– આશુ પટેલ
જનકલ્યાણ સામયિકનો એક જૂનો અંક હમણાં હાથમાં આવ્યો. એમાં એક હૃદયસ્પર્શી કિસ્સો વાંચ્યો. એ કિસ્સો જનકલ્યાણ અને એના સંપાદક એવા વડીલમિત્ર દેવેન્દ્ર ત્રિવેદીના સૌજન્ય સાથે વાચકો સામે મૂકું છું.
***
ટી. એન. શેષન ભારતના મુખ્ય ચૂંટણી આયુક્ત હતા એ વખતે તેમના જીવનમાં બનેલો એક પ્રસંગ છે.એક વાર તેઓ પોતાની પત્ની જયલક્ષ્મી શેષનની સાથે ફરવા નીકળ્યા હતા. ઉત્તર પ્રદેશના એક સુંદર રસ્તા પર ગાડી જઈ રહી હતી. રસ્તાની બંને બાજુ સુંદર ઘટાદાર ઝાડની વનરાજી છવાયેલી હતી. આકાશ સ્વચ્છ હતું. પંખીઓનો મધુર કલરવ અને અનેક પક્ષીઓના માળાઓ કુદરતના સુંદર નઝારામાં ઓર વધારો કરી રહ્યા હતાં.જયલક્ષ્મીજીને એ દ્રશ્ય ખૂબ જ ગમી ગયું. તેમને લાગ્યું કે આપણાં ઘરના બાગ માટે આમાંના બે માળા લઈ જઈએ તો બાગ કેટલો શોભી ઊઠશે. તેમણે પોતાની ઈચ્છા શેષનને કહી. ગાડીઓ રોકાઈ, એક છોકરો ઘેટાં ચરાવવા આવ્યો હતો તેને બોલાવ્યો. શેષન કોઈ મોટા સરકારી અધિકારી છે એ તેને સમજાવ્યું અને પછી તે છોકરાને બે માળા કાઢીને લાવી દેવાનું કહેવામાં આવ્યું. સાથે એમ પણ કહ્યું કે પ્રત્યેક માળાના દસ રૂપિયા દઈશું. તે છોકરાએ ડોકું નીચે નમાવી નકારાર્થે ડોકું હલાવ્યું. તેને પૂછાયું કે દસ રૂપિયા ઓછા લાગે છે કે..?? તને પચાસ રૂપિયા દઈશું. ત્યારે છોકરો બોલ્યો સાહેબ.. પૈસાનો સવાલ જ નથી. ગમે એટલા પણ પૈસા દેશો તો પણ હું એ માળો ઝાડ પરથી ઉતારવાનો નથી.. કેમ ભાઈ..?? આવો સવાલ પૂછાયો ત્યારે તે છોકરાએ જવાબ આપ્યો કે એ માળામાં પક્ષીઓનાં બચ્ચાં શાંતપણે અને વિશ્ર્વાસથી સૂતેલાં છે. સાંજે તેમની મા ચાંચમાં દાણા ભરીને આવશે, બચ્ચાઓ ન દેખાયા તો તેના મનમાં કેટલો આક્રોશ જાગશે એ મારાથી સહન નહિ થાય. કોકનું ઘર તોડવું એ પાપ છે સાહેબ અને એ પાપ હું નહિ કરું. તેના એ શબ્દો સાંભળીને શેષન અને તેમના પત્ની સજ્જડ થઈ ગયા.
***
દોસ્તો, આ કિસ્સો આમ સામાન્ય લાગે, પણ પેલા છોકરાની સંવેદનાની વાત હૃદયને સ્પર્શી જાય એવી છે. તે છોકરા જેવી સંવેદના તમામ માણસોમાં હોય તો પૃથ્વી સ્વર્ગ જેવી બની જાય. દરેક વ્યક્તિએ સંવેદના સાથે વિચારવું જોઈએ. પોતાના કોઈ કામથી બીજા કોઈને નુકસાન તો નહીં, ત્યાં ને કે કોઈને તકલીફ તો નહીં પડેને એ વિચારવું જોઈએ.. (મુંબઈ સમાચારમાંથી સાભાર)