ATUL N. CHOTAI

a Writer

જીએસટી : અત્યાર સુધીનો સોથી મોટો કર સુધારો

– અજય કુમાર ચતુર્વેદી

જેની ખૂબ રાહ જોવાઈ રહી હતી તે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હવે વાસ્તવિકતા બની ગયો છે અને તે વેરો ઉત્પાદકો, સર્વિસ પ્રોવાઈડર, વેપારી અને છેવટે ગ્રાહક જે રીતે કેન્દ્ર અને રાજ્યની સરકારી તિજોરીને વેરો ચૂકવે છે, તે પ્રક્રિયામાં ફેરફાર લાવશે અને અનેક આડકતરા વેરાને એક જ વેરા હેઠળ આવરી લઈને ક્રાંતિકારી ફેરફાર લાવશે અને ભારતના બજારને વેરાનું એક સરખું સ્વરૂપ મળશે.

જીએસટી શું છે..?? : જીએસટી એ એક એકીકૃત કર વેરા પ્રણાલી છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્તરે અનેક પ્રકારના વેરાનો અંત લાવશે અને દેશભરમાં, વિવિધ બિઝનેસ માટે મહદ અંશે વિકસિત દેશોના જેવું લેવલ પ્લેઈંગ ફીલ્ડ ઊભું કરશે. આ એક વિવિધ તબક્કે લેવાતો સ્થળ આધારિત વેરો છે કે જે કાચા માલ એકત્ર કરવાના તબક્કાથી શરૂ કરીને આખરી પ્રોડકટ વેચવા સુધીના દરેક તબક્કે લેવાશે. વિવિધ તબક્કે અગાઉ ચૂકવેલા વેરાને પૂરવઠાના પછીના તબક્કે ક્રેડીટ દ્વારા સરભર કરવામાં આવશે. સ્થળ આધારિત અથવા તો વપરાશ આધારિત વેરો હોવાને કારણે જીએસટી પણ સેન્ટ્રલ એક્સાઈઝ, સર્વિસ ટેક્સ, વેટ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, ઓકટ્રોય, એન્ટ્રી ટેક્સ, મનોરંજન વગેરે વેરાની જેમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ તબક્કે (multiple) વસૂલાતો વેરો બની રહેશે. તેનાથી ગ્રાહક ઉપર લાગતો એકંદર બોજ ઓછો થશે અને ઉદ્યોગને બહેતર રોકડ પ્રવાહ અને વર્કીંગ કેપિટલ મેનેજમેન્ટમાં લાભ થશે. હાલમાં માલ-સામાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના 17 વેરા લાગુ પડે છે.

લાભો : એકંદર ઘરઘથ્થુ ઉત્પાદન 2 ટકા સુધી ઊંચે જવાના ફાયદાના વિવિધ અંદાજો મુકાઈ રહ્યા છે. જીએસટી તંત્રમાં બહેતર કર પાલન વ્યવસ્થા ગોઠવાશે તેવી આશા રાખવામાં આવે છે તે કારણે આવકમાં વધારો થશે અને અંદાજપત્રિય ખાધ સંકોચાશે. આયાત કરેલા દરેક માલ – સામાન ઉપર ઈન્ટીગ્રેટેડ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (આઈજીએસટી) લાગુ પાડવામાં આવશે, જે સેન્ટ્રલ અને રાજ્યના જીએસટીની સમકક્ષ રહેશે. આને કારણે સ્થાનિક ઉત્પાદનો ઉપરના કરવેરામાં સમાનતા આવશે. જીએસટી વ્યવસ્થામાં મુખ્યત્વે ત્રણ પ્રકારના વેરા રહેશે : સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (CGST), સ્ટેટ (અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ) ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) અને ઈન્ટીગ્રેટેડ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (IGST)નો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા માલ-સામાન અને સર્વિસીસના આંતર – રાજ્ય પૂરવઠા ઉપર લેવાનારા વેરાને CGST તરીકે ઓળખવામાં આવશે અને રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા વસૂલવામાં આવતા આવા વેરાને IGST તરીકે ઓળખવામાં આવશે. IGST વેરાની વસૂલાત અને એકત્રીકરણ માલ-સામાન અને સર્વિસીસના આંતરરાજ્ય પુરવઠા ઉપર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આ કર વેરાઓને મંજૂરી આપતા સેન્ટ્રલ જીએસટી વિધેયક, ઈન્ટ્રીગ્રેટેડ જીએસટી વિધેયક ચાર પૂરક વિધેયક, જીએસટી (રાજ્યોને વળતર) વિધેયક અને યુનિયન ટેરીટરીઝ જીએસટી વિધેયકને લોકસભાએ મે મહિનામાં બહાલી આપી દીધી હતી અને એ દ્વારા 1 જુલાઈ 2017થી જીએસટી દાખલ કરવાની સિમારેખા એક વાસ્તવિકતા બની શકી છે. જીએસટી સંબંધીત તમામ બાબતોની કામગીરી કેદ્રના નાણાં મંત્રીની આગેવાની હેઠળની જીએસટી કાઉન્સિલ સંભાળશે, જ્યારે રાજ્યોના નાણાં પ્રધાનો આ કાઉન્સિલના સભ્યો રહેશે. જીએસટી કાઉન્સિલને જીએસટીની ભલામણો કે અમલીકરણ અંગેના વિવાદો ઉપર ન્યાય તોળીને ચૂકાદો આપવાનો અધિકાર રહેશે.

કરના દર : નવી જીએસટી વ્યવસ્થામાં કરના 4 દર નક્કી કરવામાં આવ્યા છે, જે 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા છે. કરના સૌથી વધુ દર ઉપરાંત વૈભવી અને નુકશાન કરનારી ચીજો ઉપર સેસ લેવાશે, જેનો ઉપયોગ રાજ્યોને જીએસટીના અમલીકરણના પ્રથમ પાંચ વર્ષ સુધી જનાર નુકશાન સામે વળતર આપવા માટે કરવામાં આવશે. કરના ચાર સ્લેબ હેઠળ મોટા ભાગના માલ – સામાન અને સર્વિસીસને આવરી લેવામાં આવેલ છે. પરંતુ સોનું અને રફ હીરા જેવી ચીજો માટે અલાયદા કર દર રહેશે. આ ઉપરાંત કેટલીક ચીજોને કરવેરામાંથી બાકાત રાખવામાં આવી છે. આવશ્યક ચીજ-વસ્તુઓ ઉપર કરના દર નીચા રાખવામાં આવ્યા છે, જ્યારે વૈભવી ચીજો અને તમાકુના ઉત્પાદનોને ઊંચા કર દર હેઠળ મૂકવામાં આવ્યા છે.

17 વર્ષ લાંબી પ્રતિક્ષા : ઘણા દેશો ખૂબ જ વહેલાં એકીકૃત કર વ્યવસ્થા હેઠળ તબદીલ થઈ ગયા છે. ફ્રાન્સમાં આ કર પ્રથા 1954માં શરૂ કરવામાં આવી હતી, એ પછી અન્ય દેશો આ પ્રથાને અનુસર્યા હતા. કેટલાક દેશો જીએસટીનો અમલ કરીને તેમજ અન્ય દેશો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ના વિવિધ સ્વરૂપોનો ઉપયોગ કરીને આ પ્રથાને અનુસર્યા હતા. ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારમાં ભારતમાં જીએસટી અંગેની ચર્ચાનો પ્રારંભ છેક વર્ષ 2000માં થયો હતો. આ વેરા અંગે સર્વસંમતિ સાધવાના 17 વર્ષના પ્રયાસ પછી સંસદે વર્ષ 2016માં 101મા બંધારણ સુધારા વિધેયકને બહાલી આપી હતી. રાજ્યોને તેમની વેરાની આવક ઘટી જવાની દહેશત હતી અને તે આલ્કોહોલ, પેટ્રોલિયમ, રિયલ એસ્ટેટ વગેરે જેવી કેટલાક લાભ થાય તેવી ચીજોને જીએસટીની આ બાસ્કેટની બહાર રાખવા માગતા હતા.

ગ્રાહકો ઉપર અસર : અગરબત્તીથી માંડીને લકઝરી કાર જેવા વિવિધ પ્રકારના માલ-સામાનને વિવિધ સ્લેબ મુજબ વેરો લાગશે. રૂ.100થી ઓછી કિંમતની ફિલ્મની ટિકિટોને 18 ટકાના સ્લેબ હેઠળ મુકવામાં આવી છે, જ્યારે જે ટિકિટોની કિંમત રૂ.100 કરતા વધુ હશે તેને જીએસટી હેઠળ 28 ટકાનો વેરો લાગશે. તમાકુને ઊંચા કર માળખા નીચે મૂકવામાં આવી છે. કાપડ, જેમ્સ અને જવેલરી જેવા ઉદ્યોગોને 5 ટકાનો કર દર લાગુ પડશે. સરકાર દ્રઢ નિશ્ચય દર્શાવીને જીએસટીને તા.1 જુલાઈ 2017 થી અમલ કરવાની બાબતને વળગી રહી હતી હવે પછી જે સ્થિતિ ઊભી થશે તેમાં ગુડઝ એન્ડ સર્વિસિસ નેટવર્ક, રાજ્યો અને ઉદ્યોગો જેવી અમલીકરણ એજન્સીઓએ ઘણી બાબતોનું નિરાકરણ કરવાનું રહેશે તથા શરૂઆતના અવરોધો નિવારીને અર્થતંત્રના જહાજને સમાન પ્રકારની દ્રઢતા અને હિંમત દાખવવાની રહેશે. જીએસટી જેવું હિંમતભર્યુ પગલું દેશના હિત માટે લેવામાં આવ્યું છે અને દેશે તેને ભવ્ય સફળતા તરફ દોરી જવાનું છે.

(લેખક નિવૃત્ત ઈન્ડિયન ઈન્ફોર્મેશન સર્વિસ ઓફિસર છે અને તે વિકાસલક્ષી વિષયો ઉપર લેખો લખે છે. આ લેખમાં વ્યક્ત કરાયેલા અભિપ્રાયો તેમના અંગત છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો : ભારત સરકાર – અમદાવાદ)

Advertisements

Comments are closed.