ATUL N. CHOTAI

a Writer

કાવડ લઇને ભિક્ષા માગી ભૂખ્યાની જઠરાગ્નિ ઠારવાનો અનોખો સેવાયજ્ઞ

Srivan Social Activity in Jamnagar

Srivan Social Activity in Jamnagar

જામનગર : આજના કળિયુગમાં દાન – ધર્માદાનું મહત્ત્વ ઓછું થઇ ગયું છે, પરંતુ છેલ્લા 50 વર્ષથી નિ:સ્વાર્થ ભાવે ઘરે-ઘરે જઇ કાવડમાં ભિક્ષા માગી એકઠું થયેલું ધાન ગરીબ લોકોને આપીને તેમની ભૂખ સંતોષવાનું કામ વૃધ્ધ દ્વારા અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે. ગુજરાત બહારથી આવી વસેલા વૃધ્ધે આજથી 50 વર્ષ પહેલાં જામનગરમાં ઘરે-ઘરે જઇ ઝોળી માગવાનું કાર્ય શરૂ કર્યું હતું અને આ ઝોળીમાં એકઠું થયેલું ધાન ભીડભંજન પાસે ગરીબ લોકોને આપી તેમની ભૂખ સંતોષે છે. મધ્યપ્રદેશથી ગુજરાતના જામનગરમાં 50 વર્ષ પહેલાં આવી વસેલા શ્રીવાન નામના યુવાને ગરીબોની ભૂખ સંતોષવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેની પાસે ન હતી એટલી સંપત્તિ કે ન હતા એટલા રૂપિયા, છતાં પણ તેણે કરેલા દૃઢ નિશ્ચયને પૂરો કરવા માટે તેણે શ્રવણની જેમ રામ લખેલા કાવડ લઇ ઘરે-ઘરે ભિક્ષા માગવાનું કાર્ય શરૂ કર્યું હતું. જામનગરના મધ્યમવર્ગના લોકોએ આ યુવાનના આ કાર્યને આદર આપી દરરોજ તેને ભિક્ષામાં ઘરમાં બનાવેલા રોટલી, શાક, મિષ્ટાન આપવાનું શરૂ કર્યું હતું અને શ્રીવાન ભિક્ષામાં મળેલું આ ધાન ભીડભંજન મંદિર પાસે બેસેલા ગરીબ લોકોને આપી તેમની ભૂખ સંતોષતા હતા. જે કાર્યને આજે લગભગ 50 વર્ષ પૂર્ણ થયા છતાં પણ શ્રીવાન દ્વારા આ કાર્યને અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે. બહારથી આવી વસેલા 24 વર્ષીય યુવાનના આ સંકલ્પના કારણે 50 વર્ષ બાદ પણ રોજના 200થી વધુ લોકોને જમવાનું પ્રાપ્ત થાય છે અને તેમના અંતરના આશીર્વાદ શ્રીવાનને મળે  છે. જેના લીધે સવારે 11 થી લઇ બપોરના 2 વાગ્યા સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભિક્ષા માગે છે અને નિ:સ્વાર્થ ભાવે આ લોકોને જમાડે છે. મધ્યપ્રદેશના શ્રીવાને આજથી 50 વર્ષ પહેલા બનાવેલા વાંસની સળીના એ જ કાવડમાં આજ સુધી તે ભિક્ષા માગે છે.

Advertisements

Comments are closed.