ATUL N. CHOTAI

a Writer

ગુજરાત એક અનોખું ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન ઇતિહાસ ની ઝાંખી કરાવે છે

Gandhi Smruti Railway Station - Navsari

Gandhi Smruti Railway Station – Navsari

ગુજરાત ના નવસારીથી દાંડી જવાના રસ્તે એરૂ ચાર રસ્તા અગાઉ હાંસોપોર પાસે એક રેલવે ફાટક આવે છે. આ રૂટ મુંબઈ તરફ આવતો – જતો હોવાથી સતત આ ફાટક તમને બંધ જ જોવા મળે. ઘડીક વાર માટે તો થોભવું જ પડે. આ ફાટક આમ તો અન્ય ફાટકોની જેમ સાવ સામાન્ય ફાટક જ ગણાય જ્યાં સુધી તમારી નજર બાજુમાં અડીખમ ઉભેલા એક નાનકડા સ્ટેશન પર ના પડે. અહીંથી દાંડી જવાના માર્ગ પર એક સ્ટેશન આવે છે જેનું નામ છે ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન  આ સ્ટેશન ગાંધીજી ની સ્મૃતિઓ સાથે સંકળાયેલું છે એટલે જ તેનું નામ આ સ્ટેશન સાથે જોડાયેલું છે. ઈતિહાસ તરફ ફરી નજર દોડાવીએ તો, ૧૨મી માર્ચ, ૧૯૩૦ના દિવસે સાબરમતિ આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રા બાદ ગાંધીજીએ દાંડી નજીક આવેલા કરાડી ગામે આંબાના વૃક્ષ નીચે ખજૂરીના છટીયાની ઝુંપડીમાં તારીખ  ૧૪.૦૪.૩૦ થી ૦૪.૦૫.૩૦ સુધી નિવાસ કર્યો હતો. દાંડીમાં ૬ એપ્રિલે શરૂ કરેલી નમક કાનૂન ભંગની લડતને કારણે તેમણે કરાડીથી જ ધરાસણાના મીઠાના અગર તરફ કૂચ કરવાના પોતાના સંકલ્પની જાણ બ્રિટિશ પ્રતિનિધિઓને કરી દીધી હતી  તારીખ ચોથી મે, ૧૯૩૦  ના રોજ અંગ્રેજ સરકારે ગાંધીજીની કરાડી ખાતેથી ધરપકડ કરી હતી. બાદમાં તેમને કરાડીથી મુંબઇ લાઇન પર હાંસોપોર લાવવામાં આવ્યા હતા. જ્યાં તારીખ પાંચમી મેના રોજ રાતે ૧: ૩૦  વાગે ફ્રંટીયર મેલને અહીં ઉભી રાખવામાં આવી હતી. વલસાડ લોકલ, ભરુચ શટલ, મુંબઈ લોકલ, સંજાણ- સુરત મેમુ ટ્રેનો ત્યાં ઉભી રાખવામાં આવે છે  એવી માહિતી મળે છે. કેમ એ સ્થળે ટ્રેન અચાનક ઉભી રાખવામાં આવી હતી. જે સ્થળે આજે સ્ટેશન છે ત્યાંથી ગાંધીજીને એ ટ્રેનમાં બેસાડી મુંબઇ લઇ જવામાં આવ્યા હતા. મુંબઇથી ગાંધીજીને પુણેની યરવેડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. એ દિવસની યાદગીરીરૂપે આજુબાજુના ગામોએ લડત ચલાવી હતી અને પરિણામ સ્વરૂપ ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન તારીખ ૧૫ -૦૮- ૧૯૯૭ ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ માત્ર એક એવું સ્ટેશન છે જ્યાં કદાચ એકપણ ટ્રેન એ ફાસ્ટ હોય કે લોકલ હોય થોભતી નહીં હોય. બાદમાં દાંડીયાત્રાની ૭૫ મી જ્યંતિ પ્રસંગે કોઇ પણ કારણ વગર આ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના વિરોધમાં હોંસોપોર ગાંધી સ્મૃતિ રેલવે હિતવર્ધક કમિટી દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું. ૧૦૫  દિવસના ઉપવાસ બાદ ફરી એકવાર સ્મૃતિ સ્ટેશનને શરૂ કરવામાં આવ્યું હતું. હાંસોપોર ગામના રેવન્યુ સર્વે નંબર ૪૦ ની જમીનમાં ગામના લોકો દ્વારા ગાંધીચોરો અને જલગૃહ બનાવવામાં આવ્યા છે. માટે  આ અનોખું ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન ઇતિહાસ ની ઝાંખી કરાવે છે

Advertisements

Comments are closed.