ATUL N. CHOTAI

a Writer

સફેદ સાડી, કાળું રંગ વગરનું વૃંદાવનની વિધવાઓ જીવન જીવે છે

Vraundavan Holi Utsav

Vraundavan Holi Utsav

વૃંદાવનમાં હોળીનો ઉત્સવ મનાવતી વિધવાઓ આખું વર્ષ કેવી રીતે પસાર કરે છે તે અંગે કદાચ તેમના પર અભ્યાસ કરીને સાચી હકિકતો બહાર આવી શકે. આ વિધવાઓના પ્રશ્નોને વાચા આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મો અને કોમર્શિયલ ફિલ્મો પણ બની ચૂકી છે અને તેની રજૂઆતને લઈને વિવાદો પણ તે સમયે સર્જાયા હતા જેમાં દિપા મહેતાની વોટર ફિલ્મ મુખ્ય છે. પણ મૂળ પ્રશ્ન એ  છે કે ભારતમાં વિધવાઓની ખરેખર સંખ્યા કેટલી છે..? ભારતની વસતી ગણતરી મુજબ ૪ કરોડ જેટલી મહિલાઓ વિધવાઓ તરીકેનું જીવન જીવે છે જેમાં ચાર વર્ષની બાળકીઓનો પણ સમાવેશ થાય છે. જે પૈકી ૨૦થી ૬૦ હજાર માત્ર વૃંદાવનમાં આવેલા ૪૦૦૦ મંદિરો અને આશ્રમોમાં આશ્રય લઈને જીવન નિર્વાહ કરી રહી છે. પોતાનું બાકીનું જીવન રાધા અને કૃષ્ણને સમર્પિત કરીને તેઓ વૃંદાવનમાં વસવાટ કરી રહી છે. તેઓ દ્દઢપણે માને છે કે વૃંદાવનમાં તેઓ મૃત્યુ પામશે તો તેઓને મોક્ષ ચોક્કસ મળશે. એકલતામાં જીવન પસાર કરતી આ માયાઓ સામાજિક વ્યવસ્થાના નામે પોતાના ઘરોથી દૂર મોકલી દેવામાં આવતી હોય છે. કેટલીક વિધવાઓ જાતે ભાગીને અહીં આવતી હોય છે જેનું મુખ્ય કારણ સાસરિયાઓ દ્વારા આચરવામાં આવતા અત્યાચોરોથી બચવાનો આશય હોય છે તો  કેટલીક વિધવાઓને એટલા માટે અહીં ધકેલી દેવામાં આવતી હોય છે કે જેથી પતિના મૃત્યુ બાદ તેની મિલકતમાં કોઈ હક્કની માંગણી તે ન કરે. કેટલીક માયાઓના કેસમાં તેમના બાળકો જ તેમને ફોસલાવીને અહીં મૂકી જતા હોય છે કારણ કે સંતાનોને પોતાની માતાની સારસં ભાળ એક બોજો લાગવા માંડી હોય છે.  વૃંદાવન, વારાણસી અને મથુરાના મંદિરો અને આશ્રમોમાં હજારોની સંખ્યામાં વસતી આ વિધવાઓમાં સૌથી વધુ સંખ્યા પશ્ચિમ બંગાળ અને બિહારની છે. પશ્ચિમ બંગાળની વિધવાઓ સૌથી વધુ અહીં જોવા મળે છે તેના પાછળનું સૌથી પ્રચલિત કારણ છે ધાર્મિક ગુરુ ચૈતન્ય મહાપ્રભુ જેઓ રાજ્યના નાદિયા જિલ્લાના રહેવાસી હતા તેઓ અહીં આવ્યા હતા અને પૂજા-અર્ચના માટે આશ્રમો અને ઘરો સ્થાપ્યા હતા. પરંતુ તેની પાછળનું કારણ કંઈક વધુ ગાઢ છે. વર્ષ ૨૦૧૦માં એનસીડબલ્યુએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં વિધવાઓની પરિસ્થિતિ દેશના તમામ રાજ્યો પૈકી સૌથી ખરાબ છે. વર્ષ ૨૦૦૭ થી વિધવાઓનું પેન્શન ૫૦૦ રૂપિયાથી મહિને ૭૫૦ કર્યું હોવા છતાંય રાજ્ય સરકારે ક્યારેય દરકાર નથી કરી કે વિધવા કે જે વૃંદાવનમાં નિરાધાર તરીકે જીવી રહી છે તેમની પરિસ્થિતિ ખરેખર કેવી છે. પશ્ચિમ બંગાળમાં ગરીબ ઉપરાંત પિતૃસત્તાક સમાજના કારણે રાજ્યમાં વિધવાઓને રહેવું વધુ કપરું છે તેથી જ મોટી સંખ્યામાં વિધવાઓ વૃંદાવન તરફ આકર્ષાય છે.

નેશનલ કમિશન ફોર વુમન દ્વારા રજૂ થયેલા આંકડાઓ મુજબ આ મહિલાઓ પૈકી ૮૦ ટકા અભણ હોય છે અને ૬૦ ટકાથી વધુ મહિલાઓ ૬૦ વર્ષથી વધુ ઉંમરની છે. આશ્રમોમાં ભજન – કિર્તન કરવા માટે આ વિધવાઓને દિવસના માંડ ત્રણથી ચાર રૂપિયા મળે છે. કેટલીક નસીબદાર વિધવાઓને આશ્રમ તરફથી કરિયાણું પણ મળે છે. પરંતુ તેમના જીવન નિર્વાહની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા તે પૂરતું ન હોવાથી અનેક વિધવાઓ ભીખ માંગવાથી માંડીને દેહવ્યાપાર સાથે સંકળાય છે. ચોંકાવનારી બાબત એ છે કે સમગ્ર વિશ્વમાં એચઆઈવી ગ્રસ્ત લોકોની સંખ્યા જેટલી વિધવાઓ ભારતમાં છે.  જિલ્લા વેલફેર ટ્રસ્ટની ઓફિસના આંકડાઓ મુજબ, વૃંદાવનમાં માત્ર ૮૯૨ મહિલાઓને પેન્શન મળે છે જેની રકમ માત્ર ૧૮૦૦ રૂપિયા પ્રતિ વર્ષ છે. માત્ર ૨૮ ટકા વિધવાઓને પેન્શન માન્ય કરવામાં આવ્યું છે જેમાંથી માત્ર ૧૧ ટકા વિધવાઓને જ તેમને માન્ય થયેલું પૂરું પેન્શન મળે છે. વૃંદાવનમાં રહેતી વિધવાઓને ઊંડો દરિયો કે શેતાન આ બે માંથી એકની પસંદગી કરવાની તક મળે છે. જેથી સવાલ એ છે કે માત્ર ચાર દિવસનો હોળીનો તહેવાર ઉજવવાની છૂટ આપવા ઉપરાંત તેમના હકપાત્ર પેન્શનને તેમના સુધી પહોંચાડવું તેટલું જ અગત્યનું છે. પોતાના હકોની માંગણીઓ રજૂ કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવાની જરૂરિયાત છે. પોતાને મંદિરો અને આશ્રમોમાં ભોગવવા પડતા કષ્ટો સામે અવાજ ઊઠાવવાની તક આપવાની જરૂરિયાત પણ જણાય છે. વૃંદાવન અને પશ્ચિમ બંગાળમાં વધુ સંખ્યામાં પુનઃવસન આવાસોનું નિર્માણ કરવાની પણ તાતી જરૂર છે જેમાં ખોરાક અને તબીબી સારવારની સારી સગવડો ઊભી કરવામાં આવી હોય. બેરંગ જીવનમાં હોળીના રંગ ઉમેરી  વૃંદાવનમાં વિધવાઓએ હોળી ના દિવસે  વિવિધ રંગે હોળી રમી હતી. (પીટીઆઇ ફોટો)

Advertisements

Comments are closed.