ATUL N. CHOTAI

a Writer

ગુજરાતની સરકારી શાળામાં મુસ્લીમ બાળાઓ પણ ગાયત્રી મંત્ર કડકડાટ બોલે છે

Muslim Student - Porbandar

Muslim Student – Porbandar

પોરબંદર: હાલ ધર્માંતરનો મુદ્દો રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં કોમીએકતાના દર્શન એક સરકારી શાળામાં જોવા મળ્યા છે. અહીં હિન્દુ-મુસ્લીમ બન્ને ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. આ શાળામાં નિયમીત પ્રાર્થનામાં ગાયત્રીમંત્ર બોલવામાં આવે છે. બીજા ધોરણમાં અભ્યાસ કરતી મુસ્લીમ બાળા કડકડાટ ગાયત્રીમંત્ર બોલે છે. ગાંધીભૂમિ પોરબંદરમાં રાજરત્ન શેઠ નાનજી કાલિદાસે વર્ષ 1919 માં કન્યા કેળવણીના ઉમદા હેતુથી ખારવાવાડ વિસ્તારમાં કન્યાશાળા શરૂ કરી હતી. એ સમયમાં 2500 જેટલી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતી હતી. જો કે સમય જતાં અહીં વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. આ શાળાનું નામ નાનજી કાલિદાસ મહેતા સરકારી શાળા છે. જેમાં ધો. 1 થી 8 સુધીનો અભ્યાસ ચાલે છે. આ શાળામાં મોટાભાગે ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો અભ્યાસ કરે છે. આ ઉપરાંત હિન્દુ અને મુસ્લીમ બન્ને ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસઅર્થે આવે છે. આ સરકારી શાળામાં નિયમીત પ્રાર્થના બોલાવવામાં આવે છે. જેમાં આ શાળામાં અભ્યાસ કરતા 175 જેટલા ભૂલકાઓ નિયમીત ગાયત્રીમંત્ર પણ બોલે છે, જેમાં ધો. 2 માં અભ્યાસ કરતી સૈફા બાનુ ગરાણા નામની મુસ્લીમ બાળા કડકડાટ ગાયત્રીમંત્ર બોલે છે. આ ઉપરાંત તે પ્રાર્થના પણ સારી રીતે બોલી શકે છે. આમ તો અનેક મુસ્લીમ બાળકો અભ્યાસ કરે છે, જેમાં સૈફાબાનુ નામની આ બાળકી ગાયત્રીમંત્રને શુધ્ધ ઉચ્ચારણ સાથે બોલી શકે છે. આ રીતે આ શાળામાં કોમી એકતાના દર્શન થાય છે. ઉલ્લેખનીય એ છે કે,પ્રાથમિક શાળાનું ભણતર પાયાનું ભણતર કહેવાય છે અને અહી તો પાયાનાં ભણતરમાં નાત, જાત, કોમ આ બધા ભેદ-ભાવ કુમળા માનસ પર લાગે નહી તેવી પ્રતિતિ આ છાત્રામાં દેખાય છે.

Advertisements

Comments are closed.