ATUL N. CHOTAI

a Writer

વિદ્યાર્થીઓના વાળ કાપીને સેવા કરતા અનોખા શિક્ષકની જીવતી વાર્તા

Rajnikant Rathod Teacher - Vadodra

Rajnikant Rathod Teacher – Vadodra

પોતાના બાળકને ખાનગી શાળામાં ભણાવવાના વધતા જતા ક્રેઝના લીધે અને સરકારી શાળાઓનાં રેઢિયાળ સંચાલનને કારણે સરકારી શાળાઓનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે. મધ્યમ અને પૈસાદાર વર્ગના લોકો એમનાં બાળકોને તોતિંગ ફી લેતી ખાનગી શાળામાં ભણાવતાં થયા એટલે સરકારી શાળાઓમાં અને એમાંય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં વિદ્યાર્થીઓનો દુકાળ પડવા માંડ્યો છે. સરકારી શાળામાં ગરીબ ઘરનાં અને પછાત જાતિના લોકોનાં બાળકો ભણતાં હોય એટલે શાળાના શિક્ષકોથી માંડીને આચાર્ય અને અધિકારીઓથી માંડીને મંત્રી મહોદય સુધીના લોકોને ઝાઝી ચિંતા ન હોય સાથે સાથે બાળકો પણ મનફાવે ત્યારે શાળામાં હાજરી આપે અને ભણવાની ઈચ્છા ન હોય ત્યારે ગુટલી મારે. એકલા ગુજરાતમાં જ નહીં પણ  દેશ આખામાં મોટાભાગની સરકારી શાળાઓની આ સ્થિતિ જોવા મળતી હોય છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા શાંતિવન ડુપ્લેક્ષમાં રહેતા અને નંદેસરી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા શિક્ષક રજનીકાંત રાઠોડે શિક્ષણને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યુ છે. વિદ્યાર્થીઓની સ્વચ્છતા માટે રજનીકાંતભાઇ છેલ્લા નવ વર્ષથી કાર્યરત છે.

રજનીકાંત રાઠોડ માત્ર બાળકોના વાળ જ નથી કાપતા પરંતુ શાળાએ આવતા બાળકોને નવડાવે પણ છે બાળકોના નખ કાપવાની, કપડાંને સિલાઈ કરી આપવાની કે શર્ટ – પૅન્ટનાં બટન ટાંકી આપવાની કામગીરી પ્રમાણમાં સરળ ગણાય પણ લાંબાલચક વાળને કાપવાનું કોને આવડે..? ત્યારે રજનીભાઈ કહે છે કે વાળ કાપતાં તો મને પણ ફાવતું નહોતું પણ મેં આ માટે મારા વાળંદ પાસે જઈને તાલીમ લીધી એ પછી કાતર અને અસ્ત્રા સહિતની ચીજ વસ્તુઓ ખરીદીને વાળ કાપવાનો સૌથી પહેલો પ્રયોગ મારા દીકરા પર કર્યો ધીરે ધીરે હાથ બેસતો ગયો એ પછી મેં મારી શાળાનાં બાળકોના વાળ કાપવાનું શરૂ કર્યું..

રજનીકાંતભાઈ પોતાના હસ્તક આઠેય શાળાની રોજે રોજ મુલાકાત લે અને એમને જે બાળકનાં જુલફાં વધેલાં લાગે એને સામે બેસાડી માંડે કાપવા એમને ભાગે રોજે રોજ દસ – બાર બાળકના વાળ કાપવાની જવાબદારી આવે અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર જેટલા બાળકોના વાળ રજનીભાઈએ કાપી આપ્યા છે છેલ્લા એક વર્ષથી રજનીકાંત રાઠોડ વડોદરા નજીક આવેલી નંદેસરી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. આ શાળામાં પણ તેઓએ બાળકોને વાળ કાપી આપવાથી લઇને તમામ પ્રવૃતિઓને જાળવી રાખી છે તેઓ શાળામાં આવતા મધ્યાહન ભોજનને સૌથી પહેલા પોતે ચાખી લે છે ત્યારબાદ તેમની શાળાના વિદ્યાર્થીઓ ભોજન લે છે જેના કારણે તેમની શાળાના બાળકોને મળતુ ભોજન સારૂ મળે છે તેની ખાત્રી કરી શકાય છે સાથે જ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે દવાની પણ વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવેલી છે તેમની આ પ્રવૃતી બદલ  નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલે પ્રશસ્તીપત્ર આપીને સન્માન પણ કર્યુ હતુ તો આપણે આ શિક્ષક ની સેવાને બિરદાવીએ અને આપણા સમાજ – દેશ માટે આપણે પણ આવુ કઈક કાર્ય કરી દેખાડીએ..!!

Advertisements

Comments are closed.