ATUL N. CHOTAI

a writer – since 2014


સૌરાષ્ટ્રના મહુવાના દાંડિયાની દેશ-વિદેશમાં બોલબાલા છે..

dandiya

dandiya

માતા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં તેમજ શુભ પ્રસંગોમાં રાસ રમતી વખતે ઉપયોગમાં લેવાતા મહુવાના દાંડિયાની દેશ-વિદેશમાં બોલબાલા છે. બ્રહ્મક્ષત્રિય સમાજે પરંપરાગત વ્યવસાય સાચવી રાખતા આજે પણ મહુવાના ડિસ્કો સ્ટેપના જમાનામાં પણ સંઘેડા પર બનેલા લાકડાના દાંડિયાની ડિમાન્ડ યથાવત રહીં છે તે બાબત આપણી કલા સંસ્કૃતિનો વારસો જળવાય રહ્યા જેવી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં વેસ્ટ લાકડામાંથી બેસ્ટ વસ્તુઓનો વેપાર મોટા પાયે પથરાયેલો છે. દાંડિયાથી લઈ કોઈપણ લાકડાની વસ્તુ સંઘેડા પર ચઢાવીને બનાવાતી હોય બજારનું નામ સંઘેડીયા બજાર છે. મહુવા સંઘેડીયા બજારની કલા કારીગરી એટલી ખ્યાતનામ છે કે અહીં બનતી વસ્તુઓ માત્ર ભારતના મોટા શહેરોમાં જ નહીં પણ વિદેશોમાં પણ નિકાસ થઈ રહીં છે. મહુવાના દાંડિયા દેશ-વિદેશના ગુજરાતીઓના હાથ સુધી પહોંચી ગયા છે. લાકડાના દાંડીયા પર લાખના કલરથી ફેન્સી લૂક આપવામાં આવે છે.

આધુનિકતા તરફ આગળ વળતા યુગમાં મશીનરી પર લાકડાની વસ્તુઓ બનાવવાનું શરૂ થતા ઘણા બ્રહ્મક્ષત્રિય વેપારીઓ પોતાનો પરંપરાગત વેપાર છોડી અન્ય વેપાર તરફ પણ વળી ગયા છે. જો કે હજુ પણ મહુવા સંઘેડીયા બજારની રોનક જળવાઈ રહીં છે અને ત્યાં બનતી વસ્તુઓની માગ પણ યથાવત રહીં છે. જેનો સંપૂર્ણ શ્રેય બ્રહ્મક્ષત્રિય વેપારીઓના ફાળે જાય છે. મહુવાથી માત્ર વિદેશમાં દાંડિયાની નિકાસ થાય છે તેવુ જ નથી. ભાવનગર જિલ્લાની મૂલાકાતે આવતા એનઆરઆઈ અને વિદેશી પ્રવાસીઓ સૌરાષ્ટ્રના કાશ્મીર એવા મહુવાની સુંદરતા જોવા અચૂક પહોંચે છે અને તેઓ પણ સંઘેડીયા બજારમાંથી ખરીદી કરવાની તક ગૂમાવતા નથી.


સાવરકુંડલાના કાંતિભાઈ મિસ્ત્રીને બરફ ખાવાનું અનોખુ વ્યસન છે

kanjibhai mistry

kanjibhai mistry

સાવરકુંડલામાં કાનજીબાપુની જગ્યાના વિસ્તારમાં રહેતા અને ફર્નિચર બનાવવાનો ધંધો કરતાં કાંતિભાઈ મિસ્ત્રીને એક અજીબ આદત છે. દિવસમાં દસ – પંદર વખત બરફ ખાવાની આદત.. સવારે ઊઠે ત્યારથી બરફ ખાવાનું શરૂ થઈ જાય છે અને રાતે સૂતા પહેલાં પણ બે -ત્રણ ડીશ બરફ ખાવો જ પડે છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી આ વ્યસનમાં ફસાયા છે. સવાર પડતા જ તેમને બે – ત્રણ ડીશ ભરીને બરફ ખાઈ જવાની આદત છે. ત્યાર બાદ દર બે કલાકે તેમને બરફ ખાવા જોઈએ છે. શિયાળાની કડકડતી ટાઢ હોય કે ઉનાળાનો બળબળતો બપોર હોય તેમને બરફ ખાવા અચૂક જોઈએ છે.

આ લત તેમને ત્રીસેક વર્ષ પહેલા લાગી હતી. આવું શા માટે થાય છે..?? તે અંગે તેણે કોઈ મેડિકલ રિપોર્ટ કરાવ્યા નથી. મિસ્ત્રી કામ કરવા માટે જ્યાં પણ જવાનું થાય ત્યાં ફ્રીઝ છે કે કેમ તે પહેલાં જાણી લે છે અને પછી જ કામ રાખે છે. બહારગામ જવાનું થાય તો પણ થર્મોસમાં પોતાની સાથે બે – ત્રણ ડીશ બરફ લેતા જાય છે. જેથી રસ્તામાં ખાઈ શકાય. કાંતિભાઈ મિસ્ત્રીને દિવસભર સતત બરફ ખાવા જોઈએ છે. બરફની આ જરૂરિયાત પૂરી કરવા તેમણે પોતાના ઘરમાં બે ફ્રીઝ રાખ્યા છે. એટલું જ નહીં જો ફ્રીઝમાં બરફ જામ્યો ન હોય તો તેઓ ફ્રીજરમાં જામેલો બરફ પણ ખાઇ જાય છે. બરફનું નામ પડે એટલે કાંતિભાઇના ચહેરા પર અનોખી ચમક આવી જાય છે. તેમની એવી ઈચ્છા છે કે એક વખત કાશ્મીરમાં જઈ પહાડો પર જામેલો બરફ ખાવો છે.. (તસવીર : સૌરભ દોશી – ભાસ્કર ન્યુઝ – સાવરકુંડલા)

 


ગુજરાતના આ પરીવારો પાસે તલવારોનો વારસાગત વ્યાપાર આજે પણ યથાવત છે

indian sword

indian sword

ગુજરાતમાં નાની મોટી અનેક જ્ઞાતિઓ વંશ પરંપરાગત વ્યવસાય અને વ્યાપાર સાથે જોડાયેલી છે. કોઇ કાપડના વેપારી તો કોઇ ચોપડા પૂજન વખતે વપરાતા ચોપડાઓના વેપારી, કોઇ કલા કારીગીરીમાં તો કોઇ વ્યવસાયમાં પિતા – દાદાની પ્રણાલીને સાચવી બેઠા છે. ગુજરાતની બહારથી આવીને અહીં વસેલા લોકોએ આ ધરાને પોતાના ખંત અને પુરુષાર્થથી ઉજળી બનાવી છે. રાજ્યના રજવાડાઓને પણ સાથ સહકાર આપ્યો છે. આવીજ એક જ્ઞાતિએ એટલે વઢાણા સમાજ. જેઓ શસ્ત્રો, હથિયારો અને ખેત ઓજારો બનાવવાનો વ્યાપાર કરે છે.

વઢાણા જ્ઞાતિનો મોટો વર્ગ હથિયારો જેવા કે તલવારો, જમૈયા, કટાર, સૂડી, ચપ્પુ, ફારસી, ત્રિશુલ, ભાલા અને છરી જેવી વસ્તુઓ તૈયાર કરે છે. આ તમામ તિક્ષણ વસ્તુઓ પર પોતાની કલા કારીગરીની એક ઊંડી છાપ છોડે છે અને અલૌકિક વારસાના દર્શન કરાવે છે. આજે ગુજરાતમાં કચ્છ, ભૂજ, ચોટિલા, અંજાર, ગાંધીધામ, અંબાજી, ધારી અને જૂનાગઢ જેવા શહેરોમાં વસવાટ કરીને ઓજાર બનાવવાના પરંપરાગત વ્યાપાર કલાને આ સમાજ આગળ ધપાવી રહયો છે. નવી પેઢી પણ આ પારંપરિક રીતને અનુસરી રહ્યા છે.

સુલેમાની, વટણી, અબરી, કલમી ગોળીયો, માનાસઇ, ખુરાસણ, હરફવાળી, પલસાઇ, ખુરાસણ ડાબલા, દોઢવાળી, શિરોહી, લાલુવાઇ અને ખુરાસણ કલમવાળી એમ મુખ્ય બાર પ્રકારની તલવારો તૈયાર કરવામાં આવે છે. આ વાત રાજાશાહી વખતની છે. જે તે સમયે રજવાડાઓ હતા ત્યારે હથિયારો જાતે તૈયાર કરવામાં આવતા. આ કામ પરથી જ્ઞાતિને વઢાણા સમાજનું એક નામ મળ્યું છે. જો રાજ્ય સરકાર તરફથી આ કલાને એક સ્થાન મળે અને ગૃહ ઉદ્યોગ નીચે સહાય મળે તો વધુને વધુ યુવાનો આ કલાક્ષેત્રમાં જોડાઇ શકે અને આ ક્ષેત્રને પણ નવું માધ્યમ મળી શકે તથા લુપ્ત થતી આ કલાને નવજીવન મળી શકે છે.


પ્રાચીન પાઘડીઓને કળા ને થાનગઢમાં અમિતભાઈ એ જીવંત રાખી છે

Pagri Collection in Thangadh

Pagri Collection in Thangadh

પાઘડીની વાત આવે એટલે રાજાશાહીનો જમાનો યાદ આવે રાજા મહારાજાઓએ પહેરેલી પાઘડીથી વિશેષ રીતે ઓળખાતા હતાં. અને આજે પણ આ લૂપ્ત થતી કલાને સુરેન્દ્રનગર જીલ્લા ના થાન ગામના કારીગરે સાચવી રાખી છે. સૌરાષ્ટ્રભરમાં અને પાંચાળ પ્રદેશમાં ફક્ત એક જ  જગ્યાએ થી પાઘડીઓ બનાવીને મોકલવામાં આવે છે  તે પછી સૌરાષ્ટ્રનાં કોઇપણ ગામ કે શહેર હોય કે કોઇ નેતા કે અભિનેતાના સન્માનમાં થાનથી જ એક જગ્યાએથી પાઘડી બનાવીને મોકલવામાં આવે છે. થાનનાં તરણેતરનાં મેળામાં નેતાઓને પાઘડી પહેરાવતા જોઇને થાનના અમીતભાઈને તૈયાર પાઘડી બનાવવાની પ્રેરણા પ્રાપ્ત થઇ હતી તેમણે સૌ પ્રથમ સાદી પાઘડી બનાવવાની શરૂઆત કરી હતી પછી તેમાં ધીરે ધીરે કલાત્મક રીતે શણગારીને પાઘડીને બજારમાં વહેંચવામાં મૂકવામાં આવી  સારા કપડા અને હેન્ડવર્કનાં બોકાનાવાળી પાઘડીની કિંમત રૂ. 2500 થી માંડીને 5000 સુધીની હોય છે જ્યારે મશીનવર્ક અને એમ્બ્રોડરીવાળી પાઘડીની કીમત 1500 રૂપિયાથી લઇને 2500 સુધીની હોય છે.  આ અંગે અમીતભાઈ એ જણાવ્યું હતું કે કલાનાં વારસાને સાચવવા માટે તેમના પિતા ભાયાભાઈના વારસાને આગળ ધપાવવા આજ પણ તેઓ પાઘડીઓ બનાવી રહ્યાં છે. પાઘડીઓમાં ઝાલાવાડી, કાઠીયાવાડી અને રાજસ્થાની પાઘડીઓની વિશેષ માંગ હોય છે. કચ્છ પ્રદેશમાં વર્ષ દરમિયાન 200 જેટલી પાઘડીઓ. જ્યારે રાજસ્થાનમાં 100 થી વધુ પાઘડીઓનું વેચાણ થાય છે.


બાંટવાનાં લખધીરભાઇ ની હાથવણાટની કલા ખરેખર અદભુત છે

Lakhdhirbhai Parmar - Batva

Lakhdhirbhai Parmar – Batva

જૂનાગઢ : કોઇ તમને કહે કે કપડા, ઝૂલા કે લગ્ન મંડપ,  કોઇપણ પ્રકારનાં મશીન, સોય કે સંચા વગર તૈયાર થાય છે તો તમને પહેલા આ વાત ગળે નહીં ઉતરે તમે કહેશો કે આવું કઇ રીતે થાય પરંતુ આટલી જ નહી 300 થી પણ વધુ વસ્તુઓ માટે હાથની આંગળીને જ એક વૃદ્ધે બનાવ્યું છે જી હા, બાંટવામાં રહેતા લખધીરભાઇ પરમાર છેલ્લા 30 વર્ષથી કોઇપણ પ્રકારનાં મશીન વગર ગાંઠોનાં ગણિતથી આવી વસ્તુઓ બનાવી રહ્યા છે એટલુ જ નહી તેમની આ હાથ વણાટની કલા દેશ – દુનિયામાં પણ ખ્યાતી પણ પામી છે માત્ર થોડુ ભણેલા લખધીરભાઇએ કલાને કોઇ સીમાડા નડતા નથી તે કહેવતને સાર્થક કરી છે એટલું જ નહીં આ કલાને તેણે જીવી જાણી છે. બાંટવાનાં લખધીરભાઇ કડવાભાઇ પરમાર ઉર્ફે સુધીરભાઇને આજથી 30 વર્ષ પહેલા તેમના બહેને એક પર્સ બનાવવા માટે રેશમની દોરી આપી અને ગાંઠ વાળતા શીખવ્યું બસ ત્યારથી મનમાં વિચાર ઝબક્યો કે જો આ રીતે એક પર્સ બનતુ હોય તો અન્ય વસ્તુઓ કેમ ન બને અને ત્યારથી તેમની ગાંઠનાં ગણિતની સફર શરૂ થઇ. માત્ર એક રેશમ કે કોટનની દોરીમાંથી કપડા, બુટ, સ્કટ, ટોપ સહિતની વસ્તુઓ સુધીરભાઇ બનાવ્યા લાગ્યા બાદમાં તેઓએ એનઆઇએફડી અને નીફ્ટનાં વિદ્યાર્થીઓને પણ તાલીમ આપી ધીમે – ધીમે તેમની કલા દેશ-વિદેશમાં ફેલાવા લાગી એમાંય, ગાલીચા, ઝૂલા, લેડીઝ વેર અને ગૃહ સજાવટની વસ્તુઓની માંગ દિન પ્રતિદિન વધતી ગઇ પરંતુ ત્યાં તેમને પૈસા તો ખૂબ મળ્યા પરંતુ જે ક્રેડીટ મળવી જોઇતી હતી તે ન મળી અને અંતે તેમણે આ સંસ્થા સાથે છેડો ફાડ્યો લખધીરભાઇ કહે છે કે અત્યાર સુધીમાં 500 થી વધુ ઝૂલા અમેરીકામાં વેચાયા છે. સરકાર દ્વારા લખધીરભાઇને આ કલા બદલ 2003 માં રાજયપાલનાં હસ્તે વોલપીસ હસ્તકલા કારીગરી ક્ષેત્રનો પ્રથમ ક્રમનો એવોર્ડ મળ્યો છે તેઓ દોરી કામથી થ્રીડી ઇફેકટમાં પણ કામ કરી શકે છે પરંતુ અફસોસ એ વાતનો છે કે આ કલા અત્યાર કોઇ શીખવા તૈયાર નથી જો સ્ત્રીઓ ઘર બેઠા આ કલા શીખે તો એક સારી રોજગારીની તકો પણ ઉભી થઇ શકે તેમ છે  ત્યારે જૂનાગઢ કે અન્ય શહેરનાં લોકો કલા શીખવા માંગતા હોય તો તેઓએ પોતાનો સંપર્ક કરવા જણાવ્યું છે.


સુરતના ભીમપોરના વયોવૃદ્ધ આજે ૮૮ વર્ષે પણ સંગીત શીખવાડે છે

Prabhubhai Bhagat - Bhimpor

Prabhubhai Bhagat – Bhimpor

સુરત : નાનપણમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે સંગીત શીખવાની ઇચ્છા અધુરી રહી પરંતુ ૫૦ વર્ષની ઉંમરે ફરી આ તક મળતા સુરતના ભીમપોરનાં પ્રભુભાઇ રામજીભાઇ ભગતે સંગીત શીખવાનું શરૃ કર્યું અને આજે ૮૮ વર્ષની ઉંમરે તેઓ સંગીત પ્રેમીઓને સંગીત શીખવાડી રહ્યાં છે. આ નવયુવાન વડીલની બીજી ખાસિયત એવી છે કે, તેઓ સંગીતના તમામ સાધનો જાતે જ બનાવે છે. વાત છે સને ૧૯૩૪-૩૫ની, હું પાંચમા ધોરણમાં હતો ત્યારે શિક્ષકે જોયું કલાસમાં બે જ છોકરાઓ છે છઠ્ઠા ધોરણમાં આવશો તો હું બે છોકરાઓને ભણાવીને શું કરીશ એના કરતાં તું ઉઠી જાય. બસ ત્યારથી સ્કૂલ છોડી એ છોડી ફરીવાર ભણવાની તક ક્યારેય મળી નહીં. નાનપણમાં સંગીત શીખવાની અદમ્ય ઇચ્છા હતી પણ શીખવા માટે પૈસા ન હતા. એટલે એ ઇચ્છા પણ અધુરી રહી. જીવનચક્ર આગળ વધ્યું અને ભણ્યા ન હતા છતાં પણ કન્સ્ટ્રકશનના ધંધામાં ફાવટ આવી ગઇ અને અચાનક ૫૦ વર્ષની ઉંમરે સંગીત શીખવાની તક ફરી સામે આવી. નાનપણની અધુરી ઇચ્છા પૂર્ણ કરવા આ તકને ઝડપી લઇને સંગીત શીખવાનું શરૃ કરી દીધું. સુરતના કાંઠા વિસ્તારના ભીમપોર ગામને પ્રભુભાઇ રામજીભાઇ ભગતની આ વાત છે. જીવનના ઉતરાર્ધમાં તેમણે જાણીતા સંગીતકાર પાસે તાલીમ લઇ સંગીતમાં જબરજસ્ત નિપૂર્ણતા મેળવી છે. આજે તેઓ ૮૮ વર્ષના થયા છે પરંતુ આજે પણ તેમના રોમરોમમાં સંગીત વસેલું છે. વયોવૃદ્ધ ઉંમરે હવે તેઓ સંગીત શીખવી રહ્યાં છે. નિઃસંતાન અને પત્નીના અવસાન બાદ તેઓ એકલા છે, યાદશક્તિ ઘટી ગઇ છે પરંતુ સંગીત તેમનો સૌથી મોટો સહારો બન્યો છે. સંગીતમાં ઓતપ્રોત પ્રભુભાઇ સંગીતના તમામ સાધનો પણ જાતે જ બનાવે છે. તેમણે હાથે બનાવેલા સાધનો જોઇને કોઇપણ વ્યક્તિ દંગ રહી જાય છે. જો કે, તેમને પ્રસિધ્ધિ કે નામના મેળવવાની કોઇ ઇચ્છા નથી. તેઓ માત્ર સંગીતમાં જ લીન રહે છે. પ્રભુભાઇએ અત્યાર સુધી સંગીતના ઘણાંબધા પ્રોગ્રામો કર્યા છે. સુરત અને ગુજરાતની બહાર પણ પરંતુ આ તમામ પ્રોગ્રામો વિનામૂલ્યે કર્યા છે. તેમને સંગીત વેચવું નથી. તેઓને સંગીત પ્રત્યે એટલો બધો લગાવ છે કે, તેમણે એક રૃપિયો પણ સંગીત માટે નથી લીધો. આજેપણ તેઓ પોતાના ઘરે વિનામૂલ્યે બધાને સંગીત શીખવાડે છે. પ્રભુભાઇને તબલાવાદન ખૂબ જ ગમે છે. તેમને આગ્રા ઘરાના, દિલ્હી ઘરાના, પંજાબ ઘરાના, કલકતા ઘરાના આવડે છે. આ તમામ તબલા વગાડવાની રીતો છે. તેઓ સમગ્ર ગુજરાત ઉપરાંત બોમ્બેમાં પણ સંગીતના પ્રોગ્રામો કરી ચૂક્યા છે. તેમણે સિતારવાદન, ગીટાર, તાનપુરો, દિલરૃબા, હારમોનિયમ જેવા વાદ્યો વગાડવામાં પણ નિપૂર્ણતા મેળવી છે. પ્રભુભાઇ સંગીત શીખવાડવાની સાથે સાથે સંગીતના સાધનો પણ બનાવે છે. જેમાં સિતાર, તાનપુરો, દિલરૃબા, ગીટાર, ઇલેક્ટ્રીક ગીટાર બનાવે છે. હારમોનિયમ સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે. સંતુર અખરોટના લાકડામાંથી બને છે, જે લાકડું ખાસ કાશ્મીરથી મંગાવવું પડે છે. જયારે ગીટાર ઓખના લાકડામાંથી બનાવવામાં આવે છે. સંગીતના મહાન કલાકારો સાથે પ્રભુભાઇ સંગીતના કાર્યક્રમો આપી ચૂક્યા છે. તેઓ પંડિત રવિશંકર મહારાજ સાથે કામ કરી ચૂક્યા છે. તે સિવાય બોમ્બેના મહાન સંગીતકાર નિખિલ ઘોષ, સુરતના સંતૂરવાદક ભૂપેન્દ્ર મોદી અને ખૈય્યામ સાહેબના કાર્યક્રમમાં તેમણે સાથ આપ્યો હતો.


જિસ કે અપને ઘર શીશે કે હોતે હૈ વો દુસરો કે ઘર પર પથ્થર નહિ ફેકા કરતે..

Ashvin Joshi (Junior Rajkumar) Rajkot

Ashvin Joshi (Junior Rajkumar) Rajkot

એ કુમારભાઈ, જરાક એક બે ડાયલોગ તો સંભળાવો.. રાજકોટના અશ્વિનભાઈ અનંતરાય જોશી જયારે રસ્તા પર નીકળે ત્યારે પરિચીતો કે અપરિચિતો તેમને હિન્દી ફિલ્મોના ડાયલોગના બેતાજ બાદશાહ તરીકે જાણીતા અભિનેતા સ્વ.રાજકુમારના યાદગાર ફિલ્મી સંવાદનો સંભળાવવાની ફરમાઇશ જરૂર કરે.

૫૨ વર્ષીય અશ્વિનભાઈના ચહેરો હુબહુ રાજકુમારને મળતો આવે છે ૪૦ – ૪૫ વર્ષ પહેલા જયારે રાજકુમારની દિલ એક મંદિર ફિલ્મ રીલીઝ થઇ ત્યારે કોઈએ અશ્વિનભાઈને કહ્યું કે  યાર તું તો અસલ રાજકુમાર જેવો જ  દેખાય છે.. બસ, તે દીવસની ઘડીને અને કાલનો દીવસ. અશ્વિનભાઈએ ત્યારથી ક્યારેય પાછું વળીને  જોયું નથી. રાજકુમારની મુછની કટથી માંડી હેરસ્ટાઈલ અને ક્યારેક ગળે મફલર અને  એથીયે વિશેષ ચાહકો તેના પર આજેય કાર્બન છે એ રાજકુમારની સંવાદ, ડાયલોગ્સ બોલવાની છટા અશ્વિનભાઈએ સારી રીતે હસ્તગત કરી છે. રાજકુમારને તેમણે જે રીતે આત્મસાત  કર્યા  છે એ જોતાં તેઓ અશ્વિન મટી ગયા છે.

સરખા મળતા આવતા ચહેરાને હિન્દીમાં હમશકલ જેને અંગ્રેજીમાં લુએલાઈક કહે છે સેલિબ્રિટીના હમશકલને પણ થોડી ઘણી પ્રસિધ્ધી મળે છે. હિન્દી ફિલ્મોના ઘણા અભિનેતાઓના કેટલાક હમશકલોને પણ ફિલ્મમાં નાનો સરખો બ્રેક મળ્યો હોય છે પરંતુ હમશકલ પણ લોકપ્રિય બન્યો હોય અથવા તેની લોકપ્રિયતા લાંબી ચાલી હોય તેવું બહુ ઓછું બન્યું છે. સ્વ. રાજકુમાર વિષે અશ્વિનભાઈએ જણાવેલ કે રાજકુમારનું મૂળ નામ પદ્મભૂષણ હતું અને તેઓ ખુબ જ સ્વમાની અને ખુમારીવાળા કલાકાર હતા સ્વ. રાજકુમારના અવસાનને અત્યારે લગભગ દસેક વર્ષ જેટલો સમયગાળો થયો છે.

અશ્વિનભાઈએ પોતાના વીઝીટીંગ કાર્ડમાં પોતાની જુનિયર રાજકુમાર તરીકે જ ઓળખાણ આપે છે, પરંતુ તેના ચાહકો માટે તો તે કુમારભાઈ વધુ છે તેમની સાથે થોડા કલાકો ગાળીએ તો તેમના ચાહકોની સંખ્યા મોટી હોવાનો અંદાજ આવી જાય છે. પાકીઝા ફિલ્મ જ્યારે રાજ્કોટમાં રીલીઝ થયું તે વખતે કુમારાવસ્થાના અશ્વિનભાઈ રાજકોટના એક વખતના લોકપ્રિય અખબાર નુતન સૌરાષ્ટ્રમાં કમ્પોઝીટર હતા તે વખતે રાજકુમારે તેમને પૂછ્યું પણ ખરું ક્યા કરતે હો..?? એ વખતે રાજકુમારનો પણ ખરો દબદબો હતો. રાજકોટના રાજકુમારના હમશકલ રહેતા હોવાની વાત બધે ફેલાતી રહી રાજકોટ દૂરદર્શને પણ તેમને એક ચાન્સ પણ આપ્યો ને અશ્વિનભાઈ એ રાજકુમારનું ખોળિયું ધારણ કરી લીધુ

રાજકુમારના અવાજમાં બોલવાનું તમે કઈ રીતે શીખ્યા..?? એવા પ્રશ્નના જવાબમાં અશ્વિનભાઈ કહે છે કે રસ્તે નીકળું ત્યારે કોઈ ડાયલોગ બોલવાનું કહે ત્યારે તેને ખુશ રાખવા ડાયલોગ બોલવા એ મારું સ્ટેજ પ્રોગ્રામોનું રીહર્સલ છે. અશ્વિનભાઈ પહેલા કર્મકાંડ કરતા અને હજુ પણ કરે છે પરંતુ હવે તેઓ ધાર્મિક, સામાજીક પ્રસંગોમાં વધુ વ્યસ્ત રહે છે. જુનાગઢ માં શિવરાત્રીના મેળા વખતે અલખનો ઓટલો નામનું નિ:સ્વાર્થ ભાવે અને કોઈપણ દાનની અપેક્ષા વગર અન્નક્ષેત્ર પણ તેઓ પોતાના મિત્રો સાથે ચલાવીને સેવા પણ આપે છે. ઘણીવાર  અશ્વિનભાઈ ને લોકો રસ્તામાં તો ઠીક, ક્યારેક સ્મશાનમાં પણ લોકો ફરમાઈશ કરે તો  હું કહું કે ભાઈ આવા સમયે..?? ત્યારે ડાઘુનો ડાયલોગ સાંભળવાનો આગ્રહ રાખતા કહે, મરનાર તો મરી ગયા, તમતમારે થવા દો.. હમશકલ રાજકુમાર પોલીયો નાબુદી કે એઇડ્સ વિરોધી ઝુંબેશ જેવા ઘણા સરકારી અભિયાનોમાં પણ અન્ય અભિનેતાઓના હમશકલો સાથે ભાગ લે છે.  આનો યશ તેઓ અમદાવાદ પબ્લીસીસ્ટ શ્રી ચંદનભાઈ રાવલને આપે છે. ચંદનભાઈ પણ અશ્વિનભાઈ ને સજ્જન અને નિસ્વાર્થ ગણાવતા કહે છે કે તેમને જનજાગૃતિનો સંદેશો પહોચાડવા કેટલાક પૈસા મળશે એવો સવાલ ક્યારેય પણ પૂછ્યો નથી સાથે સાથે તેઓ વોડાફોન ગુજરાતના પ્રેમલભાઈ, મોન્ટીભાઈ તથા જુનાગઢ  ભવનાથના મનુભાઈ (ગોળાધરવાળા) અને  મોન્ટુ મહારાજ વગેરેનો પણ સાથ સહકાર માટે દીલથી આભાર માને છે.

કુમારભાઈને ઝી ગુજરાતી ચેનલમાં પણ તક મળી છે એ તો ઠીક તેમના ત્રણ વિડીયો આલ્બમ પણ બહાર પડી ચુક્યા છે. આંગણે વાગ્યા રુડા ઢોલ ગુજરાતી ફિલ્મમાં તેમને મહેમાન કલાકારની ભૂમીકા ભજવવાની તક મળી હતી તથા હાલો માતાના મઢે, કોના બાપની દિવાળી જેવા આલ્બમોમાં પણ તેમણે કામ કર્યું છે અને હવે મારી હીરા નથી ઘસવા ફિલ્મમાં પણ તેમણે મુખ્ય ભૂમિકા મળી હતી.  મંદીકાળમાંથી પસાર થતા હીરાના વેપારીની વ્યથા કથા વર્ણવતી આ ફિલ્મમાં રાજકુમારના હમશકલ શેઠનાં કારીગરોની ભૂમિકામાં પણ અમિતાભ બચ્ચન અને અમજદ ખાનના હમશક્લોએ ભજવી છે.

છેલ્લા લગભગ ત્રીસેક વરસથી જુનિયર રાજકુમાર તરીકે કામ કરતા કુમારભાઈનાં શ્રીમતી અને તેમની બે દીકરીઓ અને જમાઈઓ પણ તેમને રાજકુમાર તરીકે જોવે છે તેઓ એનાથી ખુબ ખુશ છે એમ અશ્વિનભાઈ જ્યારે અમને કહે છે ત્યારે લાગે છે કે ખરેખર રાજકુમારનો અવતાર તેમને સદી ગયો છે.  જુ. રાજકુમાર અશ્વિનભાઈ જોશીએ રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ તથા તેમની મીડિયા ટીમ ને સતત આગળ વધતા રહેવા માટે આશીર્વાદ આપ્યા હતા…

આવા સરળ અને મિલનસાર સ્વભાવના વ્યક્તિ અશ્વિનભાઈ જોશી હવે આપણી વચ્ચે રહયા નથી તેઓનું તારીખ ૦૭ – ૧૧ – ૨૦૧૬ ના રોજ રાજકોટ ખાતે અવસાન થયેલ છે. પણ લોકોના હૃદયમાં તેમનું સ્થાન હંમેશા માટે યાદગાર બની રહેશે..


સરકાળી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચાલતું ગુજરાતનું પ્રથમ મ્યુઝિકલ બેન્ડ

Student Music Band

Student Music Band

ઇન્ટરનેશનલ લેવલની એજ્યુકેશનલ સીસ્ટમના બણંગા ફુંકતી ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા પોતાના પરિણામો અને પ્રવૃત્તિઓ અંગે ગાય બજાવીને ઢંઢેરા પીટાતા હોય છે. આ વચ્ચે સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ચોપડીયા જ્ઞાન સિવાય વિવિધલક્ષી પ્રવૃત્તિઓ થકી જ્ઞાન અપાતું હશે કે કેમ..?? તેવો પ્રશ્ન લોકોના મગજમાં સતત રહેતો હોય છે.

સરકારી શાળાનું નામ પડે એટલે એક અલગ છાપ પડે કે ત્યાં ભણતર નબળું હોય, વિદ્યાર્થી નબળા હોય કોઇ સમયસર સરખું ભણાવે નહીં વગેરે વગેરે.. પરંતુ રાજકોટની સરકારી શાળાના ગરીબ વિદ્યાર્થીઓમાં છૂપી શકિત બહાર લાવવા સરકારે અનોખું આયોજન કરી એક મ્યુઝિકલ બેન્ડ તૈયાર કર્યું છે જેમાં વિવિધ શાળામાંથી ધોરણ છ  સાતમાં અભ્યાસ કરતા ૩૦ વિદ્યાર્થીઓને તાલીમ આપી ૧  લાખના ખર્ચે આખી બેન્ડ પાર્ટી તૈયારી કરી છે.  ૧૫ દિકરીઓ પણ આમાં તાલીમ થકી મેળવેલી કલા પીરસે છે.  ૧૫ દિકરીઓ સાથે કોઇ સરકારી શાળાના વિદ્યાર્થીઓનું બેન્ડ હોય તે ગુજરાતની પ્રથમ ઘટના છે.

રાજકોટ મહાનગરપાલિકા હસ્તક કુલ ૮૧ શાળા આવે તેમાં ૩૩ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું હતું  કે દરેક વિદ્યાર્થીઓમાં કંઇકને કંઇક છૂપી શક્તિ રહેલી છે તેના ભાગ રૂપે તંત્રએ એક નવતર પ્રયોગ કર્યો અને રવિન્દ્રનાથ ટાગોર સરકારી શાળાનં  ૬૪ ના વિદ્યાર્થીમાં જેને મ્યુઝિકમાં રસ હોય તેને તાલીમ આપવામાં આવી. વિદ્યાર્થીને છ માસ તાલીમ આપી અને એક મ્યુઝિકલ બેન્ડ તૈયાર કર્યુ જેમાં વિદ્યાર્થીઓને સારેગામા, પરેડ, ગાયત્રીમંત્ર, જન ગણ રાષ્ટ્રગીત, એ મેરે વતન કે લોગો સહિતના રાષ્ટ્ર ગીત અને પ્રાર્થના પર ધૂનો વગાડવાની તાલીમ આપવામાં આવી આ મ્યુંઝિકલ બેન્ડ આગામી દિવસોમાં મહાનગરપાલિકાના સરકારી કાર્યક્રમોમાં પરફોર્મ કરશે અને ભવિષ્યમાં કોઇ સંસ્થા કે ખાનગી વ્યકિત આ બેન્ડની માંગ કરશે તો તેમાંપણ મોકલાશે. આ માટે કેટલો ચાર્જ લેવો તે હજુ તંત્રએ નકકી કર્યું નથી. હાલ તો વિદ્યાર્થી જાહેરમાં પરફોર્મ કરવા થનગની રહયાં છે. આ બેન્ડના માસ્ટર અલ્લારખા છે. આ દ્રશ્ય જોઇ સરકારી શાળામાં અપાતી વિવિધલક્ષી તાલીમનું ચિતાર મળી શકે છે.


બેટી બચાવવાનો મેસેજ આપવા માટે સુરેન્દ્રનગરના વિદ્યાર્થીની અનોખી પહેલ

Save Girl Message in Egg

Save Girl Message in Egg

સમગ્ર દેશમાં સ્ત્રી અને પુરૂષોના રેશીઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. અનેક સ્થળોએ દિકરીઓને ગર્ભ પરીક્ષણ કરી મોતને ઘાટ ઉતારાય છે. જયારે અમુક જગ્યાએ દિકરીઓને જન્મતા વેંત જ દૂધ પીતી કરી મારી નાંખવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશમાં રાજય સરકાર બેટી બચાવોનો નારો લગાવી દિકરીઓનું મહત્વ સમજાવી દિકરીઓને દિકરા સમોવડી ગણાવે છે. આવા સમયે સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર રહેતા અને રાણપુરની કોલેજમાં ડિપ્લોમા મિકેનીકલનો અભ્યાસ કરતા ૨૦ વર્ષીય અમીત ચીમનલાલ મકવાણાએ બેટી બચાવો ઝૂંબેશને અનોખી રીતે શરૂ કરી છે.

માઇક્રો આર્ટનો શોખ ધરાવતા અમીતે બે ઇંડા પર ૫૦૦ થી વધુ વાર બોલપેનથી બેટી બચાવો લખી દિકરીઓને દિકરા સમોવડી ન ગણતા સમાજને નવો રાહ ચીંધ્યો છે. આ અંગે અમીત ચીમનલાલ મકવાણાએ જણાવ્યુ કે મને બાળપણથી જ નાની વસ્તુઓ બનાવવાનો શોખ છે. અગાઉ મેં નાના ગ્રીટીંગ કાર્ડ બનાવ્યા છે. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવા ૨ સે.મી. ના સાવરણા બનાવ્યા છે. ત્યારે ૧ ઇંડા પર બોલપેનથી બેટી બચાવો લખી એવા ૧ ઇંડા પર ૫૦૦ થી વધુ વાર બેટી બચાવો લખ્યુ છે. આ અંગે મેં ગીનીઝ બુક અને લીમ્કા બુકમાં પણ વાત કરી છે. માઇક્રો આર્ટ દ્વારા સોશ્યલ મેસેજથી લોકોને જાગૃત કરવાનો મારો પહેલો ધ્યેય આ આર્ટમાં સમાયેલો છે.


મોરબીનાં યુવાનો પાસે પ્લાસ્ટિકનાં ચલણી સિક્કાનો અનોખો સંગ્રહ છે

Plastic Coin

Plastic Coin

વિશ્વભરમાં ચલણી સીક્કાને પ્લાસ્ટીકના મટિરીયલમાં ઢાળનાર એકમાત્ર દેશ ટ્રાન્સનિસ્ટ્રિઆ છે. તેના પ્લાસ્ટીકનાં ચલણી સીક્કાનો સેટ સૌરાષ્ટ્રના મોરબી જીલ્લાના બે માસીયાઈ ભાઇઓ પાસે છે.

આ સીક્કાની ખાસીયત એ છે કે ચલણી નોટોની જેમ સીરીયલ નંબર પણ છે અને અનેક સિક્યોરીટી ફિચર્સ પણ છે. વિશ્વભરમાં પોલીમર પ્લાસ્ટિકની ચલણી નોટો ૪૯ દેશ બહાર પાડે છે પરંતુ પ્લાસ્ટીકનાં ચલણી સિક્કા બહાર પડાતા નથી. ઓગસ્ટ – સપ્ટેમ્બર – ૨૦૧૪ માં રશિયાથી અલગ પડેલા તેમજ યુક્રેન અને મોલ્ડોવા દેશની વચ્ચે આવેલા સાત લાખની વસ્તીવાળા ટ્રાન્સનિસ્ટ્રિઆએ પ્લાસ્ટીકના ચલણી સીક્કા બહાર પાડયા છે. રૃબલ ચલણ તરીકે ઓળખાતા પોલીમર પ્લાસ્ટિકના સીક્કામાં સિક્યોરીટી ફિચર્સલેશ છે. સીક્કા પર લેસર પાડવાથી બેકગ્રાઉન્ડમાં ત્યાંના નેતાઓનો ફોટો રિફલેક્ટ થાય છે. ઝૂમ કરતા બેન્કનો લોગો રિફલેક્ટ થાય છે અને બેન્કનું નામ લખેલું બતાવે છે. તદ્ઉપરાંત દરેક સિક્કાના સીરીયલ નંબર પણ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં આવા પ્લાસ્ટીકના સીક્કા મોરબીમાં રહેતા મિતેશ દવે તેમજ તેના માસીના હુત્ર હાર્દિક દવે પાસે છે. તેમણે ટ્રાન્સનિસ્ટ્રિઆથી સિક્કા મંગાવ્યા છે. મિતેશ દવે પહેલેથી જ ચલણનો સંગ્રહ કરે છે. તેમની પાસે ૧૫ વર્ષથી સિક્કા, નોટો અને ટપાલ ટીકીટોનો સંગ્રહ છે. ભારતના દરેક ગવર્નરની નોટો, દરેક વર્ષનાં સીક્કા, ભારતીય સ્મારક સીક્કાઓનો અલભ્ય સંગ્રહ છે. રજવાડાના સીક્કા તથા રજવાડાની ટપાલ ટીકીટો પણ છે. ૧૧૨ દેશોના ૪૩૦ વિભીન્ન સીક્કાઓનો સંગ્રહ છે અને વિશ્વનાં ૭૦ દેશોની ૧૮૦ વિભીન્ન ચલણી નોટોનો સંગ્રહ છે.