ATUL N. CHOTAI

a Writer

૫૦ વર્ષથી સ્મશાનમાં જિંદગી વિતાવી રહેલા કડવીમાને મોતનો બિલકુલ ડર નથી

Kadviba Bareiya - Bhavnagar

Kadviba Bareiya – Bhavnagar

ભાવનગર : સામાન્ય રીતે સ્મશાન એ ડરામણુ સ્થળ છે પરંતુ ભાવનગરના ૮૫ વર્ષીય વૃદ્ધા કડવીમા માટે તે નિવાસસ્થળ છે. છેલ્લા ૫૦ કરતા વધુ વર્ષોથી તેઓ પોતાનુ જીવન અહીંજ વીતાવી રહ્યા છે. અત્યાર સુધીમાં શહેરના કેટલાય મૃતદેહોને અગ્નિદાહ આપીને પોતાનો સેવા ધર્મ બજાવી ચૂકયા છે.સ્ત્રી પરંપરાઓની બેડી તોડીને તેઓએ અહીં આશ્રય લીધો છે. લાંબા અરસાથી વિધવા તરીકે જીવન ગુજારતા કડવીમા માટે અહીં કુંભારવાડા સ્મશાન જ જીવનનું અંતિમ ધ્યેય બની ગયુ છે. રેલવે ફાટક પાસે આવેલા સ્મશાનમાં કોઇની અંતિમ યાત્રા આવે છે કે સૌથી પ્રથમ લાકડા ઉંચકીને ગોઠવવાવાળા કડવીમાં હોય છે. તેમના અનેક સન્માનો થયા છે, મહિલા દિને ચંદ્રકોથી નવાજવામાં આવ્યા છે. કારણ કે તેમણે તેમના સ્ત્રીતત્વને ગૌરવમય બનાવ્યુ છે. હાલના દિવસોમાં ઉમર વધતા તેમની તબિયત નાદુરસ્ત થઇ ગઇ છે. પરંતુ આજે પણ તેઓ નિસ્વાર્થ સેવામાં અગ્રેસર છે. કડવીમા માટે આ કામ પસંદ કરવાનું મુખ્ય કારણ આર્થિક પરિસ્થિતિ છે. વર્ષો પૂર્વે તેઓએ આવકના સાધન તરીકે સ્મશાનમાં લાકડા હેરફેરનું કામ સ્વિકાર્યું હતું. જોકે, હાલમાં તો તેઓને માત્ર જીવન નિર્વાહ પૂરતી આવક મરણજનાર વ્યક્તિના સ્વજનો પાસેથી મળી રહે છે. વળી, તેના એકના એક પુત્ર પાસેથી પણ આર્થિક સંકડામણના લીધે કોઇ સહાય ન મળતા છેલ્લાં શ્વાસ સુધી આ જ સેવા સ્વિકારી લીધી છે. લોકોની સેવામાં કડવીમાએ આખી જિંદગી વીતાવી દીધી છે. પરંતુ હાલ વૃદ્ધાવસ્થામાં તેમની સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે. મૂળ નામ કડવીબેન બારૈયા શહેરમાં કડવીમા તરીકે જ ઓળખાય છે. પતિનુ અવસાન થઇ ચૂકયુ છે અને સંતાનોમાં ૨ પુત્રો તેમજ એક પુત્રી પૈકી પણ એક દિકરાનુ અવસાન થઇ ગયુ હોવાથી અનેક સન્માનો, એવોર્ડઝ મેળવ્યા છતાં પણ આર્થિક સંકડાશમાં જિંદગી ગુજારી રહ્યા છે. અને મળેલા એક સમાચાર મુજબ ગત તા ૩૦ જુલાઈ ના રોજ તેમનું અવસાન થયું છે. તેમણે સમાજ માટે કરેલી સેવા ખરેખર ધન્યવાદ ને પાત્ર છે.

Advertisements

Comments are closed.