ATUL N. CHOTAI

a Writer

મોતને મજાક બનાવીને પાટા ઉપર દોડતી અમૂલ્ય માનવ જિંદગી

People Crossing Railway Track

People Crossing Railway Track

માનવીનું જીવન અત્યંત કિમતી છે પરંતું જીવનને પણ મજાક સમજતા લોકો મોતની પણ પરવા કર્યા વગર કામ કરતા હોય છે. રેલવેના પાટા કોઈ જાહેર રસ્તા નથી હોતા પરંતુ માત્ર થોડોક સમય કે અંતર બચાવવા માટે રેલ્વેના પાટાનો જાહેર માર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા દ્રશ્યો રેલ્વે ફાટકની આસપાસ આવેલા વિસ્તારો માટે સામાન્ય બનતા હોય છે. રેલ્વે ટ્રેકનો રસ્તા તરીકે ઉપયોગ કરવા સાથે તેને ખોટી રીતે ક્રોસ કરવાના કારણે સેંકડો અકસ્માતો થયા હોય છે પરંતુ કોઈપણ અકસ્માત માટે મોટાભાગે માત્ર તંત્રને જ  દોષ દેવામાં આવતો હોય છે. હકીકતમાં આવા લોકોને રેલવેના પાટા ઓળંગતા રોકવામાં નિષ્ફળ સાબિત થયેલ તંત્ર જેટલું જવાબદાર છે તેટલા જ જવાબદાર તેને ઓળંગનારા લોકો પણ છે..!!

રેલ્વે ના પાટા પર જોખમી રીતે દોડતી આ જિંદગીઓ એક ક્ષણીક ભૂલનો ભોગ બને છે તેઓ આ જોખમથી તેઓ નાસમજ પણ છે પરંતુ મોત સાથે જાણે સ્પર્ધા જામી હોય તેમ ટ્રેન જોઈ ફાટક પરથી ઉતરી જવાના બદલે તેની આગળ દોડવાનું જોખમ પણ તેઓ ખેડી રહ્યા છે. રેલ્વે સ્ટેશન ના વિસ્તારોમાં  આપઘાત અને લાઇન ક્રોસ કરતી વેળાએ ટ્રેન હડફેટે મોતને ભેટવાના બનાવો બનતા હોય છે. મુખ્યત્વે લોકજાગૃતિનાં અભાવે માનવ જીંદગી ટ્રેન નીચે કપાઈ જતી હોય છે. અકસ્માત અને આપઘાતનાં આવા બનાવો રેલ્વે પોલીસ માટે માથાનાં દુ:ખાવા સમાન બની રહયા છે. ટ્રેન હડફેટે આવ્યા બાદ ક્ષતિ વિક્ષિત થઇ ગયેલી લાશને ઉંચકવા માટે અને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા માટે પોલીસને ભારે મુશ્કેલી નડતી હોય છે. વધતા જતા મોતનાં બનાવોને અટકાવવા રેલ્વે તંત્ર કે પોલીસ પાસે કોઇ યોગ્ય વિકલ્પ જોવા મળતો નથી. રેલ્વેનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ લોકોમાં જાગૃતિ આવે તો જ વણથંભી મોતની આ વણજાર અટકી શકે છે. કેટલાક બનાવોમાં લોકો પોતાની નિષ્કાળજી ના કારણે મોતને ભેટે છે રેલ્વે સ્ટેશન ઉપર ફૂટ ઓવરબ્રીજ હોવા છતાં શોર્ટકટ મારવાની લ્હાયમાં ટ્રેન ક્રોસ કરતા મોતને ભેટે છે. આ સિવાય ટ્રેક ક્રોસ કરતી વેળાએ મોબાઇલનાં ગીત સાંભળવાનાં કારણે પણ ધ્યાન ન હોવાથી ટ્રેનનો પાવો ન સાંભળવા ને કારણે પણ માનવ જીંદગી હોમાઇ જતી હોય છે. ટ્રેનની હડફેટે આવતા લોકોને જો સમયસર સારવાર મળે તો તેમના જીવ બચાવી શકાય તેમ છે પરંતુ રેલ્વે ટ્રેક પર સાંકડા અને જાડી જાંખરાવાળા હોવાનાં કારણે ૧૦૮ કે અન્ય એમ્બ્યુલન્સ તાત્કાલીક પહોંચી શકતી નથી ત્યારે આવા સંજોગોમાં રેલ્વેની એમ્બ્યુલન્સ વાન હોય તો ઘાયલ લોકોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડી શકાય તેમ છે. ભારતીય રેલ્વેએ ભારતના અર્થતંત્ર સહીત લોકોની સામાજીક જવાબદારી માટે જીવાદોરી સમાન છે પરંતુ દેશને ધબકતુ રાખનાર રેલ્વે તંત્ર હજુ પુરેપુરૂ સુદૃઢ ન હોવાના કારણે અને કાયદા નો અમલ કરાવવામાં ઉણુ ઉતરતુ હોવાના કારણે આ જીવાદોરી કેટલાય લોકો માટે મોતનુ કારણ બની છે

રોજે રોજ લાખોની સંખ્યામાં લોકો રેલ મુસાફરી કરી રહ્યા છે આમ જોવા જઈએ તો સડક માર્ગ કરતા રેલ્વે મુસાફરી સરળ અને સસ્તી હોવા સાથે એટલી જ સલામતીભરી હોય છે કે લોકો હોંશે હોંશે રેલ્વેમાં મુસાફરી કરી રહ્યા છે પરંતુ આ રેલ્વે મુસાફરી કયારેક એટલી પણ સસ્તી બની જાય છે કે એમાં કોઈકની જીંદગી પણ સલામત રહેતી નથી. આ રેલ્વેમાં સુરક્ષા તેમજ તંત્ર સુચારૂ રીતે ચાલે તે અર્થે અનેક લોકો રેલ્વે કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે તેમજ કોઈ અનિચ્છિનીય બનાવને અટકાવવા તેમજ રેલ્વે અકસ્માતોને અટકાવવા માટે આર.પી.એફ. જેવા આખા વિભાગને ઉભો કરવામાં આવ્યો છે પરંતુ ઓછી મહેકમ અને આળસના કારણે આર.પી. એફ. વિભાગ પણ પોતાની પુરેપુરી ફરજ નિભાવી શકતુ નથી જેના કારણે મુસાફરો મનફાવે તેમ રેલ્વે પ્રિમાઈસીસ માં ફરતા હોય છે સામેથી ટ્રેન આવતી હોવા છતાં જાણે કોઈ બહાદુરીનું કામ કરતા હોય તેમ કેટલાક તો ટ્રેનની આગળથી પસાર થઈ રેલ્વે ટ્રેક ક્રોસ કરતા હોય છે અને આવા બનાવો રેલ્વે સ્ટેશન ઉપર સામાન્ય બની ગયા છે. મુસાફરો કાયદાની ઐસી તૈસી કરી બિન્દાસ રીતે રેલ્વે ટ્રેક પર છલાંગ મારીને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ડર અનુભવતા નથી આમ રેલ્વે તંત્રની કાયદાની અમલવારી કરાવવા પ્રત્યે ઉદાસીનતા, બેદરકારી અને મુસાફરોની નિર્ભયતા અને ઉતાવળ ના કારણે પણ રેલ્વેની હદમાં રેલ્વે અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રેલ્વે પ્રશાસન દ્વારા આ બાબતની સૂચનાઓ આપવામાં આવે છે છતાં પણ મુસાફરો ગંભીરતા દાખવતા નથી અને તેમના જાન માલની સલામતીની ચિંતા કર્યા વગર બ્રિજનો ઉપયોગ કરવાના બદલે પાટા ઓળંગતા હોય છે જેના કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ઉપરાંત ટ્રેન ઉપડયા બાદ અને ટ્રેન ઉભી રહેતા પહેલા ટ્રેનમાં ચઢવા ઉતરવાની ઉતાવળ કરનાર કેટલાક કમભાગીઓ પણ રેલ્વે અકસ્માતનો ભોગ બની મોતને ભેટે છે.

રેલવે એક્ટ ૧૯૮૬ની ધારા ૧૪૭ મુજબ આવા રેલ્વે પાટા ક્રોસ કરનારને છ માસની સજા તેમજ ૧ હજારનો દંડની જોગવાઇ છે છતાં કાયદાનો અમલ કરાવનાર કોઇ ન હોય મુસાફરો કાયદાનો ભંગ કરતા જોવા મળે છે જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે. જાગૃત મુસાફરો આવા શોર્ટકટ શોધતા મુસાફરોને ટકોરે છે પરંતુ આવી ટકોરને મુસાફરો નજર અંદાજ કરતા હોય છે રેલવે મંત્રાલયના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર વર્ષે અંદાજે પંદર હજાર જેટલા લોકો રેલવેના પાટા ક્રોસ કરતા કપાઈ મરે છે. આ બધું આપણે પણ જોઈએ છીએ પણ કંઈ કરી શકતા નથી કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે પણ આવી ભૂલો કરતા હોઈએ છીએ તો ચાલો જાગ્યા ત્યારથી સવાર સમજીને એક જાગૃત અને સમજુ નાગરિક તરીકે હવેથી આપણે પણ આ બાબતો નું ધ્યાન રાખીશું અને શક્ય હોય ત્યાં સુધી આપણી આંખ સામે આવી કોઈ ઘટના ના બને તેવો પ્રયાસ કરવાનો પણ સંકલ્પ લઈંશું..

Advertisements

Comments are closed.