– મિતેષ પી. આહીર
મો : ૯૭૨૫૦ ૫૫૨૯૯
રાજકોટ
આજે મારે વાત કરવી છે એક સજજન રીક્ષાવાળાની… હે ભગવાન સંભાળી લેજે.. અે ઉદ્દગાર આ રીક્ષાવાળાના છે. તમને પ્રશ્ન થયો હશે કે રીક્ષાવાળો ને વળી સજજન..?? તો હા મને પણ તેની મુલાકાતથી આવુ જ આશ્ચર્ય થયુ હતું અને માનવુ પડયુ કે બધાય રીક્ષાવાળા ખરાબ નથી હોતા.. આમ તો હજી હમણા જ રાજકોટમા એક રીક્ષાવાળાએ એક બાળકી અને અેક વૃધ્ધા સાથે ક્રુરતા આચરી મોતને ઘાટ ઉતારી દીધાનો કિસ્સો બન્યો ત્યારે જ મારે આ અપદવારૂપ અનુભવ લખવો હતો કે બધાય રીક્ષાવાળા એવા ખરાબ નથી હોતા, કોઇ સારા પણ હોય છે પણ આળસમાં ઘણો વિલંબ થઇ ગયો. ખેર આજે સમય મળ્યો છે તો ચાલો વાત માંડુ છું…
હું અને મારા પત્ની રાજકોટના પેલેસ રોડ પરના આશાપુરા માતાના મંદિરે ઘરેથી પગપાળા દર્શન કરવા ગયા હતા વળતા રીક્ષાની રાહ જોઈને રોડ પર ઉભા હતા. એક રીક્ષાવાળો આવ્યો ને સીધ્ધુ સાવ વ્યાજબી ભાડુ કેહતા અમે તરત બેસી ગયા.. મજાની વાત હવે શરૂ થઇ. થોડે આગળ જતા તેણે મેઇન રોડ પરથી આડી ગલીમાં રીક્ષા લીધી અને બોલ્યો બે મીનીટ હો સાહેબ મારૂ એક કામ પતાવી લઉ મે કીધુ કાઈ વાંધો નઈ.. રીક્ષા ઉભી રાખી આગળ હેંડલ પાસે તેણે બહુ સાચવીને રાખેલ કાગળનું એક પડીકુ હાથમાં લીધું ને ફટાફટ કોઇને આપી અાવ્યો પાછી રીક્ષા મેઇન રોડ પર લઇ લેતા એની મેળાયે જ ખુલાસો કરવા લાગ્યો સાહેબ તમને થયુ હશે ને કે ઇ પડીકામાં શું હશે..?? તો તમને જણાવી દઉ કે ઇ પડીકામાં રૂપિયા પચાસ હજારની ચાંદી હતી.. હું મનમા હસ્યો કે એમા અમને શું ફેર પડે..?? પછી સમજાઇ ગયુ કે આ જણ વાતોડીયો લાગે છે. મે હોકારો દેવાનું ચાલુ રાખ્યું. એ બોલ્યે જતો તો કે સાહેબ જેમ તમારે રીક્ષાવાળાની જોઇને પસંદગી ઉતારવી પડે છે એમ અમારેય સમજી વિચારી ને પેસેન્જર બેસાડવા પડે. મારી પાસે આટલુ જોખમ રોજ સવારે હોય. જેવા તેવા ને બેસાડુ તો મનેય લુંટી જાય બોલો સાચી વાત કે નહીં..?? મે કીધુ સાચી વાત હો, પણ આટલી ચાંદીની તમારે રોજ હેરાફેરી શેની હોય..??
તો કહે કે મારા વૃધ્ધ પિતા ધરે ચાંદીનું કામ કરે છે તેમના શેઠ બહુ વિશ્વાસુ હોવાથી અમને ઘરે બેઠા ચાંદીકામ કરવા આપે છે. રાત્રે હુ ફ્રી હોય તો હું પણ એમને એ કામમાં મદદ કરૂં. મારા પત્ની પણ થોડુ ઘણુ કરાવે. જે કામ થયુ હોય તે સવારે શેઠને આપી આવવાની જવાબદારી હું સંભાળું. રીક્ષા આગળ વધતી ગઇ તેમ તેમ તેની ફીલસુફી ભરી વાતો પણ લંબાતી ગઇ. મે કીધુ વાહ તમારૂ તો આખુ ઘર મહેનતું લાગે છે..?? તમે છો તો રીક્ષાવાળા પણ બહુ સારા પરીવારમાંથી આવતા લાગો છો. ત્યા તો ગદગદીત થઇ ગ્યો. રહેવા દયો હવે, અમને રીક્ષાવાળાને કોઇ સારા ન જ ગણે.. આ તો તમે સારા છો એટલે તમે મને સારો કહો છો. એમ તો હું પણ પેસેન્જરોને વરતતો થઇ ગ્યો છું. તમે સારા લાગ્યા એટલે તો બેસાડયા હતા બાકી આટલુ ચાંદી સાથે હોય ત્યારે રીક્ષા ઉભી જ ન રાખું. અને હા સાહેબ હું ભગવાન પર ભરોસો રાખીને રોજીરોટી રળવાવાળો માણસ છું. તમારેય કયાં ભાડા બાબતે મારી સાથે બારગેનીંગ કરવુ પડયું..?? આપણુ ભાડુ વ્યાજબી જ હોય.. છતાય કયારેક એવા ભટકાઇ જાય તો ભાડુ જતુય કરવુ પડે છે..
મે સવાલ કર્યો ભાડુ જતુ કરવુ પડે એટલે..?? ઇ કાઇ સમજાણુ નહી.. રીક્ષાવાળા કોઇ દિવસ પાઇ પણ જતી કરતા હશે..?? તે થોડુ હસ્યો ને અરીસામાથી મારી સામે જોતા જોતા બોલ્યો હા સાહેબ હું ભલો ભોળો સીધો સાદો માણસ છું, અને અમને રોજ સારા નરસા અનુભવ થતા રહે છે. ઘણી વખત કોઇ માથાભારે કે દારૂડીયા રીક્ષામા બેસી જાય અને તે કહે ત્યાં હૂ ઉતારી દવ એટલે મોટો રૂઆબ કરીને બોલે ચાલ ચાલ નીકળ અમારૂ ભાડુ ન હોય.. મને ઓળખતો નથી..??
બસ હું તેને ઉતારીને તરત આકાશ તરફ જોઇ લઉ અને મનમા જ બોલી નાખુ હે ભગવાન સંભાળી લેજે… પછી ત્યાંથી આગળ નીકળી જાવ. મે વળી પાછુ ઉત્સુકતાથી પુછયુ હે ભગવાન સંભાળી લેજે અેટલે શું..?? તે બોલ્યો અરે આટલુ સીધુ સાદુ ગણિત પણ ન સમજયા.??. હે ભગવાન સંભાળી લેજે એટલે હિસાબ સમજી લેજે. કોઇ ભાડુ ન આપવાની દાદાગીરી કરે તો હું તો તેમને પહોચી ન શકુ એટલે એ હિસાબ સમજવાનું કામ ભગવાનને સોંપી દઉ છું અને હા જેણે મને ભાડુ ન ચુકવ્યુ હોય તેના બદલામા તેને શું ફાયદો કે નુકશાન થાય તે નથી જાણતો પણ એટલુ તો દ્રઢ વિશ્વાસ સાથે કહી શકુ કે મને જે ભાડુ ન ચુકવાયુ હોય તેનાથી બમણું કે ત્રણ ગણુ ભગવાન મને કોઇને કોઇ રીતે આપી જ દે છે.. હું મનોમન બોલી ઉઠયો વાહ દોસ્ત વાહ.. તુ તો મને બહુ અગત્યનો પાઠ શીખવી ગયો.. અમારો મુકામ આવતા ઉતરી ગયા… હા નક્કી કરેલુ ભાડું ચુકવીને.. પછી તો હું ય શીખી ગયો.. બસ જયારે જયારે મને કોઇ વગર કારણે નુકશાન પહોચાડે છે ત્યારે હું પણ ઉપરવાળાને હિસાબ સોપી દઉ છું..