ATUL N. CHOTAI

a Writer

નડિયાદના પટેલ પરિવારમાં કુતરાઓ ઘરના સભ્યની જેમ રહે છે

Dog With Family

Dog With Family

નડિયાદ  : ગોટુ….. જેકી….. ભભુ…..મિલ્ટી….. જીની…. ચિન્કી…. રાની….. ગુડીયા….. મીલી….. ટેમી…. ખેમી….. આ નામો કોઇ બાળકો કે માણસોના નથી પણ એક જ ઘરમાં રહેતાં ૨૦ જેટલાં કૂતરા – કૂતરીઓના છે અને તે પણ મા – બાપ સાથે ત્રણ બહેનો અને એક ભાઇથી ભર્યાે – ભર્યો નડિયાદના દિનુભાઇ આર.પટેલના  બંગલામાં રહેતો આ વીસ કૂતરાઓ નો અનોખો પરિવાર છે નવાઇની વાત એ છે કે આ વીસે વીસ કૂતરાઓ પેલા આલ્શેસિયન કે પૉમૉરિયન જેવી ઉજળી જાતના કે મોંઘાદાટ નથી પણ ગલીઓ માં ફરતાં સાવ દેશી અને ડાઘિયાને નામે વગોવાયેલાં અસ્સલ શેરી કૂતરાઓ છે  અને તેમને પેલી ત્રણ યુવાન બહેનો પોતાના ભાઇ – બહેન કે દિકરાં – દિકરી જ હોય તેવા વ્હાલથી ઊછેરે છે. ગાંઠનું ગોપીચંદન ખર્ચીને મહિને ૨૦ – રપ હજારનો આ ખર્ચો તેમના ઘરમાં રહેતાં ૨૦ કૂતરાઓ ઉપરાંત આસપાસની સોસાયટીઓના અનાથ રખડતાં ૧૦૦ જેટલાં કૂતરાઓને પણ આ પરિવાર રોજ સાંજે સ્ટીલના ડોલચામાં દૂધ અને કપડાની થેલીમાં ગ્લુકોઝના બિસ્કીટ ખવડાવે છે. મૂળ ધર્મજના અસ્સલ ચરોતરી પાટીદાર દિનુભાઇ પટેલ છેલ્લાં ૩પ વર્ષથી નડીઆદમાં આવીને વસ્યાં અને મીલમાં નોકરી કરવા ઉપરાંત તબેલાનો વ્યવસાય પણ શરુ કરેલો. તેમની મોટી દિકરી શિલ્પા ગ્રેજ્યુએટ થઇ, વચલી દિકરી ગોપી આયુર્વેદિક ડૉક્ટર થઇ અને સૌથી નાની નીપાએ બી.કોમ કર્યું. ત્રણેય દિકરીઓ અને એક દિકરો થોડાં વર્ષો લંડન રહીને પરત આવ્યા છેલ્લાં ૨૦ વર્ષથી હવે તેમનું જીવન શેરીના અનાથ કૂતરાઓને સવાર – સાંજ ખાવાનું ખવડાવવામાં અને નબળાં કૂતરા – કૂતરીઓને પોતાના જ બંગલામાં રાખવા – પાળવામાં વ્યતિત થઇ રહ્યું છે. ચાર રૃમ અને બે માળના એ બંગલાના દરેક રૃમમાં પાંચ – સાત કૂતરાની એક ટોળકી સોફાસેટ ઉપર બેસવાની, પલંગમાં સૂવાની અને ભેંસના દૂધ સાથે ગ્લુકોઝ બિસ્કીટના મોંઘાદાટ લંચ – ડીનર કરવાની સાહ્યબી ભોગવે છે. આ પશુસેવાના કામમાં ત્રણેય બહેનો એકસરખા ભાવથી સક્રીય છે.  નડીઆદની સિવિલ હોસ્પિટલ રોડ ઉપર આવેલી સાધના સોસાયટીના ર – એ નંબરના બંગલામાં રહેતો આ પરિવાર આજે પણ પોતાના ઘરમાં રાખેલાં ૨૦ કૂતરાં અને આસપાસના ૧૦૦ કૂતરાઓને સવાર-સાંજ દૂધ અને બિસ્કીટ ખવડાવવાનું પુણ્યકાર્ય કરી રહ્યાં છે. મોટી સંસ્થાઓ  ઉભી કરીને જનસેવાનો ઇજારો બાંધ્યો હોય તેવો પ્રચાર-પ્રસાર કરતાં આપણા ચેરીટેબલ તાયફાઓ સામે મૂંગે મોઢે પારિવારિક મૂડીનું એંધાણ કરીને સાચી પશુસેવા કરનાર આ પરિવારની અનોખી દાસ્તાન નડીઆદના પોશ ગણાતાં વિસ્તારમાં જીવતી-જાગતી વાર્તાની જેમ સુવાસ ફેલાવી રહ્યો છે.

Advertisements

Comments are closed.