ATUL N. CHOTAI

a Writer

કિમતી દવાના હાઈડોઝના ભારમાંથી મુક્તિનો રામબાણ ઈલાજ એટલે જેનરિક ઔષધિ


જેનરિક એટલે સસ્તી અને ગુણવતા સભર અપનાવવા જેવી મેડિકલ સિસ્ટમ

 

medicine

medicine

લેખન – સંકલન
રાજકુમાર
પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

 

જીવન અમૂલ્ય છે. સમયાન્તરે આંતરિક તેમજ બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારો પ્રત્યે આપણું શરીર પ્રતિક્રિયા આપે છે. વિવિધ અંગો તેમના કાર્યથી જુદું વર્તન કરે ત્યારે તેને મુળ સીસ્ટમમાં પરત લાવવા રાસાયણિક પ્રક્રિયા કરવી પડે છે જેના માટે નિયત તબીબી વિજ્ઞાન અને તબીબો છે. વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ પૈકી એલોપેથી હાલ સૌથી વધુ પ્રચલિત અને ચલણમાં રહેલી પદ્ધતિ છે. એલોપેથી વિજ્ઞાનમાં રીસર્ચ દ્વારા વિવિધ રાસાયણિક તત્વો થકી દવાઓ બનાવવામાં આવે છે. દવા બનાવનાર કંપનીઓ વિવિધ ખર્ચ અને નફાના આધાર પર આ દવાઓની કિંમત નક્કી કરે છે. છેલ્લા કેટલાક સમયથી રોગના પ્રકાર, માત્રા અને અસરકારકતામાં ધરખમ ફેરફાર આવ્યા છે. હાલના સમયમાં સામાન્ય મધ્યમ પરિવાર માટે સારવાર કરવી અત્યંત ખર્ચાળ બનતી જાય છે ત્યારે આવા પરિવારોને તબીબી ખર્ચમાં સહાય રૂપ બનવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે વર્ષ પહેલા મૂળભૂત તત્વો આધારિત દવાના ઔષધિ કેન્દ્રો પુરા ભારતમાં શરુ કરવા એક યોજના બનાવી જેને નામ આપ્યું ’પ્રધાન મંત્રી જનઔષધિ કેન્દ્ર’. સરકાર દ્વારા સંચાલિત અને ઉત્પાદિત ગુણવતા-યુક્ત જેનરિક દવાઓ જન ઔષધિ કેન્દ્રમાં વેચવાની શરૂઆત કરી. આગામી સમયમાં ગુજરાતમાં ૧૦૦૦ જેટલા જનઔષધિ કેન્દ્ર શરુ કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીએ જાહેરાત કરી હતી. તા. ૧૩ નવેમ્બરના રોજ એક સાથે નવા ૫૦ કેન્દ્ર શરુ થવા જઈ રહ્યા છે ત્યારે જેનરિક એટલે કે દવાનું મુળ તત્વ અને સ્ટોર્સની કેટલીક મહત્વની વાત અહી રજુ કરવામાં આવી છે.

જેનરિક ઔષધિની એબીસીડી…

જેનરિક એટલે મુળ તત્વ અથવા રાસાયણિક બંધારણ. દવાનું નામ કોઈ કંપની કે બ્રાંડના નામ પરથી નહિ પરંતુ માત્ર તેની રચનામાં ઉપયોગમાં લેવાયેલા તત્વોના નામ પરથી રજુ કરતી વ્યવસ્થા એટેલે જેનરિક ઔષધિ. વિકસિત દેશોમાં જેનરિક દવા જ ડોક્ટર દ્વારા લખી આપવાનો કાયદો વર્ષોથી અમલમાં છે, જયારે આપણા દેશમાં મેડિકલ કાઉન્સીલે ડોક્ટરો દ્વારા જેનરિક દવા માત્ર કેપિટલ લેટરમાં લખવાનો કાયદો બનાવ્યો છે. જેનરિક દવાનું નિર્માણ ૧૯૬૦ બાદ શરુ થયું. ૧૯૬૦ પહેલા માત્ર સંશોધન યુક્ત દવાઓ વેચાતી જેના સામે સિપ્લા કમ્પનીએ ચળવળ ચલાવી, જેના પરિણામે સરકાર દ્વારા કાયદાકીય રીતે જેનરિક દવાના નિર્માણના દ્વારા ખુલ્યા, પરંતુ તેને લોકભોગ્ય બનાવવાનું શ્રેય જાય છે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને. સામાન્ય ગરીબ પરિવારના લોકોને કેન્દ્ર સરકારની અમુલ્ય ભેટ સ્વરૂપે પુરા ભારત દેશમાં જનઔષધિ કેન્દ્રની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવી. જેનો લાભ જન જન સુધી આજે પહોંચી રહ્યો છે. હાલ મળતી બ્રાન્ડેડ દવાઓ જે-તે કંપની દ્વારા ખર્ચાળ પધ્ધતિ થકી શોધ સંશોધન કરી તૈયાર કરાતી હોય છે. ત્યાર બાદ તેના માર્કેટીગ માટે વિવિધ રીત અપનાવી, મોટા પાયે તેમની જ દવા ડોક્ટર્સ દ્વારા લખાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે. જયારે જેનરિક દવા માત્ર જરૂરિયાત મુજબના રાસાયણિક કોમ્બીનેસન હોઈ તેમજ તેના વેચાણ માટે કોઈ માર્કેટિંગ ખર્ચ ના થતો હોઈ માત્ર ઉત્પાદિત ખર્ચે કિંમતે વેચી શકાય છે.

જેનરિક દવા કેટલી અસરકારક..??

સામાન્ય જનમાનસમાં એવી ગેરસમજણ છે કે સસ્તી દવા બિનઅસરકારક હોઈ શકે, પરંતુ સરકાર દ્વારા જનઔષધિ કેન્દ્રમાં ઉપલબ્ધ તમામ દવા કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પ્રમાણિત અને માત્ર સિંગલ ડ્રગ કોમ્બીનેશન આધારિત તૈયાર કરાતી હોઈ સ્વાસ્થ્ય માટે વધુ અસરકારક રહે છે, જયારે કેટલીક બ્રાન્ડેડ દવાઓમાં ટ્રીપલ ડ્રગ કોમ્બીનેશન રહેતું હોઈ આડ અસર થઈ શકે છે. આપણા રાજ્યમાં મહદ અંશે ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, કાર્ડિયાક, ગેસ્ટ્રો, વિટામિન્સ, તેમજ શરદી, ઉધરસ અને તાવમાં જરૂરી એન્ટીબાયોટીક્સ તેમજ દુઃખાવા જેવા મહત્વના રોગોની ૫૦૦ થી વધુ જેનરિક દવાઓ મળે છે. તેમજ કેન્સર જેવા જીવલેણ રોગ માટે સરકાર દ્વારા એક્સ્લુઝીવ સ્ટોર શરુ કરાશે. રોજબરોજમાં જરૂરી દવાઓ તેમજ લાંબા ગાળાની બીમારીઓ માટે જેનરિક દવા અત્યંત લાભદાયી થઈ શકે છે જે અહી આપેલ દવાની કિંમતની સરખામણી પરથી જોઈ શકાશે. એન્ટીબાયોટીક ઔષધિ સેફયુરોકઝીમ એકસીટીલ – ૫૦૦ MG બ્રાન્ડેડ ૧ ટેબ્લેટ ૬૦ થી ૭૦ રૂ. બજાર કિંમત છે તેની સામે જેનરિક ટેબ્લેટની કિંમત માત્ર ૧૮ રૂ. છે. દુઃખાવા માટેની પ્રીગ્બાઈન – ૭૫ MG અને મિથાઇલ કોબ્લામાઇન- ૭૫૦ MG ૧૦ ટેબ્લેટ ૧૩૦ થી ૨૦૦ રૂ. બજાર કિંમત છે તેની સામે જેનરિક ટેબ્લેટની કિંમત માત્ર ૩૦ રૂ. છે. સાંધાના દુઃખાવા માટે ટ્યુબ ૯૦ થી ૧૫૦ રૂ. છે ત્યારે ડાઇકલોફીનાક લીન્સીડ ઓઇલ મીથાઇલ સેલીસીલેટના કોમ્બીનેસન ની જેલ માત્ર ૪૮ રૂ. માં મળે છે. ડાયાબીટીસ માટે ગ્લિમીપ્રાઇડ – ૪ MG ૧૦ ગોળીની બજાર કિંમત ૧૫૦ થી ૨૦૦ છે જે જેનરિક દવા માત્ર રૂ. ૪.૫૦ છે.  મલ્ટી વિટામીન A, B, C, D અને E તેમજ બી કોમ્પલેક્ષ સિરપ બ્રાન્ડેડ ૧૦૦ થી ૧૫૦ રૂ. ની સામે જેનરિક સીરપ માત્ર ૪૩ રૂ. માં ઉપલબ્ધ છે. પેરાસીટામોલ ૫૦૦ અને ૬૫૦ MG ૧૫ ટેબ્લેટ બજાર કિંમત ૨૦ થી ૩૦ રૂ. છે જયારે જેનરિક સ્ટોર્સ પર માત્ર રૂ. ૮.૫૦ માં ૧૫ ટેબ્લેટ મળે છે. કફ માટે ટર્બીટાલીનસિરપ ૧૦૦ ML બજાર કિંમત ૩૦ થી ૫૦ રૂ. છે જેની સામે જેનરિક સ્ટોર્સમાં માત્ર રૂ. ૧૧.૫૦ મળે છે. એન્ટી ફંગલ ટ્યુબ ફલુકાન્ઝો નું મુલ્ય માત્ર રૂ. ૨૬ છે જેની બજાર કિંમત ૬૦ થી વધારે છે. ઝાડા માટે લોપેરમાંઈડ બ્રાન્ડેડ ગોળી ૨૦ થી ૨૫ રૂ માં ૧૦ ગોળી મળે છે જેની સામે જેનરિક દવા માત્ર ૬ રૂ. માં મળે છે. શરદી, ઉધરસ, તાવ માટે ફિનાઇલલેફિન કલોરોફીનેરામાન્ડ પેરાસીટામોલ ની બ્રાન્ડેડ ૩૦ થી ૪૦ રૂ. માં જયારે જેનરિક સ્ટોર્સ પર માત્ર રૂ. ૭.૫૦ માં મળે છે. થાઈરોઈડના રોગ માટે થાઇરોકઝીન ૧૦૦ MG ની ટેબ્લેટ્સ બ્રાન્ડેડ ૧૫૦ થી ૧૭૦ રૂ. ના ભાવે મળે છે જેની સામે અહી માત્ર ૬૫ રૂ. માં મળે છે. એલર્જી માટે સેટ્રીજીન ૧૦ MG માત્ર રૂ. ૪ માં ૧૦ ગોળી મળે છે. આજ રીતે એમ્પ્લોડીપાઈન ૧૦ ગોળી રૂ. ૧.૯૨, એટિનોલોલ ૧૪ ગોળી માત્ર રૂ. ૩.૫૮, રેમીપ્રિલ ૧૦ ગોળી રૂ. ૬.૯૩, મિટોપ્રોલોલ ૧૦ ગોળી રૂ. ૪.૭૬, એટોરવસ્ટાટીન ૧૦ MG માત્ર રૂ. ૪.૭૬ માં મળે છે જેના ભાવ બજારમાં મળતી બ્રાન્ડેડ કંપનીની સાપેક્ષમાં ૨૦૦ થી ૩૦૦% નીચા દર છે.

જેનરિક દવા ઉપલબ્ધ છે કે નહિ તે ઓનલાઈન જોઈ શકાય છે જેના માટે  www.1mg.com પરથી જે તે કંપનીની દવાનું નામ આપતા જ તેના જેનરિક તત્વો તેમજ જન ઔષધિ કેન્દ્રમાં મળે છે કે નહિ તેની માહિતી મળી શકે છે. તેમજ નવો જન ઔષધિ સ્ટોર ખોલવા માટે janaushadhi.gov.in પર માહિતી ઉપલબ્ધ છે. રાજકોટ ખાતે પ્રથમ જેનરિક ઔષધિ સ્ટોર શરુ કરનાર અનિલભાઈ તેમજ પાર્થભાઈ લોકોને અપીલ કરતા જણાવે છે કે, ડોક્ટર જયારે દવા લખે ત્યારે નિઃસંકોચ તેમની પાસે જેનરિક દવા આધારિત પ્રિસ્ક્રીપ્શન લખાવવાનો આગ્રહ રાખવો જોઈએ. હાલ લોકોમાં ધિમે ધિમે જેનરિક દવા વિષે જાગૃતિ આવી રહી છે, સરકાર દ્વારા પણ પ્રચાર પ્રસારનું કાર્ય થઈ રહ્યું હોઈ આવનારો સમય જન ઔષધિનો છે. લોકોને અન્ય દેશની જેમ જ સસ્તી અને ગુણવતા યુક્ત દવા મળી રહે તે માટે સરકાર તેમજ મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકો આ કાર્યને એક અભિયાન સ્વરૂપે ઉપાડે તો લોકોની સારવારનાં ખર્ચની ચિંતા ચોકકસ દુર થઈ જશે.

Advertisements

Comments are closed.