ATUL N. CHOTAI

a Writer

ગાય માતાને પત્ર

Cow in Public Place

Cow in Public Place

– સોનલ ર. પંડ્યા

આદરણીય ગાયમાતા,

અમદાવાદ ગામથી પંચાતમાસીના જયશ્રીકૃષ્ણ વાંચશો. પારકી પંચાત કરવાની મારી ટેવ હવે મારો સ્વભાવ બની ગઈ છે. એટલે આ પત્રપંચાતના ભાગરૂપે તમને કાગળ લખું છું. વળી, અમારા શહેરમાં ફરતાં તમે અમારા શહેરમાં નહીં, અમે તમારા શહેરમાં ફરતાં રહેતાં હોઈએ તેવું લાગે છે. જેના શહેરમાં રહીએ તેની પંચાત ન કરીએ તો આ ‘પંચાત’નો અવતાર એળે જાય.. તમને કંઈક લખી શકવાની ત્રેવડ હજુ ધરાવું છું કારણ કે મારા જમણા હાથે હજુ લખી શકાય છે. મારા ડાબા હાથ વિશેની તમને જિજ્ઞાસા હોય તો કહું કે મારા ડાબા હાથની કોણીનું હાડકું ભાંગી ગયું છે. આપનો ઢીંકરૂપી પ્રસાદ મને મળ્યો અને મારાથી પડી જવાયું ! આપના શરીરમાં વસતા તેત્રીસ કરોડ દેવતા પૈકી કયા દેવ મારા પર કોપાયમાન થયા તેની ખબર નથી. વૈદરાજ પાસે પાટો બંધાવ્યો છે. જો કે વૈદરાજો અને હાડકાંના ડૉક્ટરોની પ્રામાણિકતા પર મને ક્યારેક શંકા જાય છે. આ બેફામ સ્પર્ધા અને બેકારીના જમાનામાં આપ એમને નિયમિત કમાણી કરાવો છો ત્યારે તમારા જાહેર સન્માનનું સૌજન્ય પણ તેઓ ચૂકી જાય છે. નગરપાલિકામાંથી આપને પકડવા આવતા માણસો સામે રોજગારીનો અધિકાર છીનવી લેવા અંગે વૈદ્યરાજો કોર્ટમાં કેસ કરે તે દિવસો હવે દૂર નથી. જોકે આપ આવી વાતો મનમાં લો તેવાં નથી. તમારાં શિંગડાં જેવું જ તમારું દિલ પણ વિશાળ છે. આપના શિંગડાં આપનો રસ્તો જે સરળતાથી સાફ કરી દે છે તેટલી જ સરળતાથી તમે બીજાને માફ કરી શકો છો.

હમણાં હાથનો પાટો બદલાવીને પાછી ફરતી હતી ત્યાં અમારી બસના ડ્રાઈવરે રસ્તાની બરાબર વચ્ચે બસ ઊભી રાખી દીધી. રસ્તાની વચ્ચે બેઠેલી સભાને બરખાસ્ત કરવા તે નીચે ઊતર્યો, તે પણ બસ પસાર કરવાના મામૂલી કામ માટે ! એટલામાં વાહનોનાં હૉર્ન અને માણસોની બૂમાબૂમ શરૂ થઈ ગઈ. જેટલી સહજતાપૂર્વક તમે ટ્રાફિકમાંથી પસાર થઈ શકો છો તેટલી સહજતાથી આ વાહનો આપની વચ્ચેથી પસાર કેમ ન થઈ શકે ? હમણાં શહેરના ભરચક વિસ્તારમાં ટ્રાફિક જામી ગયો હતો. આગળ જઈને જોયું તો બે આખલા ભાઈઓની લડાઈ જામી હતી. બરાબર ત્રીસ મિનિટ અમે એ ધર્મયુદ્ધ જોયું..!!  સાંભળ્યું છે કે સ્પેનમાં આવી લડાઈ ખાસ કરાવવામાં આવે છે. અમારા સહુનો પ્રવાસખર્ચ બચી ગયો..!!

બસમાં બેઠાં – બેઠાં તમારાં વિશાળ શિંગડાં બારીમાંથી જોઈને મેં મનોમન ઈશ્વરનો પાડ માન્યો કે હાશ, મારું તો હાડકાથી જ પત્યું. પેલા મિલનભાઈના બા હંસામાડી તમારી ઢીંક વાગતાં પડી ગયેલાં. કોણીનું હાડકું અને કમ્મરના ત્રણ મણકા તૂટી ગયા. તેઓ પથારીમાં પડ્યાં તે પડ્યાં અંતે પ્રભુના ધામમાં પહોંચ્યાં. આવી જ રામકહાણી ચાંદલાની પોળમાં રહેતા પશાકાકાની છે. સવારમાં ગાંઠિયા લેવા નીકળ્યા. ચક્ષુએ દગો દીધો. પોદળો દેખાયો નહીં અને ફસકી પડ્યા. ઉંમરને કારણે બેઠો માર જિરવાયો નહીં. તેઓ પણ રામને પ્યારા થઈ ગયા. તમારા માટે શૌચાલયોની સુવિધા ન થઈ શકવા બદલ તમે નારાજ ન થતાં. તમારા મળત્યાગ માટેનું મુત્સદ્દીપણું ખરેખદ દાદ માગી લે તેવું છે. ભારતીય રેલવેમાં સવારના સમયે આપ મુસાફરી કરશો તો અમારી કુદરતી હાજતની કૃત્રિમતાનો અંદાજ આપને આવી જશે. હંસામાડી અને પશાકાકા માટે સ્વર્ગનાં દ્વાર અવશ્ય ખૂલી ગયાં હશે. અમદાવાદનાં આંબાવાડી વિસ્તારના ચાર રસ્તા પર તમારી રક્ષા કાજે શહિદ થયેલાં ગીતાબેનનું એક સ્મારક મૂક્યું છે. તમારી શૂરવીરતાનો ભોગ બનીને શહિદ થયેલાં હંસામાડી જેવાં શહિદોનાં સ્મારકો જો શહેરના દરેક ચાર રસ્તા પર મૂકીએ તો શહેરના ચાર રસ્તા ઓછા પડે.

ખેર, આપણી વચ્ચેની ખાનગી વાત એ છે કે આપનો આટલો મોટો મહિમા છતાં આપ શહેરના કાગળના ડૂચા પર જીવો છો. એમાં તમારો દોષ હું નથી જોતી. એ તો અમે જ જેને માતા કહીએ તેને જ કચરો ખવરાવીએ..તે પછી નદીમાતા હોય કે ગાયમાતા. સાચું કહું જાહેરમાં માતા અને ખાનગીમાં કચરા ટોપલી. અમારી બાજુવાળા ગીતાબેનનું છાપું તે ઊઠે તે પહેલાં જ તમે ચાવી જતાં હતાં. ફેરિયો બિલ લેવા આવ્યો ત્યારે બંને વચ્ચે ઝઘડો જામ્યો. મને તમારી સ્થિતપ્રજ્ઞતા પર માન થયું. તમે તે જ દિવસનું ખાધેલું છાપું દૂર ઊભાં – ઊભાં વાગોળતાં હતાં. હમણાં તમારી એક સખીનું પોસ્ટમૉર્ટમ કરતાં માલૂમ પડ્યું કે આખું ને આખું થર્મોકોલ બૉક્સ ખાઈ ગયેલી. આપ હવે આ શહેરમાં રહીને કદાચ ભૂલી ગયાં લાગો છો કે તમારાં બાપદાદાઓ-દાદીઓ ઘાસ, રજકો, કડબ કે ખાણ ખાતાં હતાં. રંગબેરંગી કાગળોથી તમારી જીભ હવે ટેવાઈ ગઈ હશે. ચારો ચરવાની કળા હવે તમારે ચરિયાણ વિસ્તારમાં રહેતી તમારી બહેનો પાસે શીખવા જવું પડશે.

હમણાં તમારી કેટલીક સખીઓ પ્લાસ્ટિકની કોથળીઓ ખાઈને મરી ગઈ. જોકે તમે આવી કપરી સ્થિતિનો ભોગ બનો તેવી શક્યતા ઓછી છે, કારણ કે દરેક શહેરમાં આવા પ્લાસ્ટિક વીણનાર (કચરો વીણનાર) પરદુઃખભંજકોની સંખ્યા વધતી જાય છે ! આમ પણ અમે તમને બચાવવા ગૌશાળાઓ અને પાંજરાપોળો ચલાવીએ છીએ. તમારી કતલ પર અમે પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે તમને કતલખાનામાં મારવાં કે કાગળ ખાઈને તેમાં અમે ‘કાગળ’ પર અમારી પસંદગી ઉતારી છે. હમણાં ગુજરાતમાં સ્ત્રીઓના જાતીય ગુણોત્તરમાં ઘટાડો થયો. તેની સામે વાછડા કરતા વાછડીઓની સંખ્યા હંમેશા વધારે રહે તેનું અમે ધ્યાન રાખીએ છીએ. અમારા સ્વાર્થ બાબત પણ અમે અપ્રમાણિક છીએ તેવો આક્ષેપ ન કરતાં. ગાયમાતા તરફના સ્નેહભાવને કારણે આમ બને છે. આપણે સ્નેહના સંદર્ભો કે તારણો-કારણોમાં નથી પડવું.

ગમે તેમ વાત તો તમારે સ્વીકારવી જ પડશે કે અમે તમારો માન-મરતબો કાયમ જાળવીએ છીએ. કૃષ્ણની કામધેનુનાં દર્શન કરવા ગોકુળની ગલીઓ સુધી જવું હવે પોસાય તેમ નથી. એટલે અમે અહીં જ તમારા વૈભવને પોષીએ છીએ. રામ અને કૃષ્ણ વચ્ચે સમતુલા જાળવવા અમે રામને મંદિર અને કૃષ્ણને કાયદા (ગોહત્યા પ્રતિબંધ) દ્વારા રાજી રાખીએ છીએ. ક્યારેક તો મને થાય છે કે પહેલાં લોકો ગોપાલન અને પશુપાલન કરતાં હવે તમારું જો કોઈ સંગઠન બને તો માણસ પાલનનો નિર્ણય તેમાંથી સર્વાનુમતે પસાર થઈ શકે. તમારા સૌજન્ય પર અમને એટલો ભરોસો ચોક્કસ છે કે અમે ભલે તમને રખડતાં ઢોર કહીએ પણ તમે અમને ‘રખડતાં માણસો’ તો નહીં જ કહો. સાચું કહું, અમને કોઈએ પકડીને પૂરી નથી દીધાં બાકી આ પણ સમજણથી સ્વીકારેલો માણસવાડો જ છે. ફરક એટલો જ છે કે કોઈ દંડ ભરીને અમને છોડાવવા આવશે તેવી રાહ નથી. કોઈ ઢોરવાડે લઈ જઈ તમારો ડબો (દંડ) વસૂલ કરે તો માઠું ન લગાડશો એટલા પૂરતો ખુલ્લા દિલથી ખુલાસો કરું છું. આ પત્રપંચાતનો હેતુ તમારા શરીરના તેત્રીસ કરોડ દેવતા મારા પર રિઝેલા રહે તેટલો જ છે. અહીં અટકું કારણ કે લાંબી વાતો (પંચાત) બહુ સારી નહીં.

એ જ લિ.
બધાંના કલ્યાણની પ્રાર્થના કરતી પંચાત.
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક : દીપોત્સવી હાસ્ય વિશેષાંક (2001) માં થી સાભાર.]

Advertisements

Comments are closed.