ATUL N. CHOTAI

a Writer

ગુજરાત રાજ્યમાં નશાબંધી ધારાના ચુસ્ત અમલ માટે નિયમો જાહેર

સોશ્યલ મીડીયાના વ્યાપક ઉપયોગ દ્વારા નશાબંધીના અમલ માટે રાજ્યમાં ટોલ ફ્રી નં. ૧૪૪૦૫ શરૂ કરાયો

ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં નશાબંધી ધારાની જોગવાઇઓમાં રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ અસરકારક સુધારા-વધારાઓના નિયમો જાહેર કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના કર્મઠ નેતૃત્વ હેઠળની આ રાજય સરકારે પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતાના ચાર પાયા પર રાજ્યના સર્વાંગી વિકાસની ઇમારતનું નિર્માણ કર્યુ છે. રાજ્ય સરકારે દારૂના દુષણને નાથવા કમર કસી છે. પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ અને તંદુરસ્ત સમાજના નિર્માણના ધ્યેય સાથે રાજ્ય સરકારે ગુજરાત નશાબંધી ધારાને વધુ અસરકારક બનાવવા કાયદામાં કેટલાક સુધારા – વધારા કર્યા છે. જેના પરિણામે રાજ્યમાં ઘર કંકાશ, અકસ્માત અને મહિલાઓની આત્મહત્યાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે રાજ્યમાં નશાબંધીનો ચુસ્તપણે અમલ થાય તે માટે ગુજરાત વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કરાયું હતું અને આ નિયમો જાહેર થતા રાજ્યમાં નશાબંધીનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલની રચના કરવામાં આવી છે. સાથે સાથે દારૂના દુષણને ડામવા માટે વ્યાપક જન સહયોગ પણ મેળવીને સોશ્યલ મીડીયા થકી આ ઝુંબેશને વધુ વેગવાન બનાવાશે. આ માટે રાજ્ય સરકારને નાગરીકો ટોલ ફ્રી નં. ૧૪૪૦૫ ઉપર તથા સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર ૯૯૭૮૯ ૩૪૪૪૪ પર – વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે અને માહિતી ગુપ્ત રહેશે. અને આ ઝુંબેશને વધુ વેગવાન બનાવી શકાશે. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલના ફેસબુક આઇ.ડી. smc gujarat અને ઇ-મેઇલ આઇ.ડી. smcgujarat1@gmail.com પણ કાર્યરત કરવામાં આવ્યું છે જેના પર નાગરીકો માહિતી મોકલી શકશે.

રાજય સરકારે ગુજરાત નશાબંધી ધારાને અસરકારક બનાવવા માટે સુધારા અંગેના નિયમોની વિગતો આપતા મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યુ હતુ કે દારૂના ઉત્પાદન, ખરીદ, વેચાણ, હેરફેર કરવાના કિસ્સામાં હાલની જોગવાઇ મુજબ સજામાં ૩ વર્ષ સુધીની કેદ તેમજ દંડની જોગવાઇમાં ફેરફાર કરીને સજામાં ૧૦ વર્ષ સુધીની કેદ અને રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઇઓ કરવામાં આવી છે. ગુજરાતમાં કયાંય પણ દારૂના અડ્ડા ચાલતા હશે ત્યા દારૂબંધીનો અમલ કરાવવા દારૂના અડ્ડાના સંચાલકો કે તેને મદદગારી કરનારાને પણ વધુમાં વધુ સજાની જોગવાઇ કરી કલમ – ૬૮ ના સુધારા અનુસાર ૧૦ વર્ષ સુધીની કેદ અને રૂા. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. દારૂ પીને દંગલ કરનાર લોકો સામે પણ રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. તેની વિગતો આપતા મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, કોઇ વ્યક્તિ દારૂ પીને જાહેરમાં ઉપદ્રવ કરે, ઝધડો કરે, મહિલાઓની છેડતી કરે, અસભ્ય ભાષા બોલે, તેવા કિસ્સામાં ૧ થી ૩ માસની કેદ અને રૂા. ૨૦૦ થી ૫૦૦ના દંડની જૂની જોગવાઇને બદલે ૩ વર્ષની કેદ પરંતુ ૧ વર્ષ કરતા ઓછી નહીં. તેવી સજા અને દંડ અથવા બન્ને શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે.

કેટલાક ગુનેગારોને નાસી જવામાં મદદગારી કરનારા અધિકારી કે અન્યો સામે ૭ વર્ષ સુધીની કેદ અને રૂા. ૧ લાખ સુધીનો દંડ નક્કી કરાયો છે. મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, અધિકૃત વ્યક્તિની ફરજમાં અડચણ કરવા કે તેઓની ઉપર હુમલા બદલ ૫ વર્ષ સુધીની કેદ અને ન્યુનત્તમ રૂા. ૫ લાખના દંડની જોગવાઇનો ઉમેરો પણ કરાયો છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પૂજ્ય મહાત્મા ગાંધીજીના આદર્શોને ચરિતાર્થ કરનારું રાજ્ય છે. દારૂ બંધી રાજ્યના સ્થાપના કાળથી અમલમાં છે, ત્યારે દારૂના દુષણથી સમાજના આર્થિક, સામાજિક અને નૈતિક પતનને અટકાવવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ દારૂના દુષણને કડક હાથે ડામવા દ્રઢ નિર્ધાર કર્યો છે. અને તેને ચરિતાર્થ કરવા આ સુધારાઓ નશાબંધીની દૂષણને ડામવામાં ફળદાયી નીવડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા માત્ર સાડા પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જ રાજ્યભરમાંથી દેશી દારૂના ૨૬,૯૧૨ કેસો દાખલ કરી અંદાજે રૂા. ૫૧ લાખથી વધુ રકમનો ૨,૫૯,૦૮૬ લીટરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અને ૨૭,૫૭૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને ૮૮૯ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. એજ રીતે વિદેશી દારૂમાં પણ રાજ્યભરમાંથી ૮,૦૨૮ કેસો કરીને અંદાજે રૂા. ૪૦ કરોડથી વધુનો ૨૮,૪૫,૩૧૯ બોટલનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે અને ૧૦,૨૮૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તથા ૩,૨૦૬ જેટલા વાહનો જપ્ત કરાયા છે. એજ રીતે નશાબંધીના ચુસ્ત અમલ દ્વારા રાજ્યભરમાંથી નશાબંધી કાયદા હેઠળ સંડોવાયેલા આરોપીઓમાં ૧૩,૧૬૧ આરોપીની પ્રોહીબીશનના કેસ હેઠળ ૬૨૦ આરોપીઓની તડીપાર તથા ૯૪૦ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. (માહિતી બ્યુરો – ગાંધીનગર)

 

Advertisements

Comments are closed.