ATUL N. CHOTAI

a writer – since 2014


બાળગીત, હાલરડાં અને શૌર્યગીતના રસથાળની જરૂર છે

ગુજરાતી સાહિત્યમાં પ્રતિ વર્ષ સર્જન પ્રક્રિયા ખૂબ જ સારી રીતે થઈ રહી છે. લેખકો અને કવિઓ તેમજ નવલકથા સર્જકો, લઘુવાર્તાના લેખકો નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં પુસ્તકોની સંખ્યા પણ અન્ય ભાષામાં પ્રસિદ્ધ થતાં પુસ્તકોની સમકક્ષ થવા જાય છે. ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અન્ય ભાષાની સમૃદ્ધિ જેટલી જ છે. વાંચનથી વ્યક્તિ ભાષા સમૃદ્ધ બને છે તેનો વૈચારિક વૈભવ ઊંચી કક્ષાએ જાય છે. તેનું ચિંતન પણ વધે છે. તર્ક અને વિચારની કક્ષા ઉર્ધ્વગામી બને છે તેનો લાભ સ્વયંને મળે છે.

ગુજરાતી ભાષાના લેખકોની સર્જનયાત્રા એ વ્યક્તિગત આત્મસંતોષ માટે છે તેમ સ્વીકારીએ તો તે વખતે તેમની મહેનત, લગન અને સમર્પણની પણ પ્રશંસા કરવી રહી.. કળા, સાહિત્ય અને સંગીતથી સમાજની ઓળખ પ્રસ્થાપિત થાય છે. ગુજરાતી સમાજમાં વાંચનની ટેવ વિકસે, વાંચનનું સ્તર ઊંચું આવે અને ગુણવત્તા વધે તે માટે યુવાન પેઢીએ વધુ વાંચન માટે પ્રયત્ન કરવો જોઈએ.

આવી બાબતમાં માતા પિતા દ્વારા સંન્નિષ્ઠ પ્રયાસ થાય તેમ ગોઠવણ થવી જોઈએ. ૧૦-૧૨ કે ૧૪-૧૫ વર્ષ સુધીના વિદ્યાર્થી, બાલિકામાં વાંચન વધે તે માટે માતા પિતાએ સપ્તાહમાં એક કલાક પ્રયાસ કરવા રહ્યા. આખા સપ્તાહ દરમ્યાન બાળકે ઈતર વાંચન (અભ્યાસ સિવાય) કેટલું કર્યું..?? તેમાં તેને શું પસંદ પડયું..?? અને તેની રૂચિ કયા પ્રકારના વાંચનમાં છે..?? તે બાબતે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નાના બાળકોને સંગીતમય કાવ્ય અને કંડિકા, જોડકણામાં રસ પડે છે. આવું સાહિત્ય બાળક સમક્ષ રજૂ કરવું જોઈએ. ગુજરાતી ભાષામાં બાળગીતોનો રસથાળ એ વિષય પર બાળગીતોનું અન્ય કવિઓનું સંકલન મનસુખલાલ ઉપાધ્યાય (પ્રવીણ) દ્વારા થયું છે. તેમાં જૂની પેઢીના કવિઓના યાદગાર કાવ્યો રજૂ થયા છે. આપણે ત્યાં બાળગીતો હમણાં હમણાં બહુ ઓછા થયા છે. અલબત્ત ઘણા શિક્ષકોએ બાળગીતોની રચના કરીને પ્રસિદ્ધ કરી છે પરંતુ કોઈ કારણથી તે લોકભોગ્ય બન્યા નથી. જૂની પેઢીમાં ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ દ્વારા રચિત બાળગીતો સૌરાષ્ટ્ર સરકારની ભારતી વાંચનમાળામાં ભણવામાં આવ્યા હતા.

કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ચુસ્ત ગાંધીવાદી હતા અને તેઓ રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળની સ્કૂલમાં આચાર્ય હતા. તેમણે શિક્ષાપત્રી પર સુંદર વિશ્ર્વલેષણ પણ લખ્યું હતું. તેમણે ઘણા બાળગીતો લખ્યા છે. જે બધા જ લોકપ્રિય બન્યા હતા અને આજે પણ ગણગણવા ગમે તેટલી તાજગી તેમાં છે. મેં એક બિલાડી પાળી છે, તું દોડ તને દાવ મઝાની ખિસ્કોલી આજે પણ ઘણાને યાદ છે. ખારા ખારા ઉસ જેવા આછા આછા તેલ જેવા પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમછેલમ મહાસાગર પરનું કાવ્ય તાલબદ્ધ ગાવું ગમે છે. બાળકોને પ્રકૃતિ અને પશુ પંખી પરના કાવ્ય બહુ પસંદ પડે છે. આવા તો અનેક કાવ્યો છે જે માતા પિતા ગાઈ બતાવે તો ગુજરાતી ભાષાનો વૈભવ દીપી ઊઠશે અને બાળકોને ભાષા પ્રતિ રૂચિ થશે. તેવી જ રીતે નાના બાળકોને હાલરડાં બહુ ગમે છે. માતા પોતાના બાળકને પારણામાં સૂવરાવતી વખતે જે મધુર ભાવથી ગીત ગાય છે તે હાલરડું છે તેમાં લય અને તાલ સાથે પવનનું મિશ્રણ થાય છે અને માતા જે શબ્દો બોલે છે તેમાં માતૃત્વનો ભાવ ભળે છે. આથી બાળકના મગજમાં સુરક્ષાનો ભાવ આવે છે જેથી તેને ઊંઘ આવે છે.  હાલરડું એ માત્ર ભારતીય સંસ્કૃતિની જ વિશિષ્ટતા છે. આટલી સુંદર બાબતો આપણા સાહિત્ય  બાળગીતોમાં છે. હાલરડા અંગે ડૉ. પ્રભાશંકર રામશંકર તેરૈયા (નિવૃત્ત હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગુજરાતી ભાષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) દ્વારા વિશ્ર્લેષણ કરીને અભિપ્રાય આપવામાં આવ્યો છે. તેમણે ડૉ. હરિવલ્લભ ભાયાણી પાસે પીએચ.ડી. કર્યું છે.

આંગણવાડી,  બાલમંદિર અને સમાજના મેળાવડામાં જો બાળગીતોને પ્રોત્સાહિત કરવામાં આવે તો ભાષાનું માધુર્ય જળવાઈ રહેશે અને દરેક વયની વ્યક્તિને તેમાંથી આનંદ મળશે. ભાષા એ માહિતી સંચારનું માધ્યમ છે તેની સાથે થયેલા કાર્ય કે સંદેશાની પૂર્તિ કરવાનું સાધન પણ છે. બાળગીતો – હાલરડાં જેટલું જ મહત્વ શૌર્ય ગીતો એટલે કે દેશભક્તિના ગીતોનું છે. આજે ઝાકઝમાળની આ દુનિયામાં આ બધી બાબતો સાવ ઝાંખી પડી ગઈ છે. બાળકોમાં દેશદાઝની ભાવના કેળવાય તો લાંબાગાળે સમગ્ર દેશને ફાયદો થાય તે વાતને ભૂલવા જેવી નથી. પ્રત્યેક શબ્દ બ્રહ્મ છે અને પ્રત્યેક શબ્દની પોતાની સંસ્કૃતિ છે આથી તો તેની અસર છે અને તેના મનોવૈજ્ઞાનિક પ્રત્યાઘાત છે. ભાષા અને સાહિત્યનું મહત્ત્વ વિજ્ઞાન, ગણિત અને અન્ય વિષય જેટલું જ છે. દરેક વ્યક્તિ તેને સમજે અને સ્વીકારે તે સમયની માગ છે.. (courtesy : mumbai samachar)