શ્રી શાહબુદીન રાઠોડ આ આઠ અક્ષરોનું નામ સાંભળતા જ સૌના ચહેરા પર હાસ્ય ફરી વળે. કેમ કે સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે શાહબુદીનભાઈ રાઠોડને ઓળખતો નહીં હોય પોતાની જીંદગી દરમ્યાન તેમણે સગવડો અને તકલીફોમાં પણ સંઘર્ષ કરી હાસ્યની ટોચ ઉપર છેલ્લા તેતાલીસ વર્ષથી પરિવાર સાથે બેસીને માણી શકાય તેવું શુદ્ધ,સાત્વિક અને સુરુચીભર નિર્દોષ હાસ્ય આપનાર શાહબુદીનભાઈ રાઠોડ સાથે રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ ની વર્ષ ૨૦૧૨ ના દીપાવલીના પર્વ નિમિત્તે એક ખાસ મુલાકાત ગોઠવાઈ હતી.
તારીખ ૦૯-૧૨-૧૯૩૭ ને ગુરુવારના રોજ સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે તેઓનો જન્મ થયો અને માઘ્યમિક શિક્ષણ તેઓએ થાનગઢમાં જ લીધું. અને જે શાળામાં ભણ્યા ત્યાં જ શિક્ષક થયા, ત્યાં જ પ્રિન્સીપાલ થયા અને ત્યાંજ નિવૃત થયા. તેઓ જે સ્કુલમાં આચાર્ય હતાં ત્યારે સ્કુલમાં ૧૦૦૦૦ થી વધુ પુસ્તકો હતા. તેના વાંચનના શોખના કારણે તેઓ વાંચતા વાંચતા તેઓ લેખક પણ થઇ ગયા. તેઓએ અત્યાર સુધીમાં દસેક જેટલા પુસ્તકો પણ લખ્યા છે. આ બધી વ્યસ્તતા વચ્ચે તેઓ આજની તારીખમાં પણ રામનવમીના દિવસે તેના દરેક મિત્રો અને સંબંધીઓને નિયમિત મળે છે. આ ક્રમ ૧૯૫૪થી ચાલ્યો આવે છે. તેઓએ ૩૫ વર્ષ નવરાત્રીનું સુંદર સંચાલન કરેલ છે તથા ૩૦ વર્ષથી વોલીબોલ ટુર્નામેન્ટ પણ યોજે છે અને થાનગઢ માં યોજાતા ગણપતી મહોત્સવ માં સુંદર સહયોગ પણ આપે છે.
શાહબુદીનભાઈ રાઠોડ ગામના દરેક પ્રસંગે પોતે હાજરી આપતાં અને તેની રમુજ વૃત્તિના લીધે લોકો તેને બોલવાનું કહેતા આ રીતે નાના નાના કાર્યક્રમો આપતાં આપતાં તેઓ આજે વિશ્વ કક્ષાના હાસ્ય કલાકાર થઇ ગયા છે તેમનો સૌ પ્રથમ કાર્યક્રમ ૧૪-૧૧- ૧૯૬૯ ના રોજ લીમડી ખાતે યોજાયો હતો અને તેની જિંદગીનો ૧૭૫ રૂપીયા નો પ્રથમ પુરસ્કાર તેમને ત્યારે મળ્યો હતો. તેઓએ જણાવેલ કે હાસ્ય એટલે કરુણતાની ચરમસીમા ગણાય અને શાહબુદીનભાઈ ભવિષ્યમાં પણ જીવનના સાદા સત્યને હળવાશ તરીકે રજુ કરવાની ઈચ્છા ધરાવે છે.
તેઓની આ હાસ્ય યાત્રા દરમ્યાન તેમને સબીરાબેન જેવા ધર્મપત્નિ અને સ્વ.રમેશ મહેતા જેવા ઉમદા મિત્રોનો હમેશા સાથ મળ્યો છે. શાહબુદીનભાઈ રાઠોડના દામ્પત્ય જીવનમાં તેઓને બે પુત્રો અને બે પુત્રીઓ છે. તેઓ ફુરસદના સમયમાં ચિત્રોનો શોખ હોવાથી તે સારા ચિત્રો પણ દોરે છે. એ જમાનામાં ગીત સંગીત અને લોકસાહિત્યનું મહત્વ હાસ્યરસ જેટલુ નહોતું. એ સમયે શાહબુદીનભાઈ રાઠોડે ડાયરાઓમાં પડેલી હાસ્યની ખાલી જગ્યા પોતાના કાર્યક્રમોથી ભરી દીધી અને ત્યાર પછી લોકો મનભરીને માણી શકે તેવા હાસ્ય દરબારોનો સિલસિલો ચાલુ થયો અને હાસ્ય કલાકારોને લોકો માનથી જોતા થયા.
હાસ્ય જગતની આ સફળતા પાછળ શાહબુદીનભાઈ રાઠોડ જેવા હાસ્યના ભીષ્મ પિતામહનો અથાગ પરિશ્રમ પડેલો છે. આજે શાહબુદીનભાઈ રાઠોડ નામથી જ દેશ વિદેશના શો હાઉસફૂલ થઈ જાય છે અને તેની રજુઆતની વિશિષ્ટ્તાથી તેઓ આબાલ વૃદ્ધ, ગરીબ, અમિર, શિક્ષિત કે અભણ તમામ પ્રકાર વર્ગને સમાન અસરથી રાજી કરતા હોવાથી આજે ભારતનાં વિશ્વ વંદનીય સંતો, મોટા ગજાના નેતાઓ, ઉદ્યોગપતિઓથી લઈ અધિકારીઓ અને નાનામાં નાના માણસ તેને આદરથી સાંભળે છે જે તેના વક્તવ્યનો જાદુ છે. તેઓની ૪૩ વર્ષની આ હાસ્યયાત્રા દરમ્યાન તેમની ૨૦૦૬માં વિશ્વ ગુજરાતી કોન્ફરન્સમાં પસંદગી પણ થઈ હતી અને નાના મોટા ઘણા એવોર્ડ અને સન્માન પણ મેળવેલ છે. પણ આ બધાથી સહુથી મોટી બાબત તેમને મળી છે જે છે તેનો મોટો ચાહકવર્ગ….
શ્રી શાહબુદીનભાઈ રાઠોડે તેના વાંચનના ઉત્તમ જ્ઞાનને વાંચવા સાથે સમજ્યું પણ છે. તેથી તેના કાર્યકર્મોમાં તેઓ ક્યારેય મર્યાદા ઓળંગતા નથી જે તેનું જમાપાસું છે. તેમના પ્રત્યે પ્રસંગોમાં હાસ્યની સાથે જિંદગીની ઘણી બાબતો શીખવા અને સમજવા પણ મળે છે. જેમને સંભાળવા એ તો મોટી તક ગણાય જ, પણ તેમને મળવું તેનાથી પણ વઘુ મોટી તક ગણાય જે અતુલભાઈ ચોટાઈને મળી હતી.
દિપાવલી તેમજ નૂતન વર્ષના પર્વ નિમિત્તે શ્રી શાહ્બુદીનભાઈ રાઠોડ સાથે અમારા મિડિયા પરીવારને પણ આ ખાસ મુલાકાતમાં હાજર રહેવાનો અનેરો અવસર મળ્યો હતો. આ મુલાકાત દરમીયાન શાહ્બુદીનભાઈએ અમારા સહુ સાથે ખૂબ જ નિખાલસતા પૂર્વક વાતો કરી હતી અને અમારી પ્રગતિ માટે આશીર્વાદ પણ આપ્યા હતા. શાહ્બુદીનભાઈ રાઠોડ સાથેની આ મુલાકાતમાં શ્રી અલખગીરીબાપુ (થાનગઢ) તથા શ્રી કિશોરભાઈ પઢારિયા (અલખ ફાઉન્ડેશન-થાનગઢ) અતુલભાઈ ચોટાઈની સાથે રાજકોટ ના જાણીતાં વેબ ડીઝાઈનર શ્રી અલ્પેશભાઈ સાપરિયા અને પ્રેસ ફોટોગ્રાફર શ્રી વિપુલભાઇ પડાલીયા હાજર રહ્યા હતા. શ્રી શાહ્બુદીનભાઈ રાઠોડનો શ્રી શાહ્બુદીનભાઈ રાઠોડ, “આશીયાના”, મંગલદીપ સોસાયટી, થાનગઢ-૩૬૩ ૫૩૦ (જી – સુરેન્દ્રનગર) ના સરનામે પત્ર વ્યવહારથી સંપર્ક કરી શકાય છે.