ATUL N. CHOTAI

a Writer


૪૦ કિલોના ભીમકાય તાળાને ખોલવા માટે ૮ ચાવીની જરૂર પડે છે

Heavy Lock

Heavy Lock

કપડવંજનો પટેલ પરિવાર છેલ્લી ૩ પેઢીઓથી અવનવા તાળાઓનો સંગ્રહ કરી રહ્યો છે. આવા લગભગ ૫૦૦ તાળાઓનુ પ્રદર્શન વડોદરાના કમાટીબાગમાં આવેલા મ્યુઝિયમમાં થોડા સમય પહેલા યોજવામાં આવેલ હતું આ પ્રદર્શનમાં ૪૦ કીલોના ભીમકાયતાળાની સાથે ૧ ઈંચના ટચૂકડા તાળાનો પણ સમાવેશ થયો હતો. આ ૪૦ ઈંચનુ તાળુ ખોલવા માટે ૮ ચાવીઓની જરૂર પડે છે. આ સીવાય અખંડ ભારતના નકશાના આકારનુ એક તાળુ પણ આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યુ હતું.  સોના-ચાંદીના વરખમાંથી બનાવવામાં આવેલા તાળાનો પણ એક્ઝીબીશનમાં સમાવેશ થયો હતો. તાળાઓનો આ સંગ્રહ કપડવંજના ધર્માભાઈ પટેલે કરેલો છે. આ શોખ તેમને તેમના પિતા તરફથી વારસામાં મળ્યો હતો. ધર્માભાઈના પુત્ર પણ તેમને તાળાઓના સંગ્રહને જાળવવામાં અને વધારવામાં ઉમેરો કરી રહ્યા છે.

Advertisements


સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ટ્રેનનો પાવો 1880 માં ગોંડલમાં વાગ્યો હતો

Gondal Railway Station

Gondal Railway Station

ભારતીય રેલવેના જાજરમાન ગૌરવાન્વિત ઇતિહાસમાં ગોંડલ રેલવેનું અતિ મહત્ત્વનું પ્રદાન છે ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવીએ યાતાયાત તેમજ જનપરિવહન માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલ કરી 189 માઇલના અંતરમાં મીટર ગેજ રેલવે ટ્રેક બિછાવી આજથી 135 વર્ષ પહેલા 18મી ડિસેમ્બર 1880 માં સૌ પ્રથમ ટ્રેન દોડતી કરી હતી જનતા માટે આ સમાચાર હર્ષની હેલી સમાન બની ગયા હતા ઇતિહાસમાં ડોકીયુ કરાવતા વિનોદભાઇ રાવલ જણાવે છે કે સૌરાષ્ટ્રમાં રેલવે લાઇનો વીસ્તારવાનો સૌ પ્રથમ વિચાર ત્રણ વ્યક્તિને આવ્યો હતો જેમાં મુંબઇ પ્રાંતના ગર્વનર રિચાર્ડ ટેમ્પલ, ગોંડલના રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવીને વિચાર આવ્યો હતો. આપણે રાજાશાહી તેમજ અંગ્રેજોને ભાંડવાની એક પણ તક જતી કરતા નથી પરંતુ જે સમયે જે.સી.બી જેવા અર્થમુવર્સ કે યાત્રીક સાધન સરંજામની ઉપલબ્ધિ ન હતી ત્યારે દેશી રાજવીઓ અને અંગ્રેજોએ સાથે મળીને 2235  કિલોમીટર રેલવે ટ્રેક બિચ્છાવ્યા હતા


ગુજરાતના આ ગામમાં મગર અને માણસોની અનેરી મિત્રતા જોવા મળે છે

crocodile village

crocodile village

મગર નામ પડતા જ ભલભલા ખેરખાઓને ધણધણાટી છુટી જાતી હોય છે. માણસ મગરના ઝડબામાં આવતા જ તેને પાણીમાં ખેંચી ગયા બાદ ભાગ્યે જ કોઈ બચી શકે છે એટલે જ મગરને પાણીનો રાજા કહેવામાં આવે છે. પાણીમાં મગરની તાકાત વધી જતી હોવાનું પણ માનવામાં આવે છે પણ ગુજરાતમાં એવું પણ એક ગામ છે, જ્યાં મગર અને માણસ વચ્ચે દુશ્મનીનો નાતો નહીં પણ દોસ્તીનો નાતો છે. આ ગામને મગર મિત્ર ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે ગામમાં મગર અને લોકો સાથે મળીને રહેતા હોય તેવો માહોલ જોવા મળે છે.

આણંદ જિલ્લાના ચરોતરનાં સોજિત્રા તાલુકાનાં મલાતજ ગામનાં નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે કેમ કે અહીં મોટાભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે. વિદેશમાં વસવાટ કરતા લોકોએ ગામમાં સુવિધાઓ વધારવા કરોડો રૂપિયાના દાન થકી ગામની સિકલ બદલી નાંખી છે. મલાતજ ગામને મગર મિત્ર ગામ તરીકે પણ ખ્યાતી મળી છે. ‘મગરથી સાચવીએ, મગરને સાચવીએ’  આણંદ જિલ્લાના મલાતજ ગામનું આ સૂત્ર ખરા અર્થમાં સાર્થક કર્યું છે.  મલાતજ ગામનાં આ તળાવમાં આશરે ૭૦ થી વધારે મગરો રહે છે. અહીયા રહેતા લોકો તેમજ તળાવમાં કપડાં ધોતી ગામની મહિલાઓ પર પણ મગર ક્યારેય હુમલો કર્યો નથી ઘણી વાર મગર કાંઠે કપડાં ધોતી મહિલાઓ પાસે આવી ચડે છે ત્યારે મહિલાઓ પાણીનો હલેચો મારતા જ મગર સડસડાટ પાણીમાં જતો રહે છે તેમજ તળાવમાં પાણી પીવા જતા પશુઓ પર પણ મગર ક્યારેય હુમલો કરતો નથી અન્ય એક ખાસ વાત એ પણ છે કે મગરી જ્યારે ઈંડા મુકે અને બચ્ચા જન્મે ત્યારે ગામનાં બાળકો તેને રમાડવા ઘણીવાર ઘરે લઈ જાય છે થોડીવાર રમાડ્યા બાદ મગરનાં બચ્ચાને બાળકો જાતે જ તળાવમાં છોડી આવે છે. સરકારી તંત્ર દ્વારા પણ સમયાંતરે તળાવની ચકાસણી કરવામાં આવે છે.

મગરને માણસનો દુશ્મન માનવામાં આવે છે પણ આ ગામમાં મગર માણસ પર કેમ હુમલો નથી કરતો તે અંગે કોઈ ચોક્કસ કારણ તો જાણવા નથી મળતું પણ ગામલોકોનાં મતે વર્ષો પહેલા ગામમાં આવેલા એક મંદિરમાં અંધ મહંત રહેતા હતા ત્યારે તળાવનાં મગરે હુમલો કરતા મહંતે મગરને શ્રાપ આપ્યો હતો કે તળાવનાં મગર કોઈને ઈજા પહોંચાડશે નહીં. હકીકત તો જે હોય તે પણ આ ગામમાં મગર અને માણસોની મિત્રતા અનેરી છે. ગામલોકોને પણ દ્રઢ વિશ્વાસ છે કે અત્યાર સુધી મગરે કોઈને ઈજા પહોંચાડી નથી અને ભવિષ્યમાં પણ  કોઈને ઈજા પહોંચાડશે નહીં આ જ કારણે ગામને મગર મિત્ર ગામ તરીકે પણ ખ્યાતિ મળી છે…


મહેસાણાના યાસીનભાઇ બેલીમ પાસે દુર્લભ ઐતિહાસિક સિક્કાનો અનોખો સંગ્રહ છે

Yasinbhai Belim - Mahesana

Yasinbhai Belim – Mahesana

મહેસાણાના ગોરીવાસમાં રહેતા અને ફેબ્રીકેશનના વ્યવસાય સાથે જોડાયેલા ૪૩ વર્ષના યાસીનભાઇ બેલીમ પાસે  રાજા રજવાડાના સમયના જ નહી પરંતુ અંગ્રેજોના શાસનથી અત્યાર સુધીમા અમલમા આવેલા સિક્કાઓ નો અમૂલ્ય સંગ્રહ છે પોતાના જીવની જેમ સિક્કાઓ નું જતન કરનાર  યાસીનભાઇ માટે ૭૯ દેશના અને ૫૬ સ્ટેટના ઐતિહાસિક સિક્કા તેમના જીવનનુ યાદગાર સંભારણુ બની રહ્યા છે. પોતાના જીવનની કમાણીનો ૫૦ ટકા ભાગ તેમણે આ ઐતિહાસિક સિક્કા ખરીદવામાં પાછળ ખર્ચ  કરેલ છે  આજના યુવા વર્ગને પૌરાણીક  સિક્કાઓનુ જ્ઞાન મળી રહે તે માટે ભવિષ્યમાં રાષ્ટ્રીયકક્ષાએ ઐતિહાસિક સિક્કાઓનુ પ્રદર્શન યોજવાની મહેચ્છા ધરાવતા યાસીનભાઇએ  જણાવ્યુ હતુ કે રાજા મહારાજાઓના સમયમાં સ્ટેટ જીતનાર રાજા ટંકશાળામા પોતાના નામના સિક્કા પડાવતા હતા જેમા ભોપાલમા શાહજહા, જુનાગઢમા મહંમ્મદ બેગડો, ખંભાતમા મફતઅલી, રાધનપુરમા જોરાવરબાબી અને બિસમિલ્લાહ બાબી, દિલ્હીમા અલાઉદીન ખિલજી સહિતના સ્ટેટમા બહાર પડેલા સિક્કા આજે પણ પોતાની મહામુલ્ય પૂંજી બની રહેલ છે


રી – ટેઈક વગરના રિયલ સીન અને આપણી નિષ્ઠુરતા..

Poor People

Poor People

એક ગરીબ અને લાચાર મહિલા અને એક પાલતું શ્વાન પોતાના પેટનો ખાડો પુરવા નવી નવી તરકીબો દ્ધારા લોકોને શહેર ના રસ્તાઓ ઉપર મનોરંજન પૂરું પાડી રહયા છે. જયારે આ તસ્વીરમાં મફતમાં મનોરંજન કરતા વાનરની વફાદારી અને મહિલાની મજબુરી પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. આજે સામાન્ય માણસને પોતાનું જીવન ગુજારવા જીવનમાં કેવા કેવા ખેલ કરવા પડે છે તે આ લોકો દ્વારા આપણને ખબર પડે છે.

આવા પરપ્રાંતિય પરિવારના લોકો શહેરના રાજમાર્ગો પર એક ૮ થી ૯ વર્ષની બાળકી સાથે અચંબાભર્યા ખેલ કરતા જોવા મળે  છે આઠેક ફૂટ ઉપર બાઘેલા દોરડા પર બાળકીના આવા હેરતભર્યા ખેલ જોઈ પસાર થતા લોકો પણ પોતાના વાહન થંભાવી બાળકીના ખેલ જોવા ઉભા રહી જાય છે અને જતા જતા ઘણા લોકો ૫ કે ૧૦ રૂપિયા આપતા જાય છે ત્યારે આ ખેલ જોઈ આટલું તો જરૂરથી શકાય કે અમુક લોકો આને રમત કહે છે પણ આ પરિવાર માટે આ રમત નથી આ રી-ટેઈક વગરના રિયલ સીન કરવામાં જોખમ પણ એટલું જ રહેલું છે પરંતુ પેટનો ખાડો પુરવા માટે આ ખેલ કરવો જરૂરી પણ છે

જો કે આર્થિક ઔદ્યોગિક પ્રગતિના યુગમાં આજે પણ એવા સેંકડો પરિવારો છે જેમને એક ટંક ભોજન માટે પણ કાળી મજુરી કરવી પડે છે મોટેરાઓ શ્રમ ઉઠાવે તે સમજી શકાય પરંતુ આવા પરપ્રાંતિય પરિવારના બાળકો પણ ગરીબી સાથે જિંદગીનો તાલમેલ મેળવવા વાસ પર ચાલી પોતાની જિંદગીને જોખમમાં મૂકી રહ્યા છે આજકાલ શહેરના રાજમાર્ગો પર આ પ્રકારના દ્વશ્ય સામાન્ય બની ગયા છે. આજે ઘણા શ્રીમંત લોકો મોજ શોખ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતા અચકાતા નથી હોતા પણ આવા લોકોને ૫ કે ૧૦ રૂપિયા દેતા તેનો જીવ નથી ચાલતો હોતો જે પણ ખરેખર એક સમજવા અને વિચારવા જેવી વાત હોય તેવું નથી લાગતું..??


પોરબંદરના શીલ ગામના આ બાળકો ને ઝેરી સર્પ સાથે દોસ્તી છે

Snake Friends Porbandar

Snake Friends Porbandar

આજના સમયમાં લોકો સાપને જોતા જ તેમનાથી દૂર ભાગવા લાગે છે એમાં પણ બાળકો તો દેડકા, ઉંદર અને સાપથી તો થરથર ધ્રુજવા લાગે છે પરંતુ પોરબંદર પાસેના માધવપુર (ઘેડ) પાસે આવેલા શીલ ગામમાં લોકોને આશ્ચર્યમાં મુકી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે આ ગામમાં રહેતા અને શાકભાજી નો વેપાર કરતા સુરેશભાઈ ભરડાને એક પુત્ર અને એક પુત્રી છે જેમાં સંજના ઉમર છ વર્ષ અને દેવ ઉમર ચાર વર્ષ આ બન્ને બહેન – ભાઈ આખો દિવસ પોતાના ઘરે સાપ સાથે રમે છે અને દિવસ પસાર કરે છે અને આ કોબ્રા જેવો લાગતો સાપ પણ આ ભાઈ – બહેનનો અનોખો મિત્ર બની ગયો છે. સાપને તેઓ પોતાના માથા પર પણ બેસાડે છે તે પણ કોઈપણ જાતના ભય વગર..  આ બાળકોની સાપ સાથેની દોસ્તી સાથે એક સેવાકીય કાર્ય પણ કરી રહ્યા છે કેમ કે આ બાળકો પોતાના મિત્ર એવા સાપને લઈને આજુ બાજુ માં યોજાતા મેળા – મંડપોમાં પહોંચી જાય છે અને ત્યાં પોતાનું અને સાપની દોસ્તીનું પ્રદર્શન યોજે છે જેથી લોકો આ જોવા માટે ઉમટી પડે છે અને આશ્ચર્યમાં મુકાઈ જાય છે ત્યારબાદ લોકો તેમને પૈસા આપે છે પરંતુ આ નાના બાળકો આ પૈસા પોતાના ઘરે નથી લઈ જતા એ તો ગૌશાળામાં જ આપી દે છે આ રીતે અનોખી ગૌ સેવા પણ કરતા જોવા મળી રહ્યા છે.


વિસાવદરનાં ભલગામમાં એક અજીબ મુંગા જીવની અનોખી દાસ્તાન

Dog in Vishavadar

Dog in Vishavadar

જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાનાં ભલગામ (મોટા) ગામે એક અજીબ શ્વાને લોકોને અચંબામાં મૂકી દીધા છે. ગામમાં કોઇને ત્યાં મૃત્યુ થાય ત્યારથી લઇને મૃતકની ઉત્તરક્રિયા ન પતે ત્યાં સુધી આ શ્વાન એક ઘરનાં સભ્યની માફક રહે છે. ગામમાં કોઇનું મૃત્યુ થાય ત્યારે મૃતકને ઘેર ગામલોકો ની સાથે આ શ્વાન પણ પહોંચી જાય છે અને તેના આપ્તજનોની માફક જ રડવા લાગે એ પાછું સ્મશાનયાત્રામાં પણ જોડાય, અંતિમ વિધી વખતે ચિત્તાની પાસેજ રહે. અગ્નિદાહ દેવાયા બાદ તેની આંખમાંથી મૃતકને જાણે અંજલિ આપતો હોય એમ અશ્રુધારા વહાવે અને પરિવારજનો સાથે જ પરત ફરી અન્યોની જેમ સ્નાન પણ કરે.છે  હવે તો ગામલોકો પણ જાણી ગયા હોઇ તેને ચા – પાણી, ખાવાનું આપે છે  મૃતકની ઉત્તરક્રિયા ન પતે ત્યાં સુધી આ કુતરું તેને ઘેર જ ધામા નાંખે છે અને ખુબીની વાત તો એ છે કે એક કુતરૂં પોતાની શેરીમાંથી બીજી શેરીમાં જાય તો ત્યાંનાં કુતરાં તેને ભસીને ભગાડી મુકતા હોય છે પણ આ શ્વાન મૃતકને ઘેર જાય તો એ શેરીનાં કુતરાં તેને ભસતા નથી તેર દિવસ માટે એ ત્યાં જ રહે છે તથા મૃતકનો ખરખરો કરવા માટે પાથરેલાં ગાદલાં પરજ તે બેસે છે જો કે તેર દિવસ બાદ મૃતકનાં પરિવારજનો મહાદેવનાં મંદિરે દિવો મૂકવા જાય ત્યારે તેની સાથે જાય છે અને ત્યાંથી પછી તે પાછું નથી ફરતું. માનવી પ્રત્યે અનોખી લાગણી ધરાવતા આ શ્વાનને હવે ગામલોકો પણ શેરીનાં કુતરાંની જેમ ક્યારેય હડધૂત નથી કરતા


પરાણે રજા ભોગવતા આ પરીવારોના મ્હો પર સ્મીત લાવવું જરૂરી છે

Small Family in Our City

Small Family in Our City

આપણે સહુ વરસાદી વાતાવરણ હોય કે હડતાલ હોય કે તહેવારના દિવસો હોય ત્યારે જલસા કરવાના મુડમાં આવી જઈએ છીએ પણ ઉપર આભ અને નીચે ધરતી જ જેનો આશરો છે તેવા ઘણા ગરીબ અને શ્રમીક પરિવારોથી લઇ રોજ નું કરી રોજ ખાતા હોય તેવા સામાન્ય લોકોની વસ્તી પણ આપણે ત્યાં ઉડીને આંખે વળગે એટલી છે. શહેરી ધમધમાટના માહોલ વચ્ચે આવા લોકોનું શું થતું હશે..?? તે વિચારવાની અને આપણે કઈ રીતે આ પરિવારોના મ્હો પર સ્મીત લાવી શકીએ તેવા પ્રયત્નો કરવાની જરૂર હોય તેમ નથી લાગતું..??


મહેસાણાના ચાંદણકી ગામમાં એક જ રસોડે દરરોજ આખું ગામ જમે છે

Single Kitchen in one Village

Single Kitchen in one Village

મહેસાણા જિલ્લાનું ચાંદણકી એ એક એવું ગામ છે જ્યાં એક જ રસોડે દરરોજ આખું ગામ જમે છે  અને આ ગામના મોટાભાગના લોકો ૫૫ થી ૬૦ ની ઉમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી તે માટે દેશ – પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા આ વ્યવસ્થા ઊભી કરાઇ છે જેનાથી ઘરના અને વડીલો બંને ખુશ છે. આ ગામના ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના પરીસર માં નિયમીત બંને ટાઇમ ગામ લોકો પોતાના સુખ – દુ:ખની વાતો કરતા કરતા ભોજન કરે છે. ગામનો સાક્ષરતા દર ૧૦૦ ટકા જેટલો છે. ગામના ૯૦૦ થી પણ વધુ લોકો બહારગામ રહે છે. તીર્થધામ બહુચરાજીથી પાંચ કિમીના અંતરે આવેલું ચાંદણકી નિર્મળ અને તીર્થગામ સહિતના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે.


ગાય માતાને પત્ર

Cow in Public Place

Cow in Public Place

– સોનલ ર. પંડ્યા

આદરણીય ગાયમાતા,

અમદાવાદ ગામથી પંચાતમાસીના જયશ્રીકૃષ્ણ વાંચશો. પારકી પંચાત કરવાની મારી ટેવ હવે મારો સ્વભાવ બની ગઈ છે. એટલે આ પત્રપંચાતના ભાગરૂપે તમને કાગળ લખું છું. વળી, અમારા શહેરમાં ફરતાં તમે અમારા શહેરમાં નહીં, અમે તમારા શહેરમાં ફરતાં રહેતાં હોઈએ તેવું લાગે છે. જેના શહેરમાં રહીએ તેની પંચાત ન કરીએ તો આ ‘પંચાત’નો અવતાર એળે જાય.. તમને કંઈક લખી શકવાની ત્રેવડ હજુ ધરાવું છું કારણ કે મારા જમણા હાથે હજુ લખી શકાય છે. મારા ડાબા હાથ વિશેની તમને જિજ્ઞાસા હોય તો કહું કે મારા ડાબા હાથની કોણીનું હાડકું ભાંગી ગયું છે. આપનો ઢીંકરૂપી પ્રસાદ મને મળ્યો અને મારાથી પડી જવાયું ! આપના શરીરમાં વસતા તેત્રીસ કરોડ દેવતા પૈકી કયા દેવ મારા પર કોપાયમાન થયા તેની ખબર નથી. વૈદરાજ પાસે પાટો બંધાવ્યો છે. જો કે વૈદરાજો અને હાડકાંના ડૉક્ટરોની પ્રામાણિકતા પર મને ક્યારેક શંકા જાય છે. આ બેફામ સ્પર્ધા અને બેકારીના જમાનામાં આપ એમને નિયમિત કમાણી કરાવો છો ત્યારે તમારા જાહેર સન્માનનું સૌજન્ય પણ તેઓ ચૂકી જાય છે. નગરપાલિકામાંથી આપને પકડવા આવતા માણસો સામે રોજગારીનો અધિકાર છીનવી લેવા અંગે વૈદ્યરાજો કોર્ટમાં કેસ કરે તે દિવસો હવે દૂર નથી. જોકે આપ આવી વાતો મનમાં લો તેવાં નથી. તમારાં શિંગડાં જેવું જ તમારું દિલ પણ વિશાળ છે. આપના શિંગડાં આપનો રસ્તો જે સરળતાથી સાફ કરી દે છે તેટલી જ સરળતાથી તમે બીજાને માફ કરી શકો છો.

હમણાં હાથનો પાટો બદલાવીને પાછી ફરતી હતી ત્યાં અમારી બસના ડ્રાઈવરે રસ્તાની બરાબર વચ્ચે બસ ઊભી રાખી દીધી. રસ્તાની વચ્ચે બેઠેલી સભાને બરખાસ્ત કરવા તે નીચે ઊતર્યો, તે પણ બસ પસાર કરવાના મામૂલી કામ માટે ! એટલામાં વાહનોનાં હૉર્ન અને માણસોની બૂમાબૂમ શરૂ થઈ ગઈ. જેટલી સહજતાપૂર્વક તમે ટ્રાફિકમાંથી પસાર થઈ શકો છો તેટલી સહજતાથી આ વાહનો આપની વચ્ચેથી પસાર કેમ ન થઈ શકે ? હમણાં શહેરના ભરચક વિસ્તારમાં ટ્રાફિક જામી ગયો હતો. આગળ જઈને જોયું તો બે આખલા ભાઈઓની લડાઈ જામી હતી. બરાબર ત્રીસ મિનિટ અમે એ ધર્મયુદ્ધ જોયું..!!  સાંભળ્યું છે કે સ્પેનમાં આવી લડાઈ ખાસ કરાવવામાં આવે છે. અમારા સહુનો પ્રવાસખર્ચ બચી ગયો..!!

બસમાં બેઠાં – બેઠાં તમારાં વિશાળ શિંગડાં બારીમાંથી જોઈને મેં મનોમન ઈશ્વરનો પાડ માન્યો કે હાશ, મારું તો હાડકાથી જ પત્યું. પેલા મિલનભાઈના બા હંસામાડી તમારી ઢીંક વાગતાં પડી ગયેલાં. કોણીનું હાડકું અને કમ્મરના ત્રણ મણકા તૂટી ગયા. તેઓ પથારીમાં પડ્યાં તે પડ્યાં અંતે પ્રભુના ધામમાં પહોંચ્યાં. આવી જ રામકહાણી ચાંદલાની પોળમાં રહેતા પશાકાકાની છે. સવારમાં ગાંઠિયા લેવા નીકળ્યા. ચક્ષુએ દગો દીધો. પોદળો દેખાયો નહીં અને ફસકી પડ્યા. ઉંમરને કારણે બેઠો માર જિરવાયો નહીં. તેઓ પણ રામને પ્યારા થઈ ગયા. તમારા માટે શૌચાલયોની સુવિધા ન થઈ શકવા બદલ તમે નારાજ ન થતાં. તમારા મળત્યાગ માટેનું મુત્સદ્દીપણું ખરેખદ દાદ માગી લે તેવું છે. ભારતીય રેલવેમાં સવારના સમયે આપ મુસાફરી કરશો તો અમારી કુદરતી હાજતની કૃત્રિમતાનો અંદાજ આપને આવી જશે. હંસામાડી અને પશાકાકા માટે સ્વર્ગનાં દ્વાર અવશ્ય ખૂલી ગયાં હશે. અમદાવાદનાં આંબાવાડી વિસ્તારના ચાર રસ્તા પર તમારી રક્ષા કાજે શહિદ થયેલાં ગીતાબેનનું એક સ્મારક મૂક્યું છે. તમારી શૂરવીરતાનો ભોગ બનીને શહિદ થયેલાં હંસામાડી જેવાં શહિદોનાં સ્મારકો જો શહેરના દરેક ચાર રસ્તા પર મૂકીએ તો શહેરના ચાર રસ્તા ઓછા પડે.

ખેર, આપણી વચ્ચેની ખાનગી વાત એ છે કે આપનો આટલો મોટો મહિમા છતાં આપ શહેરના કાગળના ડૂચા પર જીવો છો. એમાં તમારો દોષ હું નથી જોતી. એ તો અમે જ જેને માતા કહીએ તેને જ કચરો ખવરાવીએ..તે પછી નદીમાતા હોય કે ગાયમાતા. સાચું કહું જાહેરમાં માતા અને ખાનગીમાં કચરા ટોપલી. અમારી બાજુવાળા ગીતાબેનનું છાપું તે ઊઠે તે પહેલાં જ તમે ચાવી જતાં હતાં. ફેરિયો બિલ લેવા આવ્યો ત્યારે બંને વચ્ચે ઝઘડો જામ્યો. મને તમારી સ્થિતપ્રજ્ઞતા પર માન થયું. તમે તે જ દિવસનું ખાધેલું છાપું દૂર ઊભાં – ઊભાં વાગોળતાં હતાં. હમણાં તમારી એક સખીનું પોસ્ટમૉર્ટમ કરતાં માલૂમ પડ્યું કે આખું ને આખું થર્મોકોલ બૉક્સ ખાઈ ગયેલી. આપ હવે આ શહેરમાં રહીને કદાચ ભૂલી ગયાં લાગો છો કે તમારાં બાપદાદાઓ-દાદીઓ ઘાસ, રજકો, કડબ કે ખાણ ખાતાં હતાં. રંગબેરંગી કાગળોથી તમારી જીભ હવે ટેવાઈ ગઈ હશે. ચારો ચરવાની કળા હવે તમારે ચરિયાણ વિસ્તારમાં રહેતી તમારી બહેનો પાસે શીખવા જવું પડશે.

હમણાં તમારી કેટલીક સખીઓ પ્લાસ્ટિકની કોથળીઓ ખાઈને મરી ગઈ. જોકે તમે આવી કપરી સ્થિતિનો ભોગ બનો તેવી શક્યતા ઓછી છે, કારણ કે દરેક શહેરમાં આવા પ્લાસ્ટિક વીણનાર (કચરો વીણનાર) પરદુઃખભંજકોની સંખ્યા વધતી જાય છે ! આમ પણ અમે તમને બચાવવા ગૌશાળાઓ અને પાંજરાપોળો ચલાવીએ છીએ. તમારી કતલ પર અમે પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે તમને કતલખાનામાં મારવાં કે કાગળ ખાઈને તેમાં અમે ‘કાગળ’ પર અમારી પસંદગી ઉતારી છે. હમણાં ગુજરાતમાં સ્ત્રીઓના જાતીય ગુણોત્તરમાં ઘટાડો થયો. તેની સામે વાછડા કરતા વાછડીઓની સંખ્યા હંમેશા વધારે રહે તેનું અમે ધ્યાન રાખીએ છીએ. અમારા સ્વાર્થ બાબત પણ અમે અપ્રમાણિક છીએ તેવો આક્ષેપ ન કરતાં. ગાયમાતા તરફના સ્નેહભાવને કારણે આમ બને છે. આપણે સ્નેહના સંદર્ભો કે તારણો-કારણોમાં નથી પડવું.

ગમે તેમ વાત તો તમારે સ્વીકારવી જ પડશે કે અમે તમારો માન-મરતબો કાયમ જાળવીએ છીએ. કૃષ્ણની કામધેનુનાં દર્શન કરવા ગોકુળની ગલીઓ સુધી જવું હવે પોસાય તેમ નથી. એટલે અમે અહીં જ તમારા વૈભવને પોષીએ છીએ. રામ અને કૃષ્ણ વચ્ચે સમતુલા જાળવવા અમે રામને મંદિર અને કૃષ્ણને કાયદા (ગોહત્યા પ્રતિબંધ) દ્વારા રાજી રાખીએ છીએ. ક્યારેક તો મને થાય છે કે પહેલાં લોકો ગોપાલન અને પશુપાલન કરતાં હવે તમારું જો કોઈ સંગઠન બને તો માણસ પાલનનો નિર્ણય તેમાંથી સર્વાનુમતે પસાર થઈ શકે. તમારા સૌજન્ય પર અમને એટલો ભરોસો ચોક્કસ છે કે અમે ભલે તમને રખડતાં ઢોર કહીએ પણ તમે અમને ‘રખડતાં માણસો’ તો નહીં જ કહો. સાચું કહું, અમને કોઈએ પકડીને પૂરી નથી દીધાં બાકી આ પણ સમજણથી સ્વીકારેલો માણસવાડો જ છે. ફરક એટલો જ છે કે કોઈ દંડ ભરીને અમને છોડાવવા આવશે તેવી રાહ નથી. કોઈ ઢોરવાડે લઈ જઈ તમારો ડબો (દંડ) વસૂલ કરે તો માઠું ન લગાડશો એટલા પૂરતો ખુલ્લા દિલથી ખુલાસો કરું છું. આ પત્રપંચાતનો હેતુ તમારા શરીરના તેત્રીસ કરોડ દેવતા મારા પર રિઝેલા રહે તેટલો જ છે. અહીં અટકું કારણ કે લાંબી વાતો (પંચાત) બહુ સારી નહીં.

એ જ લિ.
બધાંના કલ્યાણની પ્રાર્થના કરતી પંચાત.
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક : દીપોત્સવી હાસ્ય વિશેષાંક (2001) માં થી સાભાર.]