દેશના ભાવિ સમાન યુવાપેઢીમાં પ્રજાની રક્ષા માટે સૈન્ય અને પોલીસદળમાં ભરતી થવા તૈયાર થાય તેમજ દેશભક્તિ, એક્તાની ભાવના પ્રબળ બને તે હેતુથી રાજકોટ રહેતા નિવૃત્ત ફૌજી સુરેશભાઇ અમીપરા છેલ્લા 15 વર્ષથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યુવાનોને નિ:શુલ્ક ફિટનેશ ટ્રેનિંગ આપી રહ્યા છે. 15 વર્ષમાં સૌરાષ્ટ્રમાં 10 હજારથી વધુ યુવકો તાલીમ મેળવી ચૂક્યા છે અને 2 હજાર યુવકોને આર્મીમાં ભરતી કરાવ્યા છે. નેશનલ બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લઇ ચૂકેલી રાજકોટની આરતી પાલ પણ નિવૃત્ત ફૌજી સુરેશભાઇ પાસે ફિટનેશ ટ્રેનિંગ લઇ રહી છે. મૂળ જામનગરના લાલપુર તાલુકાના આરીખાણા ગામના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ક્રિષ્નાપાર્કમાં રહેતા સુરેશભાઇ અમીપરા 19 સપ્ટેમ્બર 1985માં આર્મીમાં ભરતી થયા હતા. સૈન્યમાં ફરજકાળ દરમિયાન બોક્સિંગ, રનિંગ, જિમ્નાસ્ટિકની તાલીમ પણ મેળવી હતી. પંજાબમાં આતંકવાદીઓ સામેના ઓપરેશન તેમજ કારગીલ યુધ્ધ સમયે જમ્મુ – કાશ્મીરમાં 3 વર્ષ ઉપરાંત આસામ, એમ.પી.,આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ફરજ બજાવી 31 ઓગસ્ટ 2001માં નિવૃત્ત થયા. તેઓ જયારે સૈન્યમાં હતા ત્યારે તેમનો માત્ર એકજ ધ્યેય હતો કે ગુજરાતી યુવકોમાં દેશભક્તિના ભાવના જગાવવી તેમજ તેમનામાં લશ્કર અથવા પોલીસદળમાં જોડાવાની ભાવના ઊભી થાય તેવું કંઇક કરવું છે. નિવૃત્તિ પછી તરત જ યુવકોને ખડતલ બનાવવા ફિટનેશની ટિપ્સ આપવાનું કાર્ય શરૂ કર્યું.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સવાર – સાંજ તાલીમ આપી રહેલા નિવૃત્ત ફૌજી સુરેશભાઇ કહે છે કે આજની યુવા પેઢી ફાસ્ટ ફૂડ અને વ્યસનમાં ડૂબી રહી છે, યુવાનો જ દેશનું ભવિષ્ય છે, દેશની પ્રગતિમાં યુવાનોનું યોગદાન અમૂલ્ય છે, જો યુવાનો નબળા હશે તો દેશ મજબૂત કઇ રીતે બની શકે, ટ્રેનિંગમાં આવતા યુવકોને સ્વાસ્થ્ય માટે અતિ નુકસાનકારક ફાસ્ટફૂડ અને વ્યસનથી દૂર રહેવાની સલાહ પહેલાં અપાય છે. સૈન્ય,પોલીસમાં ભરતી થવા ઇચ્છતા યુવાનોને રનિંગ, સૂર્યનમસ્કાર, દોડ, લોંગ જમ્પ, હાઇ જમ્પની તાલીમ ઉપરાંત ખોરાકમાં લીલા શાકભાજી, કઠોળ, ફળ – ફ્રૂટ લેવાથી તંદુરસ્તી સારી રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે તે સમજાવીને ફાસ્ટ ફૂડ, વ્યસનથી દૂર રહેવા સમજાવાય છે. નિવૃત્તિ પછી ચૌધરી હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાથી અનોખા અભિયાનનો પ્રારંભ કરનાર નિવૃત્ત ફૌજીએ સૌરાષ્ટ્રના અલગ – અલગ શહેર ગામડાંની સ્કૂલ – કોલેજોમાં પણ તાલીમ આપી છે. કોઇ પણ શૈક્ષણિક સંસ્થા બોલાવે ત્યારે વિદ્યાર્થીઓ નિ:શુલ્ક તાલીમ આપવા જાય છે. આજની પેઢી જંક ફૂડ તરફ વળી છે. નિવૃત્ત ફૌજી સુરેશભાઇના મતે વિદેશી ફૂડનો ચસકો દુશ્મન કરતા પણ ખતરનાક છે. દારૂ, સિગારેટ અને તંબાકુ જેવા વ્યસન કરતા પણ જંક ફૂડ વધુ નુકસાનકારક છે અાવા આહારથી ઉંમર વધવા સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. માતા – પિતાએ સંતાનોના આરોગ્ય માટે સચેત રહેવા સૂચન કર્યું છે તેમજ જ્યારે ભૂખ લાગે ત્યારે લીલા શાકભાજી, ખજૂર, સીંગ,દાળિયા, ચણા જેવો ખોરાક લેવો જોઇએ.