
Ashvin Joshi (Junior Rajkumar) Rajkot
એ કુમારભાઈ, જરાક એક બે ડાયલોગ તો સંભળાવો.. રાજકોટના અશ્વિનભાઈ અનંતરાય જોશી જયારે રસ્તા પર નીકળે ત્યારે પરિચીતો કે અપરિચિતો તેમને હિન્દી ફિલ્મોના ડાયલોગના બેતાજ બાદશાહ તરીકે જાણીતા અભિનેતા સ્વ.રાજકુમારના યાદગાર ફિલ્મી સંવાદનો સંભળાવવાની ફરમાઇશ જરૂર કરે.
૫૨ વર્ષીય અશ્વિનભાઈના ચહેરો હુબહુ રાજકુમારને મળતો આવે છે ૪૦ – ૪૫ વર્ષ પહેલા જયારે રાજકુમારની દિલ એક મંદિર ફિલ્મ રીલીઝ થઇ ત્યારે કોઈએ અશ્વિનભાઈને કહ્યું કે યાર તું તો અસલ રાજકુમાર જેવો જ દેખાય છે.. બસ, તે દીવસની ઘડીને અને કાલનો દીવસ. અશ્વિનભાઈએ ત્યારથી ક્યારેય પાછું વળીને જોયું નથી. રાજકુમારની મુછની કટથી માંડી હેરસ્ટાઈલ અને ક્યારેક ગળે મફલર અને એથીયે વિશેષ ચાહકો તેના પર આજેય કાર્બન છે એ રાજકુમારની સંવાદ, ડાયલોગ્સ બોલવાની છટા અશ્વિનભાઈએ સારી રીતે હસ્તગત કરી છે. રાજકુમારને તેમણે જે રીતે આત્મસાત કર્યા છે એ જોતાં તેઓ અશ્વિન મટી ગયા છે.
સરખા મળતા આવતા ચહેરાને હિન્દીમાં હમશકલ જેને અંગ્રેજીમાં લુએલાઈક કહે છે સેલિબ્રિટીના હમશકલને પણ થોડી ઘણી પ્રસિધ્ધી મળે છે. હિન્દી ફિલ્મોના ઘણા અભિનેતાઓના કેટલાક હમશકલોને પણ ફિલ્મમાં નાનો સરખો બ્રેક મળ્યો હોય છે પરંતુ હમશકલ પણ લોકપ્રિય બન્યો હોય અથવા તેની લોકપ્રિયતા લાંબી ચાલી હોય તેવું બહુ ઓછું બન્યું છે. સ્વ. રાજકુમાર વિષે અશ્વિનભાઈએ જણાવેલ કે રાજકુમારનું મૂળ નામ પદ્મભૂષણ હતું અને તેઓ ખુબ જ સ્વમાની અને ખુમારીવાળા કલાકાર હતા સ્વ. રાજકુમારના અવસાનને અત્યારે લગભગ દસેક વર્ષ જેટલો સમયગાળો થયો છે.
અશ્વિનભાઈએ પોતાના વીઝીટીંગ કાર્ડમાં પોતાની જુનિયર રાજકુમાર તરીકે જ ઓળખાણ આપે છે, પરંતુ તેના ચાહકો માટે તો તે કુમારભાઈ વધુ છે તેમની સાથે થોડા કલાકો ગાળીએ તો તેમના ચાહકોની સંખ્યા મોટી હોવાનો અંદાજ આવી જાય છે. પાકીઝા ફિલ્મ જ્યારે રાજ્કોટમાં રીલીઝ થયું તે વખતે કુમારાવસ્થાના અશ્વિનભાઈ રાજકોટના એક વખતના લોકપ્રિય અખબાર નુતન સૌરાષ્ટ્રમાં કમ્પોઝીટર હતા તે વખતે રાજકુમારે તેમને પૂછ્યું પણ ખરું ક્યા કરતે હો..?? એ વખતે રાજકુમારનો પણ ખરો દબદબો હતો. રાજકોટના રાજકુમારના હમશકલ રહેતા હોવાની વાત બધે ફેલાતી રહી રાજકોટ દૂરદર્શને પણ તેમને એક ચાન્સ પણ આપ્યો ને અશ્વિનભાઈ એ રાજકુમારનું ખોળિયું ધારણ કરી લીધુ
રાજકુમારના અવાજમાં બોલવાનું તમે કઈ રીતે શીખ્યા..?? એવા પ્રશ્નના જવાબમાં અશ્વિનભાઈ કહે છે કે રસ્તે નીકળું ત્યારે કોઈ ડાયલોગ બોલવાનું કહે ત્યારે તેને ખુશ રાખવા ડાયલોગ બોલવા એ મારું સ્ટેજ પ્રોગ્રામોનું રીહર્સલ છે. અશ્વિનભાઈ પહેલા કર્મકાંડ કરતા અને હજુ પણ કરે છે પરંતુ હવે તેઓ ધાર્મિક, સામાજીક પ્રસંગોમાં વધુ વ્યસ્ત રહે છે. જુનાગઢ માં શિવરાત્રીના મેળા વખતે અલખનો ઓટલો નામનું નિ:સ્વાર્થ ભાવે અને કોઈપણ દાનની અપેક્ષા વગર અન્નક્ષેત્ર પણ તેઓ પોતાના મિત્રો સાથે ચલાવીને સેવા પણ આપે છે. ઘણીવાર અશ્વિનભાઈ ને લોકો રસ્તામાં તો ઠીક, ક્યારેક સ્મશાનમાં પણ લોકો ફરમાઈશ કરે તો હું કહું કે ભાઈ આવા સમયે..?? ત્યારે ડાઘુનો ડાયલોગ સાંભળવાનો આગ્રહ રાખતા કહે, મરનાર તો મરી ગયા, તમતમારે થવા દો.. હમશકલ રાજકુમાર પોલીયો નાબુદી કે એઇડ્સ વિરોધી ઝુંબેશ જેવા ઘણા સરકારી અભિયાનોમાં પણ અન્ય અભિનેતાઓના હમશકલો સાથે ભાગ લે છે. આનો યશ તેઓ અમદાવાદ પબ્લીસીસ્ટ શ્રી ચંદનભાઈ રાવલને આપે છે. ચંદનભાઈ પણ અશ્વિનભાઈ ને સજ્જન અને નિસ્વાર્થ ગણાવતા કહે છે કે તેમને જનજાગૃતિનો સંદેશો પહોચાડવા કેટલાક પૈસા મળશે એવો સવાલ ક્યારેય પણ પૂછ્યો નથી સાથે સાથે તેઓ વોડાફોન ગુજરાતના પ્રેમલભાઈ, મોન્ટીભાઈ તથા જુનાગઢ ભવનાથના મનુભાઈ (ગોળાધરવાળા) અને મોન્ટુ મહારાજ વગેરેનો પણ સાથ સહકાર માટે દીલથી આભાર માને છે.
કુમારભાઈને ઝી ગુજરાતી ચેનલમાં પણ તક મળી છે એ તો ઠીક તેમના ત્રણ વિડીયો આલ્બમ પણ બહાર પડી ચુક્યા છે. આંગણે વાગ્યા રુડા ઢોલ ગુજરાતી ફિલ્મમાં તેમને મહેમાન કલાકારની ભૂમીકા ભજવવાની તક મળી હતી તથા હાલો માતાના મઢે, કોના બાપની દિવાળી જેવા આલ્બમોમાં પણ તેમણે કામ કર્યું છે અને હવે મારી હીરા નથી ઘસવા ફિલ્મમાં પણ તેમણે મુખ્ય ભૂમિકા મળી હતી. મંદીકાળમાંથી પસાર થતા હીરાના વેપારીની વ્યથા કથા વર્ણવતી આ ફિલ્મમાં રાજકુમારના હમશકલ શેઠનાં કારીગરોની ભૂમિકામાં પણ અમિતાભ બચ્ચન અને અમજદ ખાનના હમશક્લોએ ભજવી છે.
છેલ્લા લગભગ ત્રીસેક વરસથી જુનિયર રાજકુમાર તરીકે કામ કરતા કુમારભાઈનાં શ્રીમતી અને તેમની બે દીકરીઓ અને જમાઈઓ પણ તેમને રાજકુમાર તરીકે જોવે છે તેઓ એનાથી ખુબ ખુશ છે એમ અશ્વિનભાઈ જ્યારે અમને કહે છે ત્યારે લાગે છે કે ખરેખર રાજકુમારનો અવતાર તેમને સદી ગયો છે. જુ. રાજકુમાર અશ્વિનભાઈ જોશીએ રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ તથા તેમની મીડિયા ટીમ ને સતત આગળ વધતા રહેવા માટે આશીર્વાદ આપ્યા હતા…
આવા સરળ અને મિલનસાર સ્વભાવના વ્યક્તિ અશ્વિનભાઈ જોશી હવે આપણી વચ્ચે રહયા નથી તેઓનું તારીખ ૦૭ – ૧૧ – ૨૦૧૬ ના રોજ રાજકોટ ખાતે અવસાન થયેલ છે. પણ લોકોના હૃદયમાં તેમનું સ્થાન હંમેશા માટે યાદગાર બની રહેશે..