ATUL N. CHOTAI

a Writer

નિખાલસ હોવું અને નફ્ફટ હોવું એ બે માં અંતર છે..

– ગીતા માણેક

થોડા દિવસ અગાઉ એક પરિચિત ભાઈને મળવાનું થયું. આપણે અહીં તેમને રમેશ તરીકે સંબોધીશું. રમેશભાઈ અમને હોંશે-હોંશે તેમના ઘરે લઈ ગયા. ઘર સરસ હતું, મોટું હતું. સહજભાવે તેમને પૂછ્યું કે અરે, વાહ..! ફ્લેટ તો બહુ સરસ છે. કેટલામાં ખરીદ્યો..?? બહુ મોંઘો હશે નહીં..?? ત્યારે તે રમેશભાઈ ખડખડાટ હસી પડ્યા. છે તો બહુ મોંઘો પણ આપણને તો સાવ મફતના ભાવમાં પડ્યો. તેમની વાત કંઈ સમજાઈ નહીં એટલે અમે તેમની સામે જોઈ રહ્યા. તેમણે ફોડ પાડીને અમને સમજણ પાડી કે એમાં એવું છેને કે આ ફ્લેટના માલિકે મને આ ફ્લેટ રહેવા માટે આપ્યો. આમ તો લીવ એન્ડ લાયસન્સથી આપ્યો હતો પણ તમે તો જાણો છોને કે આપણને લોકોને બાટલામાં ઉતારતા કેવું આવડે છે..?? રમેશભાઈ બોલવે બહુ મીઠા હતા અને ધંધો પણ તેમનો મીઠાઈનો જ હતો. કોઈ પણ વ્યક્તિ સાથે બહુ ઝડપથી દોસ્તી કરી શકે અને દોસ્તી થતાંની સાથે જ તેમના ઘરે મીઠાઈના ડબ્બાઓ મોકલી આપે. તેમની દુકાનમાં ફરસાણ અને જાતભાતના નાસ્તાઓ વેચાય એ પણ મોકલી આપે અને સંબંધો તો એવા વિકસાવે જાણે મેળામાં છૂટા પડી ગયેલા સગા ભાઈને ન મળતા હોય! આવો જ સંબંધ તેમણે પેલા ફ્લેટના માલિક સાથે વિકસાવ્યો. એકબીજાના ઘરે આવનજાવન શરૂ થઈ. કોઈ વાર તે ફ્લેટ માલિકના છોકરાની સ્કૂલબસ ન આવી હોય તો વહેલી સવારે તેને સ્કૂલે પણ મૂકી આવે, તેમના ઘરમાં ગેસનો બાટલો ખલાસ થઈ ગયો હોય તો એ પણ પહોંચાડી આવે, ઇલેક્ટ્રિશયન કે પ્લમ્બરની જરૂર પડે તો તેને પણ શોધી લાવે. ટૂંકમાં, ફ્લેટના માલિકનો અને તેના પરિવારનો પૂરેપૂરો વિશ્ર્વાસ રમેશભાઈએ સંપાદન કરી લીધો. સ્વાભાવિક રીતે જ ફ્લેટના માલિકે અગિયાર મહિના બાદ તરત જ એગ્રીમેન્ટ રિન્યુ કર્યું. જે રીતે આ ભાડૂઆત તેમના ઘરના સદસ્ય જેવો થઈ ગયો હતો એ જોતા ફ્લેટના માલિક નિશ્ર્ચિત થઈ ગયા હતા. બીજી વાર રિન્યુ કરવાનો વારો આવ્યો તો રમેશભાઈએ ઘરની જ વાત છે ગમે ત્યારે એગ્રીમેન્ટ કરી લઈશું કહીને સમય ખેંચી કાઢ્યો. ફ્લેટ હતો તેમની પત્નીના નામનો. એક દિવસ જ્યારે તે ફ્લેટ માલિક બહારગામ હતો ત્યારે રમેશભાઈ ફ્લેટના માલિકની પત્ની પાસે પહોંચી ગયા અને એક દસ્તાવેજ પર એમ કહીને સહી કરાવી લીધી કે તમારા પતિએ મને આ કાગળ કુરિયરથી મોકલ્યા છે. બહુ અરજન્ટ છે એટલે તમે આના પર સહી કરી આપો. તે મહિલાએ સહી કરી આપી કારણ કે રમેશભાઈ તો હવે ઘરના સભ્ય જેવા જ હતા. તે ફ્લેટ માલિક જ્યારે બહારગામથી પાછા આવ્યા ત્યારે તેમને જાણ થઈ કે તે સોસાયટીના બોર્ડ પર ફ્લેટના માલિક તરીકે રમેશભાઈનું નામ આવી ગયું હતું. ફ્લેટ રમેશભાઈના નામે થઈ ગયો હતો. જે કાગળો પર ફ્લેટ માલિકની પત્નીએ સહી કહી આપી હતી એ પાવર ઑફ એટર્ની હતી. મતલબ કે એ ફ્લેટનું જે કંઈ કરવું હોય એ તેમના વતી કરી શકવાની પરવાનગી આપતા દસ્તાવેજ.

આ આખી વાત રમેશભાઈએ જાણે તેઓ કોઈ જંગ જીતી લાવ્યા હોય કે પછી કોઈ મોટી બિઝનેસ ડીલ કરી આવ્યા હોય એ રીતે સવિસ્તાર અને બિલકુલ નિ:સંકોચ થઈને કરી હતી. તેમના શબ્દોમાં કહીએ તો તેમણે ‘નિખાલસ’ કબૂલાત કરી હતી કે હા, મેં છેતરપિંડી કરીને દોઢ કરોડનો આ ફ્લેટ પચાવી પાડ્યો છે. જુઓ, જીવનમાં આગળ વધવું હોય તો આવું બધું કરવું જ પડે. અબજોપતિ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને કરોડપતિ વેપારીઓ કેવી-કેવી છેતરપિંડી કરતા હોય છે એની આખી ગાથા પણ તેમણે સંભળાવી દીધી. આ બધાની સરખામણીમાં પોતે તો સાવ નાનું એવું જ ખોટું કામ કર્યું છે એવું તેઓ ઠસાવવા માગતા હતા. અલબત્ત, આ બધું તેઓ એકદમ ઈમાનદારીથી અને જરા પણ અપરાધભાવ અનુભવ્યા વિના કહી રહ્યા હતા! ઉપરાંત, હું તો બધું ખુલ્લંખુલ્લા કરવામાં માનું છું, બેઈમાની કરવી તો પણ ઈમાનદારીથી એવું તેઓ ખડખડાટ હસતા-હસતા કહી રહ્યા હતા. ફ્લેટ માલિકે રમેશભાઈ સામે કોર્ટમાં કેસ કર્યો હતો પણ એ ફ્લેટ પોતાનો છે એ પુરવાર કરતા તેમના પગરખાં ઘસાઈ જવાના અને માથે ટાલ પડી જવાની એ રમેશભાઈ સારી રીતે જાણતા હતા અને એની ‘નિખાલસ’ કબૂલાત પણ કરતા હતા.

આવા જ એક બહેન વિશે સાંભળ્યું. તેમને આપણે ભાવનાબેન તરીકે ઓળખીશું. ભાવનાબેનની આબરૂ એકદમ હોંશિયાર અને સ્માર્ટ વ્યક્તિ તરીકેની છે. શ્રીમંતની યાદીમાં જેમનું નામ મૂકી શકાય એવા ભાવનાબેનના સાસુ વર્ષો સુધી તેમના નાના દીકરા એટલે કે ભાવનાબેનના દિયર-દેરાણી સાથે રહ્યા. વૃદ્ધ સાસુને કેન્સર છે એવું નિદાન થતાં જ ભાવનાબેન તેમને પોતાના ઘરે રહેવા લઈ આવ્યા. થોડાક મહિનાઓમાં સાસુનું મૃત્યુ થયું અને ભાવનાબેને કિટી પાર્ટીમાં પોતાની સ્માર્ટનેસની ‘નિખાલસ’ કબૂલાત કરી લીધી. ભાવનાબેને તેમની બહેનપણીઓ પાસે પોતાની આવડત અને દૂરંદેશીની શેખી મારતા કહ્યું કે કેન્સરનું નિદાન થયું એટલે એટલું તો સમજાઈ જ ગયું કે હવે આ ઉંમરે સાસુજી કંઈ લાંબું તો ટકવાના નથી એટલે મેં તેમને ઘરે લાવવાનું રિસ્ક લઈ જ લીધું. એની પાછળ કારણ હતું સાસુજીના કાનમાં જૂના જમાનાના સાચા હીરાના લવિંગિયા ઝગારા મારતા હતા અને હાથમાં સોનાની બંગડીઓ, ગળામાં ચેન અને નાકમાં ઝગમગતો હીરો. સાસુજીનું મૃત્યુ મારે ત્યાં થયું એટલે મેં તો પહેલાં જ એ બધું કાઢી લીધું. એવા સમયે કોઈ ક્યાં કંઈ પૂછવાનું હતું. દિયરના ઘરે તેઓ મૃત્યુ પામ્યા હોત તો બધું દેરાણીના ભાગે આવ્યું હોત. ભાવનાબેને કહી દીધું કે આજના જમાનામાં થોડાક ચબરાક તો થવું પડે..!!

આવા જ પ્રકારની વધુ એક ‘નિખાલસ’ કબૂલાત જાહેરજીવનમાં પ્રતિષ્ઠિત ગણાતી વ્યક્તિ પાસેથી સાંભળવા મળી. આ ભાઈને આપણે અહીં ભરતભાઈ તરીકે ઓળખીશું. ભરતભાઈની સમાજમાં પ્રતિષ્ઠા છે અને તેઓ જાહેરજીવનમાં પણ કાર્યરત છે. કેટલીક વ્યક્તિઓના તેઓ આદર્શ પણ છે. ઘણાં લાંબા સમય બાદ તેમને એક પાર્ટીમાં મળવાનું થયું. તે ભાઈ સાથે આવેલી ટીનએજર છોકરીને અમે તેમની દીકરી હશે એમ માનીને વ્હાલથી પૂછ્યું, કેમ છો બેટા..?? મમ્મી નથી આવી..?? અમારો સવાલ સાંભળીને તે છોકરી અને ભરતભાઈ બંને એવી રીતે હસ્યા જાણે અમે કોઈ બેવકૂફીભર્યો પ્રશ્ર્ન પૂછ્યો હોય. થોડીક વાર તો અમને સમજાયું નહીં કારણ કે ભરતભાઈને બે દીકરીઓ હતી એની અમને ખબર હતી અને તેને બેટા કહીને બોલાવવામાં કે તેની મમ્મી એટલે ભરતભાઈની પત્ની વિશે પૂછવામાં અમે એવો કયો ગુનો કરી નાખ્યો હતો એની અમને કંઈ ગડ પડી નહીં. મારી સાથે ઊભેલી બહેનપણીએ મારો હાથ જોરથી દબાવ્યો. હું તેને કંઈ પૂછું એ પહેલાં જ ભરતભાઈએ જ ‘નિખાલસતા’થી કહ્યું, આ મારી ગર્લફ્રેંડ છે. હું મારી પત્ની સાથે નથી રહેતો. અમે છૂટાં પડી ગયા છીએ. અલબત્ત, કાયદેસર છૂટાછેડા નથી લીધા. એમાં શું છેને કે કાયદેસર છૂટાછેડા લઉઁ તો પછી પૈસા આપવા પડેને!’ કહેતાં ભરતભાઈ હેં..હેં…હેં..હેં કરીને હસ્યા. તેમણે સાવ નિખાલસતા’થી કહ્યું કે બંને દીકરીઓ તેમની પત્ની સાથે જ રહે છે અને તેમને ઉછેરવાની બધી જ જવાબદારી તે જ ઉપાડે છે. આપણે તો એકદમ ફ્રી-બર્ડ. રમતારામ. ભરતભાઈએ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પત્ની સાથે ન ફાવ્યું તો બસ અલગ થઈ ગયો. ખોટેખોટા દેખાડા નહીં કરવાના. બીજા લોકોની જેમ ચોરીછૂપે કંઈ નહીં. બધું ખુલ્લંખુલ્લા. બે વ્યક્તિએ સાથે રહેવાનું નક્કી કર્યું, ન ફાવ્યું તો જુદા થઈ ગયા. ઇટ્સ સિમ્પલ. યુનો, મારી પત્ની સાથે મારો કોઈ બૌદ્ધિક મેળ નહોતો ખાતો. હવે એવી રીતે જિંદગી વેંઢારવાનો શું મતલબ..??

આ કિસ્સાઓમાં રમેશભાઈ, ભરતભાઈ કે ભાવનાબેન પોતાને દંભરહિત અને નિખાલસ સ્પષ્ટવક્તા માને છે પણ આને નિખાલસ હોવું કહેવાય કે નિર્લજ્જતા..?? ભરતભાઈ તો એવી દલીલ પણ કરે છે કે કેટલાય પુરૂષો છાનગપતિયાં તો કરતા જ હોય છે. સેક્રેટરી કે સાળી સાથે ચોરીછૂપે રાસલીલા કરી લેતા હોય છે જ્યારે આપણે એવું કંઈ કરતા નથી. જે કંઈ કરીએ તે ખુલ્લંખુલ્લા..!! તેમના પોતાના વર્તુળમાં અને સમાજમાં બૌદ્ધિક ગણાતા ભરતભાઈને બે સંતાનો થયા ત્યાં સુધી કેમ સમજ નહીં પડી હોય કે તેમની પત્ની તેમના બૌદ્ધિક સ્તરની નથી કે પછી તેમની વચ્ચે મનમેળ નથી. અહીં કોઈના અંગત જીવનમાં માથું મારીને ગોસિપ કરવાનો આશય નથી પણ આજે જેને નિખાલસતા કહેવામાં આવે છે એમાં નિર્લજ્જતા અને નફ્ફટાઈ વધારે છે. જેને દંભ અને આડંબર કહેવામાં આવે છે એ દરેક વખતે એવું જ હોય એ જરૂરી નથી. કેટલીક વાર મનના આવેગોને આધીન કોઈ વ્યક્તિ લગ્નબાહ્ય સંબંધ બાંધે કે પછી કોઈ અનૈતિક પગલું ભરે તો પણ એને માટે તેના મનમાં ડંખ થતો હોય કે પછી પોતાની જવાબદારીનું ભાન હોવાથી આપણે જેમની વાત કરી એ ભરતભાઈની જેમ પોતાના જ સંતાનોને પત્નીના માથે મારીને ફ્રી-બર્ડ ન થઈ શકે એને દંભી કહી શકાય..?? રમેશભાઈને કે ભરતભાઈને નિખાલસ’, બિનધાસ્ત કે સ્પષ્ટવક્તા કહેવાય? ભાવનાબેને પોતાની હોશિયારીની જે કબૂલાત કરી એને ‘નિખાલસ હોવું કહેવાય કે નફ્ફટ, નિર્લ્લજ અને સ્વાર્થી..? (Courtesy : Mumbai Samachar)

Advertisements

Comments are closed.