ATUL N. CHOTAI

a Writer


ગુજરાતના આ પરીવારો પાસે તલવારોનો વારસાગત વ્યાપાર આજે પણ યથાવત છે

indian sword

indian sword

ગુજરાતમાં નાની મોટી અનેક જ્ઞાતિઓ વંશ પરંપરાગત વ્યવસાય અને વ્યાપાર સાથે જોડાયેલી છે. કોઇ કાપડના વેપારી તો કોઇ ચોપડા પૂજન વખતે વપરાતા ચોપડાઓના વેપારી, કોઇ કલા કારીગીરીમાં તો કોઇ વ્યવસાયમાં પિતા – દાદાની પ્રણાલીને સાચવી બેઠા છે. ગુજરાતની બહારથી આવીને અહીં વસેલા લોકોએ આ ધરાને પોતાના ખંત અને પુરુષાર્થથી ઉજળી બનાવી છે. રાજ્યના રજવાડાઓને પણ સાથ સહકાર આપ્યો છે. આવીજ એક જ્ઞાતિએ એટલે વઢાણા સમાજ. જેઓ શસ્ત્રો, હથિયારો અને ખેત ઓજારો બનાવવાનો વ્યાપાર કરે છે.

વઢાણા જ્ઞાતિનો મોટો વર્ગ હથિયારો જેવા કે તલવારો, જમૈયા, કટાર, સૂડી, ચપ્પુ, ફારસી, ત્રિશુલ, ભાલા અને છરી જેવી વસ્તુઓ તૈયાર કરે છે. આ તમામ તિક્ષણ વસ્તુઓ પર પોતાની કલા કારીગરીની એક ઊંડી છાપ છોડે છે અને અલૌકિક વારસાના દર્શન કરાવે છે. આજે ગુજરાતમાં કચ્છ, ભૂજ, ચોટિલા, અંજાર, ગાંધીધામ, અંબાજી, ધારી અને જૂનાગઢ જેવા શહેરોમાં વસવાટ કરીને ઓજાર બનાવવાના પરંપરાગત વ્યાપાર કલાને આ સમાજ આગળ ધપાવી રહયો છે. નવી પેઢી પણ આ પારંપરિક રીતને અનુસરી રહ્યા છે.

સુલેમાની, વટણી, અબરી, કલમી ગોળીયો, માનાસઇ, ખુરાસણ, હરફવાળી, પલસાઇ, ખુરાસણ ડાબલા, દોઢવાળી, શિરોહી, લાલુવાઇ અને ખુરાસણ કલમવાળી એમ મુખ્ય બાર પ્રકારની તલવારો તૈયાર કરવામાં આવે છે. આ વાત રાજાશાહી વખતની છે. જે તે સમયે રજવાડાઓ હતા ત્યારે હથિયારો જાતે તૈયાર કરવામાં આવતા. આ કામ પરથી જ્ઞાતિને વઢાણા સમાજનું એક નામ મળ્યું છે. જો રાજ્ય સરકાર તરફથી આ કલાને એક સ્થાન મળે અને ગૃહ ઉદ્યોગ નીચે સહાય મળે તો વધુને વધુ યુવાનો આ કલાક્ષેત્રમાં જોડાઇ શકે અને આ ક્ષેત્રને પણ નવું માધ્યમ મળી શકે તથા લુપ્ત થતી આ કલાને નવજીવન મળી શકે છે.


અલાહાબાદ ના રામબાબુ ઊકળતાં તેલમાં હાથ નાંખીને ભજીયા તળે છે

rambabu bhajiyavala

rambabu bhajiyavala

યુ. પી ના અલાહાબાદ ના પુરાના શહેર ખાતે એક અનોખા ભજીયા વાળા છે જે ઊકળતાં તેલમાં હાથ નાંખીને ભજીયા તળે છે. ગ્રાહકો તેની કારીગરી જોઈ હેરાન રહી જાય છે. રામબાબૂ જણાવે છે કે છેલ્લા ૪૦ વર્ષથી તેઓને પુરાના શહેરના ચાર રસ્તાએ અનોખા પકૌડીવાલા ના નામે ઓળખવામાં આવે છે. રામબાબૂની આ કારીગરીને કારણે તેમને ત્યાં વહેલી સવારથી જ ભજીયા ખરીદનારાઓની ભીડ લાગે છે. લોકો માત્ર હાથેથી બનેલા જ ભજીયા માગે છે અને એ પણ તેમની સામે જ રામબાબૂ તૈયાર કરે તેવી માગણી કરતા હોય છે. રામબાબૂએ જણાવ્યું કે ભારે કડછીનો ઉપયોગ કરવાથી સમય ઘણો બગડે છે. એકવાર ભીડ વધારે હોવાથી તેમણે હાથ ઊકળતાં તેલમાં નાખી દીધો હતો હાથ અંદર સુધી ડુબાડ્યા બાદ તેઓએ હાથ અચાનક બહાર કાઢી લીધો અને દાઝી ગયા હોવાનું સમજીને હાથ કપડાથી ઢાંકી લીધો જો કે પછી અનુભવ થયો કે તેમનો હાથ તો એકદમ સલામત છે બસ તે દિવસથી જ રામબાબૂએ કડછીનો ઉપયોગ બંધ કરી દીધો હતો તેઓને ઊકળતાં તેલમાં ભજીયા તળતી વખતે પાણીમાં હાથ નાખ્યો હોય એવું લાગે છે. રામબાબૂ અને તેમના પરિવાર તેઓનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેવી ઈચ્છા રાખે છે


લીમડાના ઝાડ પર લટકતી નાની દેખાતી અને નકામી ગણાતી એવી લીંબોળી હજ્જારોની કમાણી કરાવે છે

limboli

limboli

આપણા આંગણે લીમડાનું વૃક્ષ હોય તો તેના પર લટકેલી લીંબોળી પાકે કે નીચે પડે તેના પર આપણે ક્યારેય ધ્યાન આપતા નથી. પરંતુ લીમડાના વૃક્ષ પર લાગતી લીંબોળી કેટલીય મહિલાઓ માટે આજીવિકાનું સાધન બન્યું છે. વર્ષના બે મહિનામાં લીંબોળીઓ થકી મહિલાઓ લાખો રૂપિયા કમાતી થઈ છે. અને આ લીંબોળીઓ વીણીને તેને ખાતર બનાવતી કંપનીઓને આપવામાં આવે છે. ગુજરાત ના ભરૂચ જિલ્લામાં આ ઉદ્યોગ મોટા પાયે ફાલ્યો છે. લીમડાના વૃક્ષ પર આવતી લીંબોળીઓ ભરૂચ જિલ્લાની કેટલીય મહિલાઓ માટે આજીવિકાનું સાધન બની છે. સામાન્ય રીતે રોડ પર વેસ્ટ જતી લીંબોળીઓ વીણીને મહિલાઓ તેનો ઉપયોગ કરતી થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતર બનાવતી કંપનીઓને આહવાન કર્યું હતું કે હવેથી ખાતરને નીમ કોટેડ બનાવવું. જેનાથી ખાતરના ઉદ્યોગો દ્વારા જે દુરુપયોગ થતો હતો અને ખાતરની અછત ઉભી થતી હતી તે અટકશે. અને નીમ કોટેડ ખાતરથી ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બનશે. ખાતર બનાવતી કંપનીઓએ આ વાતને સ્વીકારી છેલ્લાં બે વર્ષથી સંપૂર્ણ ખાતર નીમ કોટેડ બનાવવાની શરૂઆત કરી છે. ભરૂચ ખાતે આવેલ જી.એન.એફ.સી. કંપની દ્વારા પણ 100 ટકા નીમ કોટેડ ખાતર બનાવવામાં આવે છે. અને તેના માટે વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને લીંબોળીઓ વીણી કેવી રીતે કમાણી કરી શકાય તે માટેની તાલીમ આપવામાં આવે છે. ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે મહિલાઓ એકત્રિત થઈ લીંબોળીઓ વીણી કમાણી કરી રહી છે. કંપની અને મહિલાઓ વચ્ચે કોઈ દલાલ નથી હોતો. મહિલાઓ સીધી કંપનીને જ લીંબોળીઓ વેચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓ સ્વનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે લીંબોળીઓ એ માત્ર કચરો હોય છે. પરંતુ આ કચરામાંથી પણ મહિલાઓ આજીવિકા ઉભી કરી શકે છે અને સારામાં સારું વળતર મેળવી શકે જે આ મહિલાઓ એ સાબિત કરેલ છે


પોરબંદર ની ખાજલી દેશ – વિદેશ માં પ્રખ્યાત છે

Khajli Udyog - Porbandarr

Khajli Udyog – Porbandarr

દરેક શહેરની એક આગવી ઓળખ વ્યંજનોમાં પણ રહી છે. સુરતની ઘારી અને ખમણ તો રાજકોટ ના પેંડા સૌ કોઈ માટે પ્રિય હોય છે વાત કરીએ તો પોરબંદર ની ખાજલી પણ દેશ – વિદેશ માં ભારે પ્રખ્યાત છે. પોરબંદર શહેરમાં દરરોજ અંદાજે ચાલીસ મણ જેટલી ખાજલીનું ઉત્પાદન થાય છે જેમાં મોરી, મસાલા વાળી અને મીઠી એમ ત્રણ પ્રકારની ખાજલી બનાવવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પણ ખાજલીની માંગ રહે છે પણ જન્માષ્ટમી, દિવાળી જેવા તહેવારોમાં ખાજલીની સૌથી વધુ માંગ રહે છે.

પોરબંદર નો  ખાજલી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે વર્ષોથી પોરબંદરની ખાજલી પ્રખ્યાત છે મેંદા અને ઘી માં થી બનતી ખાજલી અન્ય શહેરોમાં પણ બનતી હશે પરંતુ પોરબંદરની ખાજલીનો સ્વાદ કંઈક અલગ જ હોય છે  જાણકારોના કહેવા મુજબ પોરબંદરના ભેજવાળા વાતાવરણને લઈને આ ખાજલી સ્વાદિષ્ટ બને છે. પોરબંદરમાં કોઈને ત્યાં મહેમાન આવ્યા હોય તો તેમને ચોક્કસ ખાજલીનું બોક્સ આપવામાં આવે છે તો અહીં અન્ય શહેરોમાંથી આવતા પ્રવાસીઓ હોય કે પછી કામ ધંધા અર્થે આવતા લોકો તેઓ પોરબંદર ની ખાજલી લેવાનું ચૂકતા નથી.

આ ખાજલી આપણા રાજ્ય ઉપરાંત અન્ય પ્રાંતમાં પણ જાય છે પોરબંદર પંથકના અનેક લોકો વિદેશમાં પણ વસવાટ કરે છે ત્યારે આ લોકો પોરબંદરથી ખાસ ખાજલી દુબઈ, કેનેડા, આફ્રિકા અને અમેરીકા જેવા દેશમાં પણ લઈ જાય છે આ રીતે પોરબંદરની ખાજલી અન્ય દેશોમાં પણ ભારે પ્રખ્યાત છે ત્યારે પોરબંદરનો બેકરી ઉદ્યોગ અને તેમા ખાસ ખાજલી સાત સમંદર પાર જાય છે જે પોરબંદર માટે ગૌરવ ની બાબત ગણાય છે


ઘેર બેઠા ભેળસેળ જાણવાના નુસ્‍ખા

આલેખન :  રાજેશ ભાતેલિયા

ભેળસેળ ચકાસવાની સાદી અને સરળ રીતે ખાદ્યતેલમાં જો દિવલની ભેળસેળ કરાય હોય તો તે જાણવા માટે થોડાક તેલને કસનળીમાં લઇ પેટ્રોલીયમ ઇથરમાં ઓગાળો અને કસનળીને બરફ અને મીઠાના મિશ્રણમાં મુકતા જો માત્ર પાંચ જ મીનીટમાં તે ડોળુ થાય તો તેમાં દિવલ છે તેમ જાણી શકાય છે.

જયારે મીઠાઇ, પાન અને ચટણીમાં વપરાતા વરખમાં જો આપણને એમ લાગે કે એમાં એલ્‍યુમીનીયમની વરખ છે તો તે શોધવા માટે હાઇડ્રોકલોરીક એસીડમાં તે વરખ નાંખવાથી જો તે એલ્‍યુમીનીયમનું હશે તો અગોળી જશે અને જો ચાંદીનું વરખ હશે તો તે ઓગળશે નહીં.

આપણે બજારમાંથી ખરીદેલી રાઇમાં કોલસાની ભુકી નાંખવામાં આવી છે કે કેમ તે જાણવું હોય તો રાઇને હાથમાં મસળો અને રાઇ મસળતા કાળો રંગ હાથ ઉપર લાગે તો સમજવું કે કોલસાની ભુકીનું મિશ્રણ કરાયું છે.

બજારમાંથી આપણે ખરીદેલી ચા ખરેખર સારી છે કે ભેળસેળવાળી છે તે જોવું હોય તો ભીના ફિલ્‍ટર પેપર ઉપર આવી શંકાસ્‍પદ ભૂકી છાંટો થોડીવારમાં ફીલ્‍ટર પેપર ઉપર પીળા ગુલાબી લાલ ભુરા ડાઘા દેખાય તો સમજવું કે વપરાયેલી ચાના ડુચાને સુકવીને કૃત્રિમ રંગોથી રંગી ચામાં ભેળસેળ કરી છે.

ફરસાણ, રંગવાળી મીઠાઇ, આઇસ્‍ક્રીમમાં ભેળસેળ છે કે કેમ તે જોવું તો ખાદ્ય ચીજ ઉપર હાઇડ્રોકલોરીક એસીડ નાંખવાથી એનો રંગ ભુરો અને જાંબુડીયો બની જાય તો સમજવું કે મેટાનીલ યલો જેવા પ્રતિબંધિત કોલટાર કલરનો ઉપયોગ કરાયો હોઇ શકે છે.

મરચાની ભૂકીમાં લાકડાનો વહેર અને અખાદ્ય રંગ વપરાયો હોય તો ખાંડેલા મરચાને પાણીમાં નાંખવાથી વહેર તરસે તેમજ પાણી રંગીન થશે.

ચાની અંદર જીણી લોખંડની કણીઓ નાંખવામાં આવી હોય તો ચા ને લોહચુંબક  ઉપરથી પસાર કરતા લોખંડની રજકણો ચોંટી જશે.

દૂધની અંદર સ્‍ટાર્ચની ભેળસેળ કરાય હશે તો દૂધ થોડા દૂધમાં ચારથી પાંચ ટીપા ટીકચર ઓફ આયોડીન નાંખો સ્‍ટાર્ચ હશે તો બ્‍લ્‍યુ રંગે થશે.

દળાયેલી ખાંડમાં સોજી, ધોવાનો સોડા કે ચોકનું મિશ્રણ કરાયું હશે તો ધોવાનો સોડા કે ચોક હશે તો તેમાં હાઇડ્રોકલોરીક એસિડ નાંખતા ઉભરો આવશે અને સોજી હશે તો તેમાં ચારથી પાંચ ટીપા ટીંકચર ઓફ આયોડીન નાંખતા બ્‍લ્‍યુ રંગનું થશે.

ઘી અને માખણમાં વનસ્‍પતિની ભેળસેળ કરાય હશે તો એક ચમચી ભરી સાંકળ હાઇડ્રોકલોરીક એસિક (૧૦ એમ.એલ.) માં ઓગાળો તેમાં ૧૦ એમ.એલ. કરેલ ઘી ઉમેરો, મિશ્રણને હલાવો જો રંગ લાલ થાય તો માખણ અને ઘી નકલી સમજવાના રહેશે.

કઠોળ અને દાળમાં કૃત્રિમ રંગ વપરાયો હશે તો કઠોળ અને દાળ પાણીમાં નાંખવાથી પાણી રંગીન થઇ જશે.

કોપરેલમાં ખનીજ તેલ (મીનરલ ઓઇલ) ની ભેળસેળ કરાયેલ હશે તો તેલને ફ્રીઝમાં મુકવા છતાં પણ જો તે જામે નહીં તો કોપરેલ તેલ શુધ્‍ધ નથી જયારે મરીમાં ખનીજ તેલ (મીનરલ ઓઇલ), કેરોસીનની ભેળસેળ કરાય હશે તો મરી ચળકતા કાળા લાગે તથા હાથ ઉપર ઘસવાથી કેરોસીનની વાસ આવે.

મરચા અને હળદરની ભુકીમાં અખાદ્ય કૃત્રિમ રંગોની તથા બાહય સ્‍ટાર્ચ, કુસકી વગેરેની ભેળસેળ થતી હોય છે જેથી કંપની પેક નમુનામાં આવી ભેળસેળનું પ્રમાણ ખૂબજ ઓછું જોવા મળતું હોય કંપની પેક પ્રોડકટ ખરીદી અથવા તો જાતે મરીમસાલા બનાવવા જોઇએ. આમ ઘેર બેઠા પણ ભેળસેળ ચકાસી શકાય છે અને ઘેરબેઠા ભેળસેળ જે ચકાસી શકાતી નથી તે આપણી રાજય સરકારની આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા ખોરાક અને ઔષધ પ્રયોગશાળા આપણી મદદે હંમેશા તત્‍પર રહેતી આવી છે.

રાજકોટમાં યુનિવર્સિટી રોડ  ખાતે કાર્યકરત પ્રાદેશિક ખોરાક પ્રયોગશાળા આપણી મદદે સદૈવ તૈયાર છે. માત્ર રૂા. ૩ થી ર૦ માં ઘેરબેઠા રીપોર્ટ પણ મેળવી શકાય છે અને ભેળસેળવાળી જગ્‍યાએથી સામગ્રી ખરીદવાનું આપણે બંધ કરી ભેળસેળથી બચી શકીએ છીએ. વધુ વિગત માટે કચેરીના સમય દરમ્‍યાન રજાના દિવસો સિવાય ફોન નં. ૦ર૮૧ – રપ૮૧૦ર૯  ઉપર સંપર્ક કરવાનો રહેશે.


પ્રાચીન પાઘડીઓને કળા ને થાનગઢમાં અમિતભાઈ એ જીવંત રાખી છે

Pagri Collection in Thangadh

Pagri Collection in Thangadh

પાઘડીની વાત આવે એટલે રાજાશાહીનો જમાનો યાદ આવે રાજા મહારાજાઓએ પહેરેલી પાઘડીથી વિશેષ રીતે ઓળખાતા હતાં. અને આજે પણ આ લૂપ્ત થતી કલાને સુરેન્દ્રનગર જીલ્લા ના થાન ગામના કારીગરે સાચવી રાખી છે. સૌરાષ્ટ્રભરમાં અને પાંચાળ પ્રદેશમાં ફક્ત એક જ  જગ્યાએ થી પાઘડીઓ બનાવીને મોકલવામાં આવે છે  તે પછી સૌરાષ્ટ્રનાં કોઇપણ ગામ કે શહેર હોય કે કોઇ નેતા કે અભિનેતાના સન્માનમાં થાનથી જ એક જગ્યાએથી પાઘડી બનાવીને મોકલવામાં આવે છે. થાનનાં તરણેતરનાં મેળામાં નેતાઓને પાઘડી પહેરાવતા જોઇને થાનના અમીતભાઈને તૈયાર પાઘડી બનાવવાની પ્રેરણા પ્રાપ્ત થઇ હતી તેમણે સૌ પ્રથમ સાદી પાઘડી બનાવવાની શરૂઆત કરી હતી પછી તેમાં ધીરે ધીરે કલાત્મક રીતે શણગારીને પાઘડીને બજારમાં વહેંચવામાં મૂકવામાં આવી  સારા કપડા અને હેન્ડવર્કનાં બોકાનાવાળી પાઘડીની કિંમત રૂ. 2500 થી માંડીને 5000 સુધીની હોય છે જ્યારે મશીનવર્ક અને એમ્બ્રોડરીવાળી પાઘડીની કીમત 1500 રૂપિયાથી લઇને 2500 સુધીની હોય છે.  આ અંગે અમીતભાઈ એ જણાવ્યું હતું કે કલાનાં વારસાને સાચવવા માટે તેમના પિતા ભાયાભાઈના વારસાને આગળ ધપાવવા આજ પણ તેઓ પાઘડીઓ બનાવી રહ્યાં છે. પાઘડીઓમાં ઝાલાવાડી, કાઠીયાવાડી અને રાજસ્થાની પાઘડીઓની વિશેષ માંગ હોય છે. કચ્છ પ્રદેશમાં વર્ષ દરમિયાન 200 જેટલી પાઘડીઓ. જ્યારે રાજસ્થાનમાં 100 થી વધુ પાઘડીઓનું વેચાણ થાય છે.


સુરતની લારીઓ પણ હવે હાઈટેક બની ગઈ છે

High Tech Office in Road

High Tech Office in Road

સુરત : સુરતમાં કોઈ પણ વ્યવસાય કરવો હોય તો ઓફિસ કે શોપ અપટુડેટ જોઈએ તે વાત કેટલાક લારીવાળાઓ ખોટી સાબિત કરી રહ્યાં છે. સુરતના કેટલાક વિસ્તારમાં એવી લારીઓ છે જે લારીઓ રોડ પર ઉભી રહેતી હોવા છતાં એક ઓફિસમાં હોય તેવી મોટાભાગની આધુનિક સુવિધાઓ છે. આ લારીઓ પર કમ્પ્યુટર, પ્રિન્ટર અને કુલર જેવી સુવિધા જોવા મળી રહી છે આ ઉપરાંત કેટલીક સરકારી કચેરીઓ પર ફોર વ્હીલરમાં ઝેરોક્ષ અને લેમિનેશન કરવા માટેનો વ્યવસાય પણ ધમધમી રહ્યો છે. ઔદ્યોગિક શહેર તરીકેની ઓળખ મેળવી ચુકેલા સુરતમાં કોઈ પણ બિઝનેસ કરવો રમતની વાત બની ગઈ છે કોઈપણ બિઝનેસને અનુકુળ આવતાં સુરત શહેરમાં રોટલો મળે પણ ઓટલો ન મળે તેવી મારામારી જગ્યા માટે થઈ રહી છે. રિયલ એસ્ટેટમાં દુકાનો અને ઓફિસના એટલા ભાવ ઉંચા છે કે સામાન્ય માણસ માટે દુકાન કે ઓફિસ લેવું મુશ્કેલ બન્યું છે પરંતુ કેટલાક લારીવાળાઓ હવે હાઈટેક બની ગયાં છે જેના કારણે અનેક લારીઓ હરતી -ફરતી શોપ બની ગઈ છે શહેરના કેટલાક વિસ્તારમાં લારીઓ પર મોબાઈલ એસેસરીઝ, સેકન્ડ મોબાઈલ, સીડી, ડી.વી.ડી., પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, ઉપરાંત અનેક ઈલેટ્રોનિક્સ આઈટમનું વેચાણ થઈ રહ્યું છે. આ લારીઓ ભલે રસ્તા પર ઉભી રહેતી હોય પરંતુ લારીઓ પર ઓફીસ જેવી સુવિધા જોવા મળી રહી છે. વરાછાના કેટલાક વિસ્તારમાં લારીઓ પર લેપટોપ, સ્કેનર, કમ્પ્યુટર સાથે પ્રિન્ટર પણ જોવા મળી રહ્યાં છે.


સ્ટાફ મળતો નથી..!!

લેખન – સંકલન  : અતુલ એન. ચોટાઈ – રાજકોટ

આજના બેકારી અને મંદીના સમયમાં સ્ટાફ મળતો નથી એવી વાત સાંભળીને આપણને આશ્ચર્ય તો થાય જ પણ આમ તો દરેક જગ્યાએ આ મુજબની પરિસ્થિતિ છે જેમાં રાજકોટ – સૌરાષ્ટ્રનાં વાતાવરણને ધ્યાનમાં લઈએ તો આ વાત ખરેખર માનવી પડે આજે ન્યુઝ પેપરો તથા જોબ પ્લેસમેન્ટ એજન્સીઓ દ્વારા મોટેભાગે સ્ટાફની પસંદગી થતી હોય છે જેમાં જો મહેનતવાળું કામ હોય તો રિસ્પોન્સ ખુબ જ ઓછો મળે છે પણ ખુરશીમાં બેસીને કામ કરવાનું હોય તો ત્યાં અરજદારોની લાઈન થઇ જાય છે આજે આપણે ઘરકામ માટે બેન જોઈતા હોય કે નાના કામનો કારીગર અને ઓફીસબોય થી લઇ મેનેજર સુધી સ્ટાફ ન મળવાની ફરિયાદ એ પણ એક સમજવા જેવો પ્રશ્ન તો છે જ ..?? આપણા વડીલો એક જ પેઢી માં નોકરી કરતા કરતા વર્ષો કાઢી નાખતા અને સારા પ્રસંગોએ શેઠ દ્વારા અપાયેલ વસ્તુ કે પૈસાથી પ્રસંગોને પૂરો કરતા કે તહેવારો ઉજવતા પણ આજે એ પ્રથા સાવ નાબુદ થઇ ગઈ છે આજની પેઢી લાંબો સમય નોકરી કરતી નથી અને શેઠ દ્વારા અપાયેલ નવી જ વસ્તુઓ સ્વીકારે છે અને એ પણ પોતાની શરતોથી..!!

આપણે આ બાબતનાં કારણો જોઈએ તો સહુ પ્રથમ આજનો વેપારી પોતાના સ્ટાફ કરતા પોતાનું હિત વધારે વિચારે છે સ્ટાફ પાસેથી વધુમાંવધુ કામ લઇ અને ઓછામાં ઓછા પૈસા આપવાની વિચારસરણી લગભગ ઘણી જગ્યાએ જોવા મળે છે અને ઘણી વખત કોઈ વ્યક્તિનો અભ્યાસ ઓછો હોય અને અનુભવ વધારે હોય છે ત્યારે ધંધાના પ્રોગ્રેસ કરતા તેની પોલીસીને વધારે ધ્યાનમાં લે છે જેથી પણ તેમને યોગ્ય માણસો મળતા નથી હોતા અમુક વખતે માર્કેટિંગ સ્ટાફની ઘણી ડીમાન્ડ હોય છે  કેમ કે ધંધાના વિકાસમાં માર્કેટીંગનું મહત્વ ઘણું હોય છે  ત્યારે આવી ઓફરોમાં મુખ્ય વ્યક્તિ પોતે પણ જે કામ કરી શકતો ન હોય એથી પણ વધુ અપેક્ષા સ્ટાફ પાસેથી રાખે છે તો આજે ઘણી શૈક્ષણીક સંસ્થાઓ ૧૦૦ ટકા જોબની ગેરંટી આપે છે પણ જોબ સારી છે કે ટકશે..??  તેની ગેરંટી આપતી નથી આવી ઘણી લોભામણી બાબતોથી પણ ઘણા સારા લોકો સારી કંપનીઓ કે પેઢી સુધી પહોચી નથી શકતા બીજું નોકરી માટેના ઉમેદવારો પોતાનું નસીબ, કર્મ અને લાયકાત મુજબની જોબ સ્વીકરવા ને બદલે સીધા શેઠ જ થવા માંગે છે મહેનત કરવી ગમતી નથી અને ધીરજ રાખીને કાબેલિયત મેળવવાનો તેઓની પાસે સમય નથી અને પોતાના  શેઠ પાસે જેટલી સુવિધાઓ હોય તે તમામ સુવિધાઓ પોતાની પાસે હોવી જ જોઈએ તેવી માંગણી હોય છે  જેથી ઉમેદવારોની આવી વિચારસરણી પણ એક સારી ઓફરથી પોતાને વંચિત રાખે છે

આજનો જમાનો માહિતી અને જ્ઞાન – વિજ્ઞાનનો છે માટે અંગ્રેજી ભાષા – કોમ્પ્યુટર ઈન્ટરનેટનું જ્ઞાન – ગેજેટસની સમજણ પણ હોવી જરૂરી છે અને કોઈપણ નોકરી મેળવવા માટે આ લાયકાત અભ્યાસ ન કર્યો હોય તો પણ જરુરી બની જાય છે. ઘણા ઉમેદવારો આવું બધું શીખવા પણ નથી માંગતા અને સમજવા પણ નથી માંગતા આવા ઘણા કારણોથી સ્ટાફ ન મળવાની ફરીયાદ વધી રહી છે.  આજે આપણે સારી નોકરી કરીએ કે સ્વમાનભેર આપણો બિઝનેસ કરીએ આ બધી આવડતો ની સાથે નિષ્ઠા – મહેનત અને પ્રમાણીક્તા વગર આગળ નહિ વધી શકાય તો આજે દરેક નોકરીએ રાખનાર કે નોકરીમાં રહેનાર વ્યક્તિ પોતાની જાતને સામેવાળાની જગ્યાએ મૂકી જોવે પછી શું કરવું..? શું ના કરવું…?  તે તેમને સમજાઈ જાશે ઉપરાંત દરેક શેઠ પોતાના સ્ટાફને માણસ કરતા સ્વજન સમજે એ પણ જરૂરી છે અને દરેક ઉમેદવાર જે કોઈપણ કામ કરે તે તન – મન – ધનથી કરશે તો કદાચ બીજી કોઈ સારી વ્યક્તિ પણ તેની જરર કદર કરશે કેમ કે નસીબમાં ન હોય તો પણ મહેનતનો બદલો ઈશ્વર ને આપવો જ પડે છે. માટે બીજાને સ્ટાફ મળે કે ન મળે પણ આપણને રસ્તો જરૂર મળશે…!!


એક સમયે પારકા કામ કરતી મહિલા આજે અન્યને રોજગારી આપે છે

Manjulaben Kananai

Manjulaben Kananai

રાજકોટ : હા.!! એ સમય હતો દારુણ ગરીબીનો.. જયારે મારી પાસે કોડી પાઇ નહોતી અને કોઇ સહારો પણ નહોતો  6 મહિનાની ફૂલ જેવી પુત્રી અને સાડા ત્રણ વર્ષના માસૂમ પુત્રને લઇને ક્યાં જવું..?? ભૂલકાંઓના પેટનો ખાડો કઇ રીતે પૂરવો..?? એ સમસ્યા હતી કોઇ માનશે નહીં પણ એક વખત તો કોઇએ શેરીમાં ફેંકી દીધેલી રોટલીનો ટુકડો ખાઇને દિવસ ટૂંકાવ્યો હતો..!! ટંકારાના નાનકડાં નેકનામ ગામના મંજુલાબેન કાનાણી ભૂતકાળની વાત કરે છે ત્યારે આજે પણ તેમની આંખમાં આંસુ આવી જાય છે. મંજુલાબેનની સંઘર્ષગાથા પણ અદ્દભુત છે. હડિયાણા નામના ગામમાં એક અતિ ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો અને  નેકનામ ગામના પ્રવીણભાઇ સાથે તેમના લગ્ન થયા તેમના પતિ સુરતમાં નોકરી કરતા હતા દાંપત્યજીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રીના જન્મ થયો  વર્ષ  2003 માં પતિ પ્રવીણભાઇનું કેન્સરની બીમારીમાં યુવાન વયે નિધન થયું માત્ર 24 વર્ષની વયે મંજુલાબેનના ચૂડી – ચાંદલો નંદવાયા અને બે માસૂમ સંતાનો સાથે આવડા વિરાટ વિશ્વમાં મંજુલાબેન અચાનક સાવ એકલા – અટૂલા થઇ ગયા પિયરિયા એટલા ગરીબ હતા કે ત્યાં ઊલટા ભારરૂપ થવા જેવું હતું  તથા સાસરિયાંઓએ પણ તેમને તરછોડી દીધા  આવી દયનીય સ્થિતિમાં છપ્પનની છાતી ધરાવતો માણસ પણ ભાંગી પડે, તૂટી જાય અને  ન કરવાનું કરી બેસે પણ આ નારી નોખી માટીની હતી આવા સમય સામે મંજુલાબેન ઝૂક્યા નહીં  તેઓ કહે છે મેં નેકનામમાં જ રહેવાનું પસંદ કર્યું  હું તો અભણ હતી નોકરી ક્યાંથી મળે…??  તેમણે ચાર ઘરના કામ રાખ્યા અને સખીમંડળમાં જોડાયા કરકસર કરીને બ્યૂટી પાર્લરનો અને સિવણનો કોર્સ કર્યો અને સિવણ શીખવવાનું શરૂ કર્યું  તેમને ત્યાં સિવણ શીખવા આવતી કેટલીક યુવતીઓ ખાખરાના કારખાનામાં કામ કરતી હતી તેમની પાસેથી ખાખરા બનાવતા શીખ્યા. રૂ. 2.18 લાખની લોન લીધી અને વસંતભાઇ મહેતાના ઘરમાં નાના પાયે ખાખરા બનાવવાનું શરૂ કર્યું જે આજે બાલાજી ગૃહઉદ્યોગના નામે પ્રખ્યાત છે ધીરે ધીરે ખાખરાનો ધંધો જામતો ગયો અને આજે તેમના પ્લાન્ટમાં દરરોજ 300 કિલો ખાખરાનું ઉત્પાદન થાય છે.ડિમાન્ડ તો રોજની 1500 કિલોની છે  તેમને ત્યાં અત્યારે 25 કરતા વધારે યુવતીઓ કામ કરે છે એક સમયે જેમને ટુકડો રોટલીના સાંસા હતા એ મંજુલાબેન આજે દર મહિને દોઢ લાખનો પગાર ચૂકવી રહ્યા છે. મંજુલાબેને ભારપૂર્વક જણાવ્યું હતું કે ખરાબ સમય સામે ક’દી હારવું નહીં અને ગમે તેવા  સંજોગો સામે ઝૂકવું પણ નહીં સાહસ કરવું, ખરાબ સમય પણ વીતી જ જશે એ વિશ્વાસ રાખવો, પ્રચંડ પુરુષાર્થ કરવો અને એ પુરુષાર્થના જોરે સ્વયંનું પ્રારબ્ધ ઘડવું આજની યુવતીઓ માટે શિક્ષણ ખૂબ જરૂરી છે હું અભણ હતી એટલે મારે પારકા કામ કરવા પડ્યાપણ મારા સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાનું મારું સ્વપ્ન હતું  અત્યારે તેમનો પુત્ર હાર્દિક કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે અને પુત્રી ખ્યાતિ એસએસસીમાં છે  મંજુલાબેન તેમના ગામની યુવતીઓને પણ અભ્યાસ માટે સતત પ્રેરણા આપતા રહે છે