સુમિતા ભટ્ટાચાર્ય, બૈસાખી ગોપે, મણિ માલા સિકદાર, સુનીતા ગોપે જેવી છોકરીઓનાં નામ આપણે ભલે કયારેય સાંભળ્યાં ન હોય પરંતુ ઝારખંડના સિંઘભુમ જિલ્લાના પોટકા ગામે જાઓ તો તમને આ છોકરીઓનાં નામના રસ્તાઓ દેખાશે. ના તે કોઇ ત્યાંની મહિલા રાજકારણીઓ કે સેલિબ્રિટી નથી બલકે ત્યાંની ભણવામાં એકદમ હોશિયાર દીકરીઓ માત્ર છે. દર અસલ રાંચીથી ૧પ૦ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં દીકરીઓને ભણાવવાનો જબરો મહિમા છે. ૬૦૦ પરિવાર ધરાવતા આ ગામમાં એક પણ હાઇસ્કુલ નથી અને વિદ્યાર્થીઓએ ભણવા માટે હાઇસ્કુલ માટે દરરોજ ૩ કિલોમીટર અને કોલેજ જવા માટે રોજ ૩૦ કિલોમીટર દુર જવું પડે છે. આવું થાય ત્યારે પહેલો ભોગ ગામની દીકરીઓના શિક્ષણનો લેવાઇ જાય આવું ન થાય એટલા માટે ગામના મહિલા મોરચાએ મસ્ત ઉપાય કાઢયો કે જે દીકરીઓ સૌથી વધુ ભણશે તેના નામે ગામના રસ્તાઓ ઓળખાશે. અત્યારે ર૩ વર્ષની થયેલી સુમિતા ભટ્ટાચાર્ય ગામની સૌથી વધુ ભણેલી દીકરી છે ત્યાર પછીની છોકરીઓનાં નામે હવે ગામના રસ્તાઓ ઓળખાય છે. ઇવન સિંઘભુમના ડેપ્યુટી કમિશનરે પણ આ પગલાને આવકારીને સતાવાર રીતે નામનાં પાટિયાં બનાવવાની મંજુરી આપી દીધી છે.