– કિરણ કાણકિયા
લગ્નગાળાની મોસમ ચાલી રહી હોય ત્યારે કેટલાંય નવયુવાનો- યુવતીઓ દિલમાં આશા- અરમાન અને સોનેરી સ્વપ્નાં લઈ લગ્નગ્રંથિથી જોડાતા હોય છે આવી જ રીતે પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતા એમ.બી.એ. ભણેલા સૌમિલનાં લગ્ન સાક્ષી સાથે ખૂબ જ ધામધૂમથી ધાર્મિક વિધિ સાથે થયાં. લગ્ન પછી હનીમૂનથી પાછો ફરેલો સૌમિલ રજા પૂરી થતાં ઓફિસ જવા લાગ્યો. થોડા દિવસ પછી કંપનીના અગત્યના કામસર તેને છ મહિના માટે અમેરિકા જવાનો મોકો મળ્યો. છ મહિના તો ચપટીમાં વીતી જશે એવું કહી પોતાની નવોઢા સાક્ષીને મનાવી તે અમેરિકા ગયો. છ મહિના પૂરા થયા છતાં કંપનીનું કામ પૂરું ન થતાં સૌમિલને ત્રણ વર્ષ માટે અમેરિકા રહેવા માટે સૂચના મળી. આથી સૌમિલે વિચાર્યું હવે ત્રણ વર્ષ અમેરિકા રહેવાનું છે તો સાક્ષીને પણ અમેરિકા બોલાવી લઉં, પરંતુ સૌમિલ એ વાત ભૂલી ગયો હતો કે તેણે લગ્ન પછી મેરેજ રજિસ્ટ્રેશન તો કરાવ્યું જ નહોતું અને મેરેજ રજિસ્ટ્રેશન વગર સાક્ષીને અમેરિકા આવવાના વિઝા નહીં મળે. જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે તેને પસ્તાવાનો વારો આવ્યો. આ વાત માત્ર સૌમિલની જ નથી. સૌમિલ જેવા કેટલાય લોકો મેરેજ રજિસ્ટ્રેશન કરવાનું મહત્વ નથી સમજતા અને પછી જ્યારે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડે છે ત્યારે પસ્તાવું પડે છે. લગ્ન પછી મેરેજ રજિસ્ટ્રેશન કરવાના ફાયદા પતિ-પત્ની બંનેને છે પરંતુ મેરેજ રજિસ્ટર્ડ કરવાથી સ્ત્રીઓને – પત્નીઓને કેટલીક બાબતોમાં વિશેષ ફાયદા થાય છે, જે આ પ્રમાણે છે
પાસપોર્ટ – વિઝા મેળવવામાં : જ્યારે કોઈ વ્યક્તિ લગ્ન પહેલાં વિદેશમાં જોબ કરતો હોય અને તે લગ્ન પછી પોતાની પત્નીને વિદેશ લઈ જવા માગતો હોય તો તેની પત્નીને વિદેશ જવા માટે પાસપોર્ટ અને વિઝા ફોરેન એમ્બેસી દ્વારા આપવામાં આવે છે, પરંતુ આ માટે મેરેજ સર્ટિફિકેટ હોવું ખૂબ જરૂરી છે. ભલે, લગ્નના ફોટા બતાવવામાં આવે છતાં વિઝા મળતા નથી. કંકોતરી બતાવવામાં આવે કે દલીલો કરવામાં આવે છતાં વિઝા આપવામાં આવતા નથી. માટે મેરેજ સર્ટિફિકેટ અત્યંત જરૂરી છે.
નોકરી તથા પેન્શન મેળવવા : જો કોઈ સ્ત્રીનો પતિ સરકારી નોકરી કરતો હોય અને તેનું મૃત્યુ થાય અને તેની નોકરીનો સમય બાકી હોય ત્યારે જો તેની પત્ની નોકરી કરવા માગતી હોય તો જરૂરી પેપર્સની સાથે મેરેજ સર્ટિફિકેટની કોપી હોવી જરૂરી છે, કેમ કે તેનાથી સાબિત થાય છે કે આ સ્ત્રી દિવંગત પતિની પત્ની છે. આ રીતે પતિના મૃત્યુ પછી પેન્શન મેળવવા માટે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડે છે.
બીજાં લગ્ન રોકવા માટે : ઘણીવાર લગ્ન પછી છેતરામણીનો ભોગ બની જવાય છે અને ઈન્ટરનેટ દ્વારા થતાં લગ્નોમાં છેતરામણીનો ભય ભારે રહે છે. જો કોઈ પુરુષે પહેલાં લગ્ન છુપાવીને બીજાં લગ્ન કર્યાં હોય. અને આ વાત તેમની પત્ની જાણી જાય તો તેણે કોર્ટમાં પોતાના પતિના બીજાં લગ્ન ગેરકાયદે કર્યાં હોવાનો અને પોતાનાં લગ્ન કાયદેસર થયાં હોવા માટે મેરેજ સર્ટિફિકેટ બતાવવું જરૂરી થઈ પડે છે, કેમ કે કોર્ટ મેરેજ સર્ટિફિકેટને લગ્નની સાબિતી માને છે.
ડિવોર્સ અને એલીમની માટે : જો કોઈ સ્ત્રી પોતાના પતિ સાથે ડિવોર્સ લેવા માગતી હોય તો તેણે કોર્ટમાં મેરેજ સર્ટિફિકેટ બતાતવું પડે છે અને તે પતિ પાસેથી ભરણપોષણ માટેના પૈસા લેવા ઈચ્છતી હોય તો પણ તેણે કોર્ટમાં મેરેજ સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત છે.
બાળકોની કસ્ટડી માટે : જો કોઈ સ્ત્રી પોતાના પતિ સાથે ડિવોર્સ લેવા ઈચ્છતી હોય અને બાળકોની કસ્ટડી કાયદેસર પોતાની પાસે રાખવા માગતી હોય તો બાળકોની કસ્ટડીના દાવા માટે કોર્ટમાં મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવું જરૂરી છે અને કોર્ટમાં સાબિત કરવાનું રહેશે કે આ બાળકો લગ્નથી થયેલાં છે.
પ્રોપર્ટીમાં હક મેળવવા માટે : જો કોઈ સ્ત્રીના પતિનું મરણ કોઈ કારણસર થઈ જાય અને સાસરિયાં તે સ્ત્રીને બહાર કાઢી મૂકે અથવા તેના પતિની સંપત્તિમાંથી દૂર કરવાનો પ્રયાસ કરે તો આવી સ્થિતિમાં સ્ત્રીને પોતાના પતિનું ઘર અને તેની સંપત્તિમાં હક મેળવવા માટે કોર્ટમાં દાવો કરવા માટે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવું અત્યંત જરૂરી છે. જ્યારે મેરેજ સર્ટિફિકેટ- રજિસ્ટ્રેશન અનિવાર્ય બનશે ત્યારે સૌથી મોટો લાભ એ થશે કે બાળલગ્નો નહીં થાય, કેમ કે મેરેજ રજિસ્ટ્રેશન કરવા માટે છોકરાની ઉંમર ૨૧ વર્ષની, છોકરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવી ન જોઈએ.
મેરેજ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે : કેટલાંક વર્ષો પહેલાં દેશનાં કેટલાંક રાજ્યોમાં મેરેજ રજિસ્ટ્રેશન કરવું જરૂરી હતું. ત્યારે ભારતીય સુપ્રીમ કોર્ટે ૨૦૦૬ માં બધાં રાજ્યોમાં હિન્દુ મેરેજ એકટ ૧૯૫૫ અને અન્ય ધર્મો માટે બનાવેલો મેરેજ એક્ટ હેઠળ મેરેજ રજિસ્ટ્રેશન કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ત્યારે આ આદેશનું પાલન માત્ર કેટલાંક રાજ્યો અને જમ્મુ – કાશ્મીરમાં પાલન કરવામાં આવતું હતું. ૨૦૦૭માં એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહિલાઓના અધિકારોની સુરક્ષા અને બાલવિવાહ રોકવા માટે દેશનાં બધાં રાજ્યોની સરકારને આદેશ આપ્યો કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા બધા ધર્મોમાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. ભલે તે લગ્ન દેશના કોઈ રાજ્યમાં થયાં હોય. ત્યારથી આખા દેશમાં હિન્દુ મેરેજ એકટ ૧૯૫૫ના સેકશન-૮ની હેઠળ તથા અન્ય ધર્મો માટે બનેલા મેરેજ એકટ હેઠળ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
મેરેજ રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો..?? : લગ્ન થયા પછી તેનું રજિસ્ટ્રેશન કરાવવા માટે રાજ્યની ફેમિલી કોર્ટમાં ફોર્મ ભરી તેની સાથે લગ્નની કંકોતરી, લગ્નના બે ફોટા, ઘરનું એડ્રેસ પ્રૂફ, રેશનિંગ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ-વિઝાની કોપી, બંનેના બર્થ સર્ટિફિકેટ અથવા સ્કૂલ-કોલેજના સર્ટિફિકેટ, બંનેના પાસપોર્ટ સાઈઝના ફોટા, બંને તરફથી બે બે સાક્ષી તથા એફિડેવિટ ફોર્મ સાથે જોડી નિયત રકમ આપી જમા કરાવવાનું રહે છે. મેરેજ રજિસ્ટ્રેશન તે દિવસે અથવા થોડા દિવસોમાં થઈ જાય છે. સ્પેશ્યલ મેરેજ રજિસ્ટ્રેશન એટલે બે અલગ અલગ ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હોય તે. તેનું સ્પેશિયલ મેરેજ એક્ટ ૧૯૫૪ની હેઠળ રજિસ્ટ્રેશન થાય છે. આ કાયદા હેઠળ રજિસ્ટ્રેશન કરવા માટે એક મહિનાની નોટિસ અપાય છે, કેમ કે કોઈને આવા લગ્નથી કોઈ હરકત હોય તો તે જતાવી શકે છે. ફોર્મ સાથે ઉપરોક્ત કોપીઓ જોડવાની હોય છે. માત્ર વર-વધૂ તરફથી ત્રણ ત્રણ સાક્ષી હોવા જરૂરી છે. જો ધર્મ પરિવર્તન કર્યો હોય તો તેના પ્રમાણની કોપી જોડવાની રહે છે. (Courtesy : Mumbai Samachar)