ATUL N. CHOTAI

a writer – since 2014


સો વરસ જૂની સરકારી શાળાના ઘોઘાવદરના ૧૧ શિક્ષકો ધન્યવાદને પાત્ર..

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી…

parents

parents

 સોનલ જોષીપુરા,
પ્રાદેશિક માહિતી કચેરી,
રાજકોટ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આંખને ઠારે એવું દ્રશ્ય જોવા મળ્યું હતું ગામની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા ૩૫ બાળકોના વાલીઓએ ચીલો ચાતરીને તેમના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં બેસાડવા માટે રીતસરની લાઈન લગાવી હતી. અને રાજ્ય સરકાર પ્રત્યે પોતાનો વિશ્વાસ સાર્થક કર્યો હતો. વર્ષ ૧૯૨૦ ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીના હસ્તે સ્થપાયેલી ગોંડલ તાલુકાની ઘોઘાવદર કુમાર શાળાની યશ કલગીમાં આજે નવું એક છોગું ઉમેરાયું છે. ઘોઘાવદરની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા કુલ ૩૫ બાળકોએ સરકારી કુમાર શાળા અને કન્યા શાળામાં આ વર્ષે પ્રવેશ મેળવ્યો છે.આ માટે શાળાના ૧૧ શિક્ષકો ધન્યવાદને પાત્ર છે કે ગામના જાગૃત નાગરિકોએ તેમના બાળકોના ભવિષ્ય અને શિક્ષણ માટે શાળાના શિક્ષકો પર ભરોસો મૂક્યો છે. પ્રતિ વર્ષે યોજાતો શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી કાર્યક્રમ કોરોના મહામારીને લીધે આ વર્ષે યોજાઈ શક્યો નથી તેમ છતાં અનલોક-૧(એક) ના છેલ્લા દિવસે ઘોઘાવદરની કુમાર શાળા ખાતે ઇતિહાસ રચાયો હતો. એકથી માંડીને ધોરણ-૮ સુધીના કુલ ૩૫ બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો, અને ખુશખુશાલ મુદ્રામાં નવો પ્રવેશ મેળવતા શાળાના બાળકોને ગામના અગ્રણીઓએ શૈક્ષણિક કીટ આપી હરખાતા હૈયે આવકાર્યા હતા.

સરકારી શાળામાં પ્રવેશ મેળવતા બાળકોના વાલીઓએ હોંશભેર જણાવ્યું હતું કે અમારા બાળકોને અમે દેખાદેખીથી મુક્ત રાખીને સરકારી શાળામાં એટલા માટે પ્રવેશ અપાવ્યો છે કે અહીં અમને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો મારફતે મળતું શિક્ષણ અન્ય ખાનગી શાળા કરતાં ખૂબ જ ઉચ્ચ દરજ્જાનું જોવા મળ્યું છે. અહીંની શાળાના શિક્ષકો નિયમિત પણે ફોલોઅપ લઈને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં ખૂબ જ મહેનત કરે છે. તે જોઈને અમે લોકોએ અમારો નિર્ણય બદલીને બાળકોને સરકારી શાળામાં મૂક્યા છે. અને અમે લોકો સ્વેચ્છાએ એવું વચન આપવા બંધાઈ એ છીએ કે અમે અમારા બાળકોને રોજ ઘરે સ્કૂલમાંથી આપેલું લેશન કરાવીશું અને તેમના અભ્યાસમાં રસ લઈને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં ખૂબ મદદ કરીશું. છેલ્લા ત્રણ મહિનામાં શાળાના શિક્ષકોએ આસપાસના વિસ્તારોમાં સર્વેક્ષણ કરીને સમજાવટથી વાલીઓને સરકારી શાળામાં તેમના બાળકોને ભણાવવા માટે પહેલ કરી હતી જે રંગ લાવી છે. શિક્ષકોની મહેનત અને વાલીઓના વિધેયાત્મક અભિગમને લીધે શાળા સંકુલ આજે નવો પ્રવેશ મેળવતા ૩૫ બાળકોના ગુંજારવ થી મહેકી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે માંડ સાડા ત્રણ હજાર જેટલી વસ્તી ધરાવતા ઘોઘાવદર ગામમાંથી અત્યાર સુધી ૦૩ વ્યક્તિઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ૦૩ વ્યક્તિઓ પીએચડી, ૦૯ વ્યક્તિઓ ડૉક્ટર, ૧૦ વ્યક્તિઓ એન્જિનિયર ૦૧ પીએસઆઈ, ૦૧ સંસદ સભ્ય તથા ૦૭ વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા છે, તેજ સાબિત કરે છે કે ગામલોકો શિક્ષણને કેટલું મહત્વ આપે છે.

આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી અનીલાબેન પંડયા તથા હરસુખલાલ હિરાણીએ શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકોને આવકાર્યા હતા. સી.આર.સી પરાક્રમસિંહ જાડેજાએ બાળકોના વાલીઓને અભ્યાસમાં રસ લેવા પ્રોત્સાહિત કર્યા હતા, શાળામાં પ્રવેશ મેળવતા બાળકોને ઉત્સાહિત કરવા માટે ગામના સરપંચ ભાવનાબેન ગાંઠિયા, તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન ચોવટીયા, ગ્રામ પંચાયતના સભ્ય સુખદેવસિંહ કાઠીયા, અગ્રણી શ્રી રાજેશભાઈ વસોયા, મોહનભાઈ ડોબરીયા, જીગ્નેશભાઈ ઘેલાણી, વિજયભાઈ ઠુમર, શૈલેષ ભાઈ સોલંકી, વલ્લભભાઈ ડોબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

government education approach for student parents ghoghavadar school rajkot gujarat india gondal taluka


કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦ પ્રકાશિત થયો..

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦ પ્રકાશિત કરવામાં આવ્યો

રાજકોટ : નવતર શોધ – સંશોધનો અને પહેલ કરનારા યુવાનોના વિચારોને વિશ્વ સમક્ષ મુકવા માટે રાજ્ય સરકાર અનેક અવસરોનું સર્જન કરે છે. હાલ ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડની પરિક્ષાના પરિણામ આવી ચુક્યા છે. ત્યારે કારકિર્દીની દિશા નક્કી કરવા માટે રાજ્યના માહિતી વિભાગ દ્વારા દર વર્ષે ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રકાશિત કરવામાં આવે છે.

આ શૃખંલા અન્વયે આ વર્ષે પણ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – ૨૦૨૦ પ્રકાશિત થઈ ચુક્યો છે. આ વિશેષાંકમાં અનુભવી લેખકોની નીવડેલી કલમે લખાયેલા માર્ગદર્શક લેખો, ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દીના વિકલ્પો તેમજ વિવિધ ક્ષેત્રો વિશેનું માર્ગદર્શન અને જાણકારીઓ સમાવિષ્ટ હોય છે. આ વિશેષાંક કોઈપણ વ્યક્તિ ફક્ત રૂપીયા ૨૦ ની સાવ નજીવી કિંમતે તમારા વિસ્તારની નજીકની પ્રાદેશિક માહિતી કચેરી કે કોઈપણ જાણીતા બુક સ્ટોલ ઉપરથી મેળવી શકે છે.  (માહિતી બ્યુરો – રાજકોટ)


કોરોનાથી રક્ષણ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઉપયોગી માર્ગદર્શિકા…

આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર કોરોના સંક્રમણ સામે આરોગ્યની જાળવણી અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા આટલું કરો

કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વ્યકિતગત સારસંભાળ માટે આયુર્વેદિક પદ્ધતિ અતિ ઉપયોગી બની રહી છે પ્રવર્તમાન કોરોના મહામારી દરમિયાન વ્યકિતગત સારસંભાળ માટે આયુર્વેદ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કોરોના સામે ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા નીચે મુજબ વ્યકિતગત સંભાળ માટેની માર્ગદર્શિકા સૂચવવામાં આવી છે.

સામાન્ય પગલાઓ : દિવસભર ગરમ પાણી પીવું. ઓછામાં ઓછા ૩૦ મિનિટ માટે વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ કરવો જોઈએ. હળદર, જીરૂ, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં માટે સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ સુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવો જોઈએ), હર્બલ ટી/ઉકાળો જેમાં દિવસમાં એક કે બે વાર તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને કાળી દ્રાક્ષમાં થી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો. જેમાં ગોળ અથવા તાજા લીંબુનો રસ જરૂર મુજબ ઉમેરી શકાય. ગોલ્ડન મિલ્કનો પ્રયોગ કરવો જેમાં અડધી ચમચી (૧૫૦ મિલી) હળદર ગરમ દૂધમાં મિક્ષ કરી દિવસમાં એક કે બે વાર સેવન કરવું.

આ ઉપરાંત નાસ્ય: સરળ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ મુજબ બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી લગાવો. સવાર અને સાંજ ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંમાં લઈ બે થી ત્રણ મિનિટ રાખવું અને કોગળા દ્વારા કાઢી નાંખવું. (પીવુ નહી) ત્યારબાદ ગરમ પાણીના કોગળા કરવા, જે દિવસમાં એક કે બે વાર કરી શકાય. સુકી ઉધરસ / ગળામાં બળતરા થતી હોય ત્યારે તાજા ફુદીનાના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો. ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે. આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય, પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો નજીકના આરોગ્ય કેન્દ્રના ડોકટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

corona treatment guideline by ayysh mantralay government of india gujarat doctor medicine for all people


કોરોના સંક્રમણ સામેના સીધા યુદ્ધનો ગુજરાત પ્રયોગ

corona voriurs

corona voriurs

હું પણ કોરોના વોરિયર અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસના સંક્રમણ સામેનો ગુજરાતનો જનસહયોગ જંગ હું પણ કોરોના વોરિયર અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સૌને જિતશે ગુજરાત હારશે કોરોનાનો વિજયમંત્ર આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ૩૩ જિલ્લા મથકોએ ઉપસ્થિત રહેલા સમાજ અગ્રણીઓ સંતો-મહંતો, વિવિધ વર્ગોના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે વિડીયો કોન્ફરન્સ સંવાદ દ્વારા આ જનઅભિયાન હું પણ કોરોના વોરિયર શરૂ કરાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની આ મહામારી સામેની આપણી લડાઇ લાંબી ચાલવાની છે ત્યારે ડરીને કે હારી થાકીને બેસી જવા કરતાં રોજિંદી જીવન પ્રવૃત્તિઓ કેટલાક નિયમોના પાલન સાથે કરવાની, કોરોના સાથે-કોરોના સામે જીવવાની માનસિકતા કેળવવી પડશે. એ હેતુસર આ અભિયાન સમયોચિત જનઅભિયાન બની રહેવાનું છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ વોરિયર યોદ્ધાની રણસંગ્રામમાં જે ભૂમિકા હોય કે તે કદી હારવાની નહિ પરંતુ જિતવાની જિજિવીષાથી જ યુદ્ધ મેદાનમાં ઉતરે તેમ આપણે સૌએ કોરોના સંક્રમણ સામેની લડાઇ જીતવાની સંકલ્પબદ્ધતા દિલો દિમાગમાં લાવી હું પણ કોરોના વોરિયર તરીકે કોરોના સામે યુદ્ધ લડવાનું છે તેની વિશદ છણાવટ પણ કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે હવે આ બધી રોજિંદી પ્રવૃત્તિઓ માટે ઘર બહાર નીકળવાનું છે. ધંધા-રોજગાર વ્યવસાય સાથે તબક્કાવાર પૂન: જોડાવાનું છે ત્યારે હરેક વ્યકિત સ્વયં સંકલ્પ કરે કે બેદરકારી નહિં દાખવે, સ્વયં શિસ્ત જાળવી નિયમો પાળશે અને હું પણ કોરોના વોરિયરના ત્રણ મહત્વપૂર્ણ સંકલ્પોનું પાલન પણ અવશ્ય કરશે. તેમણે હું મારા વડીલ-વયસ્ક વૃદ્ધોને અને બાળકોને ઘરની બહાર નહિં નીકળવા દઉ, માસ્કનો અવશ્ય ઉપયોગ કરીશ અને કામ વગર ઘરની બહાર નીકળીશ નહિ તથા દો ગજની દૂરી-સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીશ એ ત્રણ સંકલ્પ આ અભિયાન તહેત પ્રત્યેક વોરિયર લે અને કાયમ તેનું પાલન કરે તેવી પૂન: અપિલ પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે આ સમગ્ર અભિયાન મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં યોજાઇ રહ્યું છે તેની ભૂમિકા સાથે સૌને આવકાર્યા હતા. માહિતી નિયામક શ્રી અશોક કાલરિયા, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી.શ્રી ડી. એચ. શાહ પણ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. (માહિતી બ્યુરો – ગાંધીનગર)

corona voriurs by vijay rupani chief minister gujarat government


જામનગર ખાતેથી મોબાઈલને લગતું મેગેઝીન પ્રસિધ્ધ થશે

nitesh mehta

nitesh mehta

જામનગરના ટેકનોક્રેટ નિતેષભાઈ મહેતા દ્વારા નજીકના સમયમાં મોબાઇલ વાપરતા બધા લોકોને ઉપયોગી થાય તેવું અને મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની અથ થી ઇતિ સુધીની માહિતી આપતું સેલ્યુલર સમાચાર નામનું ગુજરાતી મેગેઝીન ટૂંક સમયમાં જ પ્રસિદ્ધ કરવામાં આવશે.

તો આ માટેની વધુ માહિતી માટે નિતેષ પી. મહેતા જામનગર મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૨૮૨૫૬ (વોટસઅપ) ઉપર સંપર્ક કરી શકાય છે.

cellualar industries news paper published by technocrat nitesh mehta from jamnagar gujarat


ચીનથી પરત આવેલા પ્રવાસીઓ માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ

નવી દિલ્હી, 30-01-2020 : ચીનમાં નવા ફેલાઈ રહેલા કોરોના વાયરસને કારણે અન્ય દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવા કેસ ધ્યાનમાં આવ્યા હોવાનુ જણાયુ છે. આપણી અને આપણા પરિવારની સુરક્ષા માટે તમારે જાણવા જેવી તમામ માહિતી અને માર્ગદર્શિકા સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. કોરોના વાયરસથી સામાન્ય શરદી થવાથી માંડીને મિડલ-ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS – શ્વાસની ગંભીર બીમારી) અને સિવિયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ (SARS-CoV) જેવી ઘાતક બિમારીઓ થઈ શકે છે.

આ બીમારીનાં લક્ષણો કેવા છે..??  તાવ, કફ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોના વાયરસથી ફેલાતા રોગનાં સામાન્ય લક્ષણો છે. તમારી જાતને તથા અન્યને બીમાર થતાં કેવી રીતે બચાવી શકાય..?? જો તમે નજીકના સમયમાં ચીન જઈને આવ્યા હોવ તો (છેલ્લા 14 દિવસની અંદર) અથવા તો કોરોના વાયરસગ્રસ્ત વ્યક્તીનો ચેપ લાગ્યો હોય તેવી સંભાવના હોય તો, મોટા ભાગના લોકોને માર્ગદર્શનની જરૂર પડે છે. તમને નીચે મુજબ સલાહ આપવામાં આવે છે.

o ઘરે પરત આવ્યા પછી 14 દિવસ સુધી એકલા રહેવાનુ પસંદ કરો
o અલાયદા ખંડમાં સુઓ.
o પરિવારના અન્ય સભ્યો સાથે મર્યાદિત સંપર્ક રાખો અને મુલાકાતીઓને મળવાનુ ટાળો.
o જ્યારે કફ આવતો હોય અથવા છીંકો આવતી હોય ત્યારે નાક અને મોં ઢાંકેલુ રાખો.
o  શરદી અથવા ફલૂ નાં લક્ષણો ધરાવતા કોઈની સાથે પણ સંપર્ક ટાળો. (કોઈ પણ વ્યક્તિથી ઓછામાં ઓછુ એક મીટર અંતર રાખો.)
o નીચે દર્શાવેલી સ્થિતિમાં ઘરની તમામ વ્યક્તિઓએ હંમેશાં સ્વચ્છતા જાળવવી જોઈ અને હાથ ધોવા જોઈએ
o   છીંક કે કફ આવે ત્યારે
o   તમે જો કોઈ બીમાર વ્યક્તિની સંભાળ લેતા હોવ તો
o   રસોઇ કરતા પહેલા, તે દરમિયાન અને તે પછી
o   જમતા પહેલાં,
o   શૌચાલયનો વપરાશ કર્યા પછી,
o   જ્યારે હાથ ગંદા હોય ત્યારે
o   કોઈ પ્રાણીનો સંપર્ક થયા પછી, કે પ્રાણીજન્ય કચરાનો નિકાલ કર્યા પછી
o  જો તમને ચીનથી પરત આવ્યા પછીના 28 દિવસમાં કોઈ તાવ આવે તો અથવા કફ થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે તો નીચે મુજબનાં પગલાં લેવાં.
o   તુરત જ માસ્ક પહેરી લો અને સલાહ આપ્યા મુજબ નજીકના તબીબી એકમને જાણ કરો
o   જરા પણ ગભરાઈ જશો નહી.
o   વધુ પૂછપરછ માટે કન્ટ્રોલ રૂમ નં. 011-23978046 ને ફોન કરો અથવા ncov2019@gmail.com પર ઈ-મેઈલ કરો. (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો : ભારત સરકાર – અમદાવાદ)