ATUL N. CHOTAI

a writer – since 2014


લીમડાના ઝાડ પર લટકતી નાની દેખાતી અને નકામી ગણાતી એવી લીંબોળી હજ્જારોની કમાણી કરાવે છે

limboli

limboli

આપણા આંગણે લીમડાનું વૃક્ષ હોય તો તેના પર લટકેલી લીંબોળી પાકે કે નીચે પડે તેના પર આપણે ક્યારેય ધ્યાન આપતા નથી. પરંતુ લીમડાના વૃક્ષ પર લાગતી લીંબોળી કેટલીય મહિલાઓ માટે આજીવિકાનું સાધન બન્યું છે. વર્ષના બે મહિનામાં લીંબોળીઓ થકી મહિલાઓ લાખો રૂપિયા કમાતી થઈ છે. અને આ લીંબોળીઓ વીણીને તેને ખાતર બનાવતી કંપનીઓને આપવામાં આવે છે. ગુજરાત ના ભરૂચ જિલ્લામાં આ ઉદ્યોગ મોટા પાયે ફાલ્યો છે. લીમડાના વૃક્ષ પર આવતી લીંબોળીઓ ભરૂચ જિલ્લાની કેટલીય મહિલાઓ માટે આજીવિકાનું સાધન બની છે. સામાન્ય રીતે રોડ પર વેસ્ટ જતી લીંબોળીઓ વીણીને મહિલાઓ તેનો ઉપયોગ કરતી થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતર બનાવતી કંપનીઓને આહવાન કર્યું હતું કે હવેથી ખાતરને નીમ કોટેડ બનાવવું. જેનાથી ખાતરના ઉદ્યોગો દ્વારા જે દુરુપયોગ થતો હતો અને ખાતરની અછત ઉભી થતી હતી તે અટકશે. અને નીમ કોટેડ ખાતરથી ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બનશે. ખાતર બનાવતી કંપનીઓએ આ વાતને સ્વીકારી છેલ્લાં બે વર્ષથી સંપૂર્ણ ખાતર નીમ કોટેડ બનાવવાની શરૂઆત કરી છે. ભરૂચ ખાતે આવેલ જી.એન.એફ.સી. કંપની દ્વારા પણ 100 ટકા નીમ કોટેડ ખાતર બનાવવામાં આવે છે. અને તેના માટે વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને લીંબોળીઓ વીણી કેવી રીતે કમાણી કરી શકાય તે માટેની તાલીમ આપવામાં આવે છે. ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે મહિલાઓ એકત્રિત થઈ લીંબોળીઓ વીણી કમાણી કરી રહી છે. કંપની અને મહિલાઓ વચ્ચે કોઈ દલાલ નથી હોતો. મહિલાઓ સીધી કંપનીને જ લીંબોળીઓ વેચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓ સ્વનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે લીંબોળીઓ એ માત્ર કચરો હોય છે. પરંતુ આ કચરામાંથી પણ મહિલાઓ આજીવિકા ઉભી કરી શકે છે અને સારામાં સારું વળતર મેળવી શકે જે આ મહિલાઓ એ સાબિત કરેલ છે


ગુજરાતના એક અનોખા ગામમાં પરિવારોની સંખ્યા કરતા ત્રણ ગણી મોરની સંખ્યા છે

Peacock Village

Peacock Village

મન મોર બની થનગાટ કરે… મેઘાણીની આ પંક્તિ અને ગીત સાંભળીને આપણે અનેકવાર ઝૂમી ઉઠયાં છે પરંતુ કયારેય નજરો સમક્ષ સાગમટે 1500 મોરને થનગનાટ કરતા જોવા મળે તેવી કલ્પના પણ આપણે નહિ કરી હોય.  આવો લહાવો પ્રત્યક્ષ માણવો હોય તો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નજીક આવેલા સેંગપુર ગામ મુલાકાત અવશ્ય લેવી પડે.

આ ગામમાં મોરના ટોળે ટોળાને બારેમાસ થનગનાટ કરતા જોવા મળે છે. ગામમાં માંડ 450 પરીવાર વસવાટ કરે છે પણ અહીં મોરની સંખ્યા 1500 જેટલી છે. એક રીતે જોવા જઇએ તો લગભગ દરેક ઘરદીઠ 3 મોર છે તેમ કહી શકાય. દરેક ફળિયામાં સવારે ઉઠતાં જ પહેલા દર્શન મોરનાં થાય છે.

ગામમાં ડગલે ને પગલે જોવા મળતા મોર માટે ગ્રામજનોએ પણ રાષ્ટ્રીય પક્ષી માટે સુવિધાજનક અને સાનુકૂળ વાતાવરણ અહીં વિકસાવ્યું છે. વહેલી સવારથી અન્ય રોજિંદા કામકાજની સાથે મોરની દેખરેખ કરવાનું પણ ગામ લોકોની જીવનશૈલીમાં વણાઇ ગયું છે. સેંગપુરમાં મોર માટે ગામના લોકોએ ઉભા કરેલા સુમેળભર્યા વાતાવરણ ઉપરાંત કુદરતી રીતે પણ આ પ્રદેશ મોરને માફક આવી ગયો છે. ગામની પાસેથી વહેતી અમરાવતી નદી બારેમાસ ભરેલી રહેતા પાણીની સમસ્યાં પણ મોરને નડતી નથી