ATUL N. CHOTAI

a Writer

રાજકોટની આ બહાદુર યુવતીના સંઘર્ષને આપણે સલામ કરવી જ પડશે

Hetal Chauhan

Hetal Chauhan

તમે જેના વિશે વાચવા જઇ રહ્યા છો એ રાજકોટની ૧૮ વર્ષની યુવતી હેતલ ચૌહાણને તમારે સલામ કરવી જ પડશે.. એની હિંમત બદલ, એના સંઘર્ષ બદલ, એના હિમાલય સમા સંકલ્પબળ બદલ, એના પ્રચંડ આત્મવિશ્વાસ બદલ અને તેણે મેળવેલી સિધ્ધિઓ અને સફળતા બદલ એ યુવતીને લાખ લાખ અભિનંદન પાઠવવા જ પડશે.

હેતલની ઉંમર અત્યારે ૧૮વર્ષની છે. વિધાતાએ તેની સાથે ક્રૂર છળકપટ કર્યું છે. હેતલને જન્મથી જ હાથ નથી. આ વિકલાંગતા સામે કોઇપણ હારી જાય. પણ, હાર માને એ હેતલ નહીં. મન મક્કમ જો દરિયો તરવા, પછી વહાણની શું જરૂર અનેક વિટંબણાઓ, તકલીફો અને હાથ જેવા હાથના અભાવ વચ્ચે હેતલે સફળતાઓને પોતાની અદૃશ્ય મૂઠ્ઠીઓમાં કેદ કરી છે. હેતલ કહે છે જન્મથી મારે હાથ નથી, નાની હતી ત્યારે તો એ સમજણ પણ નહોતી કે ઇશ્વરે મને હાથ નથી આપ્યા. જન્મથી જ હાથ વગર ઉછરી અને સાચું કહું તો મને ક્યારેય એવું લાગ્યું નથી કે મારે હાથ નથી. હા.. મોટી થઇને સમજણ આવી ત્યારે એ વિકલાંગતાનો ખ્યાલ આવ્યો. હાથવાળા મારી ઉંમરના અન્ય બાળકોને નિહાળીને મને થતું કે ઇશ્વરે મને કેમ હાથ ન આપ્યા ક્યારેક માયુસ પણ થઇ પણ તેવા પ્રસંગોએ મારા મમ્મી પપ્પાએ મને ખૂબ સધિયારો આપ્યો, ખૂબ પ્રેમ આપ્યો અને એમના એ પ્રેમે મને જિંદગી જીવવાનું બળ આપ્યું.

હેતલના માતા કંચનબેન અને પિતા લક્ષ્મણભાઇ માટે હેતલનો ઉછેર સહેલો નહોતો. હાથ વગરની હેતલ સંપૂર્ણપણે તેમના પર આધારિત હતી. પણ થાક્યા વગર, કંટાળ્યા વગર, હાર્યા વગર એ બન્નેએ હેતલને ધીમે ધીમે સ્વનિર્ભર બનાવવાનું શરૂ કર્યું. હેતલ પાંચ વર્ષની થઇ એટલે તેને નજીકની વાસુદેવ સ્કૂલમાં ભણવા માટે બેસાડી. મુશ્કેલી એ હતી કે લખવું કેવી રીતે પણ હેતલે હાથની અનિવાર્યતાને લાત મારી અને પગથી લખવાનું શરૂ કર્યું. ધીમે ધીમે હેતલ બધા કામ પગથી કરવા લાગી.

આજે તમે હેતલને તેમના મોબાઈલ ઉપર ૭૭૭૮૮ ૨૦૪૪૯ ફોન કરો તો તે પગેથી ફોન ઉપાડે અને નિરાંતે વાત કરે. પગની આંગળીઓથી મોબાઇલ ફોનનું કી બોર્ડ ઓપરેટ કરે. અરે..  એ તો જમે છે પણ પગેથી, સામાન્ય માણસ કરે એ બધા કામ હેતલ ખૂબ સહજતાથી પગ વડે કરે છે. હેતલે લખવાનું શરૂ કર્યું ત્યાં શાળામાં ચિત્રકળાનો પણ વર્ગ હતો. હેતલે તેમાં પણ પગ અજમાવ્યો ચિત્રકળાનું તેને ઘેલું લાગ્યું. એ કળામાં નિપૂણતા મેળવવાની તેની સળગતી ઇચ્છા નિહાળી તેને બાલભવનની સભ્ય બનાવાઇ. હેતલ કહે છે મારા મમ્મી પપ્પાએ મારા માટે ખૂબ ભોગ આપ્યો.

રાજકોટ ના  ગોડલ રોડ પર છેક છેવાડે આવેલા પુનિતનગરમાં રહેતી હેતલને તેના પિતા દરરોજ બાલભવન લેવા મૂકવા આવતા. એ ક્રમ વર્ષો સુધી ચાલુ રહ્યો અને આજે તો હેતલ એવા ચિત્રો દોરે છે કે કસાયેલા પીઢ ચિત્રકારો પણ બે ઘડી મોઢામાં આંગળાં નાખી જાય. હેતલ કહે છે મારો એક જ સંદેશો છે, કદી હાર ન માનો, લડો, લડતા રહો, સંઘર્ષથી થાકો નહીં અને અભાવોને મહાત કરવાનો જુસ્સો કેળવશો તો સફળતા તમારા કદમ ચૂમશે…

હેતલની સફળતા અચંબિત કરી દે તેવી છે. તેને પ્રતિષ્ઠાભર્યા બાલશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.  દિલ્હીમાં આ અંગે યોજાયેલા સમારોહમાં તેના પિતા તેને લઇ ગયા હતા અને જ્યારે હાથ વગરની હેતલને રાષ્ટ્રપતિના વરદ હસ્તે એવોર્ડ અપાયો ત્યારે ઉપસ્થિત સહુએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપી સન્માની હતી. બોલો..  આવી બહાદુર આપણા રાજકોટની યુવતીને સલામ કરવી પડે કે નહી,,??  હેતલના પિતા લક્ષ્મણભાઇ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મજૂરી કામ કરે છે. દેખીતી રીતે જ આર્થિક સ્થિતિ નબળી છે. કાળઝાળ મોંઘવારીમાં બે છેડાં ભેગા કરવાનું મુશ્કેલ પડે પણ તે સંજોગોમાં પણ લક્ષ્મણભાઇએ પોતાના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. હેતલની મોટી બહેન એમ.કોમ.નો અભ્યાસ કરે છે. નાનોભાઇ ધો.૧૦ મા ભણે છે અને હેતલ પણ હવે કોલેજમાં પ્રવેશ મેળવશે.

Advertisements

Comments are closed.