ATUL N. CHOTAI

a writer – since 2014


મૂંગા પશુઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરાય છે

animal help

animal help

કચ્છમાં ઉનાળાના દિવસોમાં જયારે ગરમીએ પણ  ડેરા તંબુ તાણ્યાં હોય છે ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ સીમા પાસેના કચ્છના લખપત તાલુકાના માતાના મઢથી નારાયણ સરોવર વચ્ચેના ૧૫ થી ૨૦ કિલોમીટર સુધીના રણ પ્રદેશ જેવા વિસ્તારમાં જ્યાં દૂર દૂર સુધી અનાજ તો ઠીક પણ પાણીનું ટીપું શોધવું પણ મુશ્કેલ બની જાય છે. આમ તો આ રસ્તો ટ્રાફિકવાળો છે એટલે રોજની લગભગ ૧૦ જેટલી એસટી બસ અને ૪ થી ૫ લોકલ ટ્રાવેલ્સ ચાલુ હોય છે ત્યાં રહેતા વન્ય પક્ષી, કૂતરાં અને ગાયો માટે આ સ્થળે બસોવાળા રોજ પોતાના ઘરેથી પાણીના કેન અને ખોરાક લાવે છે. જેથી કરીને ત્યાં બીહડમાં વસતાં પ્રાણીઓ ભૂખ અને તરસથી મૃત્યુ ના પામે. આજના આ સમયમાં માણસ પોતે માણસનું નથી વિચારતો ત્યાં આ લોકો અબોલ જીવો માટે આટલી લાગણી ધરાવે એ જોઈને એટલું સમજાયું કે માનવતા હજી મરી નથી..


ગીરના જંગલમાં મહીલાઓ ખુંખાર પ્રાણીઓ સાથે રહીને પ્રાણીઓનું સંરક્ષણ કરે છે

Ladies forest officer

Ladies forest officer

તાલાલા: ગીર જંગલમાં વસવાટ કરતા સિંહ, દિપડા જેવા ખુંખાર પ્રાણીઓની હાજરીમાં ફરજ બજાવવામાં ભલભલાનાં હાંજા ગગડી જતા હોય છે ત્યારે આવાં પ્રાણીઓનાં સંરક્ષણ – સંવર્ધન માટે ફરજ બજાવતી ત્રણ મહિલા વનકર્મીઓની હિંમતની ઉમદા નોંધ લેવાઇ છે. એશીયાટીક સિંહોનું અંતિમ નિવાસસ્થાન ગીર સમગ્ર દેશ – વિદેશમાં પ્રસિધ્ધ છે. આ જંગલની વન્યસૃષ્ટિ અને જૈવિક વિવિધતા પણ અન્ય જંગલ કરતા વિશેષ છે. ૨૦૦૭ ના વર્ષથી ગીર જંગલમાં નિમણૂંક પામેલી મહિલાઓ યોગ્ય તાલીમ બાદ પુરૃષ સમોવડી નથી પરંતુ ચડીયાતી સાબિત થઇ છે. હાલ ગીર જંગલ વિસ્તારમાં ૫૦ જેટલી મહિલાઓ સિંહ – દીપડા જેવા હિંસક પ્રાણીઓ સાથે રહી રાત – દિવસ ફરજ બજાવી રહી છે. આ મહિલાઓની કામગીરીથી પ્રભાવિત થઇ આંતરરાષ્ટ્રીય ચેનલ ડિસ્કવરીએ આ ”લાયન્સ કવીન ઓફ ઇન્ડીયા” શિર્ષક હેઠળ ચાર એપીસોડ બનાવ્યા છે. જે થોડા સમય પહેલા પ્રસારીત થયાં હતા  આ અંગે સાસણના ડી.સી.એફ. ડો. સંદીપ કુમારે જણાવ્યું હતું કે, મહિલા વનકર્મી કિરણબેન પિઠીયા, રસિલાબેન વાઢેર અને દર્શનાબેન કાગડા સહિત કર્મચારીની વન્યપ્રાણી સાથેની કામગીરીના ડિસ્કવરી ચેનલે ચાર એપીસોડ તૈયાર કર્યા છે  વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કઠીન ગણવામાં આવતી કામગીરી મહિલાઓ આરામથી કરી રહી છે. અને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમની નોંધ લેવામાં આવી છે. જે દેશ માટે ગૌરવની બાબત છે.


દ્વારકાના યુવાનો દ્વારા ગાય માતાની માનવતાભરી સેવા થાય છે

Cow in Dwarka

Cow in Dwarka

કૃષ્ણનગરી દ્વારકામાં યુવાનો દ્વારા જ બનેલા સિધ્ધનાથ ગૌ સેવા ગૃપના પંદર સભ્યો  નિયમિત રીતે રાત્રે સાડા અગીયાર થી એક દરમ્યાન ભગવાન કૃષ્ણને પ્રિય એવી ગાયોને દરરોજ લીલો ચારો ખવડાવે છે.  આ બાર થી તેર યુવાનો દ્વારા સ્વભંડોળ ઉભુ કરી દરરોજ લગભગ ત્રીસ થી પાત્રીસ મણ જેટલું નીરણ દ્વારકા શહેરના વિવિધ ભાગોમાં મુખ્યત્વે તરછોડાયેલ કે નધણિયાત ગાયોને ખવડાવવામાં આવે છે. ગાયની સેવાના નામે અનેક લેભાગુ લોકો પોતે મેવા ખાઈ જાય છે છે તેવા સમયે દ્વારકાના યુવાનો દ્વારા ગાયમાતાની માનવતાભરી નીરંતર રાતપાળી ની સેવા સમગ્ર શહેરમાં પ્રશંસનીય બની છે અને આ યુવાનો નું લક્ષ્ય સમગ્ર વિસ્તારની ગાયો કયારેય ભુખી ન સુવે તે જ છે.


ધારીના ભૂતિયા બંગલામાં વન્યપ્રાણીઓ ને અગ્નીદાહ અપાય છે

Lion Death in Gujarat

Lion Death in Gujarat

અમરેલી: સ્મશાન હંમેશાં માણસ માટે બને છે માણસના મૃતદેહની ચિતા ખડકી તેને અગ્નિદાહ અપાતો હોય તેવા દ્રશ્યો ગામે ગામ જોવા મળે છે, પરંતુ વન્યપ્રાણીઓ માટેનું કયાંય સ્મશાન હોય તેવું સાંભળ્યું છે, અમરેલી પાસે આવેલા ધારી ગામનો ભૂતિયો બંગલો વન્યપ્રાણીઓનું સ્મશાન છે. અહી મૃત વન્યપ્રાણીઓ માટે ખાસ સ્મશાન સગડી બનાવાય છે. જ્યા અત્યાર સુધીમાં ઘણા સાવજો, દીપડાઓ અને ચિતાઓ ના પણ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. ગીરપૂર્વની વન કચેરી હેઠળ આવતા ધારીના ભૂતિયા બંગલા ખાતે વન્યપ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે એક ખાસ સ્મશાન ઊભું કરવામાં આવ્યું છે. માણસોના સ્મશાનમાં ઉપયોગમાં લેવાતી સ્મશાન સગડી અહી મૂકવામાં આવી છે.  ધારીના ડીએફઓ એ માહિતી આપતા જણાવ્યું હતું કે  અહી  કોઇ સિંહ કુદરતી કે અકુદરતી રીતે મૃત્યુ પામે તો ભૂતિયા બંગલા ખાતે પીએમ કરવામાં આવે છે સિંહના અંતિમ સંસ્કારની તમામ વિધિનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે  સિંહના તમામ નખ બળી જાય તેની ખાસ તકેદારી લેવાય છે. જે વિસ્તારનો સિંહ મૃત્યુ પામ્યો હોય તે વિસ્તારના બીટગાર્ડ સહીત તમામ સ્ટાફ ને ફરજિયાત હાજર રખાય છે. કયારેક સિંહનું શંકાસ્પદ મોત હોય તો મૃતદેહ બળી ગયા બાદ તેની રાખ પણ પાણીથી ધોઇ કોઇ ધાતુ, ગોળી કે છરો મળે છે કે નહીં તેની તપાસ થાય છે. ગીરપૂર્વમાં આવતી નાની વડાળ વીડી, જસાધાર અને મિતિયાળામા પણ વનતંત્ર દ્વારા સાવજોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સિંહનાં મોત બાદ તેને નજીકના સ્થળે લઇ જઇ બાળી દેવાય છે. વન્યપ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે અગાઉથી જ લાકડાંની વ્યવસ્થા હોય છે. સિંહનો મૃતદેહ બળી જાય તે માટે દસ મણ લાકડાંની જરૂર પડે છે.  ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે, ઘણી વખત જે તે વિસ્તારના સાવજ સાથે ત્યાના સ્ટાફના ઘરોબો કેળવાય જાય છે. તેની સાથે લાગણી જોડાઇ જાય છે. જેથી કયારેક આવા કિસ્સામાં સિંહનાં મોત વખતે સ્ટાફ દ્વારા અંતિમ સંસ્કાર પહેલા તેને ફૂલહાર કે અગરબત્તી પણ કરવામાં આવે છે.


પોપટ – ચકલાનું સદાવ્રત ચલાવતા કેશોદના પક્ષી પ્રેમીને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો

Govindbhai Dobariya - Keshod

Govindbhai Dobariya – Keshod

જૂનાગઢ  : ભૂખ્યાને ભોજન આપવાનું સુત્ર સાર્થક કરતા અન્નક્ષેત્રો તો ઠેર ઠેર ચાલતા હોય છે પરંતુ કેશોદના એક પ્રકૃતિપ્રેમી પોપટ અને ચકલીઓ માટેનું સદાવ્રત ચલાવી રહ્યા છે. વર્ષે દહાડે દોઢેક લાખ રૂપિયાની રકમ તેઓ આ પ્રવૃત્તિ માટે ખર્ચી નાખે છે. ખાસ કરીને ચોમાસાનો સમય હોય ત્યારે સાંજ પડતા જ બે હજાર જેટલા પોપટ આસપાસના પંથકમાંથી અહી દાણા ખાવા માટે આવી પહોંચે છે. સૃષ્ટિ નામની સંસ્થા દ્વારા અપાતા એવોર્ડ માટે પસંદગી પામેલા કેશોદના હરસુખભાઈ ગોવિંદભાઈ ડોબરિયા દોઢેક દશકાથી કંઈક વિશિષ્ટ સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે. આસપાસના ૬૦ કિ.મી. જેટલા વિસ્તારમાંથી તેઓના આંગણે આંતરડી ઠારવા માટે પોપટ અને ચકલા દરરોજ આવી પહોંચે છે.  વરસાદી માહોલમાં જ્યારે પક્ષીઓને ખાવાનું ન મળે ત્યારે હરસુખભાઈનું આ સદાવ્રત મહત્વનું બની જાય છે. પક્ષીઓને ભોજન કરવા માટે તેમણે  ખાસ સ્ટેન્ડ બનાવ્યું છે જેમાં બાજરીના ડૂંડા સીધા જ ભરાવી દે છે. આ વ્યવસ્થાના કારણે પક્ષીઓની જાણે કે પંગત પડતી હોય તેવો માહોલ અહી રચાય છે. પંગતમાં જગ્યા ન હોય તો આસપાસના વીજળીના વાયર આ પક્ષીઓ માટે વેઈટીંગ રૂમની ગરજ સારે છે. પક્ષીઓ માટે આખા વર્ષના દાણાની વ્યવસ્થા તેઓ મે મહિનામાં કરી લે છે. પોતાના વ્યવસાયમાંથી ફાળવેલી ખાસ રકમ તેના માટે વાપરે છે. બાજરાના આખા ડૂંડાનો સંગ્રહ કરીને આખુ વર્ષ તેઓ પક્ષીઓને ખવડાવે છે. વર્ષે ૧૩૦ મણ જેટલા બાજરીના ડૂંડા તેઓ પક્ષીઓ માટે ખરીદે છે. જરૂર પડયે વધારાના દાણા બાદમાં ખરીદે છે. તેમની આ પ્રવૃત્તિની નોંધ લઈને રાષ્ટ્રપતિ ભવનમાં ના સમારોહમાં સૃષ્ટિ સંસ્થા દ્વારા તેઓને પ્રકૃતિ બચાવવાના પ્રયાસ બદલ રાષ્ટ્રીય એવોર્ડ આપીને સન્માનીત કરાયા છે માત્ર હરસુખભાઈ જ નહીં પણ તેનો આખો પરિવાર આ પક્ષીઓની ચાકરીમાં વ્યસ્ત હોય છે તેમના પત્ની રમાબેન, પુત્ર પ્રકાશ, પુત્રવધુ સંગીતાબેન અને પૌત્ર ક્રિપાલ પણ પક્ષીઓના સદાવ્રતમાં ફરજ બજાવે છે. એકંદરે એક વ્યક્તિ આખો દિવસ આ વ્યવસ્થામાં જ રોકાયેલી જ હોય છે. જ્યારે પક્ષીઓનો ટ્રાફિક વધી જાય ત્યારે વેઈટીંગમાં બેઠેલા પક્ષીઓ ભૂખ્યા ન જતા રહે તે માટે સ્ટાર્ટર તરીકે શીંગ પણ તેઓ ખવડાવે છે. વર્ષે ૧૦૦ કિલો જેટલી શીંગ તેઓ પક્ષીઓને ખવડાવે છે.


સાવરકુંડલાના છાત્રની ઉંદરડી સાથે અજીબ મિત્રતા છે

Krish Dodiya - Savarkundla

Krish Dodiya – Savarkundla

સાવરકુંડલાના શીવાજી નગરમાં રહેતો અને સનરાઇઝ સ્કૂલમાં ધો. ૪ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ક્રીશ ડોડીયા સવાર પડતા જ શાળાએ પહોંચી જાય છે  પરંતુ તે એકલો નહી. તેની સાથે નાની ઉંદરડી અચુક હોય છે  અને તે પણ તેના દફતરમાં કંપાસ બોક્સમાં..

ક્રિશ ડોડીયાને આ ઉંદરડી સાથે અજીબ દોસ્તી છે. બન્નેને એકબીજા વગર નથી ચાલતુ. ચાલુ શાળાએ આ ઉંદરડી તેના ખભા પર કે હાથ પર રમતી નજરે પડે છે. સામાન્ય પરિવારના ક્રિશ ડોડીયાના પિતા ચીમનભાઇ શીવાજી નગરમાં જ રહે છે અને લુહારી કામ તથા કાંટા કામનો ધંધો કરે છે. ચીમનભાઇના નવ વર્ષના આ પુત્રને કોઇપણ જીવ પ્રત્યે પ્રેમભાવ છે. વળી છેલ્લા છએક માસથી એક નાનકડી ઉંદરડી સાથે તેનો દિલનો નાતો જોડાઇ ગયો છે. જેને પગલે આખો દિવસ તે તેની સારસંભાળ લે છે. એટલુ જ નહી શાળાએ જાય ત્યારે પણ આ ઉંદરડીને સાથે લઇને જ જાય છે. ચાલુ ક્લાસરૂમે ઉંદરડી તેની આસપાસ ઘુમે છે. પોતાના લંચ બોક્સની સાથે સાથે તે કંપાસ બોક્સમાં પોતાના આ ખાસ મિત્ર માટે પણ નાસ્તો લઇને આવે છે. જીવનો જીવ સાથેનો લાગણીનો સબંધ શું હોય તેનુ આ સાક્ષાત ઉદાહરણ છે.

ક્રિશનો ઉંદરડી સાથેનો આ લગાવ કોઇ પબ્લીસીટી માટે નથી. શાળાના બાળકોને પણ આ ઉંદરડીની હાજરીમાં ભણવાની મજા પડે છે. શાળામાં રીશેષ પડતા જ ક્રિશ માટે ઉંદરડી સાથે રમવાનો સમય શરૂ થાય છે. તેનાથી ઉપરના ધોરણના ઘણા વિદ્યાર્થીઓ પણ ડરીને ઉંદરથી દુર ભાગે છે. પરંતુ ક્રિશ માટે તો તેની સાથે રમવામાં જ રીશેષનો સમય પુરો થઇ જાય છે. ક્રિશ રિશેષના સમયે ઘેરથી પોતાના માટે ભાગ ડબ્બામાં નાસ્તો લઇ આવે છે સાથે સાથે તેમના મિત્રને પણ ભૂલતો નથી અને ખાસ મિત્ર માટે પણ નાસ્તો લઇ આવે છે. અને સાથે નાસ્તો કરે છે. ટાબરીયા ક્રિશ ડોડીયાને કબુતર અને શ્વાન સાથે પણ દોસ્તી છે. શાળા સંચાલક પ્રતાપભાઇ ખુમાણે જણાવ્યુ હતું કે શેરીમાં કુતરી ગલુડીયાને જન્મ આપે તો તેના માટે ખાવા પિવાની અને પાણીની વ્યવસ્થા પણ તે કરે છે. એટલુ જ નહી કુતરી અને તેના બચ્ચાને ઠંડી ન લાગે તે માટે વ્યવસ્થા કરતો તે નજરે પડી જાય છે.


રાજૂલાના અશોકભાઇ સાંખટની પર્યાવરણ બચાવની પ્રેરક કામગીરી

Ashokbhai Sakhat - Rajula

Ashokbhai Sakhat – Rajula

રાજુલાનાં મધ્‍યમ વર્ગનાં અશોકભાઇ સાંખટની સાહસી વૃત્તિની કે જેમણે ભણવાની ઉંમરે પશુ પક્ષી અને સરીસૃપો અને પર્યાવરણની સેવા કરવાની ઇશ્વરીય પ્રેરણા મળી છે. દેખાવે સામાન્‍ય લાગતા અશોકભાઇ સાંખટે નાની વયથી જાપ પકડવાનું શરૂ કર્યું જે આજે છેલ્લા ૧૬ વર્ષમાં ઝેરી – બિનઝેરી ૩૦૦૦૦ (ત્રીસ હજાર) જેટલા સાપ પકડી સલામત સ્‍થળે છોડી મુકયા છે. મોટા ભાગનાં સાપને કુવામાંથી જાનના જોખમે રેસ્‍કયુ કરી પકડયા છે.

તદ્દઉપરાંત રપ૭ જેટલા મહાકાય અજગરોને જંગલ વાડી કે રહેણાંક વિસ્‍તાર અને કુવામાંથી પકડી સહી સલામત જંગલ વિસ્‍તારમાં વિહરતા છોડયા છે.  ૩ વખત ઝેરી સાપ કરડયા છતાં હિંમત હાર્યા વગર અભિયાન ચાલુ રાખી લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી અને સર્પો વિશે વિદ્યાર્થીઓને માહિતી મળે તેમજ આમ સમાજમાં રહેલો ડર દૂર થાય તે માટે શાળા, સ્‍કૂલ અને જાહેરમાં નિદર્શન કરે છે. અશોકભાઇ ઘાયલ પક્ષીઓની સારવારને શ્રેષ્‍ઠ સેવા માને છે. પ્રદુષણ ફેલાવતા રાજુલા, જાફરાબાદ પંથકનાં ઉદ્યોગો સામે તંત્રના વન તંત્રના કાન આમળતા અશોકભાઇ સ્‍પષ્‍ટપણે માને છે કે વૃક્ષોની સેવા અને જતન કરવું આપણા સૌની નૈતિક  જવાબદારી છે. તેમના બંને પુત્રો ૧પ વર્ષીય અમિત અને ૧૧ વર્ષીય મીત પણ પિતાના માર્ગદર્શન મુજબ આ કામગીરી કરી રહ્યા છે.

સેવાનાં માધ્‍યમથી પશુ પક્ષી અને પર્યાવરણ માટે કાર્ય કરતા અશોકભાઇ ના મોબાઇલ  ૯૮ર૪ર પ૭૦૭૦ માં રીંગ આવતા ઘાયલ પશુ પક્ષીની સારવાર અને સાપ કે અજગર પકડવામાટે પહોંચી જાય છે. રાજુલા, જાફરાબાદ, મહુવા, સાવરકુંડલા પંથકમાં વસતા પ્રકૃતિનાં જીવો માટે ખાસ કરીને લુપ્તતાનાં આરે આવેલ ગીધ માટે સતત ચીંતા કરતા અશોકભાઇ સાંખટને એક ઉદાર દિલનાં માનવીએ બાઇક ભેટ અર્પણ કર્યું છે. તેઓ છુટક મજુરી કરી પોતાનાં પરિવારનાં પાંચ સભ્‍યોનો જીવનનિર્વાહ કરે છે.

રાજુલામાં સર્પ સંરક્ષણ ઝુંબેશ ચલાવતા અશોકભાઈ સાંખટે ૧૬ વર્ષમાં ૨૦ હજારથી વધુ સાપને પકડીને નવજીવન લક્ષ્યું છે પણ ત્રણ વખત તો તેમને જ કામગીરી વખતે ઝેરી કોબ્રા સાપ કરડી જવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા છે. આમ છતાં જિંદગી ગુમાવવાનાં ભય વગર તેમણે પોતાનો સેવાયજ્ઞ ચાલુ રાખ્યો છે  હવે તો તેઓ અને તેમનાં પુત્રો અમીત અને મીત પણ લોકોને સમજાવે છે કે કોઈ પણ સાપ દેખાય તો મારી નાખવો નહીં બધા સાપ ઝેરી હોતા નથી અને છંછેડયા વગર કરડતા પણ નથી. જો સાપ દંશ મારે તો ભુવા ભરાડી પાસે જવાને બદલે ડોકટર પાસે જવું જોઈએ. રાજુલામાં ૧૬ વર્ષથી સર્પ સંરક્ષણ માટે સેવારત અશોકભાઈ સાંખટ માટે ઘણી વખત નિર્ણાયક સંજોગો નિર્માણ પામ્યા છે. જેમાં તેમના દાદા અને મોટા બાપુનાં અવસાન વખતે સ્મશાનયાત્રા સમયે ફોન આવતા પણ કોઈ વિલંબ વગર પહોંચી જઈને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી જાણી છે.