ATUL N. CHOTAI

a writer – since 2014


એક સમયે લક્ઝરી અને પછી જરૃરિયાત ગણાતી સાઈકલ આજે સ્વાસ્થ્યનું માધ્યમ બની રહી છે

cycling

cycling

સાઈકલ જે એક સમયે લક્ઝરી હતી જ્યારે પછીના સમયમાં વાહન તરીકે જરૃરિયાત બની હતી અને આજે સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટેના ઉત્તમ માધ્યમ તરીકે ખ્યાતિ ધરાવે છે. પ્રતિ વર્ષ ૧૯ એપ્રિલના રોજ સાઈકલ દિવસ ઉજવાય છે. ઈ.સ. ૧૯૪૩ ની ૧૯મી એપ્રિલે હોફમેન નામના વૈજ્ઞાાનિકે પ્રયોગશાળામાં પોતાની જાત પર વાયુનો પ્રયોગ કરતા તેઓ ઘાયલ થયા હતા અને સાઈકલ પર દવાખાને લઈ જવાયા હતા. યુદ્ધના એ કાળખંડમાં અન્ય વાહનો પર પ્રતિબંધ હતો. તેથી હોફમેનની આ સાયકલ સવારીનો દિવસ ત્યારથી સાઈકલ દિવસ તરીકે ઉજવાય છે. ઈ.સ. ૧૯૫૦ પછીના જમાનામાં સાઈકલને વાહન ગણવામાં આવતું હતું. તેને માટે લાયસન્સ ફરજિયાત હતું. લાયસન્સમાં સાઈકલની જાત, ફ્રેમ નંબર, બનાવટ વગેરે દર્શાવવામાં આવતું. સૂર્યાસ્ત પછી સાઈકલ પર લાઈટ રાખવી ફરજિયાત હતી. સાઈકલમાં લાઈટ, બેલ અને બ્રેક અંગેની પોલીસ દ્વારા કડક ચકાસણી કરવામાં આવતી. બે થી વધુ વ્યક્તિ તેના પર સવારી કરી શકતી નહીં. રોડની ડાબી બાજુએ સાઈકલ ચલાવવાનો કાયદો હતો. પોતાની માલિકીની સાઈકલ હોવી એ સ્ટેટસ ગણાતું. એમાં પણ ભાવનગરે તો ભારતભરમાં સાઈકલની એક આગવી ઓળખ ઉભી કરી છે. ઈ.સ.૧૯૫૯માં વિરભદ્ર અખાડાના યુવા રમતવીરો અને નૌજવાન સંઘના કાર્યકરોએ માત્ર ૧૪ કલાકમાં ભાવનગરથી રાજકોટ સુધીની સાઈકલ રેલી યોજી ગુજરાતમાં રેકોર્ડ કાયમ કર્યો હતો તેવી માહિતી છે

ઈ. સ. ૧૯૫૦-૭૦ ના દાયકામાં સાઈકલ પર લાઈટના કાયદાનું કડક અમલીકરણ હતું. લાઈટ વગરની સાઈકલ હોય તો પોલીસ સવારનું નામ લખતી અને બીજા દિવસે કોર્ટમાં દંડ થતો. તેથી સાઈકલ પર ડાયનેમો કે કેરોસીનના ટમટમિયાં રાખવામાં આવતા. ઈ.સ. ૧૯૬૪ માં સાઈકલ પર લાઈટના મુદ્દે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચનારી એક કાનૂની ઘટના બની હતી. ભાવનગર શહેરના ચુસ્ત ગાંધીવાદી વ્યાપારી પોતાની સાઈકલ પર ફાનસ લટકાવી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવી નામ લખ્યું હતું. જે સંદર્ભે બીજા દિવસે આ ગાંધીવાદી વ્યાપારીએ પોતે કોર્ટમાં દલીલ કરતા એવી રજૂઆત કરી હતી કે, નાના ટમટમિયા કરતા ફાનસની લાઈટ મોટી દેખાય છે. સાઈકલના હેન્ડલ પર રાત્રીના અંધારામાં ઝૂલતું ફાનસ જોઈ કોઈપણ જાણે કે સામેથી કોઈક આવી રહ્યું છે. મેં એટલા માટે ફાનસ લટકાવ્યું હતું. તેમની આ દલીલને ગ્રાહ્ય રાખી કોર્ટે ફાનસને સાઈકલ પરની લાઈટનું સ્ટેટસ આપી કોઈપણ પ્રકારના દંડ વસુલ્યા વગર મુક્ત કર્યા હતા. ત્યારબાદ ઘણા વર્ષો સુધી તેઓ સાઈકલના હેન્ડલ પર આ રીતે ફાનસ લટકાવી ફરતા રહ્યા હતા. સમગ્ર ભારતમાં આ કેસની નોંધ લેવાઈ હતી.

ગુજરાતના ભાવનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સાઈકલ યુઝર્સ એસોસીએશન પણ ચાલે છે. આ સંગઠન દ્વારા આ દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવે છે. આ સંગઠન દ્વારા સાઈકલનો કસરતના સાધન તરીકે પ્રચાર કરવામાં આવે છે. ભાવેણાના ૪૫ જેટલા યુવાનો દર રવિવારે સાઈકલ પર પ્રભાતફેરી કરે છે અને શરીર સ્વાસ્થ્ય માટે સાઈકલની ઉપયોગિતાનો પ્રચાર કરે છે. આપણે સહુએ પણ સાયકલ ના ઉપયોગ કરવા બાબતથી જરૂર વિચારવું જોઈએ..

Advertisements


ગુજરાતમાં આજે પણ ૪૨ લાખ જેટલા પરિવારો સાઇકલ ચલાવે છે

Bicycle Running

Bicycle Running

અમદાવાદ : ગતિશિલ ગુજરાતના મેટ્રો શહેરોમાં લક્ઝુરિયસ કારો અને લેટેસ્ટ મોડેલની બાઇકોની સંખ્યા વધી રહી છે. ઝડપી અવરજવર માટે વધુ એવરેજ અને સુવિધા ધરાવતાં ટુ -ફોર વ્હિલરો વધ્યાં છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં સાઇકલનો ઉપયોગ કરનારો વર્ગ આજેય છે. રાજ્યમાં આજે પણ ૪૨ લાખ જેટલા પરિવારો સાઇકલ ધરાવે છે. આજની ઝડપી યુગમાં શહેરોમાં એક થી બીજા સ્થળે જવા માટે કારો – બાઇકોનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે આજે ઘણાં તો સાઇકલ ચલાવવામાં પણ  નાનપ અનુભવી રહ્યાં છે આમ છતાંયે સાઇકલોનો જાણે દબદબો જળવાઇ રહ્યો છે. છેલ્લી વસ્તી ગણતરીના આંકડા આધારે ગુજરાતમાં આજેય ગ્રામ્ય વિસ્તારોમાં ૧૯.૫૯ લાખ અને શહેરી વિસ્તારોમાં ૨૨.૮૧ લાખ પરિવારો સાઇકલનો ઉપયોગ કરે છે. આખાયે ગુજરાતમાં અમદાવાદ એવું શહેર છે કે જયાં ૬.૮૯ લાખ પરિવારો આજેય સાઇકલનો ઉપયોગ કરે છે જયારે ડાંગમાં સૌથી ઓછાં ૬૯૧૪ પરિવારો પાસે સાઇકલ છે. ઝડપી યાતાયાતના યુગમાં આજેય ઘણાં એવાં લોકો છે કે  જેમને પેટ્રોલનો ખર્ચ પોષાતો નથી એટલે જ સાઇકલ તેમના માટે આશિર્વાદરૃપ બની રહી છે. ખાસ કરીને ગામડાંઓમાં તો લોકો સાઇકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. આમ સાઇકલનો ઉપયોગ કરનારો વર્ગ પણ છે. આ કારણોસર જ સાઇકલનો ઉપયોગ યથાવત રહી શક્યો છે  આજે રસ્તાઓ પર લાખો કાર, બાઈક ઠલવાયા છે ત્યારે સાયકલ ચલાવીને જતો વ્યકિત્ત અલગ તરી આવે છે.