ATUL N. CHOTAI

a Writer

સલાયાનો ૫૦ જણનો પરિવાર એક રસોડે જમે છે

Joint Family -  Salaya

Joint Family – Salaya

માંડવી: આજના સમયમાં સૌને સ્વતંત્રતા જોઇએ છે  તેમાં પણ પરણ્યા બાદ તરત જ યુગલો અલગ થઇ જવા થનગનતા હોય છે પણ માંડવીના સલાયાનો ભટ્ટી પરીવાર આ બધામાં અનોખો છે  એક નહીં, બે નહીં પણ ત્રણ – ત્રણ પેઢીને એક્તાની દોરીમાં પરોવીને આ પરીવાર આજના બટકણા સંબંધોમાં પણ સંયુક્ત રહી રહ્યો છે. અહીં રોજ ૫૦ સભ્યની રસોઇ એક જ રસોડે બને છે અને તમામ એક પંગતે બેસીને જમે છે જે ખરેખર અનોખી નહીં પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રેરણાદાયી ઘટના છે. માંડવી શહેરના સામાકાંઠે વસેલા સલાયાના વાઘેરચોકમાં ભટ્ટીમંઝિલમાં આ પરીવાર રહે છે જેમાં 13 પુરુષ અને 13 મહિલા સાથે નાના – મોટા 26 બાળક સાથે  કુલ ૫૦  સભ્ય હળીમળીને એક સાથે રહે છે. તમામની રસોઇ એક રસોડે બને છે, જેમાં વપરાતી સામગ્રી પર નજર નાખીએ તો દૈનિક 5 કિલો ચોખા, 8 કિલો ઘઉં, 7 કિલો બાજરો, 3 કિલો મગફાડા, 8 કિલો શાકભાજી, 2 કિલો ખાંડ, દૈનિક 6  લિટર દૂધ, ૫૦ ગ્રામ ચા તેમજ 400 ગ્રામ વાટેલો મસાલાનો વપરાશ છે. ડાઇનિંગ રૂમ નાનો હોવાથી  એક સાથે પંગતમાં ૫૦ લોકો સાથે બેસી શકે અેમ ન હોઇ, પહેલાં પુરુષો તથા બાદમાં મહિલા – બાળકો જમે છે. ભોજન સાથે પરીવારના સભ્યો વિચારોનું આદાન પ્રદાન પણ કરે છે. વડીલો દરેકના વિચારોને જાણે છે.

પરીવારના મોભી ઉમર હાજી ઇલ્યાસે કહ્યું હતું કે  અમારી ત્રણ પેઢીમાં કાકાઇ ભાઇઓ સહીતનો પરીવાર સાથે રહે છે  તેથી રસાલો એટલો મોટો છે કે, બાળકોના ક્યારેક નામ યાદ રહેતા નથી તેથી ઘણીવાર કોઇપણ નામના સંબોધન કરીને બોલાવીએ છીએ. 24 નાના – મોટા બાળક માટે પ્રસંગો પર ચંપલથી કરીને કપડાની ખરીદી દરેક માટે એક સાથે કરવામાં આવે છે. પરીવારની આવક મુજબ ખર્ચ કરીને બચત કરાય છે  જેથી પુત્ર – પુત્રીના નિકાહ કરવા હોય ત્યારે બચાવેલી પુંજી કામ આવી શકે રસોડાનો હવાલો સંભાળતા હાજિયાણી જીલુબાઇના માર્ગદર્શન મુજબ રસોઇ બનાવવા અને કપડાં ધોવા માટે દરેકનો ક્રમ મુજબ વારો આવતો હોય છે જેથી છુટ્ટીના અને બાકીના સમયમાં મહિલાઓ ભરત ગુંથણ જેવા કામો કરી શકે તેમજ ઘરકામનો ભાર પણ કોઇ એક પર ન આવી જાય  આટલા મોટા પરીવાર માટે જો પાતળી અને નાની રોટલી મહિલાઓ બનાવવા જાય તો પહોંચી શકે નહીં તેથી બપોરે અને રાત્રે સામાન્ય કદની રોટલીના સ્થાને બાજરાના રોટલા જેમ ઘઉંના જાડા રોટલા બનાવાય છે જેથી જલ્દીથી કામ થઇ શકે. 50 લોકોની રસોઇ માટે કાયમ લાકડા અને છાણાનો ઉપયોગ કરીને ચુલા પર જ રસોઇ બનાવાય છે. ગેસનો વપરાશ માત્ર ચા – દૂધ માટે કરાય છે મસાલો પીસવા પણ મિક્સર ગ્રાઇન્ડરની જગ્યાએ પથ્થર પર જ વલોણાથી બનાવાય છે. આ પરીવારની જેમ ભટ્ટી મંઝિલમાં રહેતા 20થી 25 બિલાડાનું જૂથ પણ જમવાના સમયે એક સાથે આવીને પોતાનો ખોરાક લે છે. જે ખરેખર નવાઇ પમાડે તેવી વાત છે.

Advertisements

Comments are closed.