ATUL N. CHOTAI

a Writer

મોડાસાના પરિવાર પાસે 87 વર્ષ જૂના અને 40 ફૂટ લાંબા દુર્લભ જન્માક્ષર છે

Old Horoscope

Old Horoscope

કાલે શું થશે..? કોઇ જાણતું નથી પરંતુ જિંદગીભર પોતાની સાથે શું બનશે..?  શિક્ષણ, નોકરી વ્યવસાય, આરોગ્ય અને પરિવાર કેવો છે અને રહેશે..? એવું ભવિષ્ય જાણવાની ઉત્કંઠા માનવ માત્રને રહેલી હોય છે. મોડાસાના એક સોની પરિવાર પાસે બહુમૂલ્ય ચીજની જેમ જાળવી રખાયેલી જન્મપત્રિકા છે. 87 વર્ષ જૂની અને આશરે 40 ફૂટ લાંબી અને 1 ફૂટ પહોળી આ જન્મપત્રિકાના ઉપયોગમાં લેવાયેલો કાગળ વિશિષ્ટ પ્રકારનો છે.

મોડાસા તાલુકાના કોકાપુર (વણીયાદ) ગામે સને 3 -11- 1928 ના રોજ સોની પરિવારમાં અમૃતભાઇનો જન્મ થયો અને પિતા ફતેચંદભાઇએ પુત્રનું ભવિષ્ય જાણવા ગામના જ વિદ્વાન જયોતિષાચાર્ય શીવરામભાઇ ત્રિવેદી પાસે પુત્રના જન્માક્ષર તૈયાર કરાવ્યા. સામાન્યત: ગ્રહો અને દશાઓમાં વિશ્વાસ ધરાવતા અને જયોતિષશાસ્ત્રમાં શ્રધ્ધા ધરાવતા રહીશો પોતાના સંતાનોના જન્માક્ષર જન્મ વર્ષે કઢાવતા હોય છે અને કઇ વિધિ જરૂરી છે..? કયો ગ્રહ નડે છે..??  શું કરવાથી શું ફાયદો થશે..?? તેવું ફળકથન મેળવી જરૂરી ઉપાયો પણ હાથ ધરાય છે.  અમૃતલાલ સોનીની અજોડ એવી 40 ફૂટ લાંબી અને વિશિષ્ટ જન્મપત્રિકા જોઇ જોનારા દંગ રહી જાય છે.

મોડાસાની અમરદીપ સોસાયટીમાં રહેતા હરીકીશનભાઇ સોની અને પત્ની સીમાબેન 87 વર્ષ જૂની અને 40 ફૂટ લાંબી પિતાજીની જન્મપત્રિકા લોકોને બતાવતાં તેઓ ગૌરવ અનુભવે છે અને આવા અજોડ જન્માક્ષર જોવા આવનારને પુત્રી બંસરી અને પુત્ર માનવ ઉત્સાહભેર બતાવે પણ છે. વનસ્પતિમાંથી બનાવાયેલી શાહી વડે બરૂની કલમથી સંપૂર્ણ સંસ્કૃતમાં લખાયેલી આ જન્મપત્રિકા આજે 87 વર્ષે પણ સુરક્ષિત રહી છે આ જન્મ પત્રિકામાં જન્મ લગ્ન, નવમાંશ, દશાંશ, કુંડળીઓથી માંડી વાર્ષિક ફલાદેશ અને પળ, પ્રતિબળ જેવું માઇક્રો ઓબ્ઝર્વેશન કરાયું છે.

Advertisements

Comments are closed.