ATUL N. CHOTAI

a writer – since 2014

લડવું જ હોય તો આપણી જાત સાથે લડો.. નહીં કે દુનિયા સાથે..!!

– સૌરભ શાહ

Saurabh Shah - Writer

Saurabh Shah – Writer

અન્યાયની સામે લડવાનું નહીં..? ગાંધીજી જો સાઉથ આફ્રિકામાં અન્યાયની સામે લડ્યા ન હોત તો..? એમને ટ્રેનમાંથી ખેંચીને પ્લૅટફૉર્મ પર ફેંકી દેવામાં આવ્યા ત્યારે એમણે આ અન્યાયનો સામનો નથી કરવો એવું વિચાર્યું હોત તો..? એમણે અન્યાયનો સામનો કરવાનું નક્કી કર્યું ત્યારે તો આપણને, આખી દુનિયાને મહાત્મા ગાંધી મળ્યા  બિલકુલ સાચી વાત તમારી જિંદગીનો હેતુ ગાંધીજી જેવી વ્યક્તિ બનવાનો હોય તો આગળ વધો અને લડો અન્યાયો સામે પણ પછી યાદ રાખજો કે તમારે એમના જેવી જિંદગી જીવવી પડવાની છે. ગાંધીજી આદર્શ પિતા બનવા ગયા હોત, આદર્શ પતિ બનવા ગયા હોત, તો ક્યારેય રાષ્ટ્રપિતા બની શક્યા ન હોત.. અન્યાયો સામે લડવાની તાકાત કેળવવા માટે ગાંધીજીએ પોતાના કુટુંબનો, સર્વસ્વનો ભોગ આપ્યો, પોતાની જાતનો પણ. એમણે પોતાની કે પોતાના કુટુંબની કમ્ફર્ટ્સનો ક્યારેય વિચાર કર્યો નહોતો. અહીં આપણે, આપણી પોતાની અને કુટુંબની કમ્ફર્ટ્સ જ નહીં, લકઝરીઝ માટે પણ શમણાં જોતાં હોઈએ છીએ. આપણે આપણા ભવિષ્યને સલામતીભર્યું બનાવવા કમાઈએ છીએ જેથી પોતાનું ઘર ખરીદી શકીએ, કાર ખરીદી શકીએ, જીવનવીમા અને મૅડિક્લેમનાં પ્રીમિયમો ભરી શકીએ. આપણને આપણી આજને જ નહીં આપણા બાકીના આયુષ્યને ફુલ્લી સિક્યૉર્ડ કરવામાં રસ છે. ગાંધીજી મહાન બન્યા, કારણ કે એમણે ક્યારેય પોતાના ભવિષ્યની ભૌતિક સુખાકારીનો વિચાર કર્યો નહીં ખરા અર્થમાં એ ત્યાગી હતા, સંન્યાસી હતા, સંત હતા એટલે જ મહાત્મા કહેવાયા. એમના પગલે ચાલવું હોય તો તમને કોઈ રોકતું નથી. તમારા જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી ગાંધીજીની જેમ અન્યાયો સામે લડતા રહો, પણ શું તમને ખાતરી છે કે તમે એક દિવસ પણ જેલમાં રહી શકશો..? ગાંધીજી વર્ષો સુધી જેલમાં રહ્યા, વારંવાર જેલમાં ગયા શું તમને ખાતરી છે કે તમે અઠવાડિયામાં એક વાર પણ ચોવીસ કલાક માટે બોલ્યા વિના રહી શકો એમ છો..? ગાંધીજી આજીવન દર સોમવારે મૌન પાળતા શું તમને ખાતરી છે કે તમે દસ દિવસ સળંગ નકોરડા ઉપવાસ કરી શકો છો..? ધર્મલાભ માટે કે પુણ્ય કમાવવા માટે નહીં, અન્યાયનો સામનો કરવા માટે ગાંધીજી વારંવાર ઉપવાસ કરતા રહ્યા અને જ્યારે ઉપવાસ નહોતા કરતા ત્યારે મિતાહારી રહેતા તમે પાંઉભાજી – પિત્ઝા – શ્રીખંડ – ભજિયાં – બટાટાવડાં વિના કેટલા દિવસ, કેટલાં અઠવાડિયાં, કેટલા મહિના જીવી શકશો..? શું તમને ખાતરી છે કે તમે આજીવન તમારા ધંધામાં, તમારી નોકરી દરમિયાન, તમારા કૌટુુંબિક જીવનમાં, તમારા અંગત જીવનમાં ૧૦૦% સત્ય બોલી શકશો..? સેક્સમુક્ત અને ચા – કૉફી સિગારેટ, દારૂ જેવાં વ્યસનોથી મુક્ત એવું જીવન જીવી શકશો..? વિચાર કરી જોજો.. પછી ગાંધીજીની જેમ અન્યાયો સામે લડજો. તમને થતા અન્યાયોની સામે જ નહીં, તમારી આસપાસના લોકોને થતા અન્યાયો સામે, સમાજને થતા અન્યાયો સામે લડજો એવું થશે ત્યારે સૌથી પહેલાં હું તમારી પાસે આવીને તમારાં ચરણસ્પર્શ કરીશ, તમારા હસ્તાક્ષર લઈશ અને તમારી સાથે સેલ્ફી પણ પાડીશ.

વિરોધ કરવો, અન્યાયની સામે લડવા ઊતરી પડવું એ કંઈ બધાનું કામ નથી ગાંધીજીએ પણ બધા જ અન્યાયોની સામે લડવાનું પૂંછડું પકડી નહોતું રાખ્યું  હી વૉઝ સિલેક્ટિવ અને એટલા માટે જ એમના વિરોધનું વજન પડતું જ્યાં ને ત્યાં એ વિરોધનો ઝંડો ઊંચકીને પહોંચી જતા હોત તો કેજરીવાલની જેમ એમને પણ કોઈ ગણકારતું ન હોત. જેમનું કામ છે વિરોધ કરવાનું, અન્યાયો સામે લડવાનું એમના જીવનનો એ હેતુ છે અથવા તો કહો કે એમના જીવનના એક વિશાળ હેતુનો એ અનિવાર્ય હિસ્સો છે. હું પ્રાણી સુરક્ષા માટે કામ કરતી સંસ્થા ચલાવતો હોઉં તો રસ્તે રખડતાં કૂતરાંથી માંડીને જંગલના વાઘ સુધીનાં પ્રાણીઓને થતા અન્યાય સામે લડીશ કારણ કે મારી જિંદગીનું એ ફોકસ છે. પણ મારા ફોકસમાં નહીં હોય એવા બીજા અનેક નાના – મોટા અન્યાયો હું બરદાસ્ત કરી લઈશ કારણ કે જો હું બધે જ લડવા જઈશ તો વહેંચાઈ જઈશ, ખર્ચાઈ જઈશ, મારી પાસે મારી સંસ્થા ચલાવવા માટેના ટાઈમ – ઍનર્જી – મની ખૂટી જશે. મારા પત્રકારત્વના જીવનમાં મેં મારા લાર્જર ફોકસનો એક હિસ્સો હોય એવા વિરોધો કર્યા જ છે, અન્યાયો સામે લડ્યો જ છું અને એના પરિણામ સ્વરૂપે જે સહન કરવાનું આવે તે કોઈ ફરિયાદ વિના સહન પણ કર્યું જ છે.

વાત હું મારી નહીં, આપણી કરું છું. સામાન્ય પ્રજાની કરું છું. જેમની જિંદગીનો હેતુ સારી રીતે જીવવાનો છે અને સારી રીતે જીવવા માટે સારું કમાવવાનો છે. કુટુંબને સાચવવાનો છે, કુટુંબને સુખી કરવાનો છે, એમની વાત કરું છું. એમણે વિરોધો અને ફરિયાદો કરવામાં સમયશક્તિ વેડફવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ. કોઈ સામેથી નડવા આવતું દેખાય તો રસ્તો બદલીને પણ એની સાથેનું ક્ધફ્રન્ટેશન ટાળવું જોઈએ અને આમ છતાં જો એ તમારું બગાડીને જ રહે તો નુકસાન સહન કરીને પણ તમારી જિંદગીના લક્ષ્ય ભણી આગળ વધતાં રહેવું જોઈએ. પત્રકારત્વમાં મારું નુકસાન કરનારા કેટલાક હિતશત્રુઓ ને પાઠ ભણાવવા હું બહુ આતુર હતો. વર્ષો પહેલાંની વાત છે. મારા લૉયરમિત્રે કહ્યું કે તું સાચો છે અને પેલા લોકો સો ટકા જુઠ્ઠા છે, લબાડ છે. કૉર્ટ પણ તને સાચો જ પુરવાર કરશે. પણ મારી એક સલાહ જીવનમાં લખી રાખ સામે ચાલીને કૉર્ટમાં કોઈ દિવસ જવું નહીં, દૂર રહેવું, ગમ ખાઈ જવી, લડવામાં જે કંઈ ખર્ચાઈ જશે તે સમયશક્તિ પાછાં મળવાનાં નથી આયુષ્યના અંતે જીવનનો એટલો ટુકડો ઓછો થઈ ગયેલો હશે એટલું જ નહીં તમે સાચા હો છતાં કોઈ તમને વિવાદમાં ઘસડી જવા માટે આતુર હોય તો પણ તમારું થોડુંક નુકસાન થવા દઈને સમાધાન કરી લેવું સારું કૉર્ટનાં પગથિયાં ઘસવા કરતાં આ વિકલ્પ ઘણો ઓછો નુકસાનકર્તા છે.  અન્યાયો સામે લડવાની મઝા તો મને પણ બહુ આવે પણ હવે હું સ્ક્રીન પર અમિતાભની જૂની કે સલમાનની નવી ફિલ્મો જોઈને મારો શોખ પૂરો કરી લઉં છું. (Courtesy : Mumbai Samachar)

Author: atulnchotai

I am freelance journalist and writer from rajkot (gujarat-india) working on social media..

Comments are closed.