:: આલેખન ::
દર્શન ત્રિવેદી
પ્રાદેશિક માહિતી કચેરી
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧
અરે… બાપલિયા મતદાન તો કરવું જ પડે ને.. ઉપલેટામાં રહેતા ૧૨૬ વર્ષના અજીમા ચંદ્રવાડિયાને ચૂંટણી વિશે પૂછતા આવું ઉત્સાહપૂર્વક બોલી ઉઠે. રાજશાહી અને લોકશાહી, બન્ને શાસન વ્યવસ્થા જેમના જીવનનું ભાથું છે, એવા અજીમાં મસ્તમૌલા છે. સવાસો વર્ષની આયુ હોવા છતાં તમારી સાથે ફટાફટ વાતો કરે અને પોતાના અનુભવો જણાવે. પુત્રો, પુત્રીઓ, પૌત્રો અને પૌત્રીઓ મળી ચોથી પેઢીએ ૬૫ વ્યક્તિનો નોખો નોખો પણ એક, બહોળો પરિવાર ધરાવતા અજીમાંને તેમના જન્મ વિશે પૂછતા ફટ કરતા કહે કે છપ્પનિયા દુષ્કાળ વખતે હું ૮ – ૧૨ વર્ષની હતી. વિક્રમ સંવંત ૧૯૫૬ થી અત્યારના વિક્રમ સંવંત ૨૦૭૪ સુધીની ગણતરી કરતા અજીમા સહેજે સવાસો વર્ષનું આયખુ વટાવી ચૂક્યા છે. પણ તેઓ કહે કે લાખો વર્ષની થઇ છું. તેઓ ક્યારેય દવાખાને ગયા નથી.
પોતાના બાળપણમાં જ ૫૬ નો દુષ્કાળની પીડા વેઠી ચૂકેલા અજીમાને એ કારમા દિવસો હજુ પણ યાદ છે. આમ તો તેમની મોટા ભાગની સ્મૃતિઓ વિલોપ થઇ ચૂકી છે. પણ દુષ્કાળના દિવસો અંગે પેટભરીને વાતો કરે. એ દિવસોમાં પાણીની વ્યવસ્થા, ભોજન અને કામની બાબતોએ બખુબી જણાવે. આ ઉંમરે અજીમાની આંખે સૂરજ આથમી ગયો છે. પણ તેનો અનુભવ અને શાણપણ તેમની વાતોમાં સહજે છલકાય જાય. એટલે જ તેઓ આ વખતે પણ મતદાન કરવા માટે ભારે ઉત્સાહી છે. તેઓ એક સમયે પોરબંદર રાજવીને ત્યાં કામ કરતા હતા. જેને તેઓ આજે પણ રાણા સાહેબ તરીકે યાદ કરે છે. આઝાદીના સમાચારો નિરંતર મેળવ્યા છે. એટલે તેમના માટે લોકશાહીના ઉત્સવ સમા મતદાન વખતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાનું ભૂલતા નથી.
ઉપલેટામાં ચાર પ્રપોત્રો સાથે રહેતા અજીમા સવાર, બપોર અને સાંજે રોટલા, રોટલી અને દૂધ જમે છે. તેમના લાંબા આયુષ્યનું રહસ્ય પૂછીએ તો તે કહે કે આ બાયુ (માતાઓ) ના આશીર્વાદ છે. તેઓ પોતાના સમયકાળ દરમિયાન દાયણ તરીકેનું કામ કરતા હતા. જટીલમાં જટીલ પ્રસુતિ સરળતાથી કરાવી દેતા. આસપાસના ગામોમાંના પરિવારો સુવાવડ સમયે અજીમાની સેવા લેતા હતા. એટલે અજીમાંને એવો દ્રઢવિશ્વાસ છે કે આ માતાઓના આશીર્વાદના કારણે તેમને દીર્ઘાયું પ્રાપ્ત થયું છે. અજીમાં સાથે વાતચીતમાં તેની સ્મૃતિમાં ખૂટતી કડી પ્રપોત્ર મારખીભાઇ જોડી આપે. આવા અજીમાં પણ લોકશાહીનો ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવવાના છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આજની તારીખે ૩૭૨ શતાયુ મતદારો છે. તેમાં અજીમાં સૌથી મોટા છે. એટલે કે સમગ્ર રાજકોટના વડીલ અજીમા છે. રાજકોટ જિલ્લાના આવા વયોવૃદ્ધ મતદારો આજના યુવાપેઢી માટે પ્રેરણાદાયક બને છે.