ATUL N. CHOTAI

a Writer

રાજકોટની સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલે હજારો દિલો ને ધબકતા રાખ્યા છે

Satyasai Heart Hospital- Rajkot

Satya sai Heart Hospital- Rajkot

રાજકોટ: હ્રદયની બીમારી લાગુ પડયાનું જાણવા મળે એ સાથે જ દર્દી તો ઠીક તેના પરિવારજનો પણ હચમચી જાય છે.. કેમ કે..? હ્રદય બંધ થઇ જાય તો જિંદગીનો પણ અંત આવી જાય અને હ્રદયને ધબકતું રાખવા માટે દર્દીના પરિવારજનો ગમે તેટલો ખર્ચ થાય તેની પરવા કર્યા વગર પોતાની પાસેની છેલ્લી માં છેલ્લી પઇ ખર્ચી નાખતા હોય છે પરંતુ જે વ્યકિત આર્થિક રીતે ગરીબ હોય તેનું શું..?  હ્રદયની સર્જરીનો ખર્ચ તો તેના માટે કલ્પનાની બહાર હોય છે આર્થિક ગરીબી એ શું એનો ગુનો છે..??  એને જીવન જીવવાનો અધિકાર નથી..??  આવા ગરીબ લોકોની ચિંતા કરતી રાજકોટની સત્યસાંઇ હોસ્પિટલે પોતાની પંદર વર્ષની સેવાકીય પ્રવૃત્તિમાં 13500 જેટલા દર્દીઓની સર્જરી કરી હજારો લોકોને નવી જિંદગી આપી છે, તેમના હ્રદય ધબકતા રાખ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સત્યસાંઇ હોસ્પિટલની સ્થાપના 4 ઓગસ્ટ 2004 ના રોજ કરવામાં આવી છે તમામ પ્રકારની હાર્ટ સર્જરી સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા અહી વિનામૂલ્યે કરવામાં આવે છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ ભીમાણી અને આસી.મેનેજર બકુલભાઇ ધગતે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે જયાં કોઇ ન પહોંચી શકે ત્યાં જઇને તેમની સેવા કરવી એવું સત્ય સાંઇબાબા કહેતા હતા સૌરાષ્ટ્રમાં જયારે એકપણ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી થતી નહતી. દર્દીઓને સૌરાષ્ટ્ર – કચ્છ થી અમદાવાદ, વડોદરા સુધી જવું પડતું હતું. કેટલાક દર્દી તો રસ્તામાં જ દમ તોડી દેતા હતા આ સ્થિતિને ધ્યાને લઇ સત્ય સાંઇબાબાએ રાજકોટમાં હોસ્પિટલ શરૂ કરાવી હતી. દિવસે – દિવસે આ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં સતત વધારો થતો રહ્યો છે દર મહિને સરેરાશ 850 થી 900 સર્જરી કરવામાં આવે છે અને મહિને 1500 જેટલી ઓપીડી થાય છે. હોસ્પિટલમાં દાખલ થતો દર્દી હોસ્પિટલના માહોલથી તંગ થઇ જતો હોય છે, પરંતુ સત્ય સાંઇ હોસ્પિટલમાં પ્રવેશતાની સાથે જ એક મંદિરમાં પ્રવેશ્યા હોય તેવો અલૌકિક અનુભવ થાય છે. સારવારની સાથે દુઆ પણ  દર્દી માટે એટલી જ કારગત નીવડે છે.

દરરોજ સવારે 6 વાગ્યે પ્રાર્થના થાય છે જેમાં દર્દી, ડોકટર, નર્સિંગ સ્ટાફ અને સત્ય સાંઇબાબાના ભાવિકો જોડાય છે. પ્રાર્થના બાદ જરૂરતમંદ દર્દીને યોગ કરાવાય છે. પંદર વર્ષથી ચાલતી આ અવિરત સેવાને કારણે આજ સુધીમાં 13500 દર્દીઓના હાર્ટની સર્જરી કરી તેમને નવજીવન આપવામાં આવ્યું છે. કોઇપણ નાત – જાતના ભેદભાવ વગર અહી અપાતી સારવાર હવે ગુજરાત પૂરતી સિમિત રહી નથી. ગુજરાત ઉપરાંત  રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી દર્દીઓ મોટી સંખ્યામાં અહી આવે છે. દર્દી અને તેના પરિવારજનો ચિંતા સાથે અહી આવે છે પરંતુ  દસ દિવસમાં તેઓ અહીંથી હસતા – હસતા પરત જાય છે. આ  હોસ્પિટલમાં બે પ્રકારના વોર્ડ છે, પ્રિ-ઓપરેટિવ (ઓપરેશન થયા પૂર્વે) અને પોસ્ટ ઓપરેટિવ (ઓપરેશન થયા બાદ) પ્રિ-ઓપરેટિવ વોર્ડમાં દાખલ દર્દી દરરોજ સવારે 6 વાગ્યે પ્રાર્થનામાં જોડાય છે. પરંતુ જે દર્દીનું જે દિવસે ઓપરેશન થવાનું હોય અને તેને બીજા વોર્ડમાં શિફટ કરાયો હોય ત્યારે હોસ્પિટલનો સ્ટાફ તેની પાસે સવારે જાય છે અને ઓપરેશન પહેલા એ દર્દીની હાજરીમાં તેની સુખાકારી અને ઓપરેશનની સફળતા માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવે છે. આ હોસ્પીટલ માં  (૧) કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફટી (૨) માઇટ્રલ વાલ્વ રિપ્લેસમેન્ટ (૩) એલોટિક વાલ્વ રિપ્લેસમેન્ટ (૪) એરિયલ સેપ્ટરલ ડિફેકટ (૫) વેન્ટીકયુલર સેપ્ટલ ડીફેકટ (૬) ઇન્ટ્રા કાર્ડિયાક રિપેર (૭) ટેટ્રોલોજી ઓફ ફેલોટ (૮) ઓપન આઇટ્રલ વાલ્વોટોમી (૯) કલોઝ માઇટ્રલ વાલ્વોટ્રોમી (૧૦)  પીડીએ. (૧૧) ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ જેવી સર્જરી કરવામાં આવે છે.  સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ ની વધુ માહિતિ નીચેના સરનામેથી મેળવી શકાય છે.

શ્રી સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ, શ્રી સત્યસાંઇ માર્ગ,
કાલાવડ રોડ, રાજકોટ –  ૩૬૦ ૦૦૫
ફોન : ૦૨૮૧ – ૨૫૭૩૫૮૮ – ૨૫૮૮૮૬૯
ઈ – મેઈલ : saihospital@gmail.com,
વેબસાઈટ :  www.saihospital.org

Advertisements

Comments are closed.