હવે તમે સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના જજો વિરૂદ્ધ પણ ફરીયાદ કરી શકશો. સુપ્રિમ કોર્ટે એક જાહેરનામુ બહાર પાડતા લોકોને આવો અધિકાર આપ્યો છે. અત્યાર સુધી જજ વિરૂદ્ધ ફરીયાદ થઈ શકતી નહોતી. તેમને હટાવવા માટે અલગથી કાનૂન (જજીસ ઈન્કવાયરી એક્ટ ૧૯૬૮) છે. જેની કાર્યવાહી ઘણી જટીલ અને સમય લેતી છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે હવે આ પગલાથી ન્યાયપાલિકા ઉપર લોકોનો ભરોસો વધશે. ફરીયાદમાં જો વજુદ હશે તો મુખ્ય ન્યાયધીશ તેની તપાસ કરાવશે. તથ્ય મળ્યા બાદ તેની ૩ જજોની તપાસ સમિતિ હેઠળ તપાસ કરવામા આવશે. જો જજ દોષિત ઠરશે તો મુખ્ય ન્યાયધીશ તેમને ન્યાયીક કામગીરીથી હટાવવા, પદ પરથી રાજીનામુ લઈ લેવા, સ્વૈચ્છીક નિવૃત લઈ લેવાનુ જણાવવા અને મહાભિયોગ માટે પી.એમ.ને માહિતી આપવા સુધીનો દંડ આપી શકે છે.
નવી પ્રક્રિયા હેઠળ ફરીયાદ સીધી મુખ્ય ન્યાયધીશ કે હાઈકોર્ટના ન્યાયધીશને કરી શકાય છે. કોઈપણ વ્યકિતએ ફરીયાદ કરવા માટે પોતાનું નામ, સરનામુ અને સોગંદનામા સાથેની ફરીયાદ આપવી પડશે. અત્યાર સુધી રાજ્યસભાના ૫૦ કે લોકસભાના ૧૦૦ સાંસદો ફરીયાદ કરે તો તપાસ પંચ બેસતુ હતું. તપાસ રીપોર્ટ પર સંસદમા ચર્ચા થતી હતી. પસાર થયે જજ હટી શકતા હતા.