ATUL N. CHOTAI

a Writer

ઉનાળામા લુ લાગવાના લક્ષણો અને લુ થી બચવાના ઉપાયોની જાણકારી

Sun Stroke in Summer

Sun Stroke in Summer

સૌજન્ય  : પ્રાદેશિક માહિતી કચેરી – રાજકોટ : ગુજરાત રાજ્ય

ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં મહેનત મજુરી કરી જીવન ગુજારતા શ્રમિક વર્ગ માટે લુ ઘણી વખત જીવલેણ સાબીત થાય છે.અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરિરનું તાપમાન વધી જાય છે સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવો થવાથી ઘટી જાય છે પરંતુ બહારનું તાપમાન ખુબ જ ઉંચુ હોય ત્યારે આ પરસેવાથી તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી જેથી શરીરનું તાપમાન વધી હાથ-પગ દુઃખવા લાગે, ખુબ તરસ લાગે તેમજ ગભરામણ થાય અને ચકકર આવી જાય છે શ્વાસ ચડે અને હૃદયના ધબકારા વધી જાય અને જો ત્વરીત સારવાર ના મળે તો માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. સખત તાપમાં વધુ પડતી મહેનતનું કામ કરવાથી કે ફરવાથી તથા ગરમ હવાવાળા હવામાનમાં શરીરને પૂરતું ઢાંકયા વગર કામ કરવાથી પણ લૂ લાગે છે.

ઉનાળાની ગરમીને કારણે તાવ ચડી જાય, શરદી-ખાંસી થાય, માથું દુખે, ઊલટી કે ઊબકા આવે એ લક્ષણો લૂ નાં છે આકરો તડકો પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર થાય છે એ માટે કસદાર કાંદા ખૂબ જ ગુણકારી છે યાદ રહે કે જો લૂ થી બચવું હોય તો કાંદાની વાનગીઓ કરતાં કાચા કાંદા વધુ હિતકારી છે કાંદા બળપ્રદ, પચવામાં ભારે, મધુર, રુચિકર, સ્નિગ્ધ, કફકર અને ધાતુવર્ધક છે એનાથી ઊંઘ આવે છે પાચનઅગ્નિ પ્રદીપ્ત થાય છે આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ, ઊલટી કે રક્તપિત્તના દરદીઓ માટે એ ખૂબ ફાયદાકારક ગણાય છે. એનાથી વધુપડતો પરસેવો અને સોજો પણ ઘટે છે. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું પચવામાં પણ તકલીફ થાય છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને કાંદાનું કચુંબર ઉત્તમ દીપક અને પાચક ગણાયું છે. કાચી કેરી અને કાંદાના છીણમાં ગોળ, જીરું અને સિંધવ નાખીને બનાવેલું કચુંબર બપોરના ભોજનમાં અચૂક લેવું જોઈએ  એ ખાવાથી ભૂખ ઊઘડે છે તેમ જ ખાવાનું પચે છે એ લેવાથી ગરમ વાયરાને કારણે લાગતી લૂ થી બચી શકાય છે ઉનાળામાં થતા ઝાડા, ડિસેન્ટ્રી, મસા, અપચો, કબજિયાત દૂર કરે છે. જો સાંધાના દુખાવાને કારણે કાચી કેરીની ખટાશ સદતી ન હોય કે પછી સારી કાચી કેરી મળતી ન હોય તો કાકડી સાથે સૅલડ બનાવી શકાય. કાંદા અને કાકડી બન્નેને ઝીણાં સમારી એના પર સિંધવ, કાળાં મરી, જીરું પાઉડર અને ચપટીક ખડી સાકરનો ભૂકો ભભરાવીને તૈયાર થયું કાકડી કાંદાનું કચુંબર પણ એટલું જ ફાયદાકારક છે.

લુ લાગવાના લક્ષણોમાં જોઈએ તો માથાનો દુઃખાવો થવો, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, થાક લાગવો અને સ્‍નાયુનો  દુખાવો થવો, શરીરનું તાપમાન વધુ રહે, નાડીના ઘબકારા ૧૨૦ કે તેથી વધુ થવા, ચામડી લાલ થઇ જાય, મોટી ઉમર કે એકદમ નાની ઉંમરની વ્‍યકિત, જાડુ શરીર હોય તેવી વ્યકિત, જે વ્‍યકિત વાતાવરણથી ટેવાયેલ ન હોય તથા જે વ્‍યકિતને કોઇ ચેપ લાગેલો હોય કે પાચનતંત્રની ખરાબી, ઝાડા – ઉલ્‍ટી થયા હોય તેવી વ્‍યકિતને લુ લાગવાની શકયતા વધુ રહે છે. ઉનાળામાં લુ ન લાગે તે માટે  સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા, સખત તાપમાં સખત એક ધારૂ કામ ન કરવું પરંતુ કામ દરમિયાન થોડા થોડા સમયે આરામ કરવો, કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું, જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું પરંતુ તે બાજુ પીઠ રહે તે રીતે કામ કરવું, શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્‍લો રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે, લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ  જયારે આપણને  લુ લાગે ત્‍યારે સૌથી અગત્‍યનું કામ શરીરની ગરમી ઘટાડવાનું છે ત્યારે  જરા પણ સમય ગુમાવ્‍યા વગર સારવારના પગલાં લેવા જોઇએ સૌ પ્રથમ વ્‍યકિતને છાયામાં લાવો, લુ લાગેલ વ્‍યકિતએ પહેરેલા કપડા ઢીલા કરવા, શરીર પર ઠંડુ પાણી છાંટી શકાય અથવા ઠંડા પાણીમાં બોળેલા કપડા વડે શરીરને ઢાંકવું જોઇએ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, આરોગ્‍ય કર્મચારી તથા આંગણવાડી પર રખાયેલ પાઉડરના પેકેટમાંથી દ્વાવણ બનાવી દર્દીને પીવડાવવું જોઇએ, જેમ બને તેમ તેને વધુમાં વધુ પ્રવાહી આપવુ જોઇએ પ્રાથમિક સારવાર બાદ બને તેટલા જલદી દર્દીને નજીકના દવાખાને કોઇપણ જાતની ઢીલ વિના ખસેડવા જરૂરી છે  ઉપરોકત સંજોગોમાં વધુ સારવાર માટે નજીકના આરોગ્‍ય કેન્‍દ્રનો સંપર્ક સાધવા મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ધ્વારા જણાવાયુ છે.

Advertisements

Comments are closed.