ATUL N. CHOTAI

a writer – since 2014

રાતી પાઈની પણ સરકારી સહાય લીધા વગર પોરબંદરનો વિકલાંગ યુવાન પગભર બન્યો

Pravinchandra Hindocha

Pravinchandra Hindocha

ગાંધીભૂમિ પોરબંદરમાં એક એવો વિકલાંગ યુવાન છે જે રાતીપાઈની પણ સરકારી સહાય લીધા વગર પગભર બન્યો છે એટલું જ નહીં પોતાનાં હાથ નીચે અડધો ડઝન જેટલા કારીગરો પણ તૈયાર કર્યાં છે. તંદુરસ્ત યુવતી સાથે ઘરસંસાર પણ માંડી ગૃહસ્થ જીવનની ગાડી પણ ચલાવી રહ્યો છે.  મળવા જેવા આ ૨૮ વર્ષનાં અનોખા વિકલાંગ યુવાનનો જીવનમંત્ર છે  શારીરિક ખામીથી હિંમત હારી જવાને બદલે ઝઝૂમો.. ઈશ્વર તમારી સાથે જ હશે..

પોરબંદરનાં પેરેડાઈઝ સીનેમા પાછળ આવેલા હર્ષદ પ્લોટમાં રહેતા અને મંડપ સર્વિસનાં વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવિણચંદ્ર હીન્ડોચાના પરિવારમાં યતીન નામના માત્ર છ માસનાં બાળકને ૨૮ વર્ષ પૂર્વે તાવ આવે છે. પરીવારજનો ડોકટર પાસે દવાની સાથે તાવનું ઈન્જેકશન પણ લેવડાવે છે. પરંતુ બે ઈન્જેકશન તાવ મટાડવાને બદલે એ માસુમ બાળકનાં જીવન સાથે ખેલ ખેલીને આડ અસર આપતું ગયું અને માત્ર છ મહીનાનાં યતીનને પગમાં પોલીયોની અસર થઈ અને જોતજોતામાં તો તેનો એક પણ સંપૂર્ણપણે ખોટો પડી ગયો આખા પરિવાર ઉપર આભ તુટી પડયું. કેટકેટલી દવા સારવાર કરાવ્યા છતાં પણ કશોજ હરફ નહીં પડતાં અંતે જેમ જેમ એ બાળક મોટો થવા લાગ્યો તેમ તેમ એક પણ ગુમાવવાને કારણે હેરાન પરેશાન બની ગયો.

વિકલાંગતાની સીધી જ અસર યતીનનાં અભ્યાસ ઉપર થઈ અને તેની આડઅસરના કારણે તે માત્ર ૧૦ ધોરણ સુધી જ ભણી શકયો અને તેમાં પણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો છતાં તેના પરિવારજનોએ સતત તેને સધિયારો આપ્યો. યતિન ધો.૧૦માં નાપાસ થયા બાદ ઘરે જ પડયો રહેતો હતો પરંતુ તેને વાંચનનો શોખ હોવાથી ઘરનાં લોકો પુસ્તકો લાવી આપતા હતા. એ દરમ્યાન એક દિવસ તેના ઘરે ટી.વી. બગડી ગયું. આથી ઘરનાં સભ્યો કામમાં વધુ વ્યસ્ત હોવાને લીધે રિપેરીંગ કરાવી શકતા ન હતાં દરમ્યાન તેણે પોતાનાં પાયાને વિનંતી કરી કે, ઉપકરણોના રિપેરીંગ માટેનું કોઈ પુસ્તક બજારમાં મળે તો લાવી દો. પિતા પ્રવીણચંદ્રએ પણ પુત્રની વાત માનીને બજારમાંથી પુસ્તક લાવી આપ્યું અને એ પૂસ્તક વાંચતા વાંચતા યતીનને ટેકનીકલ ક્ષેત્રે વધુ રસ પડયો પછીતો ઘરમાં રહેતા ડીસમીસ, ટેસ્ટર વડે ટીવી ખોલી નાખ્યું અને સાંજ સુધીમાં તો ટીવીનાં જે છેડો લુઝ થઈ ગયો હતો તે તપાશીને રિપેરીંગ કરી ટેલીવીઝન ચાલુ પણ કરી દીધું ધીમે ધીમે અડોશ પડોશમાં ટીવી, સહીતના પંખા, ટેપ, જેવા ઉપકરણોનું સમારકામ કરવા લાગ્યાં.

પોરબંદરના છાંયાચોકી નજીક પ્રીય ઈલેકટ્રોનીકસ નામની ઉપકરણ સમારકામની દુકાન શરૃ કરી તે પણ ધમધમવા લાગી. આજે મહીને હજ્જારો રૃપીયાની કમાણી કરીને માત્ર પગભર જ નથી બન્યો. પરંતુ પિતાનાં નિધન પછી ઘર પણ ચલાવે છે. પોતાની આવડત અને કાબેલીયતનાં જોરે આ વિકલાંગ યુવાને ટેકનીકલ ક્ષેત્રમાં પોતાની માસ્ટરી સાબીત કરી બતાવ્યા બાદ હવે તે બેટરીથી સંચાલીત રીક્ષાઓ પણ બનાવે છે. કાર પણ બનાવી રહ્યો છે.

પોરબંદરનાં આ યુવાને પોતાનાં જીવનમાં એક જ મંત્રને ઉતાર્યો છે તે અંગે વાત કરતા તે કહે છે કે, જીવનમાં ગમે તેવી કપરી પરિસ્થિતી સર્જાય ગમે તેવા દુઃખના પહાડો તુટી પડે તો પણ કયારેય હીમ્મત હારવી નહીં. વિકલાંગોને પણ પ્રેરણા આપતા તે કહે છે કે આપણને કુદરતે ભલે કોઈ એક અંગમાં ખામી આપી પરંતુ તેનાથી લાચાર કે નિઃસહાય બની જવાની જરૃર નથી. જીંદગી સામે ઝઝુમતા રહીશું તો ઈશ્વર જરૃર આપણી સાથે રહેશે.

Advertisements

Author: atulnchotai

I am freelance journalist and writer from rajkot (gujarat-india) working on social media..

Comments are closed.