ATUL N. CHOTAI

a writer – since 2014


ગુજરાતમાં સૌથી પ્રથમ મુંગી ફિલ્મનું થિએટર અમરેલીમાં હતું

ફીલ્મ ઉઘોગનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. મુંગી ફીલ્મથી શરૂ થયેલી આ દોડ હાલમાં થ્રીડી ફીલ્મો સુધી પહોંચી છે. ભારતમાં જયારે ફીલ્મ ઉઘોગની શરૂઆત થઇ ત્યારે મુંગી ફીલ્મોના થીએટર ખુબ જ જુજ હતાં. તે સમયે અમરેલી શહેર ગાયકવાડી શાસનના તાબા હેઠળ હતું. સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત પ્રદેશમાં તે સમયે સૌ પ્રથમ ફીલ્મી થીએટર અમરેલીમાં શરૂ થયુ હતું.

ઇ.સ. ૧૯૩૦માં મુંગી ફીલ્મનું થીએટર અમરેલી શહેરમાં શાળા નં. ૧ પાછળના વિસ્તારમાં રહેતા નગરશેઠ ઇબ્રાહીમ દાઉદ લીલાએ બનાવ્યુ હતું. જયાં દર્શકોને મુંગી ફીલ્મ બતાવવામાં આવતી હતી. અમરેલીના ઇતિહાસના જાણકાર મનસુખભાઇ રાવલ જણાવે છે કે આ ટોકીઝનો પડદો શણના કાપડનો બનાવવામાં આવ્યો હતો અને દર્શકો પાસેથી ફસ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને ક્લાસ થ્રી એમ ત્રણ અલગ અલગ ટીકીટના દર લેવામાં આવતા હતાં. ક્લાસ થ્રીના ટીકીટ ધારકને ગ્રાઉન્ડમાં પાથરેલી રેતીમાં બેસાડવામાં આવતા હતાં અને તેની પાસેથી પુરા શો ના બે પૈસા લેવામાં આવતા હતાં. સેકન્ડ ક્લાસના ટીકીટ ધારક ગ્રાહક માટે દેવદારના લાકડાના ખોખા ગોઠવાયા હતાં. તેના પર બેસવાનું અને પગ નીચે રેતી પર રાખવાના. પરંતુ પાછળ ટેકો દેવાની સગવડ નહી. તેના ત્રણ પૈસા લેવામાં આવતા. જયારે ફસ્ટ ક્લાસની ટીકીટ એક આનો એટલે કે ચાર પૈસા હતી. અને તેમાં પાછળ ટેકો દઇ ન શકાય તેવા બાકડા મુકવામાં આવતા હતાં.

આ થીએટરના માલીકને શાસન કરતા સયાજીરાવ ત્રીજાએ નગરશેઠ તરીકેનું બિરૂદ આપી તેમનું સન્માન કર્યુ હતું. તે સમયે અમરેલીમાં ગાયકવાડ સરકારનું શાસન હતું અને મુંગી ફીલ્મો દર્શાવતા આ થીએટરને ખાનગી કંપનીના પાવર હાઉસ દ્વારા વિજળી પુરી પાડવામાં આવતી હતી. તે વખતે અમરેલીમાં ખાનગી કંપનીની વિજળી ઉપલબ્ધ હતી અને ડીસી પાવર આપવામાં આવતો હતો. પડદા પર લોકોને મુંગી ફીલ્મ દર્શાવવામાં આવતી હતી. જે સમજવામાં મુશ્કેલી ન પડે તે માટે બે વ્યક્તિ પડદા પાસે ઉભી રહેતી હતી અને પડદા પર જે દ્રશ્યો બતાવવામાં આવે તેનું આ બે વ્યક્તિ દ્વારા મૌખીક વિવરણ કરવામાં આવતુ હતું. આ ફીલ્મ ચલાવવા માટે કોઇ લાયસન્સ લેવુ પડતુ ન હતું.


ભારતીય સિનેમાનાં ૧૦૦ વર્ષની માહિતી દર્શાવતો અનોખો આંબો દિપકભાઈએ તૈયાર કર્યો છે

Dipakbhai Visavadiya

Dipakbhai Visavadiya

પોરબંદરના સીમર ગામની હાઈસ્કુલમાં ફરજ બજાવતા અને ભાણવડનાં રણજીતપરામાં પ્રકાશનગર ખાતે રહેતા દિપક રવજીભાઈ વિસાવાડીયાએ ભારતીય સીનેમાની ૧૦૦ વર્ષની માહિતી આપતો આંબો તૈયાર કર્યો છે. ૧૧ બાય ૨૩ ફૂટના આ આંબામાં ૭૫૫ જેટલી ફિલ્મો તથા કલાકારો સાથે સંકળાયેલી બાબતોનો સમાવેશ કરાયો છે. આ આંબો ૧૪ માસમાં તૈયાર કરાયો છે.

ઈ.સ. ૧૯૧૩માં દાદાસાહેબ ફાળકેએ ભારતની પ્રથમ મુંગી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવી નવા યુગની શરૃઆત કરી હતી. ત્યાર પછીના ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં પગથિયાઓ આ આંબામાં રજૂ કરવામાં આવ્યા છે. છેલ્લે રામલીલા ફિલ્મ સુધીની વાતો આવરી લેવામાં આવી છે. ભારતીય સિનેમામાં મહત્વનું યોગદાન આપનાર અભિનેતા, અભિનેત્રી, નિર્માતા, દિગ્દર્શક, સંગીતકાર વિગેરેના ફોટોગ્રાફસ પણ મુકવામાં આવ્યા છે. આંબામાં દર્શાવાયેલી તમામ માહિતી માટે વર્તમાન પત્રો અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ માહિતી હિન્દી, અંગ્રેજી ભાષામાં લખવામાં આવી છે. દિપક વિસવાડીયાએ વેદમૂર્તિ બ્રહ્માજીની સૃષ્ટિ પણ ૭ બાય ૧૩ ફૂટનાં આંબા સ્વરૃપે રજૂ કરી છે. તેમણે અત્યાર સુધીમાં અનેક વંસવૃક્ષો બનાવ્યા છે. અમિતાભ બચ્ચન, જમશેદજી ટાટાના આંબા બનાવવાની કામગીરી શરૃ કરી છે.