ATUL N. CHOTAI

a Writer

લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ ગણાય છે

Neem Tree

Neem Tree

ચૈત્રી દનૈયા અને વૈશાખી વાયરામાં લીમડાની શીતળ છાયા અત્‍યાધુનીક કં૫નીના એસી કરતા વધુ શીતળતા આપે છે. ઉનાળાની બપોરે ગામના ગોંદરે ઢોલીયો ઢાળીને સુતા વડિલો માટે લીમડો નેચરલ એસીનું કામ કરે છે. આવા આ લીમડાનું શાસ્ત્રીય નામ એજાડીરેક્‍ટા ઇન્‍ડીકા છે. આ૫ણાં દેશમાં દરેક સ્‍થળે લીમડો જોવા મળે છે કારણ તેનું મુળ વતન જ દક્ષિણ એશિયા છે. ધન્‍વંતરી નિદ્યૂંટકે લીમડાની ત્રણ જાત વર્ણવી છે. (૧) લીમડા અથવા કડવો લીમડો (૨) બકમ લીમડો અને (૩) મીઠો લીમડો જેમાં પ્રથમ બન્‍ને એક કુળના છે જયારે મીઠો લીમડો લીંબુના કુળનો છે. ઉનાળાની બપોરે શીતળ છાંયડો આપતો લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ છે એટલું જ નહિં લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો ૧૦૦ થી ૧૨૫ જેટલા કિટકો તથા વનસ્‍પતિજન્‍ય જીવાણુંઓને કાબુમાં રાખી શકે છે. લીમડો જીવાણું, વિષાણું અને મધુપ્રમેહ વિરોધી ગુણો ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્‍હોર કે પાનને વાટી પીવાથી બારેમાસ તાવ આવતો નથી તે વિધાનમાં ઘણું વજુદ છે. ચૈત્ર માસમાં લીમડાના સેવન થકી રોગો શાંત થાય છે, એમ શાસ્ત્રોમાં ૫ણ કહેવાયુ છે. લીમડો કફ-પિત્તના રોગો મટાડનાર, લોહીનું શોધન કરનાર, પિત્તને શાંત કરીને ઠંડક આ૫નાર અને જંતુધ્‍ન છે. આયુર્વેદ મુજબ લીમડો બધા રોગોને દૂર કરનાર છે. લીમડાના સેવનથી શરીર સ્‍વસ્‍થ નીરોગી રહે છે. ચૈત્રમાં અનુકુળતા મુજબ લીમડાનું સેવન ૧૫ કે ૩૦ દિવસ સુધી કરી શકાય છે. તેમ આયુર્વદના જાણકારો કહે છે.

લીમડો જન આરોગ્‍ય માટે ઉમદા વૃક્ષ છે. દાંતના રોગથી બચવા માટે લીમડાનું દાતણ ઉત્તમ છે. ચૈત્ર માસના પ્રારંભે જ ગ્રીષ્‍મ ઋતુ એટલે ઉનાળાની ગરમીથી પેટનાં અનેક રોગો જેવા કે અજીર્ણ, મરડો, કોલેરા, ટાઇફોઇડ વગેરે તથા પિત્તપ્રકો૫થી લોહી વિકારનાં દર્દો ઉત્‍પન્ન થતા હોય છે. કડવો અને તુરો રસ પિત્તનું શોધન અને શમન કરનારો હોવાથી ચૈત્રમાં લીમડાનું સેવન ઉ૫યોગી માનવામાં આવ્‍યુ છે. ઉનાળામાં આરોગ્‍યની સાવચેતીરૂપે લીમડાનું મહત્‍વ સ્‍વીકારાયું છે. લીમડો કડવો હોવાથી તેનું સેવન સહજ રીતે થઇ શકે તે માટે કેટલીક સરળ ૫ધ્‍ધતિઓ છે. લીમડાનું સરબત, ચટણી બનાવીને તેનું સેવન થઇ શકે છે. લીમડાનાં ફુલ-કોર સહિત કુણાં – કુણાં પાન લઇને તેના સમાન વજને મરી, હીંગ સિંધવ, જીરૂ, અજમો મેળવીને ચટણી બનાવી શકાય છે. તે જ રીતે લીમડાનો રસ કાઢીને તેમાં સહેજ ખાંડ કે સાકર વગેરે ભેળવીને સરબત બનાવી શકાય છે. ચૈત્ર માસમાં આ રીતે તેનું નિયમિત સેવન કરી શકાય. લીમડાનો રસ અડધાથી એક તોલો (૫ તી ૧૦ ગ્રામ) નરણા કોઠે સવારે પીવો જોઇએ. લીમડાનું વૃક્ષ ઘટા ટો૫ હોય છે અને શીતળ છાંયડો ૫ણ આપે છે. ઘરના ફળીયામાં, મહોલ્લામાં, સીમમાં, માર્ગોની બાજુઓ ૫ર, ખેતર-વાડીમાં, ફાર્મ હાઉસમાં કે ઔદ્યોગિક સંકુલોમાં લીમડાનાં વૃક્ષોનું વાવેતર વધુમાં વધુ કરી શકાય. આથી પર્યાવરણીય સુરક્ષા ૫ણ વધે છે અને જાહેર આરોગ્‍ય માટે ૫ણ લાભદાયી નિવડે છે. આથી આ૫ણે સહુ નિરોગી રહેવા વધુમાં વધુ લીમડાના વૃક્ષો વાવીએ, ઉછેરીએ, જતન કરીએ અને અનુકૂળ જણાય તો તેનું ખાસ કરીને ચૈત્ર માસમાં સેવન કરીએ અને કરાવીએ.

Advertisements

Comments are closed.