ATUL N. CHOTAI

a writer – since 2014


સાવરકુંડલાના કાંતિભાઈ મિસ્ત્રીને બરફ ખાવાનું અનોખુ વ્યસન છે

kanjibhai mistry

kanjibhai mistry

સાવરકુંડલામાં કાનજીબાપુની જગ્યાના વિસ્તારમાં રહેતા અને ફર્નિચર બનાવવાનો ધંધો કરતાં કાંતિભાઈ મિસ્ત્રીને એક અજીબ આદત છે. દિવસમાં દસ – પંદર વખત બરફ ખાવાની આદત.. સવારે ઊઠે ત્યારથી બરફ ખાવાનું શરૂ થઈ જાય છે અને રાતે સૂતા પહેલાં પણ બે -ત્રણ ડીશ બરફ ખાવો જ પડે છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી આ વ્યસનમાં ફસાયા છે. સવાર પડતા જ તેમને બે – ત્રણ ડીશ ભરીને બરફ ખાઈ જવાની આદત છે. ત્યાર બાદ દર બે કલાકે તેમને બરફ ખાવા જોઈએ છે. શિયાળાની કડકડતી ટાઢ હોય કે ઉનાળાનો બળબળતો બપોર હોય તેમને બરફ ખાવા અચૂક જોઈએ છે.

આ લત તેમને ત્રીસેક વર્ષ પહેલા લાગી હતી. આવું શા માટે થાય છે..?? તે અંગે તેણે કોઈ મેડિકલ રિપોર્ટ કરાવ્યા નથી. મિસ્ત્રી કામ કરવા માટે જ્યાં પણ જવાનું થાય ત્યાં ફ્રીઝ છે કે કેમ તે પહેલાં જાણી લે છે અને પછી જ કામ રાખે છે. બહારગામ જવાનું થાય તો પણ થર્મોસમાં પોતાની સાથે બે – ત્રણ ડીશ બરફ લેતા જાય છે. જેથી રસ્તામાં ખાઈ શકાય. કાંતિભાઈ મિસ્ત્રીને દિવસભર સતત બરફ ખાવા જોઈએ છે. બરફની આ જરૂરિયાત પૂરી કરવા તેમણે પોતાના ઘરમાં બે ફ્રીઝ રાખ્યા છે. એટલું જ નહીં જો ફ્રીઝમાં બરફ જામ્યો ન હોય તો તેઓ ફ્રીજરમાં જામેલો બરફ પણ ખાઇ જાય છે. બરફનું નામ પડે એટલે કાંતિભાઇના ચહેરા પર અનોખી ચમક આવી જાય છે. તેમની એવી ઈચ્છા છે કે એક વખત કાશ્મીરમાં જઈ પહાડો પર જામેલો બરફ ખાવો છે.. (તસવીર : સૌરભ દોશી – ભાસ્કર ન્યુઝ – સાવરકુંડલા)

 


સાવરકુંડલાના એક એવા યોગી જેમણે મનોદિવ્યાંગોને પોતાનો પરિવાર બનાવ્યો

સાવરકુંડલા ના માનવ મંદિરમાં ૩૦ થી વધુ નિરાધાર અને સામાજિક રીતે તિરસ્કૃત મનોરોગીઓની અનોખી સેવા થાય છે

Manav Mandir - Savarkundlass

Manav Mandir – Savarkundlass

:: આલેખન ::
દર્શન ત્રિવેદી

પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,

રાજકોટ – ૩૬૦ ૦૦૧

એક વાર એવું બન્યું કે કાત્રોડી ગામમાં રામ પારાયણ ચાલતી હતી. કથાકાર ભગવાન શ્રીરામના ચરિત્રનું ગાન કરતા હતા. એવામાં એક પાગલ વ્યક્તિ ત્યાં આવી ચઢી અન્ય ભાવિકોએ એ પાગલ તરફ ધુત્કાર અને તિરસ્કારની લાગણી વરસાવી એ જોઇ કથાકારનો અંતરાત્મા હચમચી ગયો અને એમનો માંહ્યલો જાગી ગયો. એ જ ક્ષણે એમણે નિશ્ચય કર્યો કે સમાજ જેને પાગલ ગણે છે એવા વ્યક્તિઓની સેવા કરવી છે. પાંચેક વર્ષ પૂર્વેની આ રામકથામાં મનોદિવ્યાંગોની સેવાનું એક બીજ રોપાયું અને આજે એ વટવૃક્ષ બનીને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હાથસણી રોડ ઉપર માનવ મંદિર રૂપે ઝૂમી રહ્યું છે. એ કથાકાર એટલે ભક્તિરામ બાપુ.

નાની ટેકરી પર બનેલા માનવ મંદિરમાં પ્રવેશો એટલે તુરંત એક સૂચના વાંચવા મળે કે અહીંના અંતેવાસીને પાગલ કે ગાંડા કહીને બોલાવવા નહીં. પ્રવેશ દ્વાર પાસે જ ભક્તિરામ બાપુની બેઠક અહીં ભગવાનની પ્રતિમાઓ રાખવામાં આવી છે પણ માનવ મંદિરની મુલાકાત પછી તમને ચોક્કસ પ્રતીતિ થશે કે માનવ મંદિરમાં પૂજા તો અહીંના અંતેવાસી એવા મનોદિવ્યાંગોની જ થાય છે. હાલમાં અહીં ૩૦ જેટલા મનોદિવ્યાંગો છે આ પાંચ વર્ષમાં એકસો કરતા પણ વધુ મનોદિવ્યાંગો સાજાનરવા રૂડી રાણ્ય જેવા થઇ ઘરે ગયા છે માનવ મંદિરમાં સેવાર્થે લાવવામાં આવતા મનોદિવ્યાંગો માટે ચોક્કસ માનકો છે. કોઇ પરિવાર એમના બુદ્ધિક્ષત ભાઇ ભાંડુની સેવા કરવાને બદલે અહીં દાખલ કરવા ઇચ્છતા હોય તો એવા પરિવારને અહીંથી સાફ શબ્દોમાં જાકારો મળી જાય નિરાધારોને અગ્રતા એમાંય રખડતા ભટકતા મનોદિવ્યાંગોનો એક પરિવાર બની ગયો છે. આ પરિવારના મોભી ભક્તિરામ બાપુ કહે છે અહીં આવતા મનોદિવ્યાંગોની રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે. જો નામ ન હોય તો નામકરણ થાય જેમકે એક યુવતીને નામ મળ્યું અનામિકા આ રજીસ્ટરમાં વજન સહિતની બાબતોની નોંધ કરવામાં આવે છે. કોઇ પણ મનોવિકલાંગ અહીં આવે એટલે એમની પ્રથમ સારવાર છે ભોજન.. ભક્તિરામ બાપુ કહે છે કે આવી વ્યક્તિને ભરપેટ જમાડો એટલે એમનું અડધુ પાગલપન ચાલ્યું જાય છે. રઝળપાટ દરમિયાન જેવું તેવું જેટલું મળે એટલું ખાતા હોવાથી તેમના શરીરને પડતા કષ્ટની કોઇ સીમા હોતી નથી. એથી જઠરાગ્નિ શાંત થઇ જાય એટલે ગમે તેવા ઉત્પાત મચાવતા અંતેવાસી શાંત થઇ જાય છે.

માનવ મંદિરમાં સારવાર માટે આવતા દરેક અંતેવાસી માટે દૈનિક ક્રમ પણ નિયત કરવામાં આવ્યો છે. સવારે નિત્યક્રિયા બાદ ચા પાણી, નાસ્તો, સ્નાનાદિ ક્રિયા કરાવવામાં આવે છે. પ્રાર્થના- યોગ કરવામાં આવે છે. શબ્દો થકી સરળ લાગતી આ દૈનિક ક્રિયા વાસ્તવમાં બહુ જ અઘરી છે. એક એક અંતેવાસી સાથે બહુ જ પ્રેમપૂર્વક વર્તવું પડે છે. માનવ મંદિરમાં વિશાળ ભોજનાલય બનાવવામાં આવ્યું છે. એમાં અંતેવાસીઓ અને મહેમાનોને એક પંગતે ભોજન પીરસવામાં આવે. વળી અંતેવાસીને પણ ભોજન પ્રત્યેના પોતાના ગમા અણગમાનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. ભક્તિરામ બાપુ પ્રત્યેકની મા બની જમાડે છે બપોર બાદ વિવિધ પ્રકારની રમતો પણ રમાડવામાં આવે. અહીં મનોદિવ્યાંગોની સેવા જોઇ તમને સત દેવીદાસ અને અમર માનું સ્મરણ થઇ આવે. પ્રત્યેક અઠવાડિયે તમામ અંતેવાસીઓનું તજજ્ઞ તબીબો દ્વારા પરીક્ષણ કરવામાં આવે તેમની સલાહ મુજબ સારવાર કરવામાં આવે અહીં આવતા તબીબો પણ એક પણ રૂપિયો લીધા વિના નિઃસ્વાર્થભાવે સેવા કરે છે એક રીતે જોઇએ તો અહીં આવતા તમામ અંતેવાસીઓના જીવન પરથી એક આખી નવલકથા લખી શકાય. અહીં રહેતા એક બહેન સરકારી વીમા કંપનીમાં કર્મચારી હતા. તે રોજ અંગ્રેજીમાં એક ચીઠ્ઠી લખે એમાં કરોડો રૂપિયા કોઇ એકાઉન્ટમાં જમા કરી દેવાનું કહે આવી ચીઠ્ઠીનો એક મોટો બંચ ભક્તિરામ બાપુ પાસે છે. એક યુવતી તો એટલા સરસ ગીતો ગાય કે તમને સાંભળતા જ રહેવાનું મન થાય કોઇ મુલાકાતી એમને મળે એટલે કોઇને કોઇ બહાને તમારી સાથે આવવાની વાત કરે એમનો દયનીય ચહેરો જોઇ તમને પણ લાગણી થઇ આવે..

એક પરિવારની કરુણતાની વાત સાંભળી ગમે તેવા પાષાણહદયીની પણ આંખ ભીની થઇ જાય. આ પરિવારની મા અને દીકરી બન્ને બુદ્ધિક્ષત થઇ ગયા. બન્નેની હાલત દયનીય બન્યા બાદ અહીં લાવવામાં આવ્યા. એક દિવસ દીકરીએ મા ને કોઇ વસ્તુ ફટકારી દીધી પોતાની દીકરીએ મારતા કોઇ તેમને કંઇ ન કહે એ માટે માએ પોતાનો ઘાવ છૂપાવી રાખ્યો આમ છતાં એ ઘા ધ્યાને આવતા સારવાર કરવામાં આવી દુનિયાદારીની કોઇ તમા ન હોવા છતાં એક માં ના દીકરી પ્રત્યેનો પ્રેમ તમને અવાચક કરી મૂકે. આ અંતેવાસીઓ સાથે એમના રઝળપાટ દરમિયાન એવી કેટલીય ઘટનાઓ બની છે કે જે સારૂ છે બહાર નથી આવી નહીં તો માનવતા શર્મસાર થઇ જાય.. આ માનવ મંદિર રામભરોસે ચાલે છે લોકોના દાનના કારણે આર્થિક સંકડામણ આવી નથી. અંતેવાસીની સારવાર માટે કોઇ ખામી રાખવામાં આવતી નથી. લોકો સેવા કરવા માટે પણ અહીં આવે છે. ભક્તિરામ બાપુ રામાયણની એક ચોપાઇ કહે છે પરહિત સરીસ ધરમ નાહી ભાઇ, પરપીડા સમ નહીં અધમાહિ આ માનવ મંદિરમાં માનવતાનું સંરક્ષણ અને સંવર્ધન થાય છે. એ ગર્વ લેવા જેવી બાબત છે દુનિયા જેને મનોરોગી સમજી ધુત્કારે છે તેવી વ્યક્તિ પ્રત્યે સંવેદનશીલ અને માનવતા સભર દ્રષ્ટીકોણથી જોવાની જરૂર છે તેવુ માનવ મંદિરની મુલાકાત ૫છી ચોક્કસ લાગે છે…


અમરેલીના સલડી ગામના યુવકે ૫૨૦ જેટલા પક્ષીઓનાં અવાજ રેકોર્ડ કર્યા છે

Viral Joshi - Amreli

Viral Joshi – Amreli

અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામે રહેતો વિરલ જોષી નાનપણથી જ પક્ષી અને પ્રકૃતિ પ્રત્યે ભારે સહાનુભુતી ધરાવે છે. પોતાના પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવા છતા પણ તેણે મહેનત અને લગનથી આજે સફળતા મેળવી છે. તેણે અત્યાર સુધીમાં ૫૨૦ જેટલા પક્ષીઓના અવાજ રેકોર્ડ કરી ભારતભરમાં નામ રોશન કર્યુ છે જે બદલ તેને તાજેતરમાં યંગ નેચરાલીસ્ટ એવોર્ડ – ૨૦૧૫ થી સન્માન કરાયુ છે. નાના એવા સલડી ગામે રહેતા અને કર્મકાંડ કરતા અરવિંદભાઇના પુત્ર વિરલે સમગ્ર ભારતભરમાં સલડી ગામ અને પરિવારનુ નામ રોશન કર્યુ છે તેણે લોકોમાં પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવે તે માટે પણ અભિયાન ચલાવ્યું છે. પક્ષી વિજ્ઞાનમા આગળ વધવુ હોય અને એમાય તેનો અવાજ રેકાર્ડ કરવો હોય તે કઠીન કામ છે અને તેના ઉપકરણો પણ અતિ ખર્ચાળ છે. વિરલની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેને આવા ઉપકરણો ખરીદવા પરવડે તેમ ન હતા તેમ છતા વિરલે મહેનત અને લગનથી તેણે પોતે જ એક સાવ સસ્તું ઇન્સ્ટુમેન્ટ બનાવ્યું છે  વિરલે હિમાલય, ગોવા તેમજ ગુજરાતમા વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે. તાજેતરમાં તેની આ કામગીરીની નોંધ લઇ મુંબઇ ખાતે યોજાયે ‘ધ સેન્ચુરી વાઇલ્ડ લાઇફ એવોર્ડ ૨૦૧૫’ મા ભારતમા સૌથી નાની ઉંમરના ૨૨ વર્ષીય વિરલ અરવિંદભાઇ જોષીને યંગ નેચરાલીસ્ટ એવોર્ડ અર્પણ કરી તેને સન્માનિત કરાયો છે. ભારતમા અત્યાર સુધીમાં આશરે ૧૨૦૦ જેટલા બર્ડ કોલ રેકોર્ડ થયા છે જેમાથી ૫૨૦ જેટલા પક્ષીઓના અવાજ વિરલ જોષીએ રેકોર્ડ કર્યા છે. વિરલ જોષીની પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યેની આવી કામગીરીને સૌ કોઇ બિરદાવી રહ્યાં છે.


ગુજરાતના આ ગામમાં ઝાલરની જેમ એક પથ્થર રણકે છે

Music Stone

Music Stone

બાબરા: અમરેલી જીલ્લા ના બાબરાથી આઠ કિમી દુર કરિયાણા ગામ આવેલુ છે અહી તળાવની પાળ પર એક મોટો પથ્થર આવેલો છે જેના પર અન્ય પથ્થર અથડાવતાની સાથે જ તે ઝાલરની જેમ રણકી ઉઠે છે. લોકો તેને ઝાલરીયા પથ્થર તરીકે ઓળખે છે. આ ઝાલરીયા પથ્થર સાથે અનેક લોકવાયકા જોડાયેલી છે આ પથ્થરને જોવા અને તેમાંથી નીકળતો ઝાલર જેવો અવાજ સાંભળવા અહી દુરદુરના ગામોથી અહી લોકો આવે છે. કરિયાણા ગામે આવેલા આ ઝાલરીયા પથ્થર વિશે અનેક લોકવાયકાઓ છે જેવી કે ભગવાન સ્વામીનારાયણ ગઢડાથી વડતાલ જતા હતા ત્યારે કરિયાણા ગામે મીણબાઇમા ના મકાનમા રોકાણ કર્યુ હતુ સાંજના સમયે વડતાલ જવા રવાના થયા હતા ત્યારે કરિયાણાની બહાર નીકળતા સંધ્યા આરતીનો સમય હોવાથી આ ઝાલરીયા પથ્થર પર બેસીને સંધ્યા આરતી કરી હોવાથી આ પથ્થરમા ઝાલરનો રણકાર સમાય ગયો હતો. તો અન્ય એક લોક વાયકા એવી પણ છે કે સંધ્યા આરતી સમયે કોઇ પાસે ઝાલર ન હોવાથી ભગવાન સ્વામીનારાયણે આ પથ્થર પર હાથ મુકી સેવકોને આ પથ્થર સાથે અન્ય પથ્થર અથડાવવાનુ સુચન કર્યુ હતુ અને આમ આ પથ્થર ઝાલરની જેમ રણકી ઉઠયો હતો. આ પથ્થરમાંથી નીકળતો ઝાલર જેવો અવાજ સાંભળવા અને પથ્થરને જોવા અહી લોકો આવે છે. તળાવની પાળ પર અનેક પથ્થરો આવેલા છે પરંતુ આ એક પથ્થરમાં જ ઝાલર જેવો અવાજ રણકે છે.


ધારીના ભૂતિયા બંગલામાં વન્યપ્રાણીઓ ને અગ્નીદાહ અપાય છે

Lion Death in Gujarat

Lion Death in Gujarat

અમરેલી: સ્મશાન હંમેશાં માણસ માટે બને છે માણસના મૃતદેહની ચિતા ખડકી તેને અગ્નિદાહ અપાતો હોય તેવા દ્રશ્યો ગામે ગામ જોવા મળે છે, પરંતુ વન્યપ્રાણીઓ માટેનું કયાંય સ્મશાન હોય તેવું સાંભળ્યું છે, અમરેલી પાસે આવેલા ધારી ગામનો ભૂતિયો બંગલો વન્યપ્રાણીઓનું સ્મશાન છે. અહી મૃત વન્યપ્રાણીઓ માટે ખાસ સ્મશાન સગડી બનાવાય છે. જ્યા અત્યાર સુધીમાં ઘણા સાવજો, દીપડાઓ અને ચિતાઓ ના પણ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. ગીરપૂર્વની વન કચેરી હેઠળ આવતા ધારીના ભૂતિયા બંગલા ખાતે વન્યપ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે એક ખાસ સ્મશાન ઊભું કરવામાં આવ્યું છે. માણસોના સ્મશાનમાં ઉપયોગમાં લેવાતી સ્મશાન સગડી અહી મૂકવામાં આવી છે.  ધારીના ડીએફઓ એ માહિતી આપતા જણાવ્યું હતું કે  અહી  કોઇ સિંહ કુદરતી કે અકુદરતી રીતે મૃત્યુ પામે તો ભૂતિયા બંગલા ખાતે પીએમ કરવામાં આવે છે સિંહના અંતિમ સંસ્કારની તમામ વિધિનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે  સિંહના તમામ નખ બળી જાય તેની ખાસ તકેદારી લેવાય છે. જે વિસ્તારનો સિંહ મૃત્યુ પામ્યો હોય તે વિસ્તારના બીટગાર્ડ સહીત તમામ સ્ટાફ ને ફરજિયાત હાજર રખાય છે. કયારેક સિંહનું શંકાસ્પદ મોત હોય તો મૃતદેહ બળી ગયા બાદ તેની રાખ પણ પાણીથી ધોઇ કોઇ ધાતુ, ગોળી કે છરો મળે છે કે નહીં તેની તપાસ થાય છે. ગીરપૂર્વમાં આવતી નાની વડાળ વીડી, જસાધાર અને મિતિયાળામા પણ વનતંત્ર દ્વારા સાવજોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સિંહનાં મોત બાદ તેને નજીકના સ્થળે લઇ જઇ બાળી દેવાય છે. વન્યપ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે અગાઉથી જ લાકડાંની વ્યવસ્થા હોય છે. સિંહનો મૃતદેહ બળી જાય તે માટે દસ મણ લાકડાંની જરૂર પડે છે.  ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે, ઘણી વખત જે તે વિસ્તારના સાવજ સાથે ત્યાના સ્ટાફના ઘરોબો કેળવાય જાય છે. તેની સાથે લાગણી જોડાઇ જાય છે. જેથી કયારેક આવા કિસ્સામાં સિંહનાં મોત વખતે સ્ટાફ દ્વારા અંતિમ સંસ્કાર પહેલા તેને ફૂલહાર કે અગરબત્તી પણ કરવામાં આવે છે.


સાવરકુંડલાના છાત્રની ઉંદરડી સાથે અજીબ મિત્રતા છે

Krish Dodiya - Savarkundla

Krish Dodiya – Savarkundla

સાવરકુંડલાના શીવાજી નગરમાં રહેતો અને સનરાઇઝ સ્કૂલમાં ધો. ૪ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ક્રીશ ડોડીયા સવાર પડતા જ શાળાએ પહોંચી જાય છે  પરંતુ તે એકલો નહી. તેની સાથે નાની ઉંદરડી અચુક હોય છે  અને તે પણ તેના દફતરમાં કંપાસ બોક્સમાં..

ક્રિશ ડોડીયાને આ ઉંદરડી સાથે અજીબ દોસ્તી છે. બન્નેને એકબીજા વગર નથી ચાલતુ. ચાલુ શાળાએ આ ઉંદરડી તેના ખભા પર કે હાથ પર રમતી નજરે પડે છે. સામાન્ય પરિવારના ક્રિશ ડોડીયાના પિતા ચીમનભાઇ શીવાજી નગરમાં જ રહે છે અને લુહારી કામ તથા કાંટા કામનો ધંધો કરે છે. ચીમનભાઇના નવ વર્ષના આ પુત્રને કોઇપણ જીવ પ્રત્યે પ્રેમભાવ છે. વળી છેલ્લા છએક માસથી એક નાનકડી ઉંદરડી સાથે તેનો દિલનો નાતો જોડાઇ ગયો છે. જેને પગલે આખો દિવસ તે તેની સારસંભાળ લે છે. એટલુ જ નહી શાળાએ જાય ત્યારે પણ આ ઉંદરડીને સાથે લઇને જ જાય છે. ચાલુ ક્લાસરૂમે ઉંદરડી તેની આસપાસ ઘુમે છે. પોતાના લંચ બોક્સની સાથે સાથે તે કંપાસ બોક્સમાં પોતાના આ ખાસ મિત્ર માટે પણ નાસ્તો લઇને આવે છે. જીવનો જીવ સાથેનો લાગણીનો સબંધ શું હોય તેનુ આ સાક્ષાત ઉદાહરણ છે.

ક્રિશનો ઉંદરડી સાથેનો આ લગાવ કોઇ પબ્લીસીટી માટે નથી. શાળાના બાળકોને પણ આ ઉંદરડીની હાજરીમાં ભણવાની મજા પડે છે. શાળામાં રીશેષ પડતા જ ક્રિશ માટે ઉંદરડી સાથે રમવાનો સમય શરૂ થાય છે. તેનાથી ઉપરના ધોરણના ઘણા વિદ્યાર્થીઓ પણ ડરીને ઉંદરથી દુર ભાગે છે. પરંતુ ક્રિશ માટે તો તેની સાથે રમવામાં જ રીશેષનો સમય પુરો થઇ જાય છે. ક્રિશ રિશેષના સમયે ઘેરથી પોતાના માટે ભાગ ડબ્બામાં નાસ્તો લઇ આવે છે સાથે સાથે તેમના મિત્રને પણ ભૂલતો નથી અને ખાસ મિત્ર માટે પણ નાસ્તો લઇ આવે છે. અને સાથે નાસ્તો કરે છે. ટાબરીયા ક્રિશ ડોડીયાને કબુતર અને શ્વાન સાથે પણ દોસ્તી છે. શાળા સંચાલક પ્રતાપભાઇ ખુમાણે જણાવ્યુ હતું કે શેરીમાં કુતરી ગલુડીયાને જન્મ આપે તો તેના માટે ખાવા પિવાની અને પાણીની વ્યવસ્થા પણ તે કરે છે. એટલુ જ નહી કુતરી અને તેના બચ્ચાને ઠંડી ન લાગે તે માટે વ્યવસ્થા કરતો તે નજરે પડી જાય છે.


રાજૂલાના અશોકભાઇ સાંખટની પર્યાવરણ બચાવની પ્રેરક કામગીરી

Ashokbhai Sakhat - Rajula

Ashokbhai Sakhat – Rajula

રાજુલાનાં મધ્‍યમ વર્ગનાં અશોકભાઇ સાંખટની સાહસી વૃત્તિની કે જેમણે ભણવાની ઉંમરે પશુ પક્ષી અને સરીસૃપો અને પર્યાવરણની સેવા કરવાની ઇશ્વરીય પ્રેરણા મળી છે. દેખાવે સામાન્‍ય લાગતા અશોકભાઇ સાંખટે નાની વયથી જાપ પકડવાનું શરૂ કર્યું જે આજે છેલ્લા ૧૬ વર્ષમાં ઝેરી – બિનઝેરી ૩૦૦૦૦ (ત્રીસ હજાર) જેટલા સાપ પકડી સલામત સ્‍થળે છોડી મુકયા છે. મોટા ભાગનાં સાપને કુવામાંથી જાનના જોખમે રેસ્‍કયુ કરી પકડયા છે.

તદ્દઉપરાંત રપ૭ જેટલા મહાકાય અજગરોને જંગલ વાડી કે રહેણાંક વિસ્‍તાર અને કુવામાંથી પકડી સહી સલામત જંગલ વિસ્‍તારમાં વિહરતા છોડયા છે.  ૩ વખત ઝેરી સાપ કરડયા છતાં હિંમત હાર્યા વગર અભિયાન ચાલુ રાખી લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી અને સર્પો વિશે વિદ્યાર્થીઓને માહિતી મળે તેમજ આમ સમાજમાં રહેલો ડર દૂર થાય તે માટે શાળા, સ્‍કૂલ અને જાહેરમાં નિદર્શન કરે છે. અશોકભાઇ ઘાયલ પક્ષીઓની સારવારને શ્રેષ્‍ઠ સેવા માને છે. પ્રદુષણ ફેલાવતા રાજુલા, જાફરાબાદ પંથકનાં ઉદ્યોગો સામે તંત્રના વન તંત્રના કાન આમળતા અશોકભાઇ સ્‍પષ્‍ટપણે માને છે કે વૃક્ષોની સેવા અને જતન કરવું આપણા સૌની નૈતિક  જવાબદારી છે. તેમના બંને પુત્રો ૧પ વર્ષીય અમિત અને ૧૧ વર્ષીય મીત પણ પિતાના માર્ગદર્શન મુજબ આ કામગીરી કરી રહ્યા છે.

સેવાનાં માધ્‍યમથી પશુ પક્ષી અને પર્યાવરણ માટે કાર્ય કરતા અશોકભાઇ ના મોબાઇલ  ૯૮ર૪ર પ૭૦૭૦ માં રીંગ આવતા ઘાયલ પશુ પક્ષીની સારવાર અને સાપ કે અજગર પકડવામાટે પહોંચી જાય છે. રાજુલા, જાફરાબાદ, મહુવા, સાવરકુંડલા પંથકમાં વસતા પ્રકૃતિનાં જીવો માટે ખાસ કરીને લુપ્તતાનાં આરે આવેલ ગીધ માટે સતત ચીંતા કરતા અશોકભાઇ સાંખટને એક ઉદાર દિલનાં માનવીએ બાઇક ભેટ અર્પણ કર્યું છે. તેઓ છુટક મજુરી કરી પોતાનાં પરિવારનાં પાંચ સભ્‍યોનો જીવનનિર્વાહ કરે છે.

રાજુલામાં સર્પ સંરક્ષણ ઝુંબેશ ચલાવતા અશોકભાઈ સાંખટે ૧૬ વર્ષમાં ૨૦ હજારથી વધુ સાપને પકડીને નવજીવન લક્ષ્યું છે પણ ત્રણ વખત તો તેમને જ કામગીરી વખતે ઝેરી કોબ્રા સાપ કરડી જવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા છે. આમ છતાં જિંદગી ગુમાવવાનાં ભય વગર તેમણે પોતાનો સેવાયજ્ઞ ચાલુ રાખ્યો છે  હવે તો તેઓ અને તેમનાં પુત્રો અમીત અને મીત પણ લોકોને સમજાવે છે કે કોઈ પણ સાપ દેખાય તો મારી નાખવો નહીં બધા સાપ ઝેરી હોતા નથી અને છંછેડયા વગર કરડતા પણ નથી. જો સાપ દંશ મારે તો ભુવા ભરાડી પાસે જવાને બદલે ડોકટર પાસે જવું જોઈએ. રાજુલામાં ૧૬ વર્ષથી સર્પ સંરક્ષણ માટે સેવારત અશોકભાઈ સાંખટ માટે ઘણી વખત નિર્ણાયક સંજોગો નિર્માણ પામ્યા છે. જેમાં તેમના દાદા અને મોટા બાપુનાં અવસાન વખતે સ્મશાનયાત્રા સમયે ફોન આવતા પણ કોઈ વિલંબ વગર પહોંચી જઈને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી જાણી છે.


સંયુકત કુટુંબની ભાવના સાર્થક કરતો મોટા ઝીંઝુંડાનો ઉપાધ્યાય પરિવાર

Updhayay family

Updhayay family

વર્તમાન સમયમા સંયુકત પરિવારની ભાવના ઘટતી હોય તેમ જોવા મળી રહ્યું છે. પરંતુ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝૂંડા ગામના ઉપાધ્યાય પરિવારે હજુ પણ સંયુકત પરિવારની ભાવનાને જાળવી રાખી છે. આ પરિવારના ૬૦ સભ્યો એકસાથે રહે છે. એક જ રસોડે જમે છે. ઉપાધ્યાય પરિવાર સાંપ્રત સમયમાં સમાજને અનોખી પ્રેરણા પુરી પાડી રહ્યો છે. હાલમા આ પરિવારના ૧૧ પૌત્રોને એકસાથે યજ્ઞોપવિત ધારણ કરવામા આવતા ગ્રામજનોમા પણ હરખની હેલી જોવા મળી હતી. સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝૂંડા ગામે રહેતા મગનદાદા ઉપાધ્યાયના પરિવારમા પાંચ પુત્રો છે. મગનદાદાના પુત્ર એવા ભીમજીદાદા સહિ‌ત પાંચેય પુત્રો સંયુકત પરિવારમા રહે છે. પાંચેય પુત્રોના પુત્રો પણ જુદાજુદા વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાંચ ભાઇઓનો ૬૦ સભ્યોનો પરિવાર એકસાથે રહે છે. સાંપ્રત સમયમા સંયુકત કુટુંબની ભાવના ઓછી થઇ રહી હોય આ પરિવારે સંયુકત કુટુંની ભાવના સાર્થક કરી છે.