ATUL N. CHOTAI

a writer – since 2014


ભારતમાં નવા વર્ષની ઉજવણી વિવિધ રીતે થાય છે..

– વનિતાબેન રાઠોડ
આચાર્યા, શાળાનં – ૯૩,
રાજકોટ

હિન્દુઓનું નવુ વર્ષ એટલે દિવાળીનો બીજા દિવસ એટલે કે પડવો, બેસતુવર્ષ, નૂતન વર્ષની શરૂઆતએ તીથી મુજબ આસો વદ અમાસનો બીજો દિવસ, કાર્તિક માસનો પ્રથમ દિવસ કાર્તિક સુદ એકમ પરંપરા પ્રમાણે એક મહાઉત્સવની ઉજવણી સ્વરૂપે આ પર્વ ઉજવાયછે. મહારાષ્ટ્રમાં ગુડીપડવો તરીકે ઉજવાય છે.

હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્રી વર્ષ પ્રતિપદાએ નવુ વર્ષ એપ્રિલ માસમાં પણ નવું વર્ષ ઉજવાય છે. મુસ્લીમ કેલેન્ડર મુજબ મહોરમ વર્ષનો પ્રથમ માસ અને તેનો પહેલો દિવસ એટલે નવુ વર્ષ. પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝ. ૨૧ માર્ચ એ પતેતી કે નવરોઝ તરીકે ઉજવાય છે. નવા વર્ષની ઉજવણી માટેની તૈયારીઓ માટે ઘરની સફાઇ આગલા દિવસોથી શરૂ થાય. નવા વર્ષની ઉજવણીમાં નવા કપડા-નવી વસ્તુઓની ખરીદી, નવા વર્ષના દિવસે સગા સબંધી મિત્રોના ઘરે જવુ, અભિનંદન પાઠવવા, શુભકામનાઓ પાઠવવી, મીઠાઇ – ફરસાણ બનાવવામાં આવે છે. ઘર-ઇમારતોને શણગારવામાં આવે છે. બજારોમાં નવી રોનક આવે, રસ્તાઓ શણગારવા-સજાવવામાં આવે, ચોતરફ લાઇટીંગ અને ડેકોરેટીવ મટીરીયલ દેખાય છે.

પંજાબીઓનું નવુ વર્ષ બૈશાખી, નાનકશાહી. કેલેન્ડરનો પ્રથમ દિવસ ૧૩ કે ૧૪ એપ્રિલે આવે છે. બુધ્ધ ધર્મમાં વિવિધ દેશોમાં વિવિધ દિવસોએ નવુ વર્ષ ઉજવાય. ત્રણ દિવસ સુધી ઉજવાતા નવા વર્ષનું પર્વ એપ્રિલ માસનાં પ્રથમ પુનમના દિવસથી ત્રણ દિવસ સુધી ઉજવાય છે. સીંધી લોકોનું નવુ વર્ષ એટલે ચેટીચાંદનો પર્વ. ચૈત્ર માસનાં બીજા દિવસે જુલેલાલનાં જન્મદિનનાં માનમાં ઉજવાય છે. ઇસાઇ લોકોનું નવુ વર્ષ વિશ્વભરમાં સ્વીકારાયેલું કેલેન્ડર મુજબ જાન્યુઆરીના પ્રથમ દિવસે ઉજવાય છે.

ભારતનાં વિવિધ રાજ્યોમાં વિવિધ દિવસોએ નવા વર્ષની ઉજવણી વર્ષભરમાં અનેક દિવસોએ લોકોના ધર્મ મુજબ, પરંપરા મુજબ, માન્યતાઓ પ્રમાણે નવવર્ષ પર્વ ઉજવાય છે. જેમાં લોકોનાં ધર્મ મુજબ કે પ્રથા મુજબ પૂજા-પાઠ કે વિધિ વિધાન મુજબ ઉજવણી કરવામાં આવે છે. લોકોના વિવિધ પ્રદેશની વિવિધતા પ્રમાણેનાં પહેરવેશ તે પ્રદેશ મુજબની વાનગીઓ તથા તેમના રૂઢી-ગત રીવાજો મુજબની ઉજવણી કરે છે. ઉગાદીના પર્વને નવા વર્ષ તરીકે ચૈત્ર માસનાં પ્રથમ દિવસે કર્ણાટક, તેલંગાણા અને આંન્ધ્રપ્રદેશમાં ઉજવામાં આવે છે. વિશુ તહેવાર નવા વર્ષ તરીકે કેરલમાં ઉજવાય તો બૈશાખી પંજાબ, સિકિકમમાં શીખ લોકો નવા વર્ષ તરીકે ઉજવે.

પહેલા બૈશાખ બેંગાલી નવા વર્ષ તરીકે પશ્ચિમ બંગાળામાં ઉજવાય. પુથાન્ડુ તમીલનાડુમાં તમીલ કેલેન્ડરનાં પ્રથમ માસનાં પ્રથમ દિવસે ઉજવાય. ઉત્તરપૂર્વ ભારતમાં બાહેગ બીહુ નવા વર્ષ તરીકે ઉજવાય. ઓડિસામાં મહા વિશુવા સંક્રાતિ ઉડિયા કેલેન્ડર મુજબ ૧૪ કે ૧૫ એપ્રિલના નવા વર્ષનાં પ્રથમ દિવસે ઉજવાય. જુડે શિત્તલ પણ મૈથીલી નવુ વર્ષ બિહાર તથા ઝારખંડમાં નવા વર્ષ તરીકે ઉજવાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવંતનું નવુ વર્ષ ચૈત્ર માસનાં પ્રથમ દિવસે ઉજવાય છે. જે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રથમ દિવસ હોય છે. જે દિવસે ગ્રહ અને નક્ષત્રમાં પરિવર્તન થાય છે. તમીલનાડુમાં પોંગલ ૧૪ જાન્યુઆરીનાં નવુ વર્ષ ઉજવાય. કાશ્મીરી કેલેન્ડરમાં ૧૯ માર્ચનાં નવરેહના દિવસે નવુ વર્ષ ઉજવાય છે.

આમ ભારતનાં વિવિધ રાજ્યોમાં મૌસમ બદલાવ પ્રમાણે, તીથી મુજબ, નક્ષત્રો-ગ્રહોનાં સ્થાન બદલાવ મુજબ તો કયાંક પાકની લાગણીનાં અનુસંધાને નવા વર્ષની ઉજવણી થાય. જેમા સર્વ લોકો હર્ષ, ઉત્સાહ આનંદ-ઉમંગથી જોડાય છે. નવા વર્ષની ઉજવણીથી જીવનમાં નવો રંગ ઉમેરાય છે. જીવનમાં આંનદનાં નવા રંગોનો સંચાર થાય છે અને જીવન-ઉત્સાહ સંબંધોમાં નવી લાગણીઓનો વધારે થાય છે.


ભક્તિનાં સંગે પ્રકૃતિનાં ખોળે મહાલવાનો અનોખો અવસર એટલે ગરવા ગીરનારની પાવનકારી લીલી પરક્મા..

Girnar Parikma

Girnar Parikma

આલેખન : અશ્વિન પટેલ
(માહિતી બ્યુરો – જૂનાગઢ)

ગ્રીક માઇથોલોજીમાં જે સ્‍થાન સૈાદર્ય અને સંપતિની દેવી એફ્રોડાઇડનું છે એ ભારતીય પુરાણકથામાં ઐશ્‍વર્યની અધિષ્‍ઠત્રી દેવી પ્રકૃતિનું છે. આજનાં શિક્ષીત બુધ્ધીવાદી એરકન્‍ડીનમાં બેસીને સૈાદર્યસભર સારી સારી વાતો ભલે કરે,પણ ભારતીય ભાતિગળ ગ્રામીણ અને અર્ધ કે અશિક્ષીત કોઠાસુઝ વાળી(ગામઠી) જનતા પ્રકૃતિનાં ખોળે ઉછરે છે અને પ્રકૃતિ સાથે જીવે છે અને કુદરતનાં ડગલે અને પગલે નિર્મિત પર્વો, ઉત્‍સવોમાંપ્રકૃતિને સંસ્‍કૃતિ સાથે જોડીને ઈશ્વર સાથે એકાકાર થયાની અનુભુતિ પણ કરે છે.

ભારતવર્ષમાં નગાધિરાજ હિમાલય પર્વત આમ જોઇએ તો સૈાથી ઉંચો પર્વત છે. જ્યાં કૈલાસ, શિખર, સમેત અનેક દેવ-દેવીનાં ઉલ્‍લેખ સાથે સાંસ્‍કૃતીક અને ધાર્મિક અસ્‍મિતાનાં બીજ જોડાયેલા છે પણ કહે છે હિમાલય જેનો આદર કરે તેવા પર્વત ગિરનાર આપણાં ગરવા ગુજરાતને પોતાનાં ખોળે રમાડી રહ્યા છે. આમ પણ હમેંશા સાંભળતા આવ્‍યા છીએ કે ગિરનાર એ જોગી, રોગી, ભોગી, ત્‍યાગી, અને રાગીથી વૈરાગી, અનુરાગી સહું કોઇને પોતાની તળેટીમાં આશિષ આપે છે. ઈચ્‍છે છે તેવુ પામે અને પામે તેવુ ભોગવે તેવી વાત ભવનાથ તિર્થ ક્ષેત્રે અનુભવાતી રહે છે. અનેક ઋષિ કુળનાં મહાત્‍માઓ પોત-પોતાનાં સિધ્ધ આશ્રમ સાથે સંસ્‍કૃતિનાં રખોપા કરતા પ્રકૃતિની ગોદમાં લોકોને સદાય આવકારે છે. પુજ્યપાદ સંતો અને મહંતોની પાવન ભુમિ એટલે ગિરીવર ગિરનારજીની ભુમિ, ગિરનાર પર્વત એટલે નવનાથ અને ચોસઠ જોગણીનાં બેસણાનો પર્વત, પરબ વાવડી, સતાધાર, વિરપુર અને કનકાઇ, બાણેજ જેવા યાત્રાધામો અને અરબ સાગરનાં તટે ભોળા સોમનાથ અને ભગવાન દ્વારિકાનાં નાથ શ્રીકૃષ્‍ણનાં મંદિરોની ધ્વજા પરથી પરસાર થતી હવાની લહેરખી ગિરનારનાં ગુરૂ દતાત્રેયથી ભવનાથ સુધી અમી આશિષ આપતિ અનુભવાય એવી આ દેવલોક ભુમિમાં પ્રતીવર્ષ કાર્તીકી અગિયારસથી ત્રિ-દિવસયીય જટાળા જોગીની પ્રદિક્ષણા(પરિક્રમા) પ્રવાહીત મેળાનાં રૂપે યોજાય છે. જેને સોરઠવાસીઓ લીલી પરકમા તરીકે ઓળખે છે. ભક્તિનાં સંગે અને પ્રકૃતિનાં ખોળે મહાલવાનો મહામુલો અવસર એટલે જ પરિક્રમાંનો પથપ્રવાસ.

જૂનાગઢ જિલ્‍લાને ગુજરાતનાં બીજા જિલ્‍લાઓની તુલનાએ કુદરતે લાડકવાયો ગણ્યો હશે. અહીં વિશાળ દરિયાકાંઠો, ગીર અને ગીરનારની વન્‍ય સૃષ્‍ટી અને વિશ્વને ધ્યાન ખેંચે તેવા એશિયેટીક લાયન (સીંહ) અને તાલાળાની જગમશહુર કેસર કેરી, આ ઉપરાંત દ્વાદશ જ્યોતિલીંગ પૈકી પ્રથમ એવા સોમનાથ મહાદેવ, શ્રીકૃષ્‍ણનું દેહોત્‍સર્ગ, ભાલકાતિર્થ, તુલશીશ્‍યામ યાત્રીકોને યાત્રા પ્રવાસ માટે કાયમ આવકારે છે. જિલ્‍લાઓમાં અનેક નાના-મોટા મેળાઓ યોજાય છે. જેમાં જગ મશહુર શિવરાત્રીનો મેળો પણ ગિરનારની ગોદમાં જ ઉજવાય છે. તે જ ગિરનારજીને નવલા વર્ષની અગીયારસે પ્રદિક્ષણા રૂપે પ્રતી વર્ષ લીલી પરિક્રમા યોજાય છે. જેમાં લાખોની સંખ્‍યામાં ભાવીક ભક્તો લીલી વનરાજી વચ્ચેથી પર્વત અને ખીણની વચ્ચેથી ભક્તિભાવથી મહાલતા ત્રિદીવસીય મેળા રૂપે આ પરિક્રમા કરી પુણ્યનું ભાથુ બાંધ્યાનો અહેસાસ કરે છે. અગાઉનાં સમયમાં દિવસભર પરિક્રમા પથ પર પદ યાત્રા થતી, સાંજ ઢળ્યે પડાવ નંખાતા, બહેનો ભાવતા ભોજનીયા બનાવતી, પુરૂષો ભજનની સરવાણી વહેવડાવે અને વૃધ્ધો અને માતાઓ લોક સંગીતનાં ઢાળે ધોળ કે લોકગીતોનાં સુરોથી વનને વૃંદાવનમાં તબદીલ થયાની અનુભતી કરતા જંગલ મધ્યે ત્રણ દિવસ રહે પણ કોઇ જ ભય નહીં, કોઇ જ ચિંતા નહીં મારા તમારાનાં કોઇ જ ભાવ નહીં, કોઇ નાનો નહી કે કોઇ મોટો નહીં સહુના સથવારે સહુના સહકારથી એકબીજાનાં પુરક બનીને પ્રકૃતિ દેવીનાં ખોળે રૂડા અવસરે મહાલતા હોય છે.

આ મેળામાં જૂનાગઢનાં ગામે ગામથી જેમ કે પોરબંદરથી મેર સમાજનાં ભાઇ બહેનો, ઘેડમાંથી આહીર અને કોળી સમાજ, નાઘેરમાંથી કારડીયા રાજપુત સમાજ, હાલારેથી કણબી-વાણીયા, વેપારી સમાજ, બાબરીયાવાડ, ભાલ, ઝાલાવાડ, ગોહીલવાડ, કચ્‍છ, વાગડ, બરડો, કાઠીયાવાડ વગેરે પ્રાંતોમાંથી અઢારેય વરણનાં ભાઇ-બહેનો કોઇ જ નાત જાતનાં ભેદભાવ વિના કે કોઇ ધનવાન કે ગરીબનાં વાદ વગર સૈા કોઇ આવે છે. અને આવનારને કોઇ જ સુવિધાની જરૂરત નહીં. આજે વખત વિતતો ચાલ્‍યો, જમાનાની અસર અને વાહન વ્‍યવહારોની સગવડ વધતા આ પરિક્રમામાં રાજ્યભરમાંથી તો ઠીક પણ દેશ-વિદેશમાંથી યાત્રીકો ભાવિકો આવવા લાગ્‍યા છે. દરેક વર્ષે યાત્રીકો વધતા જ જાય છે. હજારોની સંખ્‍યામાં અને લાખોમાં આંકડો તબદીલ થયો હોવા છતા ઈશ્વરનાં આશિર્વાદ અને રાજ્ય સરકારનાં વહીવટી તંત્ર તેમજ સ્‍થાનિક સેવાભાવી સંસ્‍થાઓ એસ.ટી નિગમ, પોલીસતંત્ર, મહાનગરપાલીકા, જિલ્‍લાપંચાયત, આરોગ્‍ય અને આયુર્વેદ શાખા, માહિતી વિભાગ સહિત જૂદા-જૂદા જિલ્‍લાઓમાંથી આવી સેવા કરતા સેવાભાવી મંડળો, યાત્રીકોને કોઇજ અગવડતા ના પડે તેની તકેદારી રાખે છે. સહુને આત્‍મિયતાનાં ઓજસે પ્રકાશનાં પુંજથી રોશન કરતો આ રૂડો અવસર સારા વરસાદથી વધુ નિખરશે. સંસ્‍કૃતિ અને પ્રકૃતિનાં મિલાપ સમા આ લીલી પરિક્રમાંનાં પ્રત્‍યેક યાત્રીકને યાત્રા શુભ બની રહે તેવી શુભકામનાં. . . girnar lili parikama parikma in junagadh in gujarat india


દશેરામાં દસ નકારાત્મકતાનો અંત જરૂરી..

ravan

ravan

– કાજલ રામપરિયા

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પત્ની સીતાને દશાવતાર રાવણની ચુંગાલમાંથી બચાવીને લાવ્યા તો ખરાં.. પણ તમને ખબર છે..?? રાવણમાં જેટલી નકારાત્મકતા હતી તેટલી સકારાત્મકતાનો પણ વાસ હતો પણ કહેવાય છે કે ૧૦૦ સારા કામ ભલે કરો પણ એક ખરાબ કામ તમારી છબીને ફેરવવાની તાકાત ધરાવે છે. હવે તમે વિચારતા હશો કે વિજયા દશમી ઉર્ફે દશેરાના પાવન પર્વના દિવસે તો ભગવાન શ્રીરામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને પત્ની સીતાને તેમની સાથે ફરીથી અયોધ્યા નગરી લઇ ગયા હતા તેથી આ પર્વ મનાવવામાં આવે છે અને દર વર્ષે આ પૂતળાને બાળીને રામના વિજયનો જશ્ન ઉજવાય છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. રાવણની અંદર રહેલી નકારાત્મકતાઓને કારણે તે રામનો દુશ્મન બન્યો હતો.

રાવણના જીવન વિશે અમુક વાતો ગણ્યા ગાંઠ્યાં લોકો જ જાણે છે. વાસ્તવિકરૂપે રાવણ ભગવાન બ્રહ્માના દસ પુત્રો પૈકી પ્રજાપતિ પુલસ્ત્યના પુત્ર હતા. તેમ જ રાવણ શંકર ભગવાનનો પરમ ભક્તમાંનો એક વિદ્વાન ભક્ત ગણાતો હતો. હજુ એક ખાસ વાત એ છે કે સીતા તેના ભરથાર રામને જીવંત અને સુરક્ષિત મળી હતી તે રામનો સીતા પ્રત્યેનો પ્રેમ હતો અને સીતા રામને પવિત્ર મળી તે રાવણની મર્યાદા હતી. રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો એ તેની સકારાત્મકતા હતી, પણ તેનામાં અહંકાર, ક્રોધ, લાલચ અને લોભ હતાં તેથી તે રામના હાથે મોક્ષ પામ્યો હતો. દશમીનો અર્થ એ નથી કે તમે રાવણના પૂતળાનું દહન કરો. રાવણ દહન કરવા કરતાં પોતાની અંદર રહેલા રાવણને ખતમ કરવાની જરૂર છે. ચાલો જોઈએ આપણી અંદર રહેલાં દશાનન રાવણને…

અહંકાર : દુનિયાની કોઇપણ વ્યક્તિ ગમે તેટલી સારી હોય, છતાંય ક્યાંક ને ક્યાંક અહંકાર સેવતી હોય છે. જીવનમાં એવો તબક્કો પણ આવે છે જ્યાં અમુક કારણોસર ઇગો એટલે કે હુંપદપણું આવી જાય છે. વ્યક્તિ ગમે તેટલી સારી કેમ ન હોય તેની અંદર અમુક નકારાત્મકપણું આવી જ જાય છે. જીવનમાં ક્યાંક આપણે પણ ખરાબ હોઇએ છીએ. એ આપણને ખબર નથી પડતી પણ હા મોટા ભાગે જ્યારે આપણે પોતાની મનગમતી ચીજ હાંસલ કરીએ છીએ ત્યારે આપણી અંદર આપમેળે અહમ પ્રવેશે છે. અમુક નકારાત્મક વસ્તુને તો આપણે ક્યારેય કાઢી શકતાં નથી પણ ક્રોધ, લોભ, અહંકાર, અસહિષ્ણુતા, ઇર્ષ્યા, નિંદા, અસત્ય, ભય, અસુરક્ષા અને આળસ જેવી અમુક નકારાત્મક વાતોને નિયંત્રણમાં લાવવાની કોશિશ તો કરી જ શકીએ છીએ. આજના કળયુગમાં પોતાની જાતને આ નકારાત્મકભરી દુનિયાથી કેવી રીતે બચાવવી જોઇએ એ અંગે થોડી વાતો કરીશું.

દશેરાના પર્વ નિમિત્તે દસ નકારાત્મક શક્તિનું દહન કરવું જોઇએ. અહંકાર એ માનવીય પ્રવૃત્તિ છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે માણસને ઘણો સંઘર્ષ કરવો પડે છે. ઘણા લોકો એવું માને છે કે જીવનમાં આગળ વધવા માટે પ્રતિસ્પર્ધા હોવી જરૂરી બની જાય છે. હંમેશાં બીજી વ્યક્તિ કરતાં સારો દેખાવાની ઇચ્છા રાખે છે એને જ અહંકાર અથવા અહમ કહેવાય છે. બીજા કરતાં સારો દેખાવ કરવાની કોશિશમાં મોટા ભાગના લોકો પોતાનું જીવન નષ્ટ કરી નાખે છે. કોઇ સ્પર્ધામાં તે જીતે ત્યારે તેની ખુશી ક્ષણિક હોય છે, કારણ કે બીજી જ પળમાં તેને ખ્યાલ આવે છે કે બીજા કોઇ તેની આગળ ન નીકળી જાય.. વ્યક્તિના જીવનનો મોટા ભાગનો અનુભવ ફક્ત તેની ભૌતિક સુવિધાઓ સુધી જ સીમિત રહે છે, પણ એવી વસ્તુઓ ફળના છોતરાં સમાન હોય છે, જે ખાલી તેને સુરક્ષિત રાખે છે. તેવી જ રીતે આપણું શરીર પણ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે તે શરીરની ભીતર આપણા આત્માનો વાસ હોય છે અને આત્મા તો અમર હોય છે. શરીર જૂનું થયાં બાદ તે બીજું શરીર ધારણ કરે છે.

ઇર્ષ્યા : મીઠા ઝઘડા ક્યારે ઇર્ષ્યામાં પરિવર્તિત થઇ જાય છે તેની લોકોને ત્યારે ખબર પડે છે જ્યારે સંબંધો લાગણીહીન થઇ ચૂક્યા હોય છે. ઇર્ષ્યા તો કોઇથી પણ થઇ શકે.. તે પછી ભાઇ હોય, સગા સ્નેહી હોય, મિત્રો હોય કે પછી સહ કર્મચારી હોય.. મીઠી નોંક ઝોંકને લીધે ઇર્ષ્યાનો વિકાસ થાય છે, જે શરીર અને સંબંધોને બીમાર પાડી દે છે. આવું ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. જે વસ્તુને હાંસલ કરવાની તમારી ઇચ્છા હોય અને એ વસ્તુ જ્યારે અન્ય વ્યક્તિ હાંસલ કરી લે ત્યારે ઇર્ષ્યાનું પ્રમાણ ક્રોધનું રૂપ લઇ લે છે અને તેના કરતાં વધુ વસ્તુઓ હાંસલ કરવાની ઇચ્છા રાખવાના ચક્કરમાં બધુ ગુમાવી બેસે છે.

ક્રોધ : ક્રોધને નિયંત્રણમાં રાખવો એ સૌથી મોટો પડકાર હોય છે દરેક વ્યક્તિ માટે.. ગુસ્સો ફક્ત આપણા સ્વાસ્થ્યને જ નહીં પણ આપણા સ્નેહીજનોના જીવન પર પણ ગંભીર અસર કરે છે. તેને કારણે મોટા ભાગના લોકો માનસિક તણાવનો અનુભવ કરે છે. ક્રોધ પર કાબૂ મેળવવા માટે સમજદારી દાખવવી ખૂબ જરૂરી બની જાય છે નહીં તો આવા સ્વભાવને કારણે વ્યાવસાયિક જીવનની સાથે અંગત જીવનનો પણ નાશ થઇ જાય છે. દશેરાના દિવસે રાવણના પૂતળાની સાથે ગુસ્સો પણ સ્વાહા કરી નાખવો જોઇએ. જેથી મન શાંત રહે અને જીવનના તમામ નિર્ણય શાંત મનથી લઇ શકો.

લાલચ : અતિ લોભ એ પાપનું મૂળ તમે આ કહેવતને ખરાં અર્થમાં સમજશો તો કોઇપણ વસ્તુ જ્યારે અતિ થઇ જાય ત્યારે તે તમને ખતમ કરી નાખે છે. બાળકનો ઉછેર કરતી વખતે તેમના માતા-પિતાને એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે જ્યારે તેમનું સંતાન બોલવાનું શીખે ત્યારે તેમની ખોટી અને બિનજરૂરી ચીજોની માંગને પૂરી ન કરવી જોઇએ. આવી ખોટી જીદ ન કરવી જોઇએ એ બાબતે પ્રેમથી તેને સમજાવવું જોઇએ. બાળકો તેમના માતા-પિતાના વર્તનનું નિરીક્ષણ ખૂબ સારી રીતે કરે છે. તેથી બાળકો સમક્ષ તેમની વાણી અને જરૂરતો પર મર્યાદા અને જે છે તેમાં સંતુષ્ટિ રાખવી જોઇએ.

આળસ : આળસ પણ એક જાતનો નકારાત્મક અવગુણ છે. જે વ્યક્તિને દરેક રીતે નુકસાનકારક છે. આજના લોકોમાં દુનિયાભરની આળસ ભરેલી હોય છે અને કહેવાય છે કે આળસ માનવનો શત્રુ છે પણ વેપારીઓ માટે માણસોની આળસ ફાયદો કરાવી રહી છે. હવે ઘરના કામ માટે વૉશીંગ મશીન, મિક્સર, ડિશ વૉશર, રોટી મેકર જેવા મશીનથી તેમની જરૂરિયાતો પૂરી થતી હોવાથી શારીરિક રીતે વધુ કામ લોકો નથી કરી શકતાં પરિણામે દરેક કામ કરતાં પહેલા આળસ આવે છે. આળસના પણ ઘણા પ્રકાર હોય છે. વ્યાવસાયિક જીવનમાં તેમ જ ભણતરમાં કામને ટાળવાની આદત થઇ જાય છે. મોટા ભાગના મધ્યમવર્ગીય લોકોના ઘરે ઇલેક્ટ્રોનિક ગેજેટ આવી ગયાં હોવાથી આળસનું પ્રમાણ વધી ગયું છે અને વધુ પડતાં લોકો સુસ્તી આવવાને લીધે બીજા પર નિર્ભર રહેતા હોય છે. તેવામાં આળસનું વધવું પણ સ્વાભાવિક હોય છે. તેને ટાળવા માટે કોઇપણ કામમાં બિઝી રહેવું વધુ જરૂરી છે. જેથી આપણી અંદરની આળસ ઘટી જાય છે અને આપણે દરેક કામમાં સ્ફૂર્તિલા અને સક્રિય રહીએ છીએ.

અસુરક્ષા : અસુરક્ષા એ વ્યક્તિના આત્મ વિશ્વાસને ડગમગાવી નાખે છે. અસુરક્ષાથી જોડાયેલી દરેક સમસ્યા નકારાત્મક જ હોય છે. કોઇ ભવિષ્ય માટે અસુરક્ષિતતાનો અનુભવ કરતા હોય છે, તો કોઇ તેમના અંગત જીવનમાં લેવાઇ રહેલા નિર્ણયોથી અસુરક્ષિત રહે છે. આવા વિચાર ધરાવતી વ્યક્તિ ક્યારેય પોતાના અને તેના પરિવારના હિતમાં નિર્ણય લઇ શકતી નથી.

નિંદા : ખાસ કરીને વ્યાવસાયિક જીવનમાં નિંદાની આદત પોતાના અને બીજાના વિકાસમાં બાધારૂપ થઇ પડે છે. જો તમને કોઇની પ્રશંસા ન કરવી હોય તો નિંદા પણ ન કરવી જોઇએ. ભગવાને આપેલી વાણી ખૂબ જ કિંમતી હોવાથી તેનો સદુપયોગ કરવો જોઇએ. શક્ય હોય તેમ ઓછું પણ સારું અને સકારાત્મક શબ્દોનો વપરાશ કરીને બોલવું જોઇએ.

ભય : આપણી અંદર અમુક વસ્તુને લઇને ભય હોય છે જે આપણને આગળ વધવા માટે બાધારૂપ બને છે. તે ભય કોઇપણ પ્રકારનો હોઇ શકે છે. ભણતર બાદ નોકરી મળવાનો ડર, કંઇક નવી પહેલ કરતાં પહેલા નકારાત્મક વિચારીને ત્યાં જ અટકી રહેવાનો ડર, કોઇ વાતને વ્યક્ત કરતાં પહેલાનો ડર વગેરે. જીવનમાં કંઇક કરવા માટે ડરનો સામનો કરવો જ પડે છે. ડરને પછાડીને અને હિંમત દાખવીને જો તમે તમારા મનની વાત માનશો તો જીવનમાં કંઇક તોફાની કરી શકશો.

અસહિષ્ણુતા : સમાજમાં ખૂબ જ ઝડપથી અસહિષ્ણુતા વધી રહી છે. મોટા ભાગના લોકો કોઇ વાત પર અસહેમતી દાખવે છે તો અન્ય લોકો તેનાથી નારાજ થઇ જાય છે. આજની પેઢીમાં ના સાંભળવાની જરાય સહનશક્તિ નથી. તેમ જ લોકો પોતાને રાજા માનીને પરિવાર સંબંધી નિર્ણય પણ લેતા હોય છે તેમાંથી અમુક નિર્ણય તેમના હિતમાં નથી હોતા, જ્યારે પરિવારજનો આ વાત સમજાવે છે ત્યારે તેમને ના સાંભળવી બિલકુલ પસંદ નથી હોતી. તેથી સંવેદનશીલતા રાખવી જરૂરી થઇ જાય છે. બાળકનો ઉછેર કરતી વખતે જ આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ખોટું બોલવું : નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે જુઠ્ઠું બોલવું જોઇએ નહીં, પણ હંમેશાં એવું નથી થતું. જો કોઇની ભલાઇ માટે ખોટું બોલવામાં આવે તો તેને સ્વીકારવામાં માણસ અચકાતો નથી, પણ મોટાભાગના લોકો પોતાની જાતને ખોટાં કામોથી બચાવવા માટે ખોટું બોલવાનો સહારો લેતા હોય છે. જે તદન ખોટું છે.

જો દશેરાના પાવન પર્વ નિમિત્તે રાવણના પૂતળાની સાથે આપણી અંદર રહેલી આ દસ નકારાત્મકતાઓ પણ બાળી દઇએ તો દુનિયામાં ઘણો બદલાવ આવી જશે અને સર્વસ્વ રામરાજ્ય ફેલાઇ જશે. કોઇપણ જાતના રાજકારણ નહીં, હિંસક પ્રવૃત્તિઓ બંધ થઇ જશે અને ઘણી નાની મોટી વસ્તુ છે. આ દુનિયામાં જેનો અંત લાવવો અતિ આવશ્યક થઇ ચૂક્યું છે. દુનિયાને સુધારવા કરતાં સૌથી પહેલા આપણી જાતને સુધારીશું તો દુનિયા પણ આપોઆપ સુધરી જશે.. (મુંબઈ સમાચાર માંથી સાભાર)


ચાલો લોકશિક્ષક શ્રીકૃષ્ણ સાચા અર્થમાં સમજીએ..

Shree Krisna

Shree Krisna

– ડો. દિનકર જોશી

કેલિડોસ્કોપ નામના રમકડામાં આંખ ઠેરવીને કાચના ટુકડાઓના અદ્ભુત વૈવિધ્યને મન ભરીને માણ્યાં ન હોય એવો કોઇ માણસ શોધ્યોય નહીં જડે. પ્રતિક્ષણ આ કાચના ટુકડાઓ એટલા બધા આકર્ષક વૈવિધ્યને આપણી આંખ સામે સજીવન કરે છે કે આપણે મુગ્ધ થઇ જઇએ. શ્રીકૃષ્ણ ખરેખર થયા હશે કે નહીં અને થયા હશે તો કેટલાં વરસ પહેલાં થયા હશે એની શોધખોળ કરવાને બદલે જો એમને ખરેખર માણવા કે સમજવા હોય તો આ કેલિડોસ્કોપિય સૌંદર્ય જ કામ લાગે એમ છે. પ્રતિક્ષણ બદલાય અને પ્રત્યેક બદલાયેલું રૂપ મનમાન્યો અહેસાસ કરાવે એવા આ શ્રીકૃષ્ણે ભગવદ ગીતામાં એક શબ્દ પ્રયોજ્યો છે. લોકસંગ્રહ અર્જુન માટે આ શબ્દ બરાબર હતો પણ આપણા માટે આ શબ્દનો અર્થ સમાજસેવા થાય છે. સ્વાર્થનું સદંતર વિગલન કરીને અન્યો માટે આપણે જે કંઇ કરીએ અને જેના થકી સમાજ ઊજળો થાય એવી સમાજસેવા એટલે લોકસંગ્રહ..

આવા કોઇપણ પ્રકારના લોકસંગ્રહના પાયામાં શિક્ષણ રહેલું હોય છે. આ શિક્ષણ એટલે પાઠ્યપુસ્તકો દ્વારા પ્રાપ્ત થતાં વિદ્યાપીઠોનાં સર્ટિફિકેટો નહીં. શરીરમાં વહેતા લોહીમાં સહજ થઇ જતી સંસ્કાર ભૂમિકા એટલે શિક્ષણ. કૃષ્ણે પોતાના આયુ કાળમાં આજીવન આવું શિક્ષણ એમના તત્કાલીન યુગને આપ્યું છે. ભાંખોડિયા ભરતા લાલાથી માંડીને યોગેશ્વર સુધીનાં એમનાં સંખ્યાબંધ રૂપોમાં એમનું શિક્ષક તરીકેનું એક રૂપ પણ જોવા જેવું છે. આર્યાવર્ત ત્યારે ગણતંત્રો દ્વારા પ્રજાકીય શાસન ભોગવતા સમૂહોનો પ્રદેશ હતો. વ્રજભૂમિ પણ સ્વતંત્ર અને મથુરા પણ સ્વતંત્ર. મથુરાના કંસે જોહુકમીથી વ્રજને ખંડણી ભરવા ફરજ પાડી. વ્રજની ગાયોનું ઘી, માખણ, દહીં ઇત્યાદિ ગોકુળની ગોપિકાઓ મથુરાના સીમાડે અર્પણ કરવા જતી. આ ગોરસ એ જ તો ધનસંપત્તિ હતા.

જેઓ ધનસંપત્તિ પરિશ્રમ કરીને પ્રાપ્ત કરે છે તેમની એ સંપત્તિ જેઓ પરિશ્રમ કરતા નથી તેઓ શી રીતે લઇ જઇ શકે..?? કૃષ્ણે પોતાના બાલસખાઓ સાથે મથુરાના માર્ગે જતું આ ગોરસ રોક્યું, લૂટ્યું, સ્વયં ખાધું અને સહુ કોઇને ખવડાવ્યું. પણ લોકજાગૃતિના આ કામમાં જો વસતિનો અર્ધો ભાગ એટલે કે સ્ત્રીઓ સાથ અને સહકાર ન આપે તો આ જાગૃતિનો પાઠ ફળદાયી ન નીવડે. સ્ત્રીઓ તો બાળઉછેર અને ગૃહ વ્યવસ્થામાં વ્યસ્ત હોય એટલું જ નહીં, શરમાળ પણ હોય. એને બહાર શી રીતે લાવવી..?? કૃષ્ણે વ્રજભૂમિ ઉપર રાસનાં આયોજનો કર્યાં. આ રાસ નિમિત્તે ગોપકન્યાઓ બહાર આવી. કૃષ્ણે એમને લોકસંગ્રહનો પાઠ શીખવ્યો. જે સમાજમાં સ્ત્રી અને પુરુષ સહભાગી થઇને કામ કરે છે એ સમાજ પછાત કે પરતંત્ર રહેતો નથી.

યમુના નદીના પ્રચંડ જળરાશિમાં કાલિય નાગના નામે કોઇ સત્તાધીશ હોય અને પોતાની સત્તાની આણથી પાણીને વિષયુક્ત બનાવીને એનો ઉપભોગ કરતા તટપ્રદેશના લોકોને રોકે એ કેમ સહન થાય..?? જળરાશિ તો પ્રકૃતિદત્ત છે. એના ઉપર કોઇનું સ્વામીત્વ ન હોય. કૃષ્ણે આ જળરાશિ મુક્ત કરાવ્યો અને લોકોને સમજાવ્યું કે પ્રકૃતિદત્ત જળ સહુ કોઇની જરૂરિયાત પૂરી કરવા માટે છે. કોઇના સ્વામીત્વ માટે નહીં.. (આજે આપણી નર્મદા કે કાવેરી નદીઓનાં જળ માટે ઝઘડતાં રાજ્યો આ જાણતાં હશે ખરાં..??) ધર્મનું અનુશીલન હંમેશાં થવું જોઇએ પણ જ્યારે વહેવારિક જીવનમાં ધર્મસંકટ પેદા થાય, બે ધર્મો વચ્ચે સંઘર્ષ પેદા થાય ત્યારે શું કરવું..?? જીવનમાં આવું અવાર નવાર બને છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં શસ્ત્ર હાથમાં ન લેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને છતાં ભીષ્મના વધ માટે કૃષ્ણે પ્રતિજ્ઞાભંગ કર્યો. પોતાની પ્રતિજ્ઞા અને ભીષ્મનો વધ આ બે પૈકી ધર્મના શાસનને કાયમી કરવા માટે ભીષ્મનો વધ મોટો ધર્મ હતો. વ્યક્તિ કરતાં સમષ્ટિ મહાન છે. કૃષ્ણે વ્યક્તિ તરીકે પોતાની પ્રતિજ્ઞાનો ભોગ આપીને સમષ્ટિના કલ્યાણને પસંદ કર્યું. અઢાર અક્ષૌહિણીને તો ઠીક પણ ભાવિ પેઢીઓને સુદ્ધાં એમણે શીખવ્યું કે વ્યક્તિ કરતાં સમષ્ટિ મહાન છે. ધર્મને ઓળખતાં શીખો. નાના ધર્મના ભોગે મોટા ધર્મનું રક્ષણ કરો.

પ્રાગજ્યોતિષપુરના ભૌમાસુરના અંત:પુરમાં બળજબરીથી રોકવામાં આવેલી સોળ હજાર સ્ત્રીઓને કૃષ્ણે મુક્ત કરી. મુક્તિ પામેલી આ સ્ત્રીઓ સમાજની દૃષ્ટિએ દૂષિત હતી. હકીકતે તેઓ નિર્દોષ હતી. ભૌમાસુરે એમના પતિઓને પરાસ્ત કરીને એક વિજેતા તરીકે એમની ખંડણી મેળવી હતી. આ સ્ત્રીઓનો હવે સામાજિક દરજ્જો શો હોઇ શકે..?? એ તિરસ્કૃત અને અનાથ બની જાય. કૃષ્ણે આ તમામ અપહ્યુતાઓને દ્વારકાના પોતાના મહેલમાં આશ્રય આપીને રાજવધૂનો દરજ્જો આપ્યો. જે સમાજ નિર્દોષ સ્ત્રીઓનું સ્થાન કે સન્માન જાળવી શકતો નથી એ સમાજ પોતાને સંસ્કૃતિનો સંરક્ષક કહી શકતો નથી. કૃષ્ણે સંસ્કૃતિ સંરક્ષકનો આ પાઠ એક લોકશિક્ષક તરીકે પોતાની તત્કાલીન પેઢીને શીખવ્યો.

યુદ્ધથી કોઇ પ્રશ્ન કાયમ માટે કદી ઊકેલતો નથી છતાં આસુરી તત્ત્વો યુદ્ધ અનિવાર્ય બનાવી મૂકે ત્યારે મહાવિનાશના ભોગે પણ એમને વશ કરવા જોઇએ. આ આસુરી તત્ત્વ પોતાના પરિવારના જ હોય તો પણ લાગણીઓથી ઉપર ઊઠીને અધર્મનો નાશ કરવો જ જોઇએ. અધર્મનો આવો નાશ કરતી વખતે કશું મેળવવા માટે નહીં પણ આવી પડેલા કર્મને આસક્તિ મુક્ત થઇને નીભાવવું એ જ ધર્મ છે એવો શાશ્વત ઉપદેશ કૃષ્ણે જગદગુરુ બનીને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપ્યો. લોકશિક્ષક તરીકેની કૃષ્ણની આ અમીટ સિદ્ધિ છે. કૃષ્ણે એમના જીવનકાળ દરમિયાન એમના તત્કાલીનોને જે શીખવ્યું છે એ પેઢીઓ પછી આપણા સહુ માટે એવું ને એવું જ તરોતાજા છે. (મુંબઈ સમાચારમાંથી સાભાર )

shree krishnam vande jagad gurum message for all religious indian people gujarat mathura vrundavan dwarkadhish temple yogeshwar shree krishna gujarat india religious gopi arujun mahabharat


સ્વાતંત્રય પર્વની આપ સહુને શુભકામનાઓ..

flag with child

flag with child

– દર્શના ઠક્કર

૧૫ મી ઓગષ્ટ આપણો સ્વાતંત્રય દિવસ છે આ દિવસોમાં ફિલ્મ રસિયાઓ દેશભક્તિની ફિલ્મો જોવાનું પસંદ કરતા હોય છે. હિન્દી ફિલ્મોમાં દેશભક્તિ ઉપર અનેક યાદગાર ફિલ્મો બનાવવામાં આવી છે. દેશભક્તિની વાત નીકળે એટલે સ્વાભાવિક રીતે મનોજકુમારની યાદ પહેલી આવે. જે.પી દત્તાએ પણ ફિલ્મો દ્વારા દર્શકોનાં દિલો-દિમાગ ઉપર દેશભક્તિનો જાદૂ ચલાવવામાં સફળતા મેળવી છે. ચાલો જાણીએ ૧૦ ફિલ્મો જે દેશ પ્રત્યે સમર્પણ અને સેવાનો ભાવ જગાવવામાં સફળ રહી.

ધ લીજેન્ડ ઓફ ભગતસિંહ : શહીદ ભગતસિંહ ઉપર ઘણી ફિલ્મો બની છે. સૌથી વધુ ચર્ચા ૧૯૬૫માં બનેલી મનોજકુમાર અભિનીત ફિલ્મ તથા ૨૦૦૨ માં અજય દેવગન અભિનિત ફિલ્મની જોવા મળી. ફિલ્મમાં સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ દ્વારા થયેલી દેશભક્તિની વાતો યુવાનોના દિલમાં વસી ગઈ.

બૉર્ડર : ૧૯૯૭માં બનેલી બૉર્ડર ફિલ્મમાં જે.પી દત્તાએ ૧૯૭૧માં રાજસ્થાનની સીમા ઉપર થયેલા ભારત-પાક વચ્ચેના યુદ્ધની સત્ય ઘટના ઉપર ફિલ્મ બનાવી. ફિલ્મમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી, અક્ષયખન્ના, જેકી શ્રોફ, પુનિત ઈસ્સર, સુદેશ બેરીએ અભિનય ર્ક્યો હતો.

હકીકત : આ ફિલ્મ ૧૯૬૨માં ભારત-ચીન વચ્ચે થયેલા યુદ્ધની ઉપર બનાવવામાં આવી છે. એક એવી લડાઈ જેને માટે ભારતે ક્યારેય વિચાર્યું પણ ન હતું. કોઈપણ પ્રકારની તૈયારી પણ કરી ન હતી. સૈનિકો પાસે પૂરતાં શશ્ત્રો પણ ન હતાં. આ લડાઈમાં કેપ્ટન બહાદુર સિંહ (ધર્મેંન્દ્ર) પોતાની ટુકડીના જવાનોને બચાવી લે છે. ફિલ્મ શાનદાર બની હતી. યુદ્ધ ઉપર દેશમાં બનેલી આ પ્રથમ હિન્દી ફિલ્મ હતી. ફિલ્મનું યાદગાર ગીત અબ તુમ્હારે હવાલે વતન સાથિયો આજે પણ ગીત સાંભળતાં આંખમાં પાણી છલકાઈ જાય છે. આ ફિલ્મનું લેખન-નિર્દેશન ચેતન આનંદે ર્ક્યું હતું. ધર્મેન્દ્ર સિવાય ફ્લ્મિમાં બલરાજ સહાનીએ પણ ઉત્કૃષ્ટ અભિનય ર્ક્યો હતો.

કર્મા : ૧૯૮૬માં બનેલી ફિલ્મ કર્મામાં મલ્ટિસ્ટાર્સ જોવા મળ્યા હતા. ફિલ્મમાં દિલીપકુમારની સાથે નૂતન, અનિલ કપૂર, જેકી શ્રોફ અને અનુપમ ખેરે પણ અભિનય ર્ક્યો હતો. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કઈ રીતે દેશમાં આતંકનો પ્રકોપ વધતો હતો. દિલીપકુમારે કેટલાક કેદીઓની મદદથી આતંકનો સફાયો ર્ક્યો હતો. ફિલ્મનું ગીત હર કરમ અપના કરેંગે એ વતન તેરે લિએ આજે પણ એટલું જ લોકપ્રિય છે.

ક્રાંતિ : આ ફિલ્મ ૧૯૮૧માં આવી હતી. ફિલ્મની વાર્તા કાલ્પનિક હતી. અંગ્રેજોએ ચાલાકીથી એક રિયાસતને પોતાના તાબામાં લઈ લીધું હતું. સેનાપતિને ભાગવું પડે છે. તેનો પરિવાર વિખૂટો પડી જાય છે. સેનાપતિ તથા તેનો પુત્ર અંગ્રેજોની વિરુદ્ધમાં સંઘર્ષ કરે છે. આ ફિલ્મ પણ મલ્ટિસ્ટાર્સ હતી. દિલીપકુમાર,  મનોજકુમાર, શશીકપૂર, શત્રુઘ્ન સિન્હા, હેમા માલિની અને નિરુપા રૉયે અભિનય ર્ક્યો હતો.

લગાન : અંગ્રેજોએ ભારતમાં રાજ કરીને ભારતીયો ઉપર અનેક અત્યાચાર ર્ક્યા હતા. આ વિષયને ધ્યાનમાં લઈને લગાન ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગામડાંમાં રહેતી નિર્દોષ અને અભણ પ્રજાનું શોષણ અંગ્રેજો દ્વારા કરવામાં આવતું હતું. વધુ કર પણ ભરવો પડતો. કર નાબૂદ કરવા માટે અંગ્રેજોએ એક શર્ત રાખી હતી કે બંને વચ્ચે ક્રિકેટ મેચ રમાય તથા જો અંગ્રેજો હારી જાય તો કર નાબૂદ કરવામાં આવે. ક્યારેય ક્રિકેટ ન રમેલાં ગામના યુવાનો ક્રિકેટ ટીમ બનાવે છે. અંગ્રેજોને હરાવી પણ દે છે. દેશભક્તિની ભાવનાઓથી ભરપૂર આ ફિલ્મ બૉક્સ ઑફિસ ઉપર પણ સફળ રહી હતી. ઑસ્કાર ઍવૉર્ડ માટે પણ તેને મોકલવામાં આવી હતી.

એલઓસી કારગિલ : વર્ષ ૨૦૦૩માં આ ફિલ્મની રજૂઆત થઈ હતી. ૧૯૯૯ના ભારત-પાકિસ્તાન વચ્ચે જે કારગિલ યુદ્ધ ખેલાયું તેની ઉપર આ ફિલ્મ બની હતી. ફિલ્મનું નિર્માણ જે.પી દત્તાએ ર્ક્યું હતું. ફિલ્મમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીરોની બહાદુરી દર્શાવવામાં આવી હતી. ફિલ્મમાં અજય દેવગણ, અરમાન કોહલી સંજય દત્ત, નાગાર્જુન, સૈફ અલી ખાન, સુનીલ શેટ્ટી,અભિષેક બચ્ચન મોહનીશ બહલ, અક્ષય ખન્ના, મનોજ બાજપાયી, આશુતોષ રાણા, રાની મુખરજી, કરીના કપૂર, ઈશા દેઓલ અને રવીના ટંડને અભિનય ર્ક્યો હતો.

મંગલ પાંડે : આઝાદીની લડાઈમાં અંગ્રેજોની સામે માથું ઊંચકનાર એટલે જ મંગલ પાંડે. અંગ્રેજોની સામે પહેલો સશસ્ત્ર વિદ્રોહ સંપૂર્ણ દેશમાં આગની જેમ ફેલાઈ ગયો હતો. ૮ એપ્રિલ ૧૮૫૭માં બ્રિટિશ આર્મી દ્વારા મંગલપાંડેને ફાંસી આપવામાં આવી હતી. મંગલ પાંડે દ્વારા પ્રત્યેક ભારતીયના દિલમાં આઝાદીની આગ તો ફેલાઈ ગઈ હતી. ભારતના આ ક્રાંતિકારી પુત્ર ઉપર કેતન શાહે ૨૦૦૫માં મંગલ પાંડે ધ કિંગ ફિલ્મ બનાવી હતી. મંગલ પાંડેનું કિરદાર આમિર ખાને બખૂબી નિભાવ્યું હતું.

પૂરબ ઔર પશ્ચિમ : ૧૯૭૦માં મનોજ કુમારે ફિલ્મના નિર્માણની સાથે લેખકની જવાબદારી સ્વીકારીને પૂરબ ઔર પશ્ચિમ ફિલ્મનું નિર્માણ ર્ક્યું હતું. ફિલ્મ ઉપકાર બાદ મનોજકુમારે ‘ભારત કુમાર’ના રૂપમાં આ બીજી ફિલ્મ કરી હતી. ફિલ્મમાં વિનોદ ખન્નાએ અભિનય ર્ક્યો હતો.

ઉપકાર : ૧૯૬૭માં દેશભક્તિનો મહિમા ગાતી આ ફિલ્મ હતી. ‘ઉપકાર’ ફિલ્મ બનાવવાનો મુખ્ય હેતુ હતો જય જવાન જય કિસાન ના નારાને બુલંદ કરવાનો. મનોજકુમારના અભિનયે લાખો-કરોડો લોકોના દિલને જીતી લીધું હતું. ફિલ્મમાં મનોજકુમારનું નામ ભારત હતું. ફિલ્મ બાદ મનોજકુમારને લોકો ભારતના નામે જ ઓળખવા લાગ્યા હતા. ફિલ્મનું સુપ્રસિદ્ધ ગીત એટલે મેરે દેશ કી ધરતી સોના ઉગલે હીરે મોતી હતું. અહીં આપેલી ફિલ્મો સિવાય પણ જૂની નવી ઘણી સારી દેશભક્તિની ફિલ્મો આવી છે, જે દરેક માટે લખવું શક્ય ન હોવાથી તેની અહીં ફક્ત યાદી આપવામાં આવી છે. જેમાં ફિર સુબહ હોગી  રોટી કપડાં ઔર મકાન પ્રહાર  સરફરોશ વીર સાવરકર ગદર – એક પ્રેમકથા લગાન સ્વદેશ ચક દે ઇન્ડિયા અ વેડ્નસ્ડે રંગ દે બસંતી પરમાણુ – ધ સ્ટોરી ઑફ પીઓકે ♦ રાઝી  ધ ગાઝી એટેેકમણિકર્ણિકા – ધ ક્વીન ઑફ ઝાંસી જેવી ફિલ્મો ગણાય છે.

આ સિવાય જૂના જમાનાના ફિલ્મી ગીતોમાં દેશભક્તિના ગીતો બહુ લોકપ્રિય થતા અને તે સમયે આઝાદીની ચળવળથી લઇને સ્વતંત્રતા મળ્યા પછી દેશભક્તિનો જુવાળ પણ બહુ હતો. તેવખતે ધરખમ ક્રાંતિકારી ગીતકારો અને શાયરો પણ હતા, જેઓ ફિલ્મી ગીતોમાં અને કવિતાઓમાં દેશભક્તિની ભારોભાર ભાવના ભરતા. તે ગીતોથી લોકોમાં દેશભક્તિનો જબ્બર જુવાળ આવતો. સ્વાતંત્રય દિન નિમિત્તે આવા દેશભક્તિના કેટલાક લોકપ્રિય ગીતોને યાદ કરીએ. જે ગીતો સાંભળીને તમે આનંદ માણી શકશો..

દે દી હમેં આઝાદી બીના ખડગ બીના ઢાલ – ફિલ્મ જાગૃતિ – ૧૯૫૪ અય વતન અય વતન હમકો તેરી કસમ – શહીદ – ૧૯૬૫   અય મેરે પ્યારે વતન અય મેરે બીછડે ચમન – કાબુલીવાલા – ૧૯૬૧ હૈ પ્રીત જહાં કી રીત સદા – પૂરબ ઔર પશ્ચિમ – ૧૯૭૦ ♦  અપની આઝાદી કો હમ હરગીઝ મીટા નહીં સકતે – લીડર – ૧૯૬૫ ♦  કર ચલે હમ ફીદા જાનો તન સાથિયો – હકીકત – ૧૯૬૫ મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી – ઉપકાર- ૧૯૬૭ છોડો કલ કી બાતેં કલ કી બાત પુરાની – હમ હિન્દુસ્તાની – ૧૯૬૧   જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા – સિકંદર એ  આઝમ – ૧૯૬૫ દિલ દિયા હૈ જાન ભી દેંગે અય વતન તેરે લિયે – કર્મા – ૧૯૮૬ મેરા મુલ્ક મેરા દેશ – દિલજલે – ૧૯૯૬ આય લવ માય ઇન્ડિયા – પરદેસ – ૧૯૯૭ ભારત હમકો જાન સે ભી પ્યારા હૈ – હરિહરણ – ૧૯૯૨ યે જો દેશ હૈ તેરા – સ્વદેશ – ૨૦૦૪ ચક દે હો ચક દે ઇન્ડિયા – ચક દે ઇન્ડિયા – ૨૦૦૭ દેશ રંગીલા – ફના – ૨૦૦૬ તાઝદાર- એ – હરમ – સત્યમેવ જયતે – ૨૦૧૮ થારે વાસ્તે જાન ભી લુટા – પરમાણુ – ૨૦૧૮ અય વતન વતન – રાઝી – ૨૦૧૮  ઉપરાંત લોકપ્રિય નૉન ફિલ્મી ગીતો ♦  અય મેરે વતન કે લોગોં જરા આંખમેં ભર લો પાની – ગાયિકા -લતા મંગેશકર   માં તુઝે સલામ, વંદે માતરમ્ – ગાયક એ. આર. રહેમાન – ૧૯૯૭ જેવા ગીતોમાં દેશભક્તિ નો રસ છલકે છે.. (સ્ત્રોત : મુંબઈ સમાચાર)


સોરઠી સંસ્કૃતિના દર્શન કરાવતો માધવપુરનો મેળો એકવાર જોવા જેવો છે..

Madhavrai Temple

Madhavrai Temple

:: સંકલન ::
ડો. ઇશ્વરભાઇ ભરડા
પોરબંદર

પોરબંદર અને માંગરોળ અરબી સમુદ્ર કાંઠે આવેલ માધવપુર (ઘેડ) માં પુરાણ પ્રસિદ્ધ માધવપુર (ઘેડ) નો પાંચ દિવસનો મેળો ચૈત્ર સુદ નોમ થી તેરસ સુધી સોરઠી ઢબનો મેળો ભરાય છે. આ પાંચ દિવસ માધવપુર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાઈ જાય છે. પ્રાકૃતિક સૌંદર્યથી વિંટળાયેલા પશ્ચિમ સૌરાષ્ટ્રના સૌંદર્યધામો માંગરોળ – ચોરવાડ જેટલુ જાણીતું પ્રાચીન નગર માધવપુર (ઘેડ) છે. શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીના લગ્નની વાતો હજારો વર્ષ પછી હૈયામાં સંઘરીને બેઠેલુ માધવપુર સૌરાષ્ટ્રના નૈઋત્ય કોણમાં માંગરોળથી વાયવ્યે ૧૮ માઈલ, કેશોદ સ્ટેશનથી અગ્નિ ખૂણામાં ૩૬ માઈલના અંતરે આવેલુ ઐતિહાસિક નગર છે. અહીં યુગ પુરૂષ લોકજીવનના આરાધ્ય દેવ અને સાડા ત્રણ હજાર વર્ષ પછીયે જનહૈયામાં ધબકી રહેલા ભગવાન શ્રીકૃષ્ણ અરબી સમુદ્રના કાંઠે માધવરાયજી રૂપે મંદિરમાં બિરાજે છે. સાગર રાણો અહર્નિશ એમના પગ પખાળે છે. સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ મેળા તરણેતર, શિવરાત્રી અને માધવપુરમાં માધવપુર મેળાનું મહત્વ વધારે છે. ઘેડમાં મુખ્ય ત્રણ નદીઓ વહે છે તેમાં ભાદર, ઓઝત અને મધુવંતી આ ત્રણેયનું સંગમ સ્થાન માધવપુર છે. લોક હૃદયના હૈયે પણ ગવાય છે કે ગંગા, યમુના, સરસ્વતી, ગોમતીએ ગૌદાન, તેથી અધિક મધુંવતી જ્યાં પરણ્યા શ્રી ભગવાન આ મેળા અંગે માધવપુરનો માંડવો, જાદવકુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી શ્રી માધવરાય ભગવાન કહેવત પ્રચલિત છે.

તિર્થભૂમિ ગુજરાત પુસ્તકમાં લેખક રઘુવીર ચૌધરી નોંધે છે કે માધવપુર (ઘેડ) સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. માધવપુર ભારતીય ધર્મ સાધકનું સંગમ સ્થળ છે. સાધકોનો મેળો અને ભકતોને મેળો માધવપુર છે. સ્કંદ પુરાણના માધવપુરા મહાત્મ્યમાં જે તીર્થોના ઉલ્લેખ છે. એમના કેટલાક અદ્રશ્ય થઈ ગયા છે છતા બ્રહ્મકુંડ, ગદાવાવ, કર્દમકુંડ, મેરાયા, વરાહકુંડ, ચો-બારી, કપીલ ડેરી અને સિદ્ધતીર્થ સંગમ નારાયણ આદિના વર્ણનો મુજબ અસ્તિત્વ છે. સાગરકાંઠાની ઉંચાઈએ માધવરાયનું મંદિર છે ત્યાંથી મધુવન ભણી જતા શ્રી રામદેવપીરની નૂતન મંદિર બંધાયેલુ છે. મધુવનમાં મહાપ્રભુજીની બેઠક છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ રૂક્ષ્મણીમાં આવેલા કંદર્મકુંડ ઉપર શ્રીમદ્દ ભાગવત્ પારાયણ તેમજ વ્યાખ્યાન કર્યુ હતું. જ્યાં પરંપરાથી એમની ભારત વર્ષની ૮૪ બેઠકોમાંથી ૬૬ મી બેઠક અહીં સૂચવાઈ છે. મહાપ્રભુજીની બેઠક નજીક રૂક્ષ્મણી શ્રીકૃષ્ણ લગ્ન માટેની ચોરી છે માહપરૂ છે. માધવપુર (ઘેડ) પુરાણકાળથી જ ઉત્સવ મેળાઓની ઉલ્લાસભૂમિ છે. અહીં અનેક સામાજિક પ્રસંગોએ વિશાળ માનવ સમુદાય ઉમટતો અને લોકોના હૈયા ઉત્સવઘેલા બને છે. આ ઉત્સવનો લોકમેળો એક બાજુ છે, તો બીજી બાજુ શ્રી રામાનુજ જાદવ, રામાનંદ, કબીર આદિની યાત્રાની સ્મૃતિ જાળવી રાખતા સ્થળો છે. ગોરખનાથની ગુફા વિશે કહેવાય છે કે ત્યાં એમણે તપસ્યા કરેલી બાજુમાં નિલકંઠ મહાદેવનું મંદિર છે. ભગવાન લકુલીશની શૈવ ઉપાસનાની વિશેષતા દર્શાવતુ એક શિલ્પ સચવાઈ રહ્યુ છે. આમ રામાનુજ, જાદવ, વલ્લભથી માંડી નાથ, કબીર અને સહજાનંદની પરંપરાના અનેક સંત – ભકતોથી આ ભૂમિનું સેવન થયુ છે.

માધવપુરનો મેળો એટલે અગ્નિની સાક્ષીએ સુખ – દુઃખમાં આજીવન જીવવાના બે આત્માઓને લગ્નના પવિત્ર સંબંધથી જોડતો જ્ઞાન, ભકિત કર્મ અને ઉલ્લાસનો મહિમા દર્શાવતો મેળો એ માધવરાયના પરિણયનો મેળો છે. માધવપુરના મેળામાં ભાટ, બારોટ ને ચારણ કવિઓય આવે છે. રાતના લોકવાર્તા અને લોકગીતની રજુઆત થાય, જુવાનીયાઓ સામસામા દુહાની રમઝટ બોલાવે, સાખ પડે બેડોને શેરડી, કાંઠા ઘઉં, કચ્છ, રેંટ ખટુકે વાડીએ, ભોંય ધરા સરઠ વસ્તી જ્યાં બહુ મહેરની, નારી પાતળ પેટ, ધી પથ્થર વખાણમાં ભોંય બરડો બેટ, માથે ભલો માળવો, ઉનાળે ગુજરાત ચોમાસે સોરઠ ભલો બરડો બારે માસ… ભૂતકાળમાં માધવપુરના મેળાની કિર્તી સાંભળોને પ્રખર લોકસાહિત્યવિદ્દ અને રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી, ગોકળદાસ રાયચુરા, મેરૂભા ગઢવી જેવા મહાનુભાવો આ મેળો મહાલવા આવી ગયા હતા.

આ લોકમેળાનો પ્રારંભ ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી સતત પાંચ દિવસ યોજાય છે. ભગવાન શ્રીરામના પ્રાગટય દિન રામનવમીના પવિત્ર દિવસે મંડપારોપણ થાય છે. ભગવાન શ્રી માધવરાયજી, ત્રિકમરાયજીના મંદિરથી પહેલા ફુલેકાનો પ્રારંભ રાત્રીના ૯ કલાકે થાય છે. ચૈત્ર સુદ દસમ તથા અગિયારસના દિવસે બીજુ અને ત્રીજુ ફુલેકુ નીકળે છે. ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સવ તરીકે ઉજવાય છે. જેમાં માધવપુર ઘેડની નજીકના કડછી ગામના કડછા મહેર ધર્મના ઝંડા સાથે શણગારેલા ઉંટ અને ઘોડા પર સવાર થઈને રૂક્ષ્મણીનું મામેરૂ લઈ આવે છે ત્યારે જ ભરમેળો ગણાય છે.

મધુવનમાં આવેલ મહાપ્રભુજીની બેઠકના સાનિધ્યમાં રૂક્ષ્મણીના માવતર પક્ષની જગ્યા રૂક્ષ્મણી મઠથી બપોરે ૧૨ કલાકે ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયુ કરવામાં આવે છે ત્યાર બાદ સાંજના ૪ કલાકે નીજ મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણનું જાનનું પ્રયાણ થાય છે. શ્રીકૃષ્ણ વરરાજા બને છે. રૂપેણવનમાં જાનનું આગમન થાય છે. વેવાઈઓ દ્વારા જાનનું સ્વાગત થાય છે. હિન્દુ સમાજમાં થતી લગ્નવિધિ મુજબ કન્યાદાન દેવાય છે. મંગળ ફેરા કરે છે. શાસ્ત્રોકતવિધિ અને વેદોચ્ચાર મંત્રો સાથે શ્રી કૃષ્ણ – રૂક્ષ્મણી સાથે અગ્નિની સાક્ષીએ લગ્નગ્રંથીથી જોડાય છે. લગ્નની ખુશાલીમાં કંસારનો પ્રસાદ વહેંચાય છે. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ જાન આખી રાત રૂપેણવનમાં રોકાય છે. ચૈત્ર સુદ તેરસના દિવસે સવારે કરૂણ વિદાય પ્રસંગ આવે છે. શ્રીકૃષ્ણ વાજતેગાજતે પરણીને બપોરના ૩ કલાકે નીજ મંદિરમાં પધારે છે. તે સાથે માધવપુરના મેળાની પૂર્ણાહુતિ થાય છે.

માધવપુરનો મેળો રામનવમીથી શરૂ થાય પણ અગિયારસની રાત્રે પૂર બહારમાં ખીલે છે. એને ભરમેળો કહે છે. વર્તમાન યુગમાં મોટર મોટર સાયકલો, બસો અને ટ્રેકટરો જેવા વાહનો આવ્યાં તે પહેલા ખેતી કરનારી તમામ કોમોના લોકોના ગાડા જોડીને સહકુટુંબ માધવપુરનો મેળો માણવાને શ્રીકૃષ્ણને પરણાવવા દોઢસો બસો ગાડા જોડી ત્રણ ત્રણ દિવસના ભાતા પોતે લઈને મેળામાં આવતા ગામના પાદરથી લઈને સીમાડા સુધી રાવટીઓ નંખાઈ જતી જૂના કાળે મેળામાં લોક મનોરંજન કરાવનારા મદારી આવતા રાવણહથ્થા વાળાય આવતા ગાડાની સાથે લોકો પોતાના પાણીદાર શણગારેલા અશ્વો અને અહીં મેદાનમાં ઉંટ અને અશ્વ દોડની હરિફાઇઓ થતી જાનવરોના પાણી મપાતા જોરાવસિંહ જાદવના સૌરાષ્ટ્રનું સંસ્કૃતિ દર્શનમાં માધવપુર ઘેડનો લોકિયો મેળો એ શીર્ષક તળે શ્રીકૃષ્ણ – રૂકમણીના લગ્નની તલસ્પર્શી વાતો આલેખી છે. લગ્નના દિવસે જે રથમાં ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન છે તે પ્રાચીન રથ પણ કાષ્ઠકલાના ઉત્તમ નમૂનારૂપ જોવા જેવું નજરાણું છે. વર્ષો પહેલા આ રથ બદલીને નકલી રથ મૂકી દેવાયો હતો અને અસલી રથ કાનૂની પ્રક્રિયા બાદ પરત મળ્યો તેની કથા પણ રસપ્રદ છે. લગ્ન સમયે આ રથ દોડાવવામાં આવે છે.

શ્રી રજનીશ ઓશો મેડીટેશન સેન્ટર (અધ્યાત્મ કેન્દ્ર) પૈકીનું એક કેન્દ્ર અહીં આવેલ છે. અહીં સ્વામી બ્રહ્મવેદાંત દ્વારા પ્રવૃતિઓ ધમધમે છે. દિવાળી પછી ભાઇબીજના દિવસે અહીં સમુદ્રસ્નાન કરવા બહેનો અને ભાઇઓ આવે છે. ભાઇઓ – બહેનને સ્નાન કરાવીને તેને ભેટ – બક્ષીસ આપે છે. બહેન પણ સ્નાન કરીને ભાઇના દીર્ધાયુષ્ય અને સુખી જીવનની મંગળ પ્રાર્થના કરે છે. ભાઇબીજના દિવસે ભાઇ – બહેનનોના પવિત્ર બંધનને અનુરૂપ સમુદ્ર સ્નાનનો મહિમા પ્રચલિત છે. દિવાળીની રજાઓમાં સહેલાણીઓ પણ અહીં મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અહીં વિવિધ પ્રકારના કાચબાની પ્રજાતિઓ જોવા મળે છે. આ કેન્દ્ર બીચ નજીક હાઇવે પર જ આવેલ છે. કાચબીઓ ઇંડા છોડીને જતી રહે પછી તેને અહીં સેવવામાં આવે છે. મરીન નેશનલ પાર્કનું આ કાચબા ઉછેર કેન્દ્ર પણ અભ્યાસુઓ અને પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. માધવપુરનો દરિયા કિનારો સહેલાણીઓ માટે સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર છે. આ બીચ પર સાંજે આથમતા સૂર્યને જોવો તે એક આહલાદક આનંદ છે. ભવ્ય ચોપાટી, સરકણી રેતી અને શિવલીંગની સાથે સાથે બાળક્રિડાંગણ અને શાંતિ સમુદ્રકાંઠે શીતલ અનુભૂતિ સાથે સહેલાણીઓ અહીં રોમાંચ અનુભવે છે. પ્રાચીન મંદિરને અડીને જ નવું મંદિર છે. માધવરાયજીનું આ નવું મંદિર સતરમી સદીમાં પોરબંદરના રાણા વિક્રમાતજી અને રૂપાળીબાએ બંધાવ્યું હોવાનું મનાય છે. નવા મંદિરમાં જૂના મંદિરની પ્રતિમાઓનું જ પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બહારવટીયા મૂળુ માણેક અને જોધા માણેક અહીં આવીને પ્રાચીન મંદિર પર ધ્વજારોહણ પણ કર્યાની લોકવાયકા પ્રચલિત છે. મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત પ્રતિવર્ષ રૂકમણી વિવાહ પ્રસંગનું સફળ આયોજન કરે છે.

માધવરાય મંદિરની વિશેષતા એ છે કે અહીં બે પ્રતિમા છે. સામાન્ય રીતે ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપમાં બે હાથ ઉપર અને બે હાથ નીચે હોય છે અને શંખ, ચક્ર, ગદા, પહ્મ ધારણ કરેલા હોય છે. અભ્યાસુઓના મતે કદાચ આ એક જ મંદિર એવું હશે જયાં ભગવાનના ત્રણ હાથ ઉપર છે. આ બાબતે પણ ધર્મ અને ઇતિહાસના અભ્યાસુઓ વિવિધ તર્કબદ્ધ મનોવ્યકત કરતા હોય છે. જેથી અભ્યાસુઓ માટે પણ આ પ્રતિમાઓ આકર્ષણનો વિષય છે. સ્થાનિક લોકો કહે છે કે આ મૂર્તિઓ જુદા જુદા પ્રસંગોએ જુદા જુદા રંગોમાં દૈદિપ્યમાન થાય છે. શ્રદ્ધાળુઓ અને સંશોધકો માટે આ મૂર્તિઓનું સ્વરૂપ નિહાળવું એ એક અમૂલ્ય પ્રસંગ અને લ્હાવો ગણાય છે. અહીં વૈષ્ણવ પદ્ધતિથી ભગવાનની સેવા નિયમિત રીતે થાય છે. અર્વાચીન મંદિર પણ અનેરા આકર્ષણનું પ્રતીક છે.

માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણીક મંદિર આવેલું છે. આ લગ્ન મંદિર સોલંકી ઢબનું બારમી સદીનું ગણાય છે. ઉત્તમ શિલ્પ સ્થાપત્યથી મઢેલુ આ મંદિર પ્રાચીનતા અને કલા સમૃદ્ધિથી ભરેલુ છે અને નયનાકર્ષક છે. સમુદ્ર કિનારાની રેતીથી અડધું દટાયેલુ આ મંદિર પ્રાચીન ઈતિહાસને જાળવીને બેઠું છે. મંદિરનું શીખર વર્તુળાકાર છે. ઉત્પનન દરમિયાન મંદિર સંકુલનો મહત્વનો નીચેનો ભાગ દટાયેલો મળી આવ્યો હતો. તેની આસપાસ જીર્ણવાવ સપ્ત માતૃકા અને અન્ય મંદિરોના ભગ્નાવશેષો પણ મળી આવ્યા હતા. આ મંદિરના ૧૬ થાંભલા અને તેને આધારિત સિંહ મંડપ છે. આ મંદિર પુરાતત્વના અવશેષરૂપે સાચવવામાં આવેલું છે. અદભૂત શિલ્પ સ્થાપત્ય કલાત્મક કોતરણી અને પ્રાચીનના કોઈપણ અભ્યાસુ મનોવૃતિના દર્શકને રોમાચિંત કરે તેવી અને સૌને જોવી ગમે છે, પરંતુ આ મંદિરનો વિકાસ થયો નથી અને જર્જરીત બની ગયેલ આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તકનું હોવાથી તેની જાળવણી માટે પણ તંત્ર ગંભીર નથી.

માધવપુરના મધુવનમાં શ્રી રામજી મંદિરના સાનિધ્યમાં વિશાળ મેદાનમાં અદ્યતન સુવિધાયુકત સમસ્ત કોળી સમાજની વંડી આવેલી છે. મેળા દરમિયાન પ્રતિવર્ષ ગ્રામ પંથકમાંથી આવતી જનતા માટે નાતજાતના ભેદભાવ વગર કોળી સમાજની વંડીમાં આવાસ અને ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. આ પંથકના લોકો ખેતીની નવી ઉપજમાંથી ઘઉં, ચણા તેમજ રોકડ રકમની આ વંડીને દાનરૂપે સહાય કરે છે. હાલ વંડીનું નવનિર્માણનું કાર્ય ચાલુ છે. જેમાં માધવપુરના દાતાશ્રીઓ નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.

mahdavupur ghed is tourist place near chorvad, keshod, mangrol, porbandar city and visit madhavrai temple, rukmani shree Krishna marriage temple, madhavpur beach, osho ashram and more historical and religious place and tourist palace of Gujarat. This article by dr. ishwarbhai bharda – porbandar


દીપાવલીના પર્વોનું પણ એક વિજ્ઞાન છે..

Happy Diwali

Happy Diwali

– મુકેશ પંડ્યા

ચોમાસુ ઉર્ફે ચાર્તુમાસનો છેલ્લો તહેવાર એટલે દિવાળી. શરદ અને હેમંત ઋતુુનું જંક્શન એટલે દિવાળી. ગરમી અને ઠંડીનો સંગમ એટલે દિવાળી. પાંચ દિવસ ને પાંચ રાત્રિનો તહેવાર છે દિવાળી. જેની શરૂઆત આસો મહિનાના અંતે અને સમાપન કારતક મહિનાની શરૂઆતથી થાય છે એ દિવાળી. આ બધી પૂર્વભૂમિકા બાંધવાનો હેતુ એટલો જ છે કે દિવાળી માત્ર ધર્મ કે તત્ત્વજ્ઞાન પર આધારિત નહિ, બલ્કે આ દેશની પ્રકૃતિ તેમ જ બદલાતી ઋતુઓને ધ્યાનમાં લઇને થતી ઉજવણી પણ છે. અંગ્રેજો જેને ઑક્ટોબર હીટ કહીને ઓળખતા એ આપણા આસો મહિનાની ગરમીનો અનુભવ તો આપણે કર્યો છે. દિવસે ત્રસ્ત કરી મૂકતા આ મહિનામાં એટલે જ બધા તહેવાર રાત્રે મનાવવામાં આવે છે, જેમ કે નવરાત્રિ, શરદ પૂર્ણિમા, કરવા ચોથ, દિવાળી વગેરે.. શરદ ઋતુમાં આવતો આ મહિનો દિવસમાં ગરમ અને રાતના ઠંડા વાતાવરણને લીધે બીમારી ફેલાવતો મહિનો પણ કહેવાય. કોઇ ડૉક્ટર પાસે તમે આ મહિનામાં જાવ ત્યારે તમને અચૂક કહેશે કે તમે ડબલ સિઝન (બે ઋતુ) નો ભોગ બન્યા છો. કોઇ વ્યક્તિનો જન્મદિવસ ઊજવતી વેળાએ આપણે એને જીવેત શરદ: શતમ કહીને સંબોધીએ તેનો અર્થ એ જ કે રોગિષ્ટ એવી સો શરદ ઋતુથી વ્યક્તિ બચી શકે તો બાકીની ઋતુઓ કાઢવી પ્રમાણમાં સરળ હોય છે.

આવી ઋતુથી બચવા તેમ જ પર્યાવરણને શુદ્ધ કરવા નવરાત્રિના હવન અને કંઈક અંશે દિવાળીમાં અગ્નિ કમ પ્રકાશ ફેલાવતા ફટાકડાં ઉપયોગી હતાં તેમાં ધંધાદારી વલણ આવતા બદનામ પણ થયાં છે. જો કે તારલિયા, લવિંગિયા. ફૂલઝરી, ફુવારા કે ચકરડી જેવા ફટાકડાં ફોડવામાં આવે તો તેની આકર્ષક રંગબેરંગી પ્રકાશમય ડિઝાઇનથી આંખ અને મનને આનંદ તો મળે જ છે. સાથે આવા ઓછા અવાજવાળા કે ધ્વનિ વગરના માત્ર ધુમાડો ફેલાવતા ફટાકડા આરોગ્ય માટે ઉપકારક સિદ્ધ થાય છે એમ આજનું વિજ્ઞાન પણ કહે છે. ફટાકડાંથી થતો ધુમાડો ચોમાસામાં વૃદ્ધિ પામેલા ડેન્ગ્યુ સહિતના મચ્છરોને દૂર ભગાવે છે. વળી ધુમાડાની અસર ઓછી થયા પછી હવામાન ઠંડુ થતાં જ ધુમાડાની રજકણો જમીન પર પથરાય જાય છે, તેથી નવા મચ્છરો પેદા થતાં નથી. આ ધુમાડાથી મચ્છરો મરતાં નથી પણ દૂર ભાગે છે એટલે અહિંસા પ્રેમીઓને પણ ગમી જાય તેવી આ વાત છે. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટ્યિુટના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ.નરેન્દ્ર મેહરોત્રા જણાવે છે કે અવાજ કરતાં ફટાકડામાં ગંધક તો પ્રકાશ ફેલાવતા ફટાકડાંમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે. કેટલાક ફટાકડામાં સ્ટ્રોન્શિયમ કે પોટેશિયમ પણ હોય છે. આ બધા ફટાકડાં એક સાથે ફોડવામાં આવે તો એવા વાયુઓનું મિશ્રણ ઉત્પન્ન થાય છે જે એન્ટિબોયોટિક તરીકે કામ આપી મચ્છરોનેે મારી હટાવે છે.એટલે એક જ જાતના ફટાકડા ન ફોડતાં વિવિધ ફટાકડાઓ ફોડવાં જોઇએ. જો કે હવે કાયદેસર પ્રતિબંધ આવ્યો હોવાને કારણે ફટાકડાના પ્રમાણમાં ઘણો ઘટાડો જોવા મળશે. આટલું સમજીને હવે દિવાળીના પાંચ દિવસની વાત કરીએ.

પ્રથમ દિવસ ધનતેરસ : ચોમાસામાં આવતી બેય ઋતુ વર્ષા અને શરદ, વિવિધ પાણીજન્ય તેમ જ પિત્તજન્ય રોગોથી પરેશાન કરતી આ ઋતુઓમાં હેમખેમ પસાર થયા પછી દિવાળીના પ્રથમ દિવસે આરોગ્યના દેવની પૂજા કરવી જોઇએ. આ આરોગ્યના દેવ એટલે ધન્વન્તરી જેમની પૂજા ધનતેરશના દિવસે કરી પોતાના તેમ જ કુટુંબના આરોગ્યની કામના કરવી જોઇએ. જૂના સમયમાં પહેલું સુખ તે જાતે નર્યાં એ કહેવત પ્રમાણે આરોગ્યને જ ધન માનવામાં આવતું હતું. નગદ નાણાંની શોધ તો એ વખતે થઇ જ ન હતી. ઘણા લોકો આ દિવસે લક્ષ્મીપૂજા કરે છે પણ તેને માટે દિવાળીનો દિવસ શ્રેષ્ઠ છે અને આ લક્ષ્મી એટલે પણ માત્ર ધન નહીં પણ આઠે પ્રકારની અષ્ટલક્ષ્મીની પૂજા કરવી જોઇએ. આ દિવસે કંસાર, શીરો કે લાપસીના આંધણ મુકાય છે. પિત્તજન્ય ઋતુનો આ છેલ્લો દિવસ આવા પિત્તનાશક મધૂર રસથી ઉજવવો સર્વથા યોગ્ય છે.

કાળીચૌદસ : પ્રથમ દિવસે આરોગ્યદેવની પૂજા કરી બીજે દિવસે શક્તિની આરાધના કરવી જોઇએ. તેને માટે મહાકાળી અને હનુમાનની ઉપાસના જરૂરી છે.અત્યાર સુધી વાતાવરણમાં પિત્તનો પ્રભાવ હતો હવે વાયુનો પ્રભાવ વધશે. શિયાળાની શરૂઆત થશે. વાયુના રોગોથી બચવા તૈલી પદાર્થોનું સેવન જરૂરી છે. આ દિવસે આપણે ત્યાં તળેલી વાનગી બનાવીને ખાવાનો રિવાજ છે તે સર્વથા યોગ્ય છે. ચકરી, સેવ. વડા કે ભજિયા ઘરે બનાવીને ખાવા વધુ ફાયદાકારક છે. કારણ કે ઊકળતા તેલના બાષ્પીભવન પામેલા કણો વાયુમાં ફેલાઇને લવચીકતા પ્રદાન કરે છે. તૈયાર નાસ્તાથી તમારા શરીરને તેલ મળે છે.પણ વાતાવરણમાં રહેલી શુષ્કતા દૂર કરવા ઘરે તળવાનો રિવાજ ખરેખર તર્કપૂર્ણ છે જે હવે બદલાતા સમય સાથે ભૂલાતો જાય છે. સમયના અભાવે ભાવપૂર્વક ઘરે બનાવાતા ફરસાણનો જમાનો ગયો. બસ ભાવ આપીને ખરીદાતાં તૈયાર ફરસાણ અને નાસ્તાના પડીકાં ઘરમાં ઠલવાતાં જાય છે. જોકે હજું ઘણા લોકો ઘરે ભજીયા તળી શરદકાળમાં ભેગો કરેલો કકળાટ કાઢવા બહાર જાય છે ખરાં. ઉલ્લેખનીય છે કે અવાજના કકળાટને શોષી લેવામાં તેલનું આગવું પ્રદાન છે. ઘરમાં અવાજ કરતાં દરવાજાં, પંખા કે હિંચકા અને કારખાનામાં મશીનને તેલ પૂરવાથી ખરેખર ઘોંઘાટ ઓછો થાય છે ખરો…??

દિવાળી : ચોમાસામાં ગુમાવેલા આરોગ્ય અને શક્તિને પ્રથમ બે દિવસ દરમ્યાન આવકાર આપો છો પછી દિવાળીને દિવસે તમે મા સરસ્વતી અને લક્ષ્મીની કૃપા મેળવવા સક્ષમ બનો છો. આ અમાસની રાત્રિએ બન્ને દેવીઓને આવકારવા પૂજા પાઠ થાય છે. રંગોળી પૂરવામાં આવે છે. બારણે તોરણો બાંધવામાં આવે છે, અને.. હાં દિવડાઓની હારમાળાથી વાતાવરણ દિવ્ય બને છે. મંત્ર સાધના માટે આ સમય અતિ ઉત્તમ છે. વરસાદના વાદળો હટી જાય છે. આસો મહિનાના પ્રખર તાપથી ભેજનું પ્રમાણ ઓછું થઇ જાય છે. નવરાત્રિના હવન અને દિવડાંઓની હારમાળાથી વાતાવરણ શુદ્ધ બને છે ત્યારે તમે રટેલા ભાવપૂર્ણ મંત્રોના તરંગોને પરમ શક્તિ સુધી પહોંચવા મોકળું મેદાન મળી જાય છે. એમાંય રાત્રિનો શાંત સમય અતિ ઉત્તમ છે.

નૂતન વર્ષ : આરોગ્ય, બળ, બુદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિએ ઘમંડી ન બનતાં વધુ નમ્ર બનવું જોઇએ. જેની આપણે કાગડોળે રાહ જોતા હોઇએ છીએ એ શિયાળાની શરૂઆત આ દિવસથી થાય છે. આપણને રોગિષ્ટ શરદકાળમાંથી જેમણે હેમખેમ બહાર કાઢ્યા તે પરમેશ્વરનો સર્વપ્રથમ આભાર માનવો જોઇએ. જેમની કૃપાથી આપણને દાણા પાણી મળ્યા છે તેમને અન્નકૂટ ધરાવીને પછી આપણે અન્ન ગ્રહણ કરવાની ભાવના રાખવી જોઇએ. શ્રીકૃષ્ણે ઇન્દ્રના કોપથી બચવા ગિરીરાજ પર્વત ધારણ કર્યો ત્યારે ખાધા પીધાં વિના પ્રજાની રક્ષા કરી હતી તેમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવા આ અન્નકૂટનો રિવાજ શરૂ થયો છે.આવા ભાવથી થતી પૂજાને ગોવર્ધન પૂજા પણ કહેવાય છે. દેવદર્શન બાદ વડીલોના ચરણસ્પર્શ કે સમવયસ્કો સાથે બે હાથ જોડીને કરાતાં નમસ્તે, આ બે ક્રિયાઓ પણ આપણી સંસ્કૃતિના અભિન્ન અને ઉપયોગી સંસ્કારો છે. વોટ્સઍપ અને ફેસબુક જેવા માધ્યમોની અસર હેઠળ આ રિવાજો ભૂલાતાં જાય છે પરંતુ શરીરની સુખાકારી માટે પણ આ રિવાજો પાળવા જોઇએ. હાથ પગના ટેરવાંઓથી અથડાઇને શરીરનું લોહી જ્યારે પાછું ફરતું હોય ત્યારે ટેરવે થતાં કંપનથી શક્તિના તરંગો ઉદ્ભવે છે. આ શક્તિને વાતાવરણમાં વેડફવા ન દેવી હોય અને શરીરની નાની મોટી બીમારી દૂર કરવાના ઉપયોગમાં લેવી હોય તો સિમ્પલ છે – તમે તમારા બે હાથ જોડી દરેકને નમસ્તે કરતા જાવ કે વાંકા વળીને વડીલોના અંગૂઠાનો સ્પર્શ અવશ્ય કરો. આવો ફિઝિકલ લાભ તમને ડિજિટલ માધ્યમ દ્વારા કદાપિ નહી મળે. કાંઇ નહીં તો કમસેકમ આ દિવસે વડીલોને પગે લાગવા અને સગાં સ્નેહીઓને મળવા અચૂક બહાર નીકળવું જોઇએ..

ભાઇબીજ : વસુધૈવ કુટુંબકમમાં માનનારા આ દેશમાં કૌટુમ્બિક તહેવારો ન હોય તો જ નવાઇ. દિવાળીએ કૌટુમ્બિક તહેવાર તો છે જ. સાથે સાથે ચાતુર્માસમાં ભાઇ બહેનના પ્રેમને ઉજવતો આ ત્રીજો અને છેલ્લો તહેવાર છે. શ્રાવણ મહિનામાં વીરપસલી અને રક્ષાબંધનને દરેક ભાઇ બહેન પ્રેમથી ઉજવે છે. ખરેખર યમ અને યમુનાના પ્રતીકરૂપે ભાઇ બહેનના તહેવારો મૂકીને આપણા શાસ્ત્રોએ મોટો ઉપકાર કર્યો છે. વાસ્તવમાં ઉપાસનાના આ ચાર મહિનાઓમાં વ્યક્તિના જીવનમાં વાસના ઓછી અને સાધનાનું પ્રમાણ વધારે હોવું જોઇએ. ભાઇ બહેન અને કુટુંબ સાથે હોય ત્યારે આપણા વિચાર, વાણી અને વર્તનમાં એક મર્યાદા આવી જતી હોય છે જે ચાતુર્માસ પર્વમાં જરૂરી હોય છે.

ધન્ય છે આપણા પૂર્વજોને જેમણે દરેક તહેવારો આપણા માથા પર ઠોકી બેસાડ્યા નથી, પણ દેશના ભૌગોલિક સ્થાન અને હવામાનને અનુલક્ષીને સમય સમય પર થતાં ફેરફારો સામે તનનું આરોગ્ય અને મનનો ઉત્સાહ ટકી રહે તે માટે બનાવેલા નિયમો છે. અફસોસની વાત તો એ છે કે આ જાતનું જ્ઞાન વિજ્ઞાન આપણને શાળા કોલેજોમાં શીખવવામાં આવતું નથી, એટલે શ્રદ્ધા ઓછી અને અંધશ્રદ્ધા વધતી જાય છે. દરમિયાન આ ભવ્ય સંસ્કૃતિનું અધકચરું જ્ઞાન ધરાવતા લોકો અદાલતમાં એક જનયાચિકા ફટકારી પૂરી જનતાના અરમાનો અને ઉત્સાહ પર ઠંડું પાણી ફેરવી દેતા હોય છે… (સૌજન્ય : મુંબઈ સમાચાર)


સસ્તા અને ગૌરવવંતા ગુજરાતી સાહિત્ય‍ના પ્રેરણાદાતા ભિક્ષુ અખંડાનંદને ક્યારેય ભૂલી શકાશે નહિ

Swami Akhandanadji

Swami Akhandanadji

ગુજરાતી સામયિક અખંડ આનંદ અને સસ્તું સાહિત્ય વર્ધકના સ્થાપક ભિક્ષુ અખંડાનંદનો જન્મ તારીખ ૦૩/૦૧/૧૮૭૪ ના રોજ ગુજરાતના ચરોતરના બોરસદ ગામમાં બોરસદમાં લોહાણા પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લલ્લુભાઈ હતું. પિતાનું નામ જગજીવનરામ ઠાકર અને માતાનું નામ હરિબા હતું. ભિક્ષુ અખંડાનંદ માત્ર પાંચ ધોરણ ભણીને તેમણે અભ્યાસ છોડી દીધો. આ લલ્લુભાઇ વાંચનના એટલા બધા શોખીન કે દુકાનમાં બેસાડો તો વેપાર કરવાને બદલે કોઇ ખૂણામાં જઇ ચોપડી લઇ બેસી જાય તથા લલ્લુભાઇને નાનપણથી જ સાધુનો સંગ પ્રિય હતો. ક્યાંય કથાકીર્તનનો ચાલતાં હોય તો એ ભાઇ વેપાર ધંધો એકબાજુ મૂકી ત્યાં જ જોવા મળે. લલ્લુભાઇએ જુદા જુદા વ્યવસાય કર્યા પરંતુ પાછળથી મન વૈરાગ્ય તફ વળતાં અમદાવાદ આવીને ઈ.સ ૧૯૦૪ માં મહા વદ તેરસને શિવરાત્રીના દિવસે સાબરમતીને કિનારે વૃદ્ધ સંન્યાસી શિવાનંદજી પાસે દીક્ષા ગ્રહણ કરી અને ત્યાર પછી તેમનું નામ અખંડાનંદ પડ્યું.

સંન્યાસ લઈને તેમણે સમગ્ર દેશમાં પરિભ્રમણ કર્યું. તેમને વાંચવાનો ખૂબ જ શોખ હોવાથી અનેક ધર્મગ્રંથો વાંચ્યા હતા. સ્વામી અખંડાનંદજી એક વખત નડીયાદ ગયા હતા ત્યાં એમના હાથમાં ભાગવત આવ્યું. એમાં લખેલા એકાદશ સ્કંધથી તેઓ તાજ્જુબ થઇ ગયા. ગીતા કરતાં પણ એ ગ્રંથ વધુ ગમ્યો પછી મનમાં વિચાર આવ્યો કે આ પુસ્તક જો ગુજરાતીમાં શ્લોક સાથે મળે તો કેટલા બધા લોકો લઇ શકે..?? એકવાર હિમાલયથી પાછા ફરેલા સંન્યાસી ભિક્ષુ અખંડાનંદ મુંબઈ આવ્યા. એક પુસ્તકની દુકાને ભજનસંગ્રહ ખરીદવા ગયા તેની કિંમત જોઈ તો ચાર પાંચ ગણી વધારેલ હતી.. જેથી એમને થયું કે સામાન્ય વ્યક્તિ પુસ્તકો કંઈ રીતે ખરીદી શકે..?? આવા સુંદર પુસ્તકનો આટલો બધો ભાવ..?? તેમણે પ્રકાશકને પૂછ્યું ભાઇ, આ પુસ્તક તો ખરેખર સુંદર છે પણ એનો ભાવ ખૂબ જ વધુ રાખેલો છે. છતાંય એકેય પુસ્તક સિલકમાં નથી રહેતું અને આ તેની ચોથી આવૃત્તિ છે. તો તમે સસ્તું ન આપી શકો..?? શા માટે..?? સસ્તું આપો, કિંમત વ્યાજબી રાખો તો સામાન્ય લોકો પણ લાભ લઇ શકે.. સ્વામીજીએ કહ્યું પ્રકાશકે વળતો જવાબ આપ્યો અમે કમાવા બેઠા છીએ, સેવા કરવા નહીં..

પ્રકાશકની વાત સાંભળીને સ્વામીજીને ખૂબ જ દુ:ખ થયું. તેઓ પુસ્તક લીધા વિના જ પાછા ફર્યા પણ તેમણે મનમાં ગાંઠ વાળી કે ભલે ગમે તે થાય મારે આવું જ પુસ્તક છાપવું.. સસ્તી કિંમત રાખવી અને લોકભોગ્ય બનાવવું તથા સમાજમાં સામાન્ય માણસ પણ લાભ લઇ શકે, વાંચી શકે, ખરીદી શકે એટલી ઓછી કિંમત જ રાખવી.. એક સારું કામ કરવાની મનમાં ધગશ લાગી. પોતાને હિમાલય તરફ જવું હતું પણ તે કાર્ય મુલત્વી રાખી એકાદશ સ્કંધનું પ્રકાશન હાથમાં લીધું. શ્રીમંતો મદદ કરવા ઘણાય આગળ આવતા હતા પણ દરેકની કંઇક ને કંઇક શરત હતી. કોઇને પોતાનું નામ છપાવવું હતું, કોઇકને પોતાનો ફોટો મુકાવવો હતો, કોઇકને પોતાને અર્પણ થાય એવી ઇચ્છા હતી. સ્વામીજીએ સોને સવિનય ના પાડી દીધી અને મહેનત કરીને પોતે એકલે હાથે એ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. જોતજોતામાં તો એની નકલો ચપોચપ ઊપડી ગઇ. સ્વામી અખંડાનંદને હવે એક ધૂન લાગી. તેમણે સારાં અને જીવનોપયોગી પુસ્તકો લોકોને સસ્તી કિંમતે આપવાનો એમણે નિર્ણય કર્યો અને તેના માટે સસ્તું સાહિત્યવર્ધકની તેઓએ સ્થાપના કરી.

ભિક્ષુ અખંડાનંદે ગુજરાતના સંસ્કારનું ઘડતર કર્યુ છે. ગીતા સહિત ધર્મ સંસ્કારના પુસ્તકોની ૫૪૦૦૦ જેટલી નકલો માત્ર સાડાત્રણ વર્ષમાં જ વેચીને વિક્રમ સજર્યો હતો તથા એમ. જે. પુસ્તકાલયને તેમણે વિવિધ ભાષાના દસ હજાર પુસ્તકો ભેટમાં આપીને ઉદાત ભાવનાનું દ્દષ્ટાંત પણ પૂરું પાડયું છે. અખંડાનંદ આર્યુવેદિક કોલેજની સ્થાપના પણ કરી. આજે તેમણે સ્થાપેલું સર્વ વિષયોને આવરી લેતું લોકભોગ્ય અખંડાનંદ સામયિક છેલ્લા પચાસ વર્ષથી અવિરતપણે પ્રગટ થાય છે. સસ્તું સાહિત્યની વિસ્તૃત લોકઉપયોગી પ્રવૃત્તિ એક વ્યક્તિના અભિયાન દ્વારા સધાયેલ મોટી ને ગરવી પ્રવૃતિનો પુરાવો છે. જ્ઞાનની પરબ માંડનાર ભિક્ષુ અખંડાનંદનું અવસાન ચોથી જાન્યુંઆરી ૧૯૪૨ના રોજ થયું હતું.  આજે પણ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં સ્વામી અખંડ આનંદ માર્ગ ઉપર અખંડ આનંદ નામનો હોલ છે ત્યાં સસ્તું સાહિત્ય વર્ધકની ઓફિસ આવેલી છે..


ડોંગરેજી મહારાજને કથા દરમિયાન તેમના પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે…

Dongreji Maharaj

Dongreji Maharaj

– આશુ પટેલ

ડોંગરેજી મહારાજના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે.. એક કેન્સર હૉસ્પિટલ માટે ફંડ ઊભું કરવા ડોંગરેજી મહારાજની કથા મુંબઈમાં યોજાઈ હતી. દાયકાઓ અગાઉ યોજાયેલી એ કથા થકી આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ કૅન્સર હૉસ્પિટલ માટે એકઠી થઈ ગઈ હતી. એ કથાના છેલ્લા દિવસે ડોંગરેજી મહારાજ કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમના કોઈ સ્નેહી ગંભીર ચહેરે તેમની પાસે ગયા. તેમણે ડોંગરેજી મહારાજને કાનમાં કહ્યું કે તમારા પત્ની મૃત્યુ પામ્યા છે. એ આઘાતજનક સમાચાર સાંભળ્યા પછી બીજી જ ક્ષણે ડોંગરેજીએ સ્વસ્થતા મેળવી લીધી અને દુ:ખદ સમાચાર લઈને આવેલા સ્નેહીને જવાબ આપીને ફરી કથા શરૂ કરી દીધી.. તેમણે એ દિવસે કથા પૂરી કરી. કથાના આયોજકોને ખબર પડી કે ડોંગરેજીના પત્ની મૃત્યુ પામ્યાં છે ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા પણ ડોંગરેજીએ કથા યથાવત્ ચાલુ રાખી એને કારણે તેઓ ગદગદ થઈ ગયા.

એ પછી ડોંગરેજી મહારાજે પત્નીના દેહાંત પછીની વિધિઓ હાથ ધરી. તેઓ થોડા દિવસ પછી પત્નીના અસ્થિ લઈને ગોદાવરી નદીમાં અસ્થિ વિસર્જન માટે નાશિક ગયા. એ વખતે અસ્થિ વિસર્જનની વિધિ કરનારા બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે તેમની પાસે પૈસા નહોતા જે સ્નેહીએ તેમને તેમના પત્નીના મૃત્યુના સમાચાર આપ્યા હતા એ તેમની સાથે હતા. ડોંગરેજી મહારાજે તેમને પોતાના પત્નીનું મંગળસૂત્ર આપીને કહ્યું કે આ વેચીની પૈસા લઈ આવો. બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે મારી પાસે કંઈ નથી. પેલા સ્નેહી સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખો છલકાઈ ગઈ. જે માણસે થોડા દિવસો અગાઉ કૅન્સર હૉસ્પિટલ માટે પોતાની કથા થકી દોઢ કરોડનું ફંડ એકઠું કરી આપ્યું હતું. તેની પાસે મામૂલી રકમ પણ નહોતી સાદગીના પર્યાય સમા ડોંગરેજી મહારાજના જીવનના આવા તો અનેક કિસ્સાઓ છે. એ વાતો ફરી ક્યારે કરીશું.. ઘણા ફાઈવસ્ટાર બાબાઓ, બાપુઓ, સ્વામીઓ અને મહારાજો કરોડો અબજો રૂપિયામાં આળોટતા હોય છે તેમની બોચી ઝાલીને નિત્ય પ્રાત:કાળે આવા કિસ્સાઓનું પઠન કરવાની તેમને ફરજ પાડવી જોઈએ.. (મુંબઈ સમાચાર માંથી સાભાર)


બરડા ડુંગર વિષેની માહિતી આપતી નિઃશુલ્ક ઈ-બુક

વહાલાં વાચકમિત્રો

પોરબંદર પાસે આવેલા બરડા ડુંગર વિષેની માહિતી આપતી એક નાની ઈ -બુક મેં સંકલીત કરી છે. જે તમારા સહુના વાંચન અને રેફરન્સ માટે છે જેને નીચેની લિન્ક દ્વારા નિઃશુલ્ક ડાઉન લોડ કરી શકાશે… આ બુક આપ સહુને જરૂર ઉપયોગી થશે એવી અપેક્ષા સહ…

Bardo Dunger E – Book By Atul Chotai

આપનો સહદયી

-અતુલ એન. ચોટાઈ
(પત્રકાર અને લેખક)
રાજકોટ – ગુજરાત

પોરબંદર બરડા ડુંગર ઈ -બુક નિઃશુલ્ક ડાઉનલોડ અતુલ એન. ચોટાઈ (પત્રકાર અને લેખક) રાજકોટ – ગુજરાત બરડો ડુંગર અતુલ ચોટાઈ