ખડક અને વિકૃત ખડક જોવા મળે છે. જેમાં…

રોક કલાઇમ્બીંગ : પર્વતારોહક કુદરતી રોક (ખડક) પર ભૌગોલીક રીતે તેની ફોર્મેશન મુજબ રોક કલાઇમ્બીંગ કરવાનું પસંદ કરતો હોય છે. ગુજરાતમાં તેમજ ભારતમાં સૌથી વધુ અગ્નિકૃત ખડકો જોવા મળે છે અને તેનું આરોહણ કરવું પર્વતારોહક પાસે ખુબ જ સેફ અને સમતુલીત હોય છે. તેમાં અલગ-અલગ ફોર્મેશન જેવી કે (૧) ગ્લેશીશ ફોર્મેશન (ર) સ્લેબ ફોર્મેશન (૩) વોલ ફોર્મેશન (૪) ઓવર હેન્ગ ફોર્મેશન (પ) ચીમની ફોર્મેશન જોવા મળે છે. પર્વતારોહક ઋતુ મુજબ ફોર્મેશન મુજબ તેને ચડવાની પધ્ધતીનો ઉપયોગ કરી કલાઇમ્બીંગ કરી આરોહણ કરતો હોય છે. નાની-નાની ગ્રીપ, હેર લાઇન ફ્રેક, ફિંગર ફેંક, જામીંગ ટેકનીકસ, હેન્ડ જમીંગ, ફુટ જામીંગ, પાવર કલાઇમ્બીંગ જેવી વિવિધ પધ્ધતીઓનો ઉપયોગ કરવામાં આવે છે. પર્વતારોહક માટે અગ્નિકૃત ખડકમાં કલાઇમ્બીંગ કરતી વખતે પોતાના શરીરની ખુબ જ એનર્જી વપરાય છે.

રોક કલાઇમ્બીંગમાં વપરાતા સાધનો : પર્વતોની સુંદરતા કુદરતની આપેલી એવી સંપતિ છે જેને ચડવા પર્વતારોહક ઘણા બધા સાધનોની મદદ લઇ આરોહણ કરે છે. જેમાં (૧) કલાઇમ્બીંગ રોપ, (ર) સીટ હાર્નનેસ (૩) કેરેબીનર (૪) મિટોન્સ (પ) હેલ્મેટ (૬) કલાઇમ્બીંગ સુઝ (૭) કલાઇમ્બીંગ શુટ (૮) ડીસેન્ડર જેવા સાધનો વપરાય છે. તેમજ આર્ટીફીશ્યલ કલાઇમ્બીંગમાં (૧) લેડર (ર) પીટોન્સ (૩) મિટોન્સ (૪) ઝુમાર (પ) ગ્રી-ગ્રી (૬) એસેન્ડર (૭) ટ્રોલી (૮) ચોક નટસ (૯) રેટલીંગ હોય જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

રેટલીંગ :  જે રીતે પર્વતારોહક રોક કલાઇમ્બીંગ કરી પર્વતોને ચડે છે. તે જ રીતે તેને ઉતરવાની પધ્ધતીને રેપ્લીંગ કહેવામાં આવે છે. સાધનોની મદદથી પર્વતો ઉપરથી સમયનો બચાવ કરી, ઉતરવાની ક્રિયાને રેપલીંગ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે. (૧) લોગ સીલીંગ રેપલીંગ (ર) સ્ટમક રેપ્લીંગ (૩) અમેરીકન રેપ્લીંગ

આઇસ એન્ડ સ્નો રોક કલાઇમ્બીંગ : આ પ્રકારનું પર્વતારોહણ અનુભવી અને તજજ્ઞ પર્વતારોહકો માટે યોગ્ય ગણાય છે. આઇસ એન્ડ સ્નો ક્રાફટમાં બરફની શીલાઓ પણ ચઢવાનું હોય છે.આ પ્રકારનું પર્વતારોહણ પડકારરૂપ ગણાય છે. કારણ કે પર્વતારોહણ દરમીયાન વાતાવરણની ઠંડી ઓકસીજનની માત્રાની કમી,ઉતુંગ શીલાઓ,ખસતી જતી હીમ નદીઓ,અનુભવ વગર ચડવી ખુબ જ અધરી પડતી હોય છે આ પ્રકારનું કલાઇમ્બીંગ ખુબ જ ટેકનીક અને સંયમથી કરવુ પડે છે. હીમાલયની ૫૫૦૦ કીલોમીટર લાંબી પર્વતમાળામાં વર્ષોથી અનેક સાહસવીરો પોતાની બહાદુરી દેખાડવા ચેલેન્જ કરે છે. તેમજ હીમાલયમાં આવેલ વિવિધ ગગનચુંબી ચોટીઓની ઉપર જઇ ભારતના તેમજ અન્ય વિશ્વભરના લોકો પોતાના રાષ્ટ્રધ્વજો લહેરાવી પોતે યુવાન અને સાહસી છે તેનો પરચો લોકો સમક્ષ દેખાડે છે. આઇસ એન્ડ સ્નો રોક કલાઇમ્બીંગમાં પર્વતારોહકોએ પોતાનો બધો જ સામાન સાથે લઇ એટલે કે અંદાજે ૩૫ કીલો લઇ પર્વતનું આરોહણ કરવાનું હોય છે. પર્વતોની ચઢાઇમાં જેમ જેમ ઉપર જાય તેમ તેમ ચઢાણ કપરૂ બનતુ જાય છે. સુવા માટે ટેન્ટ,સ્લીપીંગ બેગ, રાસન,આઇસ એક્ષ(બરફની કુહાડી) કલાઇમ્બીંગ રોપ,કેરેબીનર અને અન્ય ઇમયુપમેન્ટસ સાથે લઇ ચઢવાનુ હોય છે. બરફને ઓગાળી તેનુ પાણી તેમજ ચોકલેટ ખાઇ દિવસો પસાર કરવાના હોય છે. કોઇ વ્યકિત નથી તો કોઇ ગાડીઓ નથી હોતી વળી કોઇ પ્રદુષીત વાતાવરણ પણ નથી હોતુ કુદરતને ખોળે એટલે પર્વતારોહણ

પર્વતારોહણની તાલીમ આપતી સંસ્થાઓ

ગુજરાતમાં સન ૧૯૬૧ નું વર્ષ યુવાનો અને સાહસવીરો માટે આર્શીવાદ સમાન હતુ સ્વ.ધ્રુવકુમાર પંડયાના યથાર્ય પ્રયાસથી ગુજરાતની પ્રથમ પર્વતારોહણ સંસથાની સ્થાપના કરવામાં આવી જેને ગુજરાત સ્ટેટ માઉન્ટેન્યરીંગ ઇન્સ્ટીટયુટ ના નામકરણ સાથે ચાલુ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ કોર્ષ ચલાવવાનું નક્કી થયુ જેમ કે (૧) એડવેન્ચર કેમ્પ ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે (૨) બેઝીક રોક કલાઇમ્બીંગ કોર્ષ ૧૪ થી ૩૫ વર્ષના માટે (૩) એડવાન્સ રોક કલાઇમ્બીંગ કોર્ષ ૧૪ થી ૩૫ વર્ષના માટે (૪) કોચીંગ રોક કલાઇમ્બીંગ કોર્ષ ૧૮ થી ૩૫ વર્ષના માટે (૫) આર્ટીફીશ્યલ રોક કલાઇમ્બીંગ કોર્ષ ૧૮ થી ૪૦ વર્ષના માટે (૬) ગુજરાત ભ્રમણ ટ્રેકીંગ કેમ્પ ૧૮ થી ૬૦ વર્ષના માટે (૭) હિમાલય ભ્રમણ ટ્રેકીંગ કેમ્પ ૧૮ થી ૬૦ વર્ષના માટે (૮) કોસ્ટલ ભ્રમણ ટ્રેકીંગ કેમ્પ ૧૪ થી ૩૫ વર્ષના માટે (૯) ડેઝર્ટ ભ્રમણ ટ્રેકીંગ કેમ્પ ૧૪ થી ૩૫ વર્ષના માટે ત્યાર બાદ તેનું બીજુ સેન્ટર જુનાગઢ મુકામે ચાલુ કરવામાં આવ્યું જેનુ નામ પંડીત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ સંસ્થા લાખા કોઠાની જગ્યા જુનાગઢ આવે છે. આ બન્ને સંસ્થા રાજયના યુવક સેવા,સાંસ્કૃતિ પ્રવૃતિ,ગાંધીનગરના નેજા હેઠળ કાર્યરત છે. આ ઉપરાંત નેશનલ તેમજ ઇન્ટરનેશનલ માઉન્ટેન્યરીંગ ઇન્સ્ટીટયુટ, હિમાલય માઉન્ટેન્યરીંગ ઇન્સ્ટીટયુટ દાર્જીલીંગ, વેર્સ્ટન હીમાલય માઉન્ટેન્યરીંગ ઇન્સ્ટીટયુટ દાર્જીલીંગ, વેસ્ટર્ન હીમાલય માઉન્ટેન્યરીંગ ઇન્સ્ટીટયુટ મનાલી, નહેરૂ ઇન્સ્ટીટયુટ ઓફ માઉન્ટેન્યરીંગ ઉતરકાશી

તાલીમ કોર્ષના સર્ટીફીકેટની આજના યુવાનોની જરૂરીયાત

ભારતના યુવાનો આજે પોતાના અભ્યાસ દરમ્યાન વિવિધ શિક્ષણતર પ્રવૃતીઓ કરતા હોય છે તેમાં પણ પર્વતારોહણનો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે. ઉપરોકત ઇન્સ્ટીટયુટમાં પર્વતારોહણની સખત અને સાહસ ભરેલી તાલીમ લીધા બાદ સંસ્થા તરફથી જે તે કોર્ષની સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે. જે આજના યુવાનોને નોકરી મેળવવા ખુબ જ ઉપયોગી છે. ભારત સરકાર તેમજ રાજય સરકારની વિવિધ શાખાઓ આ સર્ટીફીકેટના ગુણ ગણવામાં આવે છે. જેમ કે (૧) પોલીસ ડીપાર્ટમેન્ટ (ર) આર્મી ડીપાર્ટમેન્ટ (૩) ફાયર બ્રિગેડ ડીપાર્ટમેન્ટ (૪) એન.એસ.જી. કમાન્ડો ડીપાર્ટમેન્ટ (પ) સ્પોર્ટસ ડીપાર્ટમેન્ટ (૬) રેલ્વે ડીપાર્ટમેન્ટ (૭) રેસ્કયુ ડીપાર્ટમેન્ટ (૮) નેવી ડીપાર્ટમેન્ટ (૯) એરફોર્સ ડીપાર્ટમેન્ટ જેવા અનેક ખાતાઓમાં ખુબ જ અગત્યના પુરવાર થાય છે.

Advertisements

Comments are closed.