ભાવનગર જિલ્લાનાં છોટે કાશી ગણાતા સિહોરથી માત્ર 15 કિલોમીટર દૂર મઢડા ગામ આવેલું છે. જ્યાં 100 કરતાંયે વધુ વર્ષો પુરાણું ભારત માતાનું મંદિર આવેલું છે. ગામ લોકોનાં જણાવ્યા પ્રમાણે સમગ્ર ભારત દેશમાં એકમાત્ર મઢડા ગામમાંજ ભારત માતાનું મંદિર આવેલું છે. કચ્છી જૈન શિવજીભાઈ દેવશીભાઈએ આ અલૌકિક અને અલભ્ય મંદિરની સ્થાપના કરી હતી. આજે ત્રીજી – ચોથી પેઢી આ મંદિરની જાળવણી અને દેખભાળ કરી રહ્યા છે. અંગ્રેજોનાં કાર્યક્રમ દરમિયાનની રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતું અને દશ દશકાથી વધુ જુનું ભારત માતાનું મંદિર ભાવનગર જ નહિં ગુજરાત રાજ્ય અને ભારત દેશ માટે ગૌરવ સમાન છે. એ સમયગાળામાં વણાટશાળા ચાલતી હતી. અને તેમાં ખાસ કરીને વિધવાઓને વિશેષ સ્થાન અપાતું હતું. વિધવા મહિલાઓ માટે અત્રે 18 જેટલા રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી તેઓ ત્યાંજ રહી શકે. મંદિરની બીજી દિશામાં તે જમાનામાં હજારો પુસ્તકો ધરાવતી લાયબ્રેરી પણ ધમધમતી હતી. ભારતમાતા મંદિરનાં પરિસરમાં ધ્યાનમંદિર પણ બનાવાયું છે. જેનાં ભોંયરાની અંદર સાધકો સાધના કરતાં હતા.
બલુંદ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતાં કચ્છી જૈન શિવજી દેવશીનાં પૌત્ર જીતુભાઈ કચ્છી જૈને જણાવ્યું હતું કે મારા દાદાએ એ સમયે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને ભારત માતાનાં મંદિરની સ્થાપના કરી હતી. તેઓ એક લેખક, કલાકાર, રાષ્ટ્રભક્ત હોવા ઉપરાંત આધ્યાત્મિક અંતરને સ્પષ્ટવક્તા પણ હતા. મઢડા ગામે ગાંધીજીની મુલાકાતો અને સામાજિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી ગ્રામજનોને એક તબક્કે એવું લાગતું હતું કે ગાંધીજી અહીં જ સાબરમતી આશ્રમ જેવો બીજો આશ્રમ બનાવશે. કચ્છી જૈન પરિવાર સાથે પણ ગાંધીજીને ઘનિષ્ઠ નાતો હતો. ભાવનગર સ્ટેટ દ્વારા અમુક વીઘા જમીન 99 વર્ષનાં લીઝ પર આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ અહીં બોબીન ફેક્ટરી શરૂ કરવામાં આવેલ. અમારા વડીલો કહેતા હતા કે 100 વર્ષ પૂર્વે ભારત મંદિરની જાહોજલાલી અદ્દભૂત હતી શિવજી દેવશી એક સંત પુરૂષ હતા અને તેમનાં અનુયાયીયો દેશભરમાં હતા. તેઓ મંગળબાબા તરીકે ઓળખાતા હતા.